RELATIONSHIP INSURANCE
સંબંધોનો વીમો
ક્યારે પાકે?

દૂરબીન : કૃષ્ણકાંત ઉનડકટ
——–
સંબંધો ટકે તો વીમો પાકે, નહીંતર હરિ હરિ! સંબંધો જે ઝડપે
બંધાય છે એના કરતાં વધુ ઝડપે તૂટી રહ્યા છે. પ્રેમ કરતાં બ્રેકઅપનું
પ્રમાણ વધે ત્યારે આવા ધંધા પૂરેપૂરા ખીલે છે
———–
આજના સમયમાં સૌથી વધુ પ્રશ્નાર્થ ચિહ્નો સંબંધો સામે લાગેલાં છે. સંબંધો વિશે હમણાં ઇન્ટરનેશનલ લેવલે થયેલો એક અભ્યાસ એવું કહે છે કે, દુનિયાના મોટા ભાગના લોકો અત્યારે રિલેશનશિપ ક્રાઇસિસનો સામનો કરી રહ્યા છે. દરેકના સંબંધો દાવ પર લાગેલા છે. પતિ-પત્ની વચ્ચેનું દાંપત્ય ખરડાઇ રહ્યું છે. જોઇને આંખો ઠરે એવાં કપલ દુર્લભ બની રહ્યાં છે. નવી જનરેશનનો પ્રેમ પણ વિચિત્ર થઇ ગયો છે. પ્રેમમાં પડવાની ઉંમર ઘટી છે. એક સમય હતો જ્યારે છોકરા અને છોકરી વચ્ચે દોસ્તી કે પ્રેમ બહુ દૂરની વાત હતી. પ્રેમ નહોતો થતો એવું બિલકુલ નથી, પણ જે કંઇ થતું એ છાના ખૂણે થતું હતું. ઘરે ખબર ન પડે એની કાળજી રાખવી પડતી હતી. હવે બોયફ્રેન્ડ ગર્લફ્રેન્ડ કોમન છે. અલબત્ત, એમાં કશું ખોટું નથી. મા-બાપને પણ ખબર હોય છે કે, દીકરા કે દીકરીના દોસ્ત કોણ છે. મા-બાપને જાણ હોય એ સારી વાત છે. છોકરો કે છોકરી કોની સાથે પ્રેમ છે એની વાત પણ પેરેન્ટ્સને કરી શકે છે. દીકરો કે દીકરી પરણાવવા જેવડાં થાય ત્યારે કેટલાક કિસ્સામાં તો મા-બાપ જ સામેથી પૂછી લે છે કે, કોઇ હોય તો કહી દેજે, કારણ વગર અમારે શોધવાની મહેનત ન કરવી! દીકરી કે દીકરાને ગમ્યું એ ખરું એવું કહીને મા-બાપ મન મનાવી લે છે. મા-બાપને ટેન્શન એ જ વાતનું હોય છે કે, આ બંનેનું સરખું ચાલે તો સારું!
આજના સમયમાં છોકરા-છોકરીઓમાં પ્રેમ જેટલી ઝડપથી થાય છે એના કરતાં પણ વધુ સ્પીડે બ્રેકઅપ થાય છે. વાતે વાતે વાંધા પડે છે અને ફટ દઇને નથી ગમતા કહીને જુદા પડી જાય છે. હવે છોકરી અને છોકરાને પૂછવું પડે છે કે, કેટલાં બ્રેકઅપ થયાં? એમાં પણ એક હકીકત એ તો છે જ કે, ન ફાવે તો સંબંધ કાપી નાખવામાં કંઇ ખોટું નથી. હવેના યંગસ્ટર્સ પહેલાં ટેસ્ટિંગ કરે છે કે, આની સાથે ફાવે એવું છે કે નહીં? એકબીજાના સ્વભાવથી માંડીને આદત અને દાનત બરાબર છે કે નહીં એ પણ ચેક કરવામાં આવે છે. થાય છે એવું કે, પહેલાં પહેલાં તો બધું સારું લાગે છે, પણ સમય જતાં એવું થવા લાગે છે કે, આની સાથે આપણને નહીં જામે. બહુ આસાનાથી બ્રેકઅપ કરી નાખે છે. એ વિશે એવી વાત પણ થાય છે કે, હવે બ્રેકઅપ થાય છે, દિલ નથી તૂટતાં! અગાઉ પ્રેમભંગ થવાના કિસ્સામાં છોકરો દેવદાસ બની જતો અને છોકરીઓ પણ ઉદાસ થઇ જતી હતી. હવે દર્દ નથી થતું એવું નથી, થોડું પેઇન તો થવાનું જ છે, પણ પછી મૂવઓન થઇ જાય છે.
સંબંધોના નામે ઘણા બધા બિઝનેસો ચાલે છે. વેલેન્ટાઇન ડે હોય કે બીજું કંઇ હોય, ચોકલેટથી માંડીને ફૂલોનું બજાર સોળે કળાએ ખીલે છે. આવું બધું તો બધાએ ખૂબ સાંભળ્યું છે, પણ હવે વાત રિલેશનશિપ ઇન્સ્યોરન્સ સુધી પહોંચી ગઇ છે. આપણને સવાલ થાય કે, સંબંધોના તે કંઇ વીમા હોતા હશે? હા, હવે સંબંધોનો વીમો પણ ઊતરે છે. એક સ્ટાર્ટઅપ કંપનીએ રિલેશનશિપ ઇન્સ્યોરન્સ પોલિસી શરૂ કરી છે. વીમાની આ યોજના થોડીક રસપ્રદ છે. છોકરો અને છોકરી એકબીજાને પ્રેમ કરતાં હોય એ લોકો સંબંધોનો વીમો ઉતરાવી શકે છે. કપલે પાંચ વર્ષ સુધી પ્રીમિયમ ભરવાનું રહેશે. સંબંધ જો ટકી ગયો તો વીમો પાકી જશે. આ દરમિયાનમાં જો કપલ મેરેજ કરશે તો પ્રીમિયમની રકમની દસ ગણી રકમ ચૂકવવામાં આવશે. જો સંબંધ પાંચ વર્ષ ન ટક્યો તો જે પ્રીમિયમ ભર્યું હોય તે ગયું. કંઇ જ પાછું નહીં મળે.
આ વીમા યોજનાએ લોકોમાં સારી એવી ચર્ચાઓ જગાવી છે. શું ખરેખર હવે પ્રેમ પાંચ વર્ષ પણ ટકતો નથી? એ વિશે પણ જાતજાતની વાતો થતી રહે છે. કેટલાક મજાકમાં એવું કહે છે કે, કેટલાક છોકરાઓ અને છોકરીઓ તો એવાં હોય છે કે, પાંચ વર્ષમાં પાંચને ફેરવી નાખે! વાહન બદલે એ પહેલાં તો પ્રેમી બદલી જાય છે. હવે ભાગ્યે જ કોઇ પ્રેમીના નામના ટેટૂ કરાવે છે. બ્રેકઅપ થઇ જાય તો પછી સર્જરી કરીને ટેટૂ હટાવવાં પડે છે. જોકે, પ્રેમમાં માનનારા લોકો એવું કહે છે કે, જે ખરેખર પ્રેમ કરે છે એ લોકો એકબીજાને ફુલ્લી કમિટેડ હોય છે. કેટલાક લોકો કારણ વગર અત્યારના યંગસ્ટર્સને બદનામ કરવાના ધંધા કરે છે. બધા છેલબટાઉ નથી હોતા. પોતાને ગમતી વ્યક્તિ માટે કંઇ પણ કરી છૂટવા તૈયાર હોય છે. પ્રેમ કરતા બ્રેકઅપની ચર્ચાઓ વધુ થાય છે એટલે બધાને એવું લાગે છે કે, યંગસ્ટર્સ રિલેશન માટે સિરિયસ નથી. યંગસ્ટર્સ શું સારું અને શું ખરાબ એ સારી રીતે સમજે છે.
રિલેશનશિપ ઇન્સ્યોરન્સ સામે ઘણાએ શંકા પણ વ્યક્ત કરી છે. વીમો લેનાર કંપનીએ પાંચ વર્ષ સુધી તો પ્રીમિયમ પેટે નાણાં મેળવવાનાં જ છે. આ દરમિયાન કંઇ નહીં થાય એની કોઇ ગેરંટી છે ખરી? સોશિયલ મીડિયા પર આ વિશે જાતજાતના મીમ્સ પણ ફરતા થયા છે. રિલેશન ઇન્સ્યોરન્સની ફેવર કરનારા વળી ડાહી ડાહી વાતો કરે છે. તેઓ કહે છે કે, આનાથી સંબંધો ટકશે! આ દલીલને ઘણા વાહિયાત ગણાવે છે. સંબંધો બગડ્યા પછી કોઇ વીમો પાકે એ માટે સંબંધો જાળવી રાખે ખરા?
કેટલાક લોકો વળી એવું પણ કહે છે કે, સંબંધોનો વીમો ઉતારનારે મેરેજનો વીમો પણ ઉતારવાનું શરૂ કરવું જોઇએ. હવેના સમયમાં લગ્નો પણ ક્યાં લાંબા ટકે છે? સંબંધોની કોઇ ગેરંટી હોતી નથી. ડિવોર્સને પણ ઘણા લોકો ખરાબ ગણતા નથી. અગાઉના સમયમાં પડ્યું પાનું નિભાવી લેવાની વૃત્તિ હતી. બને કે ન બને, પ્રેમ હોય કે ન હોય, લગ્ન નભાવી લેવામાં આવતાં હતાં. એક રીતે જોવા જઇએ તો એમાં જીવવા કરતાં રિબાવવાનું વધુ હતું. મનને મારીને જીવવા કરતાં ન ફાવે તો અલગ થઇ જવામાં કંઇ ખોટું નથી. સંબંધો, પ્રેમ અને દાંપત્ય વિશે દરેકના પોતાના વિચાર, મંતવ્યો અને દલીલો હોય છે. રિલેશનશિપ ઇન્સ્યોરન્સને પણ ઘણા ગતકડું જ કહે છે. પ્રેમમાં હોય ત્યારે કંઇ નક્કી નથી હોતું. કેટલાક કિસ્સાઓમાં પ્રેમ સાચો હોય, છોકરો અને છોકરી ખરેખર એકબીજાને પ્રેમ કરતાં હોય તો પણ અમુક કારણોસર મેરેજ કરી શકતાં નથી. મા-બાપે લવ મેરેજ કર્યા હોય તો પણ એ પોતાની દીકરી કે દીકરાને લવ મેરેજ કરવા દેતાં નથી. આપણો સમાજ હજુ એટલો ફોરવર્ડ થયો નથી કે, બધું સ્વીકારી લે. બીજી વાત એ પણ છે કે, પ્રેમ કરનારાં કેટલાં કપલ વીમો લેવાનાં છે? હજુ પણ પ્રેમ ખાનગી રાખવામાં આવે છે. છોકરા અને છોકરી બંનેને એવું લાગે કે, ખરેખર આની સાથે વાંધો નહીં આવે ત્યારે જ એ આગળ વધે છે. રિલેશનશિપ ઇન્સ્યોરન્સની વાત જાહેર કર્યા પછી કોઇ વીમો ઉતરાવવા આવ્યું કે નહીં એ વિશે કોઇ ફોડ પાડવામાં આવ્યો નથી. સ્ટાર્ટઅપની દુનિયામાં નવા વિચારને સ્થાન આપવામાં આવે છે. સંબંધોનો વીમો એ નવો વિચાર બિલકુલ છે, પણ એ ચાલશે કે કેમ એની સામે અનેક પ્રશ્નાર્થો છે. પ્રેમને દાવ પર મૂકવા જેવી આ વાત છે. કેટલાક લોકો એવી આગાહી કરે છે કે, પ્રેમના નામે આવું કંઇ થાય ત્યારે મોટા પાયે તેની ચર્ચાઓ થાય છે અને સમય જતાં બધું ભુલાઇ જાય છે. સંબંધો છેલ્લે તો વ્યક્તિગત હોય છે. પ્રેમ કરવાવાળા કરે જ છે અને રમત કરવાવાળા પણ ઓછા નથી. સંબંધોને જે સિરિયસલી લે છે એ જ સુખી થાય છે, બાકી મોજમજામાં માનનારા સરવાળે પસ્તાતા હોય છે. સંબંધોમાં વફાદારી સૌથી મોખરે છે. સંબંધ ટકાવવા માટે તેનું જતન કરવું પડે છે. તકલાદી સંબંધો લાંબા ટકતા નથી. સંબંધ સાચો હોય તો કોઇ વીમા કે ગેરંટીની જરૂર પડતી નથી.
—————-
પેશ-એ-ખિદમત
તુમને જો ભી સવાલ હમસે કિયે,
વો સવાલ ઇમ્તિહાં કે થે હી નહીં,
ઇતની જલ્દી જો ભર ગયે હૈં જખ્મ,
જિસ્મ કે થે યે જાં કે થે હી નહીં.
– જિયા ઝમીર
(`સંદેશ’, અર્ધસાપ્તાહિક પૂર્તિ, તા. 16 જુલાઇ, 2025, બુધવાર, `દૂરબીન’ કૉલમ)
kkantu@gmail.com
