હું તને રોકતો નથી માત્ર ચેતવું જ છું! : ચિંતનની પળે – કૃષ્ણકાંત ઉનડકટ

હું તને રોકતો નથી
માત્ર ચેતવું જ છું!

ચિંતનની પળે – કૃષ્ણકાંત ઉનડકટ


તું પ્રેમ તારો ત્યાંથી જરાપણ હટાવમાં!
એ બેવફાની વાતો વફામાં તું લાવમાં!
લાયક જગા પર જઇને રડવાનું રાખજે,
આ દિલના દર્દને તું ગમે ત્યાં વહાલમાં!
-કાયમ હઝારી


કોણ દોસ્ત અને કોણ દુશ્મન, કોણ સાચું અને કોણ ખોટું, કોનું માનવું અને કોનું એક કાને સાંભળીને બીજા કાને કાઢી નાખવું, એની સમજ જિંદગીને સારી રીતે જીવવા માટે જરૂરી છે. જિંદગીના પાઠ એવા છે જે કોઇ શાળા, કૉલેજ કે યુનિવર્સિટીમાં ભણાવાતા નથી. જિંદગીના ખરા પાઠ તો જિંદગી જ શીખવે છે. ઠોકર લાગે ત્યારે સમજાય છે કે, આપણે જેને પારસ સમજતા હતા એ તો કાળમીંઢ પથ્થર છે. ક્યારેક જેને કઠોર સમજતા હોય એ પણ સાવ કોમળ નીકળતા હોય છે. જિંદગી જેમ જેમ સમજાતી જાય એમ એમ જિંદગી પ્રત્યેના મોહમાં પણ ફેર પડતો જાય છે. સારો અનુભવ થાય ત્યારે જિંદગી આહ્લાદક લાગે છે. સાવ નજીકની વ્યક્તિ જ્યારે પોતાના નાનકડા સ્વાર્થ ખાતર છેહ આપે ત્યારે એવું પણ થાય કે કંઈ જ નથી. બધું દેખાવનું છે. આપણી જિંદગીમાં બધા જ લોકો પોતાનાં કામ કઢાવવા, સ્વાર્થ સાધવા અને ઉદ્દેશો પૂરા કરવા માટે જ આવે છે. ક્યારેક કોઈ સારું લગાડે ત્યારે પણ શંકા જાય છે કે, આ કેમ આટલો વહાલો થાય છે કે વહાલી થાય છે? એનો ઇરાદો શું હશે? સાચો સંબંધ એ છે જેમાં ઇરાદા પર કોઇ શંકા જ ન હોય. એ મારા મોઢે ખોટું બોલે જ નહીં, એ મારી સાથે ખોટું કરે જ નહીં, એ મારું બૂરું ઇચ્છે જ નહીં. એવો ભરોસો જ સંબંધની સાર્થકતા છે. જોકે, આવા સંબંધો કાઢવા ક્યાંથી? તમારી પાસે એવો એકેય સંબંધ છે જેના વિશે તમે છાતી ઠોકીને કહી શકો કે, એની સાથેના રિલેશન્સ બિલકુલ ટ્રાન્સપરન્ટ છે. એવા પારદર્શક સંબંધ જેમાં કંઈ જ છૂપું ન હોય, કંઇ જ ખાનગી ન હોય? જો એવા સંબંધ હોય તો માનજો કે, તમારી પાસે એવી દુર્લભ વસ્તુ છે જે બહુ ઓછા લોકોનાં નસીબમાં હોય છે. હવે તો માણસ પોતાની સૌથી વધુ નજીક હોય એના વિશે પણ વિચારવા લાગ્યો છે કે, આ ભરોસાપાત્ર તો છેને? આ મને વફાદાર તો છેને? આના પર ભરોસો કરીને મેં કોઇ ભૂલ તો નથી કરીને?
આપણને કોઇક કંઇ કહે કે કોઇક કંઇ પૂછે ત્યારે પણ આપણા મનમાં એવો સવાલ ઊઠે છે કે એણે આવું કેમ પૂછ્યું? કોઇ નિર્દોષભાવે કંઈ વાત કરે તો પણ મનમાં ઉથલપાથલ મચે છે કે એની કોઇ ગણતરી તો નહીં હોયને? એક માણસ સંત પાસે ગયો. તેણે સંતને પૂછ્યું કે, આજના આધુનિક સમયમાં સૌથી મોટું સંકટ કયું છે? સંતે કહ્યું કે, માણસ ધીમેધીમે નિર્દોષતા ગુમાવતો જાય છે. બાળકો પણ હવે પહેલાં કરતાં ઓછાં માસૂમ લાગે છે. લોકો બહુબધી ગણતરીઓ કરવા લાગ્યા છે. ગણતરી ચાલતી મનમાં હોય છે પણ તેની અસર આપણા ચહેરા પર વર્તાતી હોય છે. બાળકો જે જુએ એ શીખે છે. પોતાની આસપાસના લોકોને ખટપટ અને કાવાદાવા કરતા જોઇને એ બાળકો પણ મોટાં જેવા થવા લાગ્યાં છે. એક સમય હતો જ્યારે બાળકોની હાજરીમાં કોઇ વાદ, વિવાદ, ઝઘડા કે ગંભીર વાત પણ કરવામાં ન આવતી. હવે લોકો એની કોઇ કેર જ કરતા નથી. ઉલટું એવું કહેવા લાગ્યા છે કે, બાળકોને પણ રિયાલિટીનું ભાન હોવું જોઇએ! આવું વિચારનારાને સવાલ કરવાનું મન થાય કે, તમે જે કરી રહ્યા છો એનું તમને જરાયે ભાન છે ખરું?
માણસમાં અત્યારે શંકા અને અવિશ્વાસ એ હદે ઘૂસી ગયાં છે કે, કોઇ ભલું ઇચ્છતું હોય તો પણ એવું લાગે કે આ મારી સાથે રમત રમે છે. દરેકને તમામ વાતની સ્પષ્ટતા જોઇએ છે. આઝાદી, સ્વતંત્રતા, મુક્તિ એક વાત છે પણ એને આગળ ધરીને પોતાનું ધાર્યું જ કરવું એ બીજી વાત છે. કોઇ કંઇ કહે ત્યારે એ પણ વિચારવું જોઇએ કે, એવું કહેવા પાછળ ખરેખર એની દાનત શું છે? મુંબઇના એક કપલની આ સાવ સાચી વાત છે. એ છોકરા અને છોકરીની સગાઇ થઈ એન્ગેજમેન્ટ એરેન્જ હતી. બંને હાઈફાઈ ફેમિલીમાંથી આવતાં હતાં. બંને પહેલી વખત મળ્યાં ત્યારે છોકરીએ પોતાના વિશે બધી સાચી વાત કરી. છોકરીએ કહ્યું કે, હું ડ્રિંક કરું છું. છોકરાએ કહ્યું કે, ઇટ્સ ઓકે, હું પણ ડ્રિંક કરું છે. બંનેને બધું યોગ્ય લાગ્યું એ પછી સગાઇ થઇ. સગાઇ પછી બંને એક હિલ સ્ટેશન પર ફરવા ગયાં. ફાઇવ સ્ટાર હોટેલમાં બંને રોકાયાં હતાં. રાતે બંને ડ્રિંક કરવા બેઠાં. છોકરી પીવામાં ફાસ્ટ હતી. છોકરો પણ પીતો હતો. છોકરી વધારે પડતું પીતી હતી. એક તબક્કે છોકરાથી રહેવાયું નહીં. તેણે કહ્યું, હવે ન પીવે તો સારું. છોકરી તરત જ ગુસ્સે થઇ ગઇ અને ઊંચા અવાજમાં સીધું એવું જ કહેવા લાગી કે, બ્રેક અપ, બ્રેક અપ! મારે તારી સાથે નથી રહેવું. તું મને અત્યારથી ના પાડે છે. મેં તને કહ્યું હતું કે, હું ડ્રિંક કરું છું. મેં કંઈ છુપાવ્યું નથી. છોકરાએ શાંતિથી કહ્યું કે, હું તને રોકતો નથી, તને ના નથી પાડતો પણ તને ચેતવું છે કે તું ઓવર જઇ રહી છે. મારી વાતને રાઇટ સ્પિરીટમાં લે. એક સાથી અને ભવિષ્યના લાઇફ પાર્ટનર તરીકે મારી ફરજ છે કે, તને યોગ્ય હોય એ વાત કહું. છોકરી ન માની. બીજા દિવસે સવારે પોતાના ઘરે જતી રહી. છોકરીએ તેની ફ્રેન્ડને વાત કરી કે, આવું થોડું ચાલે. હજુ સગાઇ થઇ છે ત્યાં આવું કરે છે તો મેરેજ પછી કોણ જાણે શુંયે મનાઈ ફરમાવશે? તેની ફ્રેન્ડે કહ્યું કે, હું તારી દોસ્ત છું પણ એટલું કહીશ કે આ મુદ્દે તું સાચી નથી. એને તારી ચિંતા થઇ એટલે તને વધુ ડ્રિંક ન કરવા કહ્યું. આપણે ખોટું કરતા હોઇએ ત્યારે આપણી વ્યક્તિ આપણને રોકે એમાં ખોટું શું છે? પોતાની વ્યક્તિને એને સાચું લાગે એ કહેવાનો અધિકાર હોય કે નહીં? સ્વતંત્રતા અને સ્વચ્છંદતાનો ભેદ સમજવો જોઇએ. આપણે ઘણી વખત આપણી ફરતે કેટલીક બાઉન્ડ્રી દોરી લઇએ છીએ. એમ ઇચ્છીએ છીએ કે, એમાં કોઇ પ્રવેશવું ન જોઇએ. આ વાત સાચી કે સારી નથી. પોતાની વ્યક્તિ માટે કોઇ બાઉન્ડ્રી, કોઇ મર્યાદા, કોઇ સીમા કે કોઇ બોર્ડર હોવી ન જોઇએ. બે ઘડી વિચાર કર કે, એ બેફામ થઇને ગમે તેવું વર્તન કરત તો તને પસંદ આવ્યું હોત ખરું? તમે બીજા પાસેથી જે આશાઓ રાખતા હોવ ત્યારે એ પણ યાદ રાખવું જોઇએ કે, એને પણ અપેક્ષાઓ હોવાની જ છે. દરેક અપેક્ષા અયોગ્ય કે ગેરવાજબી હોતી નથી.
એક છોકરી હતી. તેની મા થોડીક સ્ટ્રીક્ટ હતી. છોકરી બોલ્ડ ડ્રેસ પહેરે તો પણ મા દીકરીને તતડાવી નાખે. એક વખત દીકરીની ફ્રેન્ડની હાજરીમાં મા ગુસ્સે થઇ ગઇ અને કડવાં વેણ બોલી. મા ગઇ પછી એની ફ્રેન્ડે પૂછ્યું, તને આટલી ખરાબ રીતે બોલ્યા તો તને ખરાબ ન લાગ્યું? દીકરીએ કહ્યું, ગમે તો નહીં પણ મને એક વાતની ખબર છે કે, એ મારી મા છે. એ કોઇ દિવસ મારું બૂરું ન ઇચ્છે. મા છે, એ તો બોલે. એની જગ્યાએ એ ખોટી નથી. હા, મા સારી રીતે કહી શકતી હોત પણ તમે તમારી મધરને કે ફાધરને બદલી શકતા નથી. એનાં વેણ આકરાં છે પણ એની દાનત ખરાબ નથી. હોય જ ન શકે. હું જો એને યોગ્ય અર્થમાં ન લઉં તો એમાં વાંક એનો નથી, મારો છે. હું ઘણી વખત એમના ખાતર મન મારીને પણ અમુક વસ્તુ નથી કરતી, કારણ કે હું એમને પ્રેમ કરું છું અને મને પણ ખબર છે કે એના માટે મારાથી વિશેષ કંઇ નથી. આપણને ખબર હોય છે કે, આપણા માટે વિશેષ કોણ છે? દરેક વાતને અયોગ્ય અર્થમાં લેવી એ પણ ભૂલ જ હોય છે. મને કોઇ કહેવું ન જોઈએ, મને ઠીક લાગે એમ જ હું કરું, મને કહેવાવાળા તમે કોણ? આવી વાત કરતી વખતે એટલો વિચાર કરવો જોઇએ કે, એ પોતાના છે એટલે જ કહે છે. પોતાના અને પારકાનો ભેદ સમજવો પડે છે. પોતાના ક્યારેક આપણને ન ગમે એવું કરતા હોય છે કે કરી બેસતા હોય છે, આવા સમયે પણ એ યાદ રાખવાનું હોય છે કે, આખરે એ મારા છે, પોતાના હોય એ પોતાના જ રહે છે!
છેલ્લો સીન :
જિંદગીમાં સાવ સાચા લોકો ન મળે તો થોડાક ઓછા સાચાથી ચલાવી લો પણ સાવ ખોટાથી તો દૂર રહેવામાં જ મજા છે! -કેયુ.
(`સંદેશ’, સંસ્કાર પૂર્તિ, તા. 13 નવેમ્બર, ૨૦૨૨, રવિવાર, `ચિંતનની પળે’ કૉલમ)
Kkantu@gmail.com

Krishnkant Unadkat

Krishnkant Unadkat

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *