માઇન્ડ ધ ગેપ : એક અનોખી અને સાવ સાચી લવસ્ટોરી. આપણે આપણી નજીકના લોકોનો અવાજ કેટલો સાંભળીએ છીએ? – દૂરબીન : કૃષ્ણકાંત ઉનડકટ

માઇન્ડ ધ ગેપ : એક અનોખી અને સાવ સાચી લવસ્ટોરી

આપણે આપણી નજીકના લોકોનો

અવાજ કેટલો સાંભળીએ છીએ?

દૂરબીન : કૃષ્ણકાંત ઉનડકટ

——–

લંડનની ડો. માર્ગારેટ મેકકોલમ તેના સ્વર્ગસ્થ પતિનો

અવાજ સાંભળવા પાંચ વર્ષ સુધી દરરોજ અંડરગ્રાઉન્ડ ટ્રેન સ્ટેશન જતી હતી.

એક દિવસ એવું બન્યું જેણે બધાની આંખો ભીની કરી નાખી.

આ ઘટનામાંથી પ્રેમ, લાગણી અને દાંપત્યના

પાઠ શીખવા જેવા છે

———–

કેટલીક ઘટનાઓ એવી હોય છે જે સીધી આપણા દિલને સ્પર્શી જાય. એના વિશે કંઇ વાંચીએ કે જોઇએ ત્યારે મુખમાંથી એવા શબ્દો સર્યા વિના ન રહે કે, આને કહેવાય સાચો પ્રેમ. અત્યારના હાઇટેક યુગમાં સમયની સાથે સંબંધોનું પોત પાતળું પડતું જાય છે. મોટા ભાગના લોકો કોઇને કોઇ રિલેશનશીપ ક્રાઇસિસમાંથી પસાર થઇ રહ્યા છે. વર્ચ્યુઅલ વર્લ્ડમાં જીવતા લોકો પોતાની સાથે રહેતા લોકો પ્રત્યે બેદરકાર અને બેપરવા બની ગયા છે. દાંપત્યની તો જાણે વ્યાખ્યા જ બદલી ગઇ છે. આંખ ઠરે એવા કપલની સંખ્યા સતત ઘટતી જાય છે. કોઇનાથી કંઇ સહન થતું નથી. કોઇ કંઇ જતું કરી શકતું નથી. તણખા ઝરતા રહે છે અને સંબંધો તૂટતા રહે છે. ડિવોર્સ કે ઝઘડાની વાત આવે ત્યારે હવે કોઇને કંઇ નવાઇ પણ નથી લાગતી. ઠીક છે, એવું તો થાય. ન ફાવે તો સાથે નહીં રહેવાનું. આવું બધું સાંભળવા મળતું રહે છે. કોઇ એ નથી વિચારતું કે, સાથે રહેવું કેમ નથી ફાવતું? આખરે શું નડે છે? જન્મોજનમની પ્રિત વાર્તાઓમાં જ રહી ગઇ છે. એક જનમમાં એકની સાથે શાંતિથી રહેવાય તો ય ઘણું છે. પ્રેમ, લાગણી, સંબંધ, દાંપત્ય સામે સવાલો સતત વધી રહ્યા છે ત્યારે બ્રિટનની એક સાવ સાચી ઘટના માણવા જેવી છે.

આ વાત છે લંડનમાં રહેતા ડો. માર્ગારેટ મેકકોલમ અને તેમનાં સ્વર્ગસ્થ પતિ ઓસ્વાલ્ડ લોરેન્સની. ટ્યૂબ ટ્રેન તરીકે ઓળખાતી લંડનની અંડરગ્રાઉન્ડ ટ્રેનની નોર્ધન લાઇન પર એમ્બેન્કમેન્ટ નામનું સ્ટેશન આવેલું છે. આ સ્ટેશન પર ડો. માર્ગારેટ 2007થી સતત પાંચ વર્ષ સુધી દરરોજ એ સ્ટેશન પર જતા હતા. થોડીવાર સ્ટેશને બેસે પછી પાછા નીકળી જાય. અનેક લોકો તેમને જોતા પણ કોઇને સમજાતું નહોતું કે, આ લેડી શા માટે દરરોજ ટ્યૂબ સ્ટેશન પર આવે છે. ટ્રેનમાં તો ક્યાંય જતી નથી. થોડી વાર બાંકડે બેસીને ચાલી જાય છે. પાંચ વર્ષ સુધી ડો. માર્ગારેટનો સ્ટેશન આવવાનો સિલસિલો ચાલતો રહ્યો. અચાનક એક દિવસ એક ઘટના બની અને માર્ગારેટની સ્ટેશન આવવા પાછળના ખરા કારણની ખબર પડી. માર્ગારેટ પોતાનો સ્વર્ગસ્થ પતિ ઓસ્વાલ્ડ લોરેન્સનો અવાજ સાંભળવા માટે સ્ટેશન પર આવતી હતી.

એમ્બેન્કમેન્ટ સ્ટેશનની રચના થોડી જુદી છે. પ્લેટફોર્મ વળાંકમાં આવેલું હોવાથી ટ્રેનના દરવાજા અને પ્લેટફોર્મ વચ્ચે થોડી જગ્યા રહે છે. અગાઉના સમયમાં ટ્રેનના ડ્રાયવર અને સ્ટેશનના કર્મચારીઓ ટ્રેન આવે ત્યારે ઊંચા અવાજે માઇન્ડ ધ ગેપ બોલીને લોકોને સાવધાન કરતા હતા. વર્ષો સુધી આવું ચાલ્યું. આખરે એવું નક્કી કરવામાં આવ્યું કે, હવેથી માઇકમાં વ્યવસ્થિત રીતે એનાઉન્સમેન્ટ કરીને લોકોને સાવચેત કરીશું. 1969માં ઓસ્વાલ્ડ લોરેન્સના અવાજમાં માઇન્ડ ધ ગેપ વિષયનો મેસેજ રેકોર્ડ કરવામાં આવ્યો. જ્યારે પણ ટ્રેન આવે ત્યારે માઇન્ડ ધ ગેપનું એનાઉન્સમેન્ટ થતું હતું. ઓસ્વાલ્ડ લોરેન્સનો અવાજે એવો જાદુ કર્યો કે, માઇન્ડ ધ ગેપ શબ્દ આ સ્ટેશનની આઇડેન્ટિટી જેવો બની ગયો.

ઓસ્વાલ્ડ લોરેન્સનો જન્મ જર્મનીના હેમ્બર્ગમાં થયો હતો. કરિયર બનાવવા માટે તેઓ જર્મની છોડીને બ્રિટન આવી ગયા હતા. લંડનની વિશ્વ પ્રસિદ્ધ રોયલ એકેડેમી ઓફ ડ્રામેટિક આર્ટમાં તેમણે તાલીમ લીધી હતી. એ પછી તેમણે થિયેટર, ફિલ્મો અને ટીવી સીરિયલો માટે કામ કર્યું. એક સમયે તેમણે એક્ટિંગ છોડી દીધી. એ પછી તેઓ એક ટૂર અને ક્રૂઝ કંપનીમાં ટૂર ગાઇડ તરીકે કામ કરતા હતા. 1992માં 44 વર્ષનાં ડો. માર્ગારેટ મેકકોલમ મોરક્કોના પ્રવાસે ગયા હતા. આ પ્રવાસ દરમિયાન માર્ગારેટ 63 વર્ષના ટૂર ગાઇડ ઓસ્વાલ્ડ લોરેન્સના અવાજ પર ફીદા થઇ ગયા. બંને મળ્યા અને પ્રેમ થયો. મોરક્કોથી લંડન આવ્યા પછી બંને સાથે રહેવા લાગ્યા. અગિયાર વર્ષ સાથે રહ્યા બાદ 2003માં બંનેએ મેરેજ કર્યા. બંને વચ્ચે ઉંમરનો મોટો તફાવત હતો. જોકે એજ ફેક્ટર બેમાંથી એકેયને ક્યારેય નડ્યું નહોતું. બંને ખૂબ જ પ્રેમથી રહેતા હતા. 2007માં ઓસ્વાલ્ડ લોરેન્સનું અવસાન થયું. માર્ગારેટની લાઇફમાં ખાલિપો આવી ગયો. પતિની યાદમાં અને તેનો અવાજ સાંભળવા માટે માર્ગારેટ દરરોજ ટ્યૂબ સ્ટેશન જવા લાગ્યા. માર્ગારેટે કહ્યું કે, એનો અવાજ સાંભળીને મને ગજબની શાંતિ મળતી હતી. એ અવાજ મારા જીવવાનું મોટું કારણ બની ગયો હતો. જોકે, એ અવાજ, એ એનાઉન્સમેન્ટ અચાનક જ એક દિવસ બંધ થઇ ગયું.  

ટ્યૂબ ટ્રેનના સંચાલકોએ નક્કી કર્યું કે, હવે એનાઉન્સમેન્ટ બદલાવીને તેમાં કમ્પ્યુટરાઇઝ્ડ મશીન વોઇસ મૂકવામાં આવશે. માર્ગારેટ એક દિવસ સ્ટેશન ગયા તો ઓસ્વાલ્ડના બદલે તેને મશીન વોઇસમાં એનાઉન્સમેન્ટ સાંભળવા મળ્યું. તેના આઘાતનો પાર ન રહ્યો. તેને સમજાતું નહોતું કે, હવે શું કરવું? તેને એવો વિચાર આવ્યો કે, ટ્રેન કંપનીને વિનંતી કરીને ઓસ્વાલ્ડના અવાજવાળા એનાઉન્સમેન્ટનું રેકોર્ડિંગ મેળવી લઉં. માર્ગારેટે ટ્રાન્સપોર્ટ ફોર લંડનની ઓફિસને એક ભાવુક પત્ર લખ્યો. તેમણે વિનંતી કરી કે, મારા પતિના અવાજવાળું એનાઉન્સમેન્ટ હવે નથી થતું. શું મને એનું રેકોર્ડિંગ આપશો? મને રેકોર્ડિંગ મળશે તો હું ઘરે બેસીને તેનો અવાજ સાંભળી શકીશ. માર્ગારેટના આ પત્રએ વળી એક નવો ચમત્કાર સર્જ્યો.

માર્ગારેટનો પત્ર ફરતો ફરતો લંડન અંડરગ્રાઉન્ડના ડિરેકટર નાઇજેલ હોલનેસ પાસે પહોંચ્યો. નાઇજેલ તરત જ 1969ની આર્કાઇવ્સમાંથી ઓસ્વાલ્ડ લોરેન્સની ઓરિજનલ માસ્ટર ટેપ શોધવાનો આદેશ આપ્યો. નાઇજેલે માર્ગારેટને ઓસ્વાલ્ડના એનાઉન્સની સીડી તો આપી જ, સાથોસાથ એમ પણ કહ્યું કે, અમે નિર્ણય બદલ્યો છે. હવે એમ્બેકમેન્ટ સ્ટેશન પર તમારા પતિ ઓસ્વાલ્ડના અવાજમાં જ એનાઉન્સમેન્ટ થશે. મજાની વાત એ છે કે, આજની તારીખે આ સ્ટેશન પર ઓસ્વાલ્ડના અવાજમાં જ એનાઉન્સમેન્ટ થાય છે. માર્ગારેટ હજુયે જીવે છે. હવે તેની તબિયત નરમગરમ રહે છે પણ હજુયે મન થાય ત્યારે માર્ગારેટ સ્ટેશન જઇને પતિ ઓસ્વાલ્ડનો અવાજ સાંભળે છે. જ્યારથી માર્ગારેટની કથા બહાર આવી ત્યારથી માર્ગારેટને બ્રિટનના લોકો પણ માન આપવા લાગ્યા છે.

આ રીયલ લવ સ્ટોરી પર માઇન્ડ ધ ગેપ નામે જ એક ટૂંકી ફિલ્મ પણ બની છે. ખૂબ લખાયું પણ છે. આ બધામાં છેલ્લે એક સવાલ પૂછવામાં આવે છે કે, તમે તમારી વ્યક્તિનો અવાજ કેટલો સાંભળો છો? આપણી સાથે રહેતી, આપણી સાથે જીવતી અને કેટલાંક કિસ્સાઓમાં તો આપણા માટે જીવતી વ્યક્તિનો અવાજ પણ આપણે ગણકારતા નથી. જે સામે છે એનો અવાજ પણ આપણને સ્પર્શતો નથી તો પછી કોઇ ચાલ્યું જાય પછીની તો વાત જ ક્યાં છે? આજના સમયનું સૌથી મોટું સંકટ સંવાદનો અભાવ છે. પતિ પત્ની વચ્ચે વાતચીત ઘટતી જાય છે. કેટલાંક કિસ્સામાં તો કામ પૂરતી જ વાતો થાય છે. કેટલાં લોકો પતિ, પત્ની કે પરિવારના લોકો સાથે બેસીને શાંતિથી વાતો કરે છે? બધા સાથે હોય તો પણ બધાના હાથમાં મોબાઇલ હોય છે. પતિ કે પત્ની કેવી માનસિક સ્થિતિમાંથી પસાર થાય છે એની પણ એક-બીજાને ખબર નથી હોતી. બે અજાણ્યા માણસ સાથે રહેતા હોય તેવું લાગે છે. માર્ગારેટ અને ઓસ્વાલ્ડની પ્રેમ કહાનીમાંથી એટલું જ શીખવાનું છે કે, પોતાની વ્યક્તિ સાથે બેસો, વાત કરો, એક-બીજાની હાજરીને મહેસૂસ કરો, એ જ સાચી જિંદગી છે. સોશિયલ મીડિયા પર ગમે એટલા ફોલોઅર્સ હશે, ગમે એટલી લાઇક્સ મળતી હશે, ગમે એટલા વખાણ કરતી કમેન્ટ્સ મળતી હશે પણ જો ઘરમાં અને મનમાં શાંતિ નહીં હોય તો ક્યાંય ચેન પડવાનું નથી. સકસેસનો સાચો અર્થ એ જ છે કે સફળતાની ટોચે પહોંચ્યા પછી એકલા ન હોઇએ. સંબંધ અને પોતાની વ્યક્તિ સાથે જ સાચું સુખ છે, એ વાત જેટલી વહેલી સમજાય જાય એટલું સારું છે. દરેક વ્યક્તિએ સમયે સમયે એ ચેક કરતા રહેવું જોઇએ કે, મારા સંબંધો સજીવન તો છેને? મારી વ્યક્તિનો અવાજ તો હું સાંભળું છુંને?  

————–

પેશ-એ-ખિદમત

દિલ અગર હૈ તો દર્દ ભી હોગા,

ઇસ કા કોઇ નહીં હૈ હલ શાયદ,

રાખ કો ભી કુરેદ કર દેખો,

અભી જલતા હો કોઇ પલ શાયદ.

-ગુલઝાર

(`સંદેશ’, અર્ધસાપ્તાહિક પૂર્તિ, તા. 25 નવેમ્બર 2026, બુધવાર, `દૂરબીન’ કૉલમ)
kkantu@gmail.com

Krishnkant Unadkat

Krishnkant Unadkat

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *