હૂક અપ કલ્ચર : બચકે રહના રે બાબા – દૂરબીન : કૃષ્ણકાંત ઉનડકટ

હૂક અપ કલ્ચર :
બચકે રહના રે બાબા

દૂરબીન : કૃષ્ણકાંત ઉનડકટ


——–

આધુનિકતાના રંગે રંગાયેલા આજના યંગસ્ટર્સમાં
કમિટમેન્ટ વગરના સંબંધો સતત વધી રહ્યા છે.
મોટાં શહેરોમાં જે ચાલી રહ્યું છે એની સામે
મનોવૈજ્ઞાનિકો લાલ બત્તી ધરે છે

———–

જીવી લો. આ સમય ફરી નથી આવવાનો. જે છે એ આ ક્ષણ જ છે. આ બધી વાત સાવ સાચી છે, પણ નવી જનરેશન એને તદ્દન જુદી રીતે લેવા લાગી છે. તેઓ એવું માનવા લાગ્યા છે કે, જે કરવું હોય એ કરી લો, કોઇની ચિંતા કે પરવા કર્યા વગર મન ફાવે એમ જીવી લો. બીજાનું તો ઠીક છે, એને પોતાનું શું થશે એની પણ પરવા નથી. દુનિયાના યંગસ્ટર્સની માફક આપણા દેશમાં પણ હવે હૂક અપ કલ્ચર વધી રહ્યું છે. હૂક અપ કલ્ચરની સાવ સીધી સાદી વ્યાખ્યા કરવી હોય તો કહી શકાય કે, કોઇ પણ જાતના પ્રેમ, લાગણી, આત્મીયતા, પરવા, પ્રામાણિકતા કે કમિટમેન્ટ વગર માત્ર મજા કરવા માટે રાખવાના સંબંધની સંસ્કૃતિ. એમાં ફિઝિકલ રિલેશનથી માંડીને બધું જ આવી ગયું. હૂક અપનો અર્થ દરેક વ્યક્તિ પોતાની રીતે કરે છે. કેટલાક લોકો ફ્રેન્ડ્સ સાથે ધમાલ મસ્તી અને ખાણીપીણીને હૂક અપ કહે છે. ધીમે ધીમે તેનો અર્થ બદલાઈ રહ્યો છે. એક અભ્યાસ મુજબ ભારતના મેટ્રો શહેરમાં ડેટિંગ એપ્સ મારફતે આવું કલ્ચર સતત વધી રહ્યું છે. હવે તેની અસરો ટાયર-ટુ સિટીઝમાં પણ દેખાવા લાગી છે. નવી જનરેશન પોતાની રીતે જીવે એમાં કોઇ વાંધો હોઈ શકે નહીં, પણ હૂક અપ કલ્ચર જીવ્યા પછી તેની જે શારીરિક અને ખાસ તો માનસિક અસરો પેદા થાય છે તેનો સામનો કરવો અઘરો બની જાય છે. સાઇકોલોજિસ્ટો એટલે જ યંગ જનરેશનને ચેતવી રહ્યા છે કે, સંબંધ સમજી વિચારીને રાખો. અજાણી વ્યક્તિ પર આંખ મીંચીને ભરોસો મૂકવાની ભૂલો ભોગવવી પડતી હોય છે.
આપણા દેશમાં થયેલા ઇન્ટરનેશનલ જર્નલ ઓફ એડવાન્સ રિસર્ચમાં એવું બહાર આવ્યું હતું કે, હવેનાં છોકરા-છોકરીઓ એકબીજા સાથે કેઝ્યુઅલ સંબંધ રાખવામાં કોઇ છોછ અનુભવતા નથી. આમાં પણ આશ્ચર્યની વાત એ છે કે, તેઓ આવું બધું માત્ર ટાઇમપાસ અને મજા ખાતર જ કરે છે. એમાંથી 80 ટકા લોકો તો પાછા પરંપરાગત મેરેજ સિસ્ટમ અને મોનોગેમી એટલે કે એક પતિત્વ અથવા એક પત્નીત્વમાં માને છે. મતલબ કે મજા કરી લો, મેરેજ થશે એ પછી એ સિસ્ટમ મુજબ જીવીશું. ડેટિંગ એપ્સે આવું કલ્ચર ડેવલપ કરવામાં બહુ મોટી ભૂમિકા ભજવી છે. બે અજાણ્યા લોકો મળે છે. મોજ મજા કરવા માટે કેઝ્યુઅલ ડેટિંગ કરે છે. સારું લાગે તો આગળ વધે છે. યંગસ્ટર્સ પોતાની વૃત્તિ અને પ્રકૃતિ મુજબ કિસિંગ, પેટિંગથી માંડીને વન નાઇટ સ્ટેન્ડ સુધી આગળ વધે છે. સાથે હોય ત્યાં સુધી બધું ઠીક છે, જુદા પડ્યા પછી તું કોણ અને હું કોણ જેવું કરવામાં આવે છે. યંગસ્ટર્સની એક માન્યતા એવી પણ હોય છે કે, કદાચ આવી રીતે કોઇ સારી વ્યક્તિ મળી પણ જાય. જો એવું થાય તો તેની સાથે લોંગ ટર્મ રિલેશન રાખી શકાય અને મેરેજ પણ કરી શકાય. અલબત્ત, એવા ચાન્સીસ બહુ ઓછા હોય છે, કારણ કે આવા સંબંધમાં દાનત જ માત્ર મજા અને ટાઇમપાસ કરવાની હોય છે.
સૌથી મોટો સવાલ એ છે કે, આખરે યંગસ્ટર્સ આવું ઇચ્છે છે શા માટે? માનસિક વિશ્લેષણમાં એવું બહાર આવ્યું છે કે, હવેનો યંગસ્ટર્સ કરિયર ફર્સ્ટમાં માનવા લાગ્યો છે. એને સંબંધ જોઇએ છે, પણ કોઇ જવાબદારી લેવી નથી. કોઇ કમિટમેન્ટમાં બંધાવું નથી. મેરેજને બંધન માનવાનું વલણ ધીમે ધીમે વધી રહ્યું છે. યુવાનોમાં એક વર્ગ એવો પણ છે જે માને છે કે, મજા કરવાની ઉંમર છે તો મજા કરી લો, પછી આખી જિંદગી જવાબદારીઓ જ નિભાવવાની છેને. એક બીજું કારણ પણ ગજબનું છે. આજનો યંગસ્ટર્સ પીઅર પ્રેશર અનુભવી રહ્યો છે. એને એવું લાગે છે કે, જો આપણે પણ કૂલ દેખાવવું હશે અને ફ્રેન્ડસર્કલમાં વટ પાડવો હશે તો આવું બધું કરવું પડશે. જો આવું નહીં કરીએ તો આપણે દેશી ગણાઇશું. ચીલ મારવામાં ખોટું શું છે. પોતે આધુનિક વિચારસરણી ધરાવે છે એવું સાબિત કરવા માટે ઘણા યંગસ્ટર્સ આવું કરવા માટે પ્રેરાય છે.
આપણા દેશનાં મેટ્રો શહેર એટલે કે મુંબઇ, દિલ્હી, કોલકાતા, મદ્રાસ, બેગલુરુ, પૂના સહિતનાં શહેરોમાં એકલા પીજી કે હોસ્ટેલમાં રહેતા પંચાવન ટકા યંગસ્ટર્સે આવા હૂક અપનો અનુભવ કર્યો હોય છે. હવે આવો ટ્રેન્ડ અમદાવાદ, જયપુર, ઇન્દૌર, પટના જેવાં શહેરોમાં પણ વધી રહ્યો છે. નેશનલ ફેમિલી હેલ્થ સરવેના અહેવાલ મુજબ 15થી 29 વર્ષના અનમેરિડ અને સેક્સ્યુઅલી એક્ટિવ 23.3 ટકા પુરુષો અને 4.2 ટકા સ્ત્રીઓએ એક કરતાં વધુ સેક્સ્યુઅલ પાર્ટનર હોવાનું સ્વીકાર્યું હતું. યંગસ્ટર્સને શરૂઆતમાં આવું બધું સારું લાગે છે અને પોતે કેર ફ્રી હોય એવું સમજે છે, પણ લાંબા ગાળે તેની ખતરનાક માનસિક અસરો થાય છે. આ અંગેના એક સરવેમાં એવું બહાર આવ્યું છે કે, હૂક અપના બીજા જ દિવસે અડધાથી વધુ યુવાનાને પસ્તાવો થાય છે. આવું કરવાની જરૂર નહોતી એવા વિચારો આવે છે. આ અપરાધભાવ જો વધે તો ડિપ્રેશન સુધી પહોંચે છે. ગમે એમ તોયે હજુ આપણે ત્યાં ઉછેર આપણી પરંપરા અને સંસ્કૃતિ મુજબ થાય છે. કેટલાક યુવાનોથી આવું બધું થતા થઇ જાય છે, પણ પછી ગિલ્ટ અનુભવે છે. મનોવૈજ્ઞાનિકો એટલે જ કહે છે કે, જે કંઇ કરો એ બહુ સમજી વિચારીને કરો. બધા જ લોકો સારા હોય એવું જરૂરી નથી. અમુક લોકો કંઇક થઇ ગયા પછી તેનો ફાયદો કે ગેરફાયદો પણ ઉઠાવતા હોય છે. દેખાદેખીમાં કંઇ પણ કરવાની ભૂલ કરવા જેવું નથી. કેઝ્યુઅલ સેક્સ પછી ભવિષ્યમાં જે લાઇફ પાર્ટનર હોય છે તેની સાથે સરખામણી થતી રહે છે. કેટલાક કિસ્સામાં પાર્ટનર પર પણ અવિશ્વાસ પેદા થાય છે. એને પણ આવું કર્યું હશે? શારીરિક સંબંધનો રોમાંચ પણ ઘટી જાય છે.
માણસ ગમે તે કહે, પણ છેલ્લે તો ઇમોશનલ અટેચમેન્ટ જ જિંદગી માટે જરૂરી હોય છે. હૂક અપ કલ્ચરને લીધે ઇમોશનલ નંબનેસ એટલે કે લાગણીની સુન્નતા અનુભવાય છે. એક તબક્કે એવા વિચારો આવે છે કે, આવું બધું કરવાનો અર્થ શું છે? આ તો મોકાનો ફાયદો ઉઠાવવા જેવું છે. ખરો પ્રેમ ક્યાં છે? માણસ સરવાળે તો સંવેદનશીલ વ્યક્તિ છે. એને માત્ર ફિઝિકલ રિલેશન નહીં પણ કોઇ તેની કેર કરે, પેમ્પર કરે, એ જ જોઇતું હોય છે. વધારે પડતા હૂક અપ કલ્ચરમાં પડી જનાર યંગસ્ટર્સ ઇમોશનલ બર્નઆઉટનો ભોગ બને છે. તેઓ ભવિષ્યમાં પોતાના સાચા સાથી પ્રત્યે પણ પ્રેમ કે લાગણી અનુભવી શકતા નથી.
હૂક અપ વિશેના ખયાલો અને માનસિકતા છોકરાઓ અને છોકરીઓમાં અલગ અલગ હોય છે. છોકરાઓનો ઉદ્દેશ મોટાભાગે શારીરિક આનંદ હોય છે. છોકરીઓની સરખામણીમાં છોકરાઓ સેક્સ અને લાગણીઓને બહુ સરળતાથી અલગ રાખી શકે છે. છોકરાઓ આવું બધું કરવાને મર્દાનગી પણ સમજે છે. છોકરીઓ ફિઝિકલની સાથે ઇમોશનલ અટેચમેન્ટથી જોડાઇ જતી હોય છે. એના કારણે જ્યારે ફિઝિકલ રિલેશન પૂરા થઇ જાય અને ઇમોશનલ રિસ્પોન્સ ન મળે ત્યારે તેને આઘાત લાગે છે. છોકરીઓ ભલે કેઝ્યુઅલ સંબંધમાં હોય તો પણ અંદરખાને એવું ઇચ્છતી હોય છે કે, આ હૂક અપ રિલેશન ભવિષ્યમાં સિરિયસ અને પરમેનન્ટ બને. એવું બહુ ઓછા કિસ્સામાં થાય છે. પોતે જે કર્યું હોય છે એની બધાને ખબર પડી જશે તો મને ચારિત્ર્યહીન સમજશે એવો ભય પણ છોકરીઓમાં વધુ લાગે છે. હૂક અપ કલ્ચરમાં છોકરીઓએ વધુ સાવધાન રહેવાની જરૂર છે. પ્રેમ વસ્તુ અલગ છે. માત્ર મજા ખાતર રખાતા સંબંધ તદ્દન જુદી વાત છે. મજા સજા ન બની જાય એનું ધ્યાન રાખવાની સલાહ નિષ્ણાતો આપે છે. જિંદગી મજાની છે. ખરો પ્રેમ મળે ત્યાં સુધી ઉતાવળ ન કરીએ એ જ હિતાવહ છે. ક્ષણિક આવેગોની ઘણી વખત મોટી કિંમતો ચૂકવવી પડતી હોય છે એ વાત દરેક યંગસ્ટરે યાદ રાખવા જેવી છે.


———-

પેશ-એ-ખિદમત
વો હમેં રાહ મેં મિલ જાયે જરૂરી તો નહીં,
ખુદ-બ-ખુદ ફાસલે મિટ જાયે જરૂરી તો નહીં,
જિંદગી તૂને તો સચ હૈ કિ વફા હમસે ન કી,
હમ મગર ખુદ તુઝે ઠુકરાયે જરૂરી તો નહીં.
– જાહિદા જૈદી


(`સંદેશ’, અર્ધસાપ્તાહિક પૂર્તિ, તા. 29 જુલાઇ 2026, બુધવાર, `દૂરબીન’ કૉલમ)
kkantu@gmail.com

Krishnkant Unadkat

Krishnkant Unadkat

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *