સાંત્વના, સહાનુભૂતિનો અભાવ
લોકોને ખૂબ ગૂંગળાવી રહ્યો છે

દૂરબીન : કૃષ્ણકાંત ઉનડકટ
——–
વર્ચ્યુઅલ વર્લ્ડમાં અટવાઈ ગયેલા લોકો સાંત્વના આપવાની
આવડત પણ ગુમાવી રહ્યા છે. કોઈ પીડા કે વેદનામાં હોય
ત્યારે તેની સાથે વાત કરવામાં કેવા શબ્દો વાપરવા એની પણ લોકોને ખબર નથી હોતી.
મેસેજમાં ઇમોજી મૂકીને ચલાવી લે છે!
———–
હમણાંની એક સાવ સાચી વાત છે. એક ભાઇ પોતાના અંગત કારણોસર ડિસ્ટર્બ હતા. તેમણે કહ્યું કે, મને મારા પોતાના પ્રોબ્લેમનું ટેન્શન તો છે જ, પણ એનાથીયે વધુ પેઇન એ વાતનું છે કે, હું ડિસ્ટર્બ છું એ મારા નજીકના કોઇ લોકોને ખબર નથી! રોજ મારી સાથે રહે છે એને પણ મારા ચહેરાની ઉદાસી દેખાતી નથી. એના કારણે ક્યારેક એવો વિચાર આવી જાય છે કે, શું મારી વેદનાથી કોઇને કશો જ ફેર પડતો નથી? બધા પોતપોતાની દુનિયામાં મસ્ત છે. ક્યારેક કોઇને કહેવાનું મન થઇ આવે છે. જોકે, પછી એવો વિચાર આવે છે કે, રહેવા દેને, કોઇને કંઇ કહેવાનો મતલબ નથી. આ મારું પેઇન છે, મારે જ સહન કરવાનું છે. આ તો એક ઘટના છે, આવા કિસ્સાઓ સતત વધી રહ્યા છે. એક સમય હતો જ્યારે માણસનો ટોન પણ જરાકેય બદલાતો તો પોતાની નજીકની વ્યક્તિ પૂછતી કે, કેમ મજામાં ન હોય એવું લાગે છે? કંઇ હોય તો કહી દેજે, જરાયે મૂંઝાતો નહીં. હું બેઠો છું. આજે એવું કહેવાવાળા લોકો કેટલા છે એ સૌથી મોટો સવાલ છે. માનો કે કોઇને ખબર પડે કે, મારી નજીકની આ વ્યક્તિ અત્યારે ખરાબ સમયમાંથી પસાર થઇ રહી છે, તો પણ તેને સાંત્વના પાઠવતા કે સહાનુભૂતિ વ્યક્ત કરતા આવડતી નથી. સોશિયલ મીડિયા પર તો કંઇ હોય તો માણસ ફટ દઇને રડતું ઇમોજી મૂકી દે છે, પણ જ્યારે સામે અને સાથે હોય ત્યારે વાત શું કરવી એની સમજ એને પડતી નથી. લોકોને પોતાની સંવેદના વ્યક્ત કરવા માટે શબ્દો મળતા નથી. કોઇનું અવસાન થાય ત્યારે તેના સ્વજનને સધિયારો કેવી રીતે આપવો એની પણ એને સમજ હોતી નથી. પોતાના સ્વજનો દુ:ખી કે મુશ્કેલીમાં હોય ત્યારે તેને હળવા કરતા આવડવું એ એક કલા છે. હવે એ કલા ધીમે ધીમે લુપ્ત થતી જાય છે.
માણસ એકલો હોય અને એકલતા અનુભવે એ બહુ જ સ્વાભાવિક છે. હવે માણસ બધાની વચ્ચે એકલતા અનુભવવા લાગ્યો છે. ઘરમાં બધા હાજર હોય તો પણ બધા પોતપોતાનામાં હોય છે. દરેક વ્યક્તિ પોતાનામાં જ એટલો અટવાયેલો હોય છે કે એને બીજા માટે સમય જ નથી. સંબંધમાં જે વેવલેન્થ હોવી જોઇએ એ વર્તાતી નથી. દરેક સંબંધમાં એવું લાગે છે કે, કંઇક મિસિંગ છે. દાંપત્યજીવનમાં પણ સતત એવી ફીલિંગ થાય છે કે, કંઇક ખૂટે છે. સંવાદ નથી, સ્પર્શ નથી, સાંત્વના નથી એના કારણે સાથે હોઇએ તો પણ સહવાસ વર્તાતો નથી. એક્સપર્ટ્સ એવું કહે છે કે, જો આવું જ ચાલ્યું તો ભવિષ્યમાં લોકોએ સંવાદ શીખવા માટે ટ્યૂશન્સ લેવા પડશે. કયા પ્રસંગે શું વાત કરવી એ શીખવું પડશે. લોકો કોઇ પ્રસંગે ભેગા થાય છે ત્યારે પણ તેમની પાસે વાતો કરવાના વિષયો હોતા નથી. લોકો હવે ગપ્પા મારવાનું પણ ભૂલી રહ્યા છે. કંઇ વાત કરતા પહેલાં લોકો વિચારે છે કે, આવી વાત કરવાની કોઇ જરૂર છે ખરી? લોકો એ ભૂલી રહ્યા છે કે, દરેક વાત કામની જ હોય એ જરૂરી નથી. પોતાના લોકો સાથે કામ વગરની વાતો પણ થવી જોઇએ. મજાક મશ્કરી કરવાનું પણ લોકો ભૂલી રહ્યા છે. સેન્સ ઓફ હ્યુમર ધીમે ધીમે ઓછી થતી જાય છે. લોકોએ જોક કહીને કામ ચલાવવું પડે છે. એમાંયે એવા જોક જે બધાને ખબર હોય છે. અગાઉના સમયમાં લોકો વાતો કરતા ત્યારે ક્વોટ ટાંકતા, કહેવતો કહેતા, કેટલાક લોકો તો કવિતા કે ગઝલની પંક્તિઓ ટાંકીને વાતમાં વજન અને વજૂદ લાવતા હતા. હવેની વાતો સાવ સુક્કી અને ફિક્કી થઇ ગઇ છે. એવા લોકો જ ઘટી રહ્યા છે જેની સાથે વાત કરવાની અથવા તો જેની વાત સાંભળવાની મજા આવે. તમારી નજીક એવા કેટલા લોકો છે જેના વિશે તમે કહી શકો કે એની સાથે વાત કરવાની મજા આવે છે. એવું થાય કે, એની વાતો સાંભળતા જ રહીએ. વાતોમાં ડેપ્થ ઘટી રહી છે અને છીછરાપણું વધી રહ્યું છે એ આજના સમયની સૌથી મોટી કરુણતા છે. સંવાદનો અભાવ સંબંધને લૂણો લગાડે છે. લોકો એકલા રહેવા લાગ્યા છે. તેને તમે જરાયે વતાવો તો પણ છંછેડાઇ જાય છે. તમારી સાથે પણ એવો બનાવ બન્યો હશે કે, કોઇ મોબાઇલ લઇને રીલ્સ જોતું હોય અને તમે એને બોલાવો તો એને ન ગમે. એ જાણે કોઇ મહાન કામ કરતા હોય એમ પોતાનામાં જ મસ્ત અને વ્યસ્ત હોય છે. ધીમે ધીમે માણસ એકબીજાને વતાવવાનું જ બંધ કરી રહ્યો છે. મનમાં તો એવું કહેવાનું થાય છે કે, મૂકને હવે, શું મોબાઇલ સાથે ચોંટેલો કે ચોંટેલી રહે છે? લોકો ઝઘડો, માથાકૂટ કે વિવાદ ટાળવા માટે ચૂપ રહેવા લાગ્યા છે. કરવા દે એને જે કરવું હોય એ, કંઇક કહીશ તો એનું છટકશે. લોકો જલદી હતાશ થઇ જાય છે એનું સૌથી મોટું કારણ એ છે કે, એ કોઇને કંઇ કહી શકતા નથી. કોઇ સાંભળવા તૈયાર તો હોવું જોઇએને?
હમણાં થયેલા એક અભ્યાસમાં એવું કહેવાયું છે કે, સાંત્વના પાઠવતા ન આવડતું હોય તો શીખો. સંબંધને સજીવન અને સક્ષમ રાખવા માટે એ ખૂબ જ જરૂરી છે. લોકો સૌથી મોટી ભૂલ એ કરે છે કે, સાંત્વના આપવાની હોય એની બદલે સલાહ આપવા માંડે છે. તારે આમ કરવાની જરૂર નહોતી, તારે આવું કરવું જોઇતું હતું. હજુ તું આવું કરી શકે છે. એક તો સામેની વ્યક્તિ ઓલરેડી મૂંઝાયેલી હોય અને આપણે તેને હળવા બનાવવાના બદલે ભારે બનાવી દઇએ છીએ. આ મુદ્દે અમેરિકન થેરાપિસ્ટ જૈમ ફ્લેશર કહે છે કે, સાચા અને સારા શબ્દો ન મળે તો મૌન રહો, તમારી હાજરી જ એને સધિયારો આપશે. ગભરાયેલી અને મૂંઝાયેલી વ્યક્તિને સલાહ કે તર્ક નહીં અેને માત્ર ને માત્ર સાંત્વના જોઇતી હોય છે. અમુક સમયે તો કંઇ બોલવાની પણ જરૂર હોતી નથી. ફક્ત આપણે તેને મળીને હગ કરીને વાસા પર હાથ ફેરવીએ તો પણ પૂરતું છે. કોઇને રડવા માટેનો મોકો આપવો એ પણ માણસને હળવા કરવાનું મોટું સાધન છે. રડતા હોય એને રોકો નહીં, રડી લેવા દો, એનું રડવાનું પૂરું થાય એ પછી એટલું જ કહો કે, જસ્ટ રિલેક્સ, બધું સારું થઇ જશે. એને ભરોસો આપો કે, હું તારી સાથે છું. મૂંઝાવાની કંઇ જરૂર નથી. બહુ લાંબી લાંબી કે બીજાનાં ઉદાહરણો આપીને વાતો કરવાની ખાસ કંઇ જરૂર હોતી નથી. સાચા સંગાથથી શબ્દો વગર પણ સાંત્વના મળી જતી હોય છે.
કોઇ માણસ અપસેટ હોય ત્યારે એની મુશ્કેલીને જરાયે ઓછી ન આંકો. આપણને નાની વાત લાગતી હોય એ તેને મોટી અને ભયાનક લાગતી હોઈ શકે છે. ઘણી વખત આપણે કોઇની વાત સાંભળીને એવું પણ કહી દેતા હોઇએ છીએ કે, શું હાલી નીકળ્યો છે? ભાન બાન જેવું કંઇ છે કે નહીં? આવી મૂર્ખાઇ કરતા પહેલાં વિચાર નહોતો આવ્યો? આવી વાત સામેની વ્યક્તિને વધુ ટેન્શન આપે છે. જે થવાનું હતું એ થઇ ગયું હોય છે. એ ઇરાદાપૂર્વક થયું હોય કે અજાણતા થયું હોય, જે થઇ ગયું છે એની વાર્તા પૂરી થઇ ગઇ છે. હવે તો એ જ વાત બાકી રહી હોય છે કે, એમાંથી નીકળવું કઇ રીતે? ઇટ્સ ઓકે, ચાલ્યા રાખે, થઇ ગયું, ટેન્શન લેવાનો કોઇ અર્થ નથી. ચાલ, સાથે બેસીને રસ્તો શોધીએ. આપણે ત્યાં લોકોથી કંઇ ભૂલ થાય ત્યારે એને સૌથી મોટું ટેન્શન ઠપકો મળશે કે પોતાના લોકો ગુસ્સે થશે એ જ હોય છે. લોકો પોતાના દિલની વાત કરતા પણ ડરે છે. આપણી વ્યક્તિ જો આપણને સાચી વાત કરતા મૂંઝાતી હોય તો સમજવું કે, આપણા સંબંધ અને સંવાદમાં કંઇક ખૂટે છે. આપણે જેને પ્રેમ કરતા હોઇએ, જેના પ્રત્યે આપણને લાગણી હોય તેનું ધ્યાન રાખવામાં આપણે જરાયે ઓછા તો નથી ઊતરતાને એ દરેક માણસે વિચારતા રહેવાની જરૂર છે. આપણી વ્યક્તિને એવો અહેસાસ થવો જોઇએ કે, કંઇ પણ થશે તો પણ આ વ્યક્તિ તો મારી સાથે જ હશે!
—————-
પેશ-એ-ખિદમત
હુઆ કરે અગર ઉસકો કોઇ ગિલા હોગા,
જબાં ખુલી હૈ તો ફિર કુછ તો ફૈસલા હોગા,
કભી કભી તો યે દિલ મેં સવાલ ઉઠતા હૈ,
કિ ઇસ જુદાઇ મેં ક્યા ઉસને પા લિયા હોગા.
– અનાવર અંજુમ
(`સંદેશ’, અર્ધસાપ્તાહિક પૂર્તિ, તા. 24 સપ્ટેમ્બર 2025, બુધવાર, `દૂરબીન’ કૉલમ)
kkantu@gmail.com
