બાકી તો તને ઠીક લાગે એમ તું કરજે : ચિંતનની પળે – કૃષ્ણકાંત ઉનડકટ

બાકી તો તને ઠીક
લાગે એમ તું કરજે

ચિંતનની પળે – કૃષ્ણકાંત ઉનડકટ


રાત આખી જાગવાનું હોય ત્યાં,
સ્વપ્નને ઓઢાય તો ઓઢી જુઓ,
શબ્દ એના અર્થને પામી જશે,
મૌનને જોખાય તો જોખી જુઓ.
– વારિજ લુહાર


સંબંધમાં માણસ જ્યારે મૌન થઇ જાય ત્યારે સમજવું કે હવે તેણે તમામ આશાઓ છોડી દીધી છે. એક તબક્કે સમજાવવાનો કોઇ અર્થ લાગતો નથી. આપણને એમ થાય છે કે, એને કંઇ કહેવાનો કોઇ મતલબ નથી. જ્યારે એવું લાગે કે, એનામાં કંઇ ફેર પડવાનો નથી ત્યારે માણસ પોતાનામાં ફેર કરી દે છે. આપણી વ્યક્તિ જ્યારે કંઇક ન કરવાનું કરે ત્યારે આપણે ડિસ્ટર્બ થઇએ છીએ. તેં આવું કર્યું? આવું કરતા પહેલાં તેને કંઇ વિચાર ન આવ્યો? અમુક લોકોને ક્યારેય કોઇનો કંઇ વિચાર આવતો જ નથી. એણે જે કરવું હોય છે એ જ એ કરે છે. સમજાવવાનો પ્રયાસ સમજુ માણસને જ કરવો જોઇએ. જે અણસમજુ છે એ કોઇની કંઇ વાત સમજતા નથી. અમુક લોકોને સમજાવવાનો મતલબ માત્ર આપણી એનર્જી વેડફવા જેવો જ હોય છે. ન સમજે એવા લોકોને સમજાવાનો પ્રયાસ ન કરવો એ ડહાપણની નિશાની છે. કઇ વાતમાં પડવું અને કોની વાતમાં પડવું એની સમજ જિંદગી માટે બહુ જરૂરી હોય છે. એક વાત દરેક માણસે યાદ રાખવા જેવી છે કે, જેને નથી જ સમજવું એને કોઇ સમજાવી શકવાના નથી. અમુક લોકો પછડાટ ખાય ત્યારે જ એને ભાન પડે છે કે, આવું કરવા જેવું નહોતું. કેટલાક લોકો તો એનાથી પણ આગળ વધેલા હોય છે. પોતાની ભૂલો ભોગવતા હોય તો પણ તેઓ એ સ્વીકારવા તૈયાર હોતા નથી કે, મેં જે કર્યું એ મારી જ ભૂલ હતી.
મૂરખ માણસને સમજાવવાનો પ્રયાસ એ સૌથી મોટી મૂર્ખામી છે. કોઇને કંઇ વાત કરતા પહેલાં એ ચેક કરી લેવું જરૂરી છે કે, મારા કહેવાથી એને કંઇ ફેર પડે એમ છે કે નહીં? જો ફેર ન પડવાનો હોય તો એમાં ન પડવું. જે સમજે એમ હોય એની પાછળ ચોક્કસ મહેનત કરવી જોઇએ. એ જે કરવા જઇ રહ્યા હોય એના પ્લસ અને માઇનસ પોઇન્ટ્સ સમજાવવા જોઇએ. એમાં પણ એવો આગ્રહ તો ન જ રાખવો કે એ આપણી કહેલી વાત માને. માણસ સરવાળે તો પોતાને જે કરવું હોય એ જ કરતો હોય છે. એક યુવાનની આ વાત છે. તેણે એક બિઝનેસ કરવાનું નક્કી કર્યું. આ બિઝનેસ વિશે તેણે એક વડીલને વાત કરી. વડીલે તેને કહ્યું કે, તું જે વિચારે છે એ બિઝનેસ આપણે ત્યાં ચાલે એમ નથી. કેમ ન ચાલે એનાં કારણો પણ એને કહ્યાં. એ યુવાને પોતાની દલીલો કરી. એ દલીલ કેમ વાજબી નથી એનાં કારણો પણ વડીલે સમજાવ્યાં. છેલ્લે વડીલે એવું કહ્યું કે, મને યોગ્ય લાગ્યું એ માર્ગદર્શન તને આપ્યું છે, બાકી તો તને યોગ્ય, વાજબી અને કરવા જેવું લાગે એ તું કરજે. એ યુવાને તો પણ બિઝનેસ કર્યો. પેલા વડીલે કહ્યું હતું એવું જ થયું. બિઝનેસ ન ચાલ્યો. એ યુવાન ફરીથી વડીલ પાસે આવ્યો. વડીલને તેણે કહ્યું કે, તમે જેવું કહેતા હતા એવું જ થયું. બિઝનેસ ન ચાલ્યો. એ વડીલે કહ્યું, હશે, થાય એવું. હવે જે થઇ ગયું છે એની ચિંતા ન કર. કંઇ ખોટું કર્યું છે એવું પણ ન વિચારતો. ઘણી વખત આપણી ગણતરીઓ ખોટી પડતી હોય છે.
વડીલની આ વાત સાંભળીને યુવાનને આશ્ચર્ય થયું. તેણે વડીલને કહ્યું, મને તો એમ હતું કે તમે મને ટોણા મારશો. અમે કહેશો કે, તને પહેલેથી કહેતો હતો કે, રહેવા દે, તો પણ તું ન માન્યો. હવે ભોગવો. તમે કોઇનું કહ્યું આમેય ક્યાં માનો એવા છો. વડીલે કહ્યું, મને સાચું લાગતું હતું એ મેં તને કહ્યું. માનવું ન માનવું એ તારી મરજીની વાત હતી. હું તો એમ પણ કહું છું કે, કોઇનું કહ્યું માનવું જ એવું બિલકુલ જરૂરી નથી. ક્યારેક મૂંઝવણ હોય ત્યારે કોઇની સલાહ લેવામાં જરાયે વાંધો હોતો નથી. તેની સાથે એક વાત એ પણ યાદ રાખવાની હોય છે કે, દરેક સલાહ માનવા જેવી પણ નથી હોતી. સલાહ કોણ આપે છે એના પર સલાહ સાચી છે કે ખોટી એનો આધાર રહેતો હોય છે. કોઇ પાસે સલાહ લેવા જઇએ એ પહેલાં તેની લાયકાત પણ ચેક કરવી જોઇએ. મૂરખની સલાહ લેવામાં જોખમ હોય છે.
મોટાભાગના લોકો પોતાને જ્ઞાની સમજતા હોય છે. એમાંયે કોઇ સલાહ માંગવા આવે ત્યારે તો એને પાક્કી ખાતરી થઇ જાય છે કે, મારામાં દમ છે. એ સિવાય કોઇ થોડી મારી સલાહ લેવા આવે. એક યુવાનની આ સાવ સાચી વાત છે. તેને કાર લેવી હતી. કાર કંપનીઓથી માંડીને કારના મોડલ વિશેની નાનામાં નાની વિગતો તેણે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સની મદદથી જાણી લીધી હતી. કાર લેતા પહેલાં એ પોતાના એક સ્વજન પાસે ગયો. એ વ્યક્તિ પાસે દુનિયાભરની કાર હતી. કારનો તેને ગાંડો શોખ તો હતો જ, સાથોસાથ દુનિયાભરની કારના અનુભવો પણ હતા. એ યુવાને તેની પાસે જઇને પૂછ્યું, કઇ કાર લેવી જોઇએ? એ સ્વજને કહ્યું કે, તેં બધા વિશે જાણી તો લીધું જ છે, હવે તને ગમે એ લઇ લે. આ વાત સાંભળીને યુવાને કહ્યું, મને જે વિગતો મળી છે એ બધી ઇન્ફર્મેશન છે, નોલેજ તો તમારી પાસે જ છે. તમે કારને જાણી છે, માણી છે અને કારના દરેક પાર્ટસ વિશે તમને ખબર છે. એ સ્વજને પછી પોતાના અનુભવોને આધારે કાર સજેસ્ટ કરી. આપણે ઘણી વખત જે વિગતો મળે એને સાચી માની લેતા હોઇએ છીએ. બહુમાં બહુ તો ઓનલાઇન રેટિંગ જોઇ લઇએ છીએ. નાડ જાણનારાઓ સુધી આપણે પહોંચતા જ નથી. જિંદગીની નાડ જાણનારા લોકો પણ હોય છે. સંબંધો કે સમસ્યાઓમાં અટવાયેલા હોઇએ ત્યારે આવા નાડ પારખનારાઓ જ નૈયા પાર લગાવી શકતા હોય છે.
ઉંમર વધવાની સાથે સમજણ વધે એ દુનિયાનો સૌથી મોટો ભ્રમ છે. કેટલાક લોકો ગમે એવડા થઇ જાય તો પણ એવા ને એવા જ અણસમજુ રહે છે. સલાહ ઉંમર જોઇને નહીં, પણ લાયકાત જોઇને માંગવી જોઇએ. એક વૃદ્ધની આ વાત છે. એ એક પર્સનલ પ્રોબ્લમમાં ફસાયા. તેનો ઉકેલ કેવી રીતે લાવવો એની સમજ તેમને પડતી નહોતી. એ વ્યક્તિએ પોતાના યુવાન પૌત્રને બોલાવ્યો. એને પોતાની સમસ્યા કહી. એ પછી પૂછ્યું કે, તું મારી જગ્યાએ હોય તો શું કરે? આ વાત સાંભળીને પૌત્રએ કહ્યું કે, દાદા, તમે તો મારાથી ક્યાંય મોટા અને અનુભવી છો, છતાં તમે મને પૂછો છો? દાદાએ કહ્યું કે, ઉંમર વધે એમ બધી ખબર પડે એવું બિલકુલ જરૂરી નથી. ઉંમર વધવાની સાથે મને એ જ સૌથી મોટી સમજ પડી છે કે, જેમાં આપણું ધ્યાન ન પડે એમાં બીજાને પૂછી લેવામાં સંકોચ અનુભવવો નહીં. પૌત્રએ દાદાને આખરે શું કરવું જોઇએ એ કહ્યું. તેની વાત સાંભળીને દાદાએ કહ્યું, તને સાચું કહું, આવું પણ થઇ શકે એ મેં વિચાર્યું જ નહોતું. તેં મને સરસ રસ્તો બતાવ્યો.
દરેક વાતમાં સલાહ લેવા દોડી જવું પણ વાજબી નથી. અમુક નિર્ણયો પોતાની જાતે જ લેવા જોઇએ. જ્યાં ખરેખર ધ્યાન પડે એવું ન હોય ત્યાં જ સલાહ કે માર્ગદર્શન લેવા જોઇએ. આપણા સૌથી મોટા જજ આપણે પોતે જ હોઇએ છીએ. આપણી આવડત આપણને જ ખબર હોય છે. જિંદગીમાં ક્યારેક જોખમ લેતા પણ અચકાવું ન જોઇએ. જેણે જિંદગીમાં ક્યારેય કોઇ જોખમ નથી લીધું એ જોખમ લેવાની ક્યારેય સલાહ આપવાના નથી. એ સેફ રમવાનું જ કહે છે. સેફ રમવામાં સેન્ચુરી ન થાય. જોખમ તો ઉઠાવવાં જ પડે. બને ત્યાં સુધી પોતાના નિર્ણયો પોતે જ કરવા જોઇએ. પ્લસ અને માઇનસ પોઇન્ટ વિચારીને એક જજમેન્ટ પર આવો અને એને વળગી રહો. નિષ્ફળ જાવ તો પણ અફસોસ ન કરો. કોઇના તમામ નિર્ણયો ક્યારેય સોએ સો ટકા સફળ થયા નથી. એક વખત નિર્ણય કરી લીધા પછી એના પર ડાઉટ ન કરો. પોતાના નિર્ણય, પોતાની જાત અને પોતાની મહેનત પર શ્રદ્ધા રાખો, સફળતા મળવાની જ છે.


છેલ્લો સીન :
વધુ પડતી અપેક્ષા સંબંધનો અંત લાવી દે છે. અપેક્ષા એટલી જ રાખો કે સામેની વ્યક્તિ પૂરી કરી શકે. જો એને અપેક્ષા સંતોષવાનો થાક લાગવા માંડશે તો સંબંધની સમાપ્તિની શરૂઆત થઇ જશે. એક વખત મન ઊતરી ગયું પછી ગમે તે કરો તો પણ કંઇ ફેર પડવાનો નથી. – કેયુ


(`સંદેશ’, `સંસ્કાર’ પૂર્તિ, તા. 04 ઓકટોબર 2026, રવિવાર. `ચિંતનની પળે’ કૉલમ)
kkantu@gmail.com

Krishnkant Unadkat

Krishnkant Unadkat

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *