શું શીખવું અને શું ન શીખવું
એની સમજ હોવી જરૂરી છે

ચિંતનની પળે – કૃષ્ણકાંત ઉનડકટ
પત્ર લખવાની પ્રથા તો છે નહીં,
આંગણે આવ્યો ટપાલી કેમ છે?
જાતને લાફો હજી માર્યો નથી,
ગાલ પર આ તોયે લાલી કેમ છે?
-કૌશલ શેઠ ‘સ્તબ્ધ’
જિંદગીમાં શીખવાની પ્રક્રિયા સતત ચાલતી રહેવી જોઇએ. માણસ કંઇ જ શીખીને આવતો નથી. જન્મની સાથે જ શીખવાનું શરૂ થઇ જાય છે. બોલવાનું, લખવાનું, વાંચવાનું અને ભણવાનું આપણે સતત શીખતા રહીએ છીએ. શીખવાની વૃતિ અને પ્રકૃતિ સતત સજીવન રહેવી જોઇએ. આપણે જેટલું શીખીએ છીએ એટલું પામીએ છીએ. જિંદગીના છેલ્લા શ્વાસ સુધી કંઇક શીખતા રહેવું જોઇએ. કેટલાંક લોકો અમુક વયે શીખવાનું છોડી દે છે. શીખી લીધું જેટલું શીખવાનું હતું એટલું, હવે કંઇ નવું શીખવાની જરૂર નથી. જે લોકો આવું માનવા લાગે છે એ લોકો જ્યાં હોય ત્યાં જ ખોડાય જાય છે. જીજ્ઞાસા અને કૂતુહલવૃતિ ખતમ થાય એ સાથે જીવવાની ગતિ પણ અટકી જાય છે. આપણી સમજ, બુદ્ધિ અને જ્ઞાનમાં રોજ થોડો થોડો વધારો થતો રહેવો જોઇએ. સમયની સાથે આપણે કેટલા ગ્રો થઇએ છીએ તેનો સૌથી મોટો આધાર આપણે શું શીખીએ એના પર રહે છે.
જિંદગીમાં શું શીખવા જેવું છે એની સાથે જ શું શીખવા જેવું નથી એની સમજ પણ એટલી જ જરૂરી છે. બધું શીખવા જેવું હોતું નથી. ખોટા અને કાળા કામ પણ એમ જ નથી થતા, એ પણ શીખવા પડે છે. આપણે આપણી મર્યાદા નક્કી કરવાની હોય છે કે, મારે આ નથી જ શીખવું અને નથી કરવું. સારું પણ બધું કરવું અને બધું આવડે એવું જરૂરી નથી. આપણને આપણી ખૂબીઓ અને ખામીઓની ખબર હોવી જોઇએ. આ આપણું કામ નથી. આપણને શેમાં રસ પડે છે એ સૌથી મહત્ત્વનું છે. એક યુવાન એક સંત પાસે ગયો. યુવાને કહ્યું, મારામાં કંઇ જ આવડત નથી. સંતે કહ્યું કે, એવું તો ન જ હોય. તું એમ કહે કે, મારામાં શું આવડત છે એ મને ખબર નથી. કુદરતે દરેક વ્યક્તિમાં કંઇક ખૂબી તો મૂકી જ હોય છે. આપણે એ ઓળખવાની હોય છે. મોટા ભાગે માણસને એ જ ખબર નથી હોતી કે, હું શેમાં બેસ્ટ છું. નોકરી કે આવક એક વસ્તુ છે અને ખૂબી બીજી વસ્તુ છે. જિંદગી જીવવા માટે કમાવવું પડે છે. નોકરી કે બિઝનેસ કરવા પડે છે. એ જિંદગીની મજબૂરી કહો કે અનિવાર્ય સત્ય કહો, જે કહો એ પણ નોકરી કે ધંધો કરવો પડે છે. એ સિવાય પણ જિંદગીમાં એવું કંઇક હોવું જોઇએ જે આપણે આપણા માટે, આપણી ખુશી માટે અને આપણા સુખ માટે કરતા હોઇએ. જેણે જિંદગીમાં એકાદો શોખ નથી પાળ્યો એ હંમેશો એકલો અને અધૂરો રહે છે. તમે ક્યારેય માર્ક કર્યું છે કે, તમને શેમાં મજા આવે છે? તમને જેમાં મજા આવતી હશે એ તત્ત્વ જ તમને જીવતું રાખશે.
જિંદગી અને સતત શીખતા રહેવાની સાથે એક વાત એ પણ સમજવાની જરૂર છે કે, આખરે મારે શેના માટે કંઇકને કંઇક શીખવું છે? ઘણું બધું શીખીને આખરે મારે શું કરવું છે? શીખવાનો અંતિમ ઉદ્દેશ શું છે? એક યુવાનની આ સાવ સાચી વાત છે. એ ખૂબ જ ભણ્યો. નાનો હતો ત્યારથી જ ભણવામાં ટોપ જ હોય. ભણી ગણીને ખૂબ જ સારી જોબ મળી. સરસ પગાર હતો. ઓફિસ તરફથી કાર અને બંગલો પણ મળ્યા હતા. આ યુવાન એક વખત એક સંતને મળ્યો. સંતને કહ્યું, મેં ઘણું બધું શીખી લીધું છે અને તેના ફાયદા પણ મળ્યા છે. સંતે કહ્યું, તેં જે કર્યું એ સારી વાત છે પણ એ પૂરતું છે ખરું? તું બધું શીખીને પણ જીવવાનું તો શીખ્યો જ નથી. તારા અંગત સંબંધો જો. પત્ની સાથે તને બનતું નથી. બાળકોને તું પૂરતો સમય આપતો નથી. મા-બાપની સંભાળ લેતો નથી. તું તો તને ગમે એવું પણ કંઇ કરતો નથી. તેં જે મેળવ્યું છે એની સામે તેં જે નથી મેળવ્યું એનું શું? તારી દોડ ખોટી દિશામાં છે. માત્રને માત્ર કરિયર રિલેટેડ જ બધું શીખવામાં તું ઘણું બધું એવું શીખવાનું ભૂલી ગયો છે જે તને જીવતા શીખવાડે. જરાક વિચાર કર, તારી સાથે કોણ છે? કોણ તારી રાહ જુવે છે? કોને તારાથી ફેર પડે છે? એવા લોકો બિલકુલ છે જેને તારાથી ફેર પડે છે પણ તને એનાથી જરાયે ફેર પડે છે ખરો? એક વાત યાદ રાખજે, જેને કોઇનાથી કંઇ ફેર નથી પડતો એવા લોકોથી જેને ફેર પડતો હોય છે એ પણ ધીમે ધીમે દૂર થઇ જાય છે. એને કંઇ ફેર નથી પડતો તો પછી એની પાછળ કૂચે મરીને શું મળી જવાનું છે. તમે માર્ક કરજો, આપણને પણ જ્યારે એવું લાગે કે, એને કંઇ કદર નથી ત્યારે આપણે પણ એના માટે કંઇ કરવાનું છોડી દઇએ છીએ. જિંદગીમાં સૌથી વધુ તો એ શીખવાનું છે કે, કોને મારી કદર છે અને જેને મારી કદર છે એની મને કેટલી પડી છે?
માણસે જિંદગીના દરેક તબક્કે એ પણ વિચારતા રહેવું જરૂરી છે કે, મેં અત્યાર સુધી જે શીખ્યું છે એ બરાબર છે? હું જે શીખ્યો કે શીખું છું એનાથી મારી જિંદગીમાં કંઇ ઉમેરો, સુધારો કે વધારો થાય છે ખરો? એક છોકરીની આ વાત છે. ખૂબ જ ડાહી અને હોંશિયાર. બધાનું ધ્યાન રાખે, બધાની સાથે સરસ રીતે રહે. મોટી થઇ. લગ્ન થયા. ઘરના તમામ લોકોનો પણ ખૂબ ખયાલ રાખે. જિંદગીના ચાર દાયકા વીતી ગયા. છોકરાઓ પણ ધીમે ધીમે મોટા થઇને પોતપોતાનામાં વ્યસ્ત રહેવા લાગ્યા. એક તબક્કે તેણે નક્કી કર્યું કે, મેં બધા માટે આખી જિંદગી થઇ શકે એ બધું કર્યું છે, હવે હું મારા માટે પણ કંઇક કરીશ. એ પછી તેણે પોતાને ગમતું હોય એવું કરવાનું શરૂ કર્યું. આ જોઇને તેના હસબન્ડે કહ્યું કે, તેં હવે જે શરૂ કર્યું છે એ બહુ સારું છે. હકીકતે તો તારે બધાનું બધું કરવાની સાથે જ તારા માટે પણ થોડુંક કરવાની જરૂર હતી. હજુયે કંઇ મોડું નથી થયું. દરેક માણસે એ પણ વિચારવું જોઇએ કે, હું મારી જિંદગી મારા માટે કેટલી જીવું છું? આપણે મોટા ભાગે બીજા લોકો માટે જ જીવતા હોઇએ છીએ. બધાને સારું લાગે એવું કરતા હોઇએ છીએ. એમાં કશું ખોટું નથી પણ ક્યારેક એ પણ ચેક કરતા રહેવું જોઇએ કે, મને સારું લાગે એવું હું શું અને કેટલું કરું છું. કેટલાંકની તો આખી જિંદગી ખતમ થઇ જાય ત્યાં સુધી ખબર નથી હોતી કે, મારી જિંદગી મેં યોગ્ય રીતે જીવી છે કે નહીં.
કેટલાંકના મોઢે આપણે સાંભળીએ છીએ કે, મારી તો આખી જિંદગી એળે ગઇ. જેની જિંદગી એળે જાય છે એમાં મોટા ભાગે વાંક એનો જ હોય છે. એક બહેનની આ વાત છે. જતી જિંદગીએ તેણે કહ્યું કે, હું તો ક્યારેય મારી રીતે જીવી જ નથી. આ વાત સાંભળીને તેના એક સ્વજને કહ્યું કે, તને તારી રીતે જીવવાની ના કોણે પાડી હતી? આપણે જે રીતે જીવતા હોઇએ છીએ એ મોટા ભાગે આપણે જ પસંદ કરેલી રીત હોય છે. કોઇ શાંતિથી જીવવા ન દેતું હોય અને આપણે અશાંતિ વચ્ચે જીવતા રહીએ તો પણ ભૂલ ક્યાંય આપણી જ હોય છે. આપણી શાંતિ અને આપણા સુખનો રસ્તો આપણે પસંદ કરવો પડતો હોય છે. જિંદગી દરેક વખતે સાચા રસ્તે જ હોય એવું બિલકુલ જરૂરી નથી. ક્યારેક જિંદગી આડાપાટે પણ ચડી જતી હોય છે. ઊંધા રસ્તે ચડી ગયેલી જિંદગીને પાછી સીધા અને સાચા રસ્તે લાવવી એ પણ શીખવા જેવું જ કામ છે. કેટલાંક લોકો જે છે એ સ્વીકારી લે છે. એ ક્યારેય વિચારતા નથી કે, જે છે એ મને ગમે છે કે કેમ? મારા સ્વભાવ મુજબનું છે કે કેમ? એ નથી તો એ બદલી શકે એમ છે કે કેમ? જિંદગીમાં છેલ્લા શ્વાસ સુધી શક્યતાઓ રહેલી હોય છે. જિંદગી જીવતા જેને આવડી ગયું છે એનું બધું જ શીખવું સાર્થક છે. જેણે ઘણું બધું શીખી લીધું છે, ડિગ્રીઓના થોકડા છે એને જો સારી રીતે જીવતા ન આવડતું હોય તો જે કંઇ શીખ્યું છે એ બધું જ વ્યર્થ છે. જે પોતાની નજીક રહી શકે છે, પોતાને જાણી અને માણી શકે છે, એ જ ખરા અર્થમાં જિંદગી જીવી જાણે છે. સમયે સમયે ચેક કરતા રહો કે, હું જે શીખવું જોઇએ એ શીખતો રહું છું કે કેમ? હું જિંદગીના રાઇટ ટ્રેક પર તો છુંને? જો ન હોવ, તો હજુયે મોડું થયું નથી. શીખવાની અને જીવવાની શક્યતાઓ છેક સુધી રહેતી જ હોય છે.
છેલ્લો સીન :
દુનિયા રોજ બદલતી રહે છે. જે બદલે છે એમાં શીખવા જેવું શું છે અને અવગણવા જેવું શું છે એ સમજવું પડે છે. આ શીખવા કે અપનાવવા જેવું નથી એ ખબર પણ પડવી જોઇએ. જિંદગીને સારી રીતે જીવવા માટે શીખવાની પ્રક્રિયા છેલ્લા શ્વાસ સુધી ચાલતી રહેવી જોઇએ. -કેયુ.
(`સંદેશ’, `સંસ્કાર’ પૂર્તિ, તા. 15 નવેમ્બર 2026, રવિવાર. `ચિંતનની પળે’ કૉલમ)
kkantu@gmail.com
