મારે હવે એક બ્રેકની ખરેખર બહુ જરૂર છે – ચિંતનની પળે : કૃષ્ણકાંત ઉનડકટ

મારે હવે એક બ્રેકની
ખરેખર બહુ જરૂર છે

ચિંતનની પળે : કૃષ્ણકાંત ઉનડકટ


એવું કૈં કરીએ કે આપણે એકબીજાને ગમીએ!
હાથમાં હાથ આપી સાથે હૈયું પણ સેરવીએ,
દાઝ ચડે એવી કે આપણે એ બહાને પણ મળીએ,
ગોફણમાં ચાંદો ઘાલી હું ફેંકું તારા ફળિયે.
– રમેશ પારેખ



જિંદગી ક્યારેય સખણી નથી રહેવાની. જિંદગીને આપણે સરખી અને સખણી રાખવી પડે છે. ક્યારેક સમજાવીને તો ક્યારેક પટાવીને આપણે જ આપણી જિંદગીને મનાવવી પડે છે. થઇ રહેશે બધું, ખોટી ચિંતા કરવાની જરૂર નથી, બધા સાથે આવું થતું હોય છે, આ સમય પણ વીતી જશે, કોઇ દુ:ખ કાયમી રહેતું નથી, આવી બધી વાતો કરીને આપણે જ આપણા દિલને બહેલાવવું પડે છે. ઘણી વખત માણસે સેલ્ફ મોટિવેટર પણ બનવું પડતું હોય છે. પોતાના જેવું આશ્વાસન અને સાંત્વના બીજું કોઇ ન આપી શકે. જે પોતાને સધિયારો આપી શકતા નથી એને જ બીજાની સાંત્વનાની જરૂર પડતી હોય છે. જિંદગી ડગમગતી હોય ત્યારે પણ એની સામે ટટ્ટાર ઊભા રહેવું પડતું હોય છે. દરેકની જિંદગીમાં એવો સમય આવતો જ હોય છે કે, ક્યાંય ધ્યાન ન પડે. આપણને સમજાય જ નહીં કે, આ બધું શું થઇ રહ્યું છે. જ્યારે જિંદગી આપણી સામે જંગે ચડી હોય ત્યારે તેની સામે થવાને બદલે શાંતિથી સમય પસાર કરવાનો હોય છે. કેટલાક લોકો જિંદગીને શરણે થવાને બદલે જિંદગીની સામે જંગે ચડે છે અને ન કરવાનું કરી બેસે છે. પડકારોનો સામનો કરવો જ પડે છે, પણ એ સામનો સમજણપૂર્વકનો હોવો જોઇએ. માણસની સમજદારી એના પરથી જ છતી થતી હોય છે કે, એ કપરા સંજોગોમાં કેવી રીતે ટકે છે. કેટલાક લોકો તૂટી જાય છે, એનું કારણ એ હોય છે કે એને ટકવાની આવડત અને ફાવટ હોતી નથી. મેચ્યોરિટી એ બીજું કશું જ નથી, પણ દરેક સમયે સ્વસ્થ રહીને જિંદગીને જીવવાની આવડત છે. સારો સમય હોય તો છકી ન જવું અને ખરાબ સમય હોય તો ડરી ન જવું. દરેક સ્થિતિ અને સંજોગો માટે તૈયાર રહેવું. ડરી જવાનો કોઇ મતલબ નથી હોતો, કારણ કે આપણે એનો સામનો કરવો જ પડે છે.
ક્યારેક એવું પણ થવાનું છે જ્યારે આપણને વિચાર આવે કે, આ બધું ક્યારે પતશે? ક્યારે મારો છુટકારો થશે? એ સમયે પણ એક વાત યાદ રાખવાની કે, કશું જ કાયમી નથી. જેમ સુખ કાયમી નથી એમ દુ:ખ પણ કાયમી નથી જ. એ પણ ચાલ્યું જ જવાનું છે. ક્યાંય ધ્યાન ન પડે ત્યારે બ્રેકની સૌથી વધુ જરૂર પડે છે. આપણને એમ થાય કે, થોડુંક ચેન મળે તો સારું. બ્રેક પણ લેવો પડતો હોય છે. એક યુવાનની આ વાત છે. એ મહેનતુ હતો. બધું જ ધ્યાનથી કરતો હતો. એક વખત ઓફિસમાં ક્રાઇસિસ પેદા થઇ. તે હોશિયાર હતો એટલે તેની માથે વધુ જવાબદારી આવી. ઓફિસનું તો ચાલુ જ હતું ત્યાં ઘરે પણ ઇશ્યૂ ઊભા થયા. પિતાને સાયકોલોજિકલ પ્રોબ્લેમ થયો એટલે એ ગમે તેમ વર્તતા હતા. મમ્મીની હેલ્થ પણ સારી રહેતી નહોતી. એ યુવાન આખો દિવસ સતત કોઇ ને કોઇ ટેન્શનમાં જ રહેતો. તેની સાથે જ એક છોકરી કામ કરતી હતી. બંને વચ્ચે સારી દોસ્તી હતી. એક વખત તેણે પોતાની ફ્રેન્ડને કહ્યું કે, મારે ખરેખર એક બ્રેકની જરૂર છે. એક્ઝોસ્ટ થઇ ગયો છું. રાત પડે ત્યારે એટલો થાકી જાઉં છું કે થાકના કારણે ઊંઘ નથી આવતી. તેની ફ્રેન્ડે બધી વાત સાંભળીને કહ્યું કે, તારી વાત બિલકુલ સાચી છે. તું અત્યારે ક્રાઇસિસમાંથી પસાર થઇ રહ્યો છે. તને એક વાત કરું, બહુ મગજ પર ન લે. કામના અને ટેન્શનના જેટલા વિચાર કરીશ એટલો વધારે થાક લાગશે. તારે બ્રેકની જરૂર છે એ વાતમાં એગ્રી છું, પણ તારી સ્થિતિ અત્યારે એવી છે કે તું બ્રેક પણ લઇ શકે એમ નથી. બ્રેક પણ ક્યાં આપણે આપણી મરજીથી લઇ શકતા હોઇએ છીએ? સમય ક્યારેક આપણને રિલેક્સ થવા માટે પણ સમય આપતો નથી. બ્રેક મળવાની રાહ જો અને બને એટલો રિલેક્સ રહે. ક્યારેક આપણે સ્વીકારવું પડતું હોય છે કે, આપણી હાલત અત્યારે ખરાબ છે. એવા સંજોગોમાં બને એટલા હળવા રહેવાનો પ્રયાસ કરવો પડતો હોય છે. કપરા સમયમાં જ વધુ સ્વસ્થ રહેવું પડતું હોય છે. થઇ રહેશે બધું. બીજી એક વાત પણ તને કહું, જિંદગીમાં કંઇક ને કંઇક ચાલતું જ રહેવાનું છે. આપણને એમ થાય કે, હાશ હવે થોડીક શાંતિનો સમય આવ્યો છે ત્યાં જ કંઇક એવું થાય છે કે, આપણે પાછા અટવાઇ જઇએ છીએ.
મજા ઘણી વખત ચોરવી પડતી હોય છે. મજા કરવાનું પ્લાનિંગ કરવા બેસીએ તો ક્યારેક મેળ જ નથી પડતો. એક છોકરીની આ વાત છે. તે કોલેજમાં ભણતી હતી. તેના પર ઘરની જવાબદારી હતી. કોલેજ પૂરી કરીને એ સીધી કામ કરવા ચાલી જતી. કોલેજમાં પણ એ ટેન્શનમાં રહેતી. કોલેજમાં તેનું ગ્રૂપ હતું. ક્યારેક બ્રેકમાં તો ક્યારેક ફ્રી પિરિયડમાં બધા ફ્રેન્ડ્સ મોજમસ્તી કરતા હોય ત્યારે પણ એ છોકરી અપસેટ જ રહેતી. એક વખત કોલેજ વહેલી છૂટી ગઇ. બધા ફ્રેન્ડ્સે કહ્યું, ચલો બહાર નાસ્તો કરવા જઇએ. પેલી છોકરીને પણ કહ્યું. તેણે ના પાડી. મારે નથી આવવું. હું બેઠી છું. તેની ફ્રેન્ડે કહ્યું, મજા કરવાના મોકા મળે છે તો પણ તું નથી કરતી. તારે હાથે કરીને ભારે જ રહેવું છે? એક વાત યાદ રાખ, જિંદગી સરખી રીતે જીવવી હોય તો મજા ચોરવાનું શીખ. ખોટા ભાર રાખવાનો કોઇ અર્થ નથી. તું એવું પણ ન સમજ કે દુનિયામાં તને એકને જ પ્રોબ્લેમ છે. દરેકને કંઇક ને કંઇક પ્રોબ્લેમ હોય જ છે. કોઇને ખબર પણ શું પડે કે આપણે કેવા પ્રોબ્લેમનો સામનો કરીએ છીએ? તું એવું ઇચ્છે છે કે, કોઇ તારી દયા ખાય? કોઇ તને બિચારી કહે? તું જે વિચારતી હોય એ, પણ એક હકીકત એ પણ હોય છે કે, આપણા પ્રોબ્લેમથી કોઇને ખાસ કંઇ ફેર પડતો હોતો નથી. આપણે આપણી રીતે જ મજામાં રહેવાનું હોય છે. રોદણાં રડવાથી નયા ભારનો ફેર પડવાનો નથી.
આપણી આસપાસ જ એવા ઘણા લોકો હોય છે, જેને જોઇને આપણને એમ થાય કે, એવું ક્યું બળ છે જે આને ટકાવી રાખે છે? સખત મહેનત કરતા હોય, અનેક પ્રોબ્લેમનો સામનો કરતા હોય તો પણ એ હળવા હોય અને હસતા હોય. એક બિલ્ડિંગમાં એક માળી હતો. એ ગીતો ગાતો ગાતો ફૂલછોડનું જતન કરતો. એ જ બિલ્ડિંગમાં એક વોચમેન કામ કરતો હતો. વોચમેનને ખબર હતી કે, આ માળી અનેક પ્રોબ્લેમમાં છે. પત્નીની તબિયત સારી નથી રહેતી. માંડ માંડ ઘરનું પૂરું થાય છે. એક દીકરો છે. દીકરા પર આશા હતી, પણ એ આડા રવાડે ચડી ગયો. તેના દોસ્તારો ક્રિમિનલ હતા. એ પણ લૂંટફાટ કરતો હતો. એક-બે વાર તો જેલમાં પણ જઇ આવ્યો હતો. માળીની પત્ની દીકરાની ચિંતામાં જ ખોવાયેલી હતી. એક વખત વોચમેને માળીને પૂછ્યું, આટલી બધી ઉપાધિઓ હોવા છતાં તું ખુશ કેમ રહી શકે છે? માળીએ કહ્યું, ખુશ ન રહું તો શું કોઇ મારી ચિંતાઓ લઇ લેવાનું છે? ઉદાસ કે દુ:ખી રહેવાથી મારી મુશ્કેલીઓ ટળી જવાની છે? મેં જિંદગીમાં અનેક મુશ્કેલીઓ જોઇ છે. મહેનત મજૂરી કરી છે. સરવાળે એક વાત સમજ્યો છું કે, તમે ઘણી વખત કંઇ બદલી શકતા નથી. હા, તમે ધારો તો તમને બદલી શકો છો. મારે ફૂલઝાડનું જતન કરવાનું છે. મારું કામ હું ખુશીથી ન કરું. ખુશ રહેતા મને કોણ રોકવાનું છે? હું તો બધાને ખુશ રાખવાના પ્રયાસ પણ કરું છું. એનું કારણ એ પણ છે કે, મેં ક્યારેય કોઇ ફૂલને ઉદાસ જોયું નથી. ફૂલ કરમાઇ રહ્યું હોય ત્યારે પણ એ પોતાની સુગંધ છોડતું નથી. આ જ જિંદગી છે. તમારે મૂંઝાવાનું કે મૂરઝાવાનું નથી. જિંદગીને સરવાળે આપણે કેવી રીતે લઇએ છીએ તેના પર જ આપણાં ઘણાં બધાં સુખ અને દુ:ખનો આધાર રહેતો હોય છે. જિંદગી સામે હસશો તો એ પણ તમારી સાથે હસશે, જિંદગી સામે વડચકાં ભરશો તો એ પણ તમારી સામે ઘૂરકિયાં જ કાઢવાની છે. આપણે નક્કી કરવાનું હોય છે કે, આપણી જિંદગી આપણે કેવી રીતે જીવવી છે.


છેલ્લો સીન :
એક વાત ગાંઠે બાંધી લેવા જેવી છે. જિંદગીમાં સમસ્યાઓ, પડકારો, મુશ્કેલીઓ અને તકલીફો આવતી જ રહેવાની છે. એનો સામનો કરવાની તૈયારી રાખનાર જ જિંદગીને સમજે છે અને જીવી જાણે છે. -કેયુ
(`સંદેશ’, `સંસ્કાર’ પૂર્તિ, તા. 20 જુલાઇ, 2025, રવિવાર. `ચિંતનની પળે’ કૉલમ)
kkantu@gmail.com

Krishnkant Unadkat

Krishnkant Unadkat

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *