ડર આખરે શું છે? :
માણસમાં તમામ ડર બહારથી
જ થોપવામાં આવે છે

દૂરબીન : કૃષ્ણકાંત ઉનડકટ
——–
માણસ જન્મે ત્યારે તેના મનમાં કોઈ જ ડર
હોતો નથી. બાળકના મનમાં ધીમે ધીમે જાતજાતના
ડર રોપવામાં આવે છે. આ ડર જ ઘણી વખત
માણસ માટે મોટી મુસીબત બની જાય છે.
ડરનું વિજ્ઞાન સમજવા જેવું છે!
———–
દરેક માણસને કોઇ ને કોઇ વાતનો ડર લાગતો હોય છે. ભૂતથી માંડીને ગરોળી સુધીના ડર આપણા પર સવાર થઇ જાય છે. વંદો જોઇને માત્ર મહિલાઓ જ ડરે છે એવું નથી, પુરુષો પણ વંદાનું નામ પડે અટલે ફફડી ઊઠે છે. કોઇને ડ્રાઇવ કરવાનો ડર લાગે છે, તો કોઇ લિફ્ટમાં જતા ડરે છે. ફોબિયાનું લાંબું લિસ્ટ છે. સવાલ એ છે કે, આખરે ડર શું ચીજ છે? ડર કેમ માણસને સતાવે છે? ડરથી મુક્તિ શક્ય છે ખરી? આ વિશે અનેક રિસર્ચ અને સરવે થયાં છે. આ બધામાં સૌથી મહત્ત્વનું જો કોઇ રિસર્ચ હોય તો એ આજથી એકસોને છ વર્ષ પહેલાં થયેલું લિટલ આલ્બર્ટ એક્સપેરિમેન્ટ છે. ડર વિશેની જે બેઝિક વાત છે એ આ સંશોધનથી બહાર લાવવામાં આવી હતી. તેનું તારણ એવું હતું કે, માણસ જ્યારે જન્મે છે ત્યારે તેનામાં કોઇ જ પ્રકારનો ડર હોતો નથી. જન્મ પછી બાળક નાનું હોય ત્યારથી જ જાતજાતના ભય તેનામાં રોપવામાં આવે છે. અનેક ડર માણસના મન અને મગજમાં એવા ઘર કરી જાય છે કે પછી એ આખી જિંદગી નીકળતા જ નથી. મોટાભાગના કિસ્સાઓમાં માણસ કારણ વગર ડરતો હોય છે. એક અભ્યાસ તો ત્યાં સુધીની વાત કરે છે કે, જિંદગીમાં ડર જેવું કંઇ હોતું જ નથી. જે કંઇ ડર હોય છે એ કોઇના દ્વારા જાણે અજાણે આપવામાં આવ્યા હોય છે.
આજથી 106 વર્ષ અગાઉ 1920માં અમેરિકાના મનોવિજ્ઞાની જ્હોન બી. વોટસને પોતાની સાથી રોઝેલી રેનર સાથે મળીને આઠ વર્ષના બાળક પર એક પ્રયોગ કર્યો હતો. આ બાળકને આલ્બર્ટ નામ આપવામાં આવ્યું હતું. શરૂઆતમાં આ બાળક પાસે સફેદ ઉંદર, સસલું, કૂતરો, વાંદરો, રૂ વગેરે મૂકવામાં આવ્યાં હતાં. આ બાળક કોઇનાથી જરાયે ડરતું નહોતું. ઊલટું એ તો ઉંદર સહિત બધા સાથે રમતું હતું અને મસ્તી કરતું હતું. બાળકને તો એ બધાની સાથે મજા આવતી હતી. આપણે પણ આપણી આસપાસ એવા ઘણા કિસ્સાઓ જોતા હોઇએ છીએ કે, બાળક ગમે તે જીવજંતુને પકડી લે છે. વંદો હોય કે ગરોળી હોય બાળકને જરાયે ડર લાગતો નથી. આવો જ એક બીજો પ્રયોગ પણ થયો હતો. નાના બાળકને બિનઝેરી સાપ સાથે મૂકવામાં આવ્યો હતો. બાળક એની સાથે મોજથી રમતો હતો. દૂરથી તેનાં મા-બાપ આ જોઇને ફફડતાં હતાં. બાળકના મનમાં ડર જેવું કશું જ હતું નહીં. બાળક નહોતું ડરતું, પણ તેનાં મા-બાપ ધ્રૂજતાં હતાં. એ જ વાત સાબિત કરે છે કે, ડર પછી જ ઘુસાડવામાં આવે છે. જ્હોન બી. વોટસને આ વાત સાબિત કરવા માટે બીજો પ્રયોગ પણ કર્યો હતો.
આલ્બર્ટ નામનો જે બાળક કશાથી ડરતો નહોતો એની સાથે જ બીજા ભાગનો પ્રયોગ કરવામાં આવ્યો હતો. બીજા પ્રયોગમાં જેવો બાળક સફેદ ઉંદર સાથે રમવા જતો હતો ત્યારે જ તેને લોખંડના સળિયા સાથે હથોડી પછાડીને રોકવામાં આવ્યો હતો. ઉંદર જાણે કોઇ ભયાનક પ્રાણી હોય એવું વાતાવરણ ખડું કરવામાં આવ્યું હતું. બાળક અવાજથી ડરી ગયું અને રડવા લાગ્યું હતું. એ પછી ત્રીજો તબક્કો પણ હાથ ધરવામાં આવ્યો હતો. એમાં લોખંડના સળિયાનો અવાજ કરવામાં નહોતો આવ્યો. બાળક માત્ર સફેદ ઉંદરને જોઇને જ ડરવા લાગ્યો હતો. આ ભય પણ માત્ર ઉંદર પૂરતો જ મર્યાદિત નહોતો, તેના મગજમાં ઉંદર જેવી દેખાતી તમામ સફેદ વસ્તુનો ડર ઘૂસી ગયો હતો. મનોવૈજ્ઞાનિક ભાષામાં તેને સ્ટિમ્યુલસ જનરલાઇઝેશન કહેવામાં આવે છે. જ્હોન બી. વોટસનના આ પ્રયોગનું અંતિમ તારણ એ હતું કે, માનવ મનમાં મોટાભાગના ડર, ફોબિયા કે પૂર્વગ્રહો વાતાવરણ કે નકારાત્મક અનુભવોથી પેદા થાય છે. આપણને જે કંઇ ડર લાગે છે એ બહારથી આવ્યો છે. બેઝિકલી તો આપણામાં કોઇ ડર હોતો જ નથી. ઊલટું ડર હોય તો પણ એ નીકળી જાય છે.
આપણે બાળકોમાં એવા કિસ્સા જોઇએ છીએ કે, બાળક સૂતું હોય અને કોઇ અવાજ થાય તો એ ઝબકી જાય છે. જાગતું હોય તો પણ કોઇ મોટો અવાજ કે ધડાકો સાંભળીને ડરી જાય છે. જેમ જેમ બાળક મોટું થાય એમ એમ એ ડર ચાલ્યો જાય છે. એનું કારણ એ છે કે, એને એ વાત સમજાય છે કે, આમાં કંઇ ડરવા જેવું નથી. જે અવાજ આવે છે એનાથી મને કોઇ હાનિ થવાની નથી. આપણા મનમાં ભૂતનો ખ્યાલ ડરામણો છે. ભૂત જેવું કંઇ છે નહીં તો પણ આપણે ભૂત, ચુડેલ, ડાકણ વગેરેથી ડરતા રહીએ છીએ. ચોક્કસ પ્રકારની ચીસો કે અવાજથી પણ આપણે ફફડીએ છીએ. એ અવાજ આપણે મોટાભાગે ફિલ્મોમાં જ સાંભળ્યા હોય છે. ભૂત કે ચુડેલના ચોક્કસ પ્રકારનાં કપડાં હોય છે. એના કલર મોટાભાગે વ્હાઇટ હોય છે. આ બધું આપણા મનમાં એટલું ઠસાઇ ગયું હોય છે કે, આપણે માનવા લાગીએ છીએ કે ભૂત આવું જ હોય. માત્ર ભૂતની જ વાત નથી. આપણને તો પરી કે એન્જલની કલ્પના પણ મનમાં ઘુસાડવામાં આવી હોય છે. એ સારાં પાત્રો છે એટલે આપણને સારું લાગે છે. ભૂતને ડરામણું કહેવામાં આવે છે એટલે આપણે ડરીએ છીએ. ત્યાં ભૂત થાય છે, ત્યાં ભેદી અવાજ આવે છે, એ વાત જાણ્યા પછી આપણે એની આસપાસ પણ ફરકતા નથી.
આપણે ત્યાં એક કરુણતા એ પણ છે કે, બાળક નાનું હોય ત્યારથી જ એને કોઇ ને કોઇ બહાને ડરાવવામાં આવે છે. બાળક આપણું ધાર્યું કરે એ માટે એને જાતજાતના ભય બતાવીએ છીએ. સૂઇ જા નહીંતર હમણાં બાવો આવશે. બાવાથી માંડીને બાઘડા સુધીનો ડર આપણે બાળકને બતાવતા રહીએ છીએ. કેટલાક કિસ્સામાં તો બાળકને પોલીસનો ડર પણ બતાવાય છે. બાળક એવું ડરી જાય છે કે, એ આખી જિંદગી પોલીસથી ડરતું રહે છે. એક સાવ સાચો કિસ્સો છે. એક ફેમિલીમાં એક સંતાનને ચૂપ રાખવા માટે એવું કહેવામાં આવતું કે, ચૂપ રહે નહીંતર લાલ આંખોવાળો રાક્ષસ આવશે. એ બાળકના મનમાં લાલ આંખોવાળા રાક્ષસની એવી છબી રચાઇ ગઇ કે, એ મોટો થઇને પણ લાલ રંગથી ડરતો હતો. આપણામાં જે ફોબિયાઓ હોય છે એની પાછળ પણ આપણી જિંદગીમાં બનેલાં કોઇ ને કોઇ કારણો જ જવાબદાર હોય છે.
મનોવિજ્ઞાનમાં ડરના ત્રણ પ્રકાર પાડવામાં આવે છે. સૌથી પહેલા આવે છે તાર્કિક ડર. આપણી સામે જ્યારે વાસ્તવિક જોખમ ખડું હોય ત્યારે જે ડર લાગે એ તાર્કિક ડર છે. આપણી સામે કોઇ હથિયાર લઇને ઊભું હોય, સામે જંગલી જાનવર કે ઝેરી સાપ આવી ગયો હોય, ભૂકંપ કે બીજા હોનરત થાય ત્યારે જે ડર લાગે છે એ રેશનલ ફિયર એટલે કે તાર્કિક ડર છે. આ પ્રકારના ડરમાં આપણને જીવનું જોખમ લાગે છે. બીજો પ્રાકૃતિક ડર છે. આ ડર આપણા મગજમાં વણાયેલો હોય છે. એકદમ મોટો ધડાકો સાંભળીએ ત્યારે લાગતો ડર, અંધારાનો ભય, ઊંચાઇ પરથી પડી જવાનો ડર વગેરેનો સમાવેશ પ્રાકૃતિક ડરમાં થાય છે. ત્રીજો ડર છે, અતાર્કિક ડર. આ ડર સૌથી વધુ ખરાબ છે. એનું કારણ એ છે કે આવા ડર પાછળ કોઇ કારણ જ નથી હોતું. માણસ મનમાં વિચારીને પોતાની રીતે જ ડરવા લાગે છે. આવો ડર જ ફોબિયાનું સ્વરૂપ લઇ લે છે. ફોબિયાના વળી અસંખ્ય પ્રકારો છે.
છેલ્લે એક સૌથી મોટો સવાલ, શું ડરથી મુક્તિ મળી શકે છે? તેનો સ્પષ્ટ જવાબ હા છે. ડરથી ચોક્કસપણે મુક્તિ મેળવી શકાય છે. મનોવિજ્ઞાન અને ન્યૂરોસાયન્સના અનેક પ્રયોગોથી એ વાત સાબિત થઇ છે કે, ડરને ભગાડી શકાય છે. આપણા મગજની શક્તિ ગજબની હોય છે. એ નવું શીખી શકે છે, ખોટું સુધારી શકે છે અને નવું અપનાવી પણ શકે છે. મગજમાં જે ખોટું ઘર કરી ગયું હોય તેને ભૂંસી પણ શકાય છે. માણસ ધારે તો એ તમામ પ્રકારના ડરમાંથી મુક્તિ મેળવી શકે છે. એના માટે માત્ર માણસની તૈયારી હોવી જોઇએ. ડર કાઢવા માટે અનેક થેરાપી તો છે જ, સૌથી મોટી વાત મનને તૈયાર કરવાની છે કે, ડરવા જેવું કંઇ હોતું નથી. એવા હજારો દાખલાઓ છે જેમાં માણસે ડર કે ફોબિયાથી મુક્તિ મેળવી હોય. તમને કોઇ વાતનો ડર લાગે છે? જો એવું હોય તો તમે ચોક્કસપણે તેનાથી મુક્તિ મેળવી શકો છો. પહેલાં તો મનથી નક્કી કરો કે, મારે કોઇ વાતથી ડરવું નથી. ડર કે આગે જીત હૈ એ વાત ખોટી તો નથી જ.
———-
પેશ-એ-ખિદમત
ઔર સબ કુછ બહાલ રખ્ખા હૈ,
એક બસ ઇશ્ક ચાલ રખ્ખા હૈ,
બસ તેરા હૂં યે સોચ કર બરસો,
મૈંને અપના ખયાલ રખ્ખા હૈ.
– વિનિત આશ્ના
(`સંદેશ’, અર્ધસાપ્તાહિક પૂર્તિ, તા. 30 સપ્ટેમ્બર 2026, બુધવાર, `દૂરબીન’ કૉલમ)
kkantu@gmail.com
