તને ભલે ફેર ન પડે, મને બહુ ફેર પડે છે : ચિંતનની પળે – કૃષ્ણકાંત ઉનડકટ

તને ભલે ફેર ન પડે,

મને બહુ ફેર પડે છે

ચિંતનની પળે – કૃષ્ણકાંત ઉનડકટ

મારી જ ભીતરે છતાં મારાથી ગુપ્ત છે,

ચર્ચાય સઘળુ મધ્યમાં કાંઠાથી ગુપ્ત છે,

છે ટેરવાં અજાણ અને સોય પણ બધિર,

સંધાઇ જે ગયું છે એ ટાંકાથી ગુપ્ત છે.

-અનંત રાઠોડ

દરેક માણસ સંવેદનશીલ હોય છે. હા, સંવેદનાઓમાં ક્યારેક ઘટાડો તો ક્યારેક વધારો થતો રહે છે પણ સાવ સંવેદના વગરનો કોઇ માણસ હોતો નથી. ક્યારેક જિંદગીમાં એવી ઘટનાઓ બને છે કે, આપણી સંવેદનાઓ ક્ષુબ્ધ થઇ જાય. નજીકની વ્યક્તિ જ જ્યારે છેહ આપે ત્યારે એવો વિચાર આવી જાય છે કે, જો પોતાના જ લોકો આવું કરી શકતા હોય તો પછી પારકાઓની તો વાત જ ક્યાં કરવી? હવે કોઇના  પર ભરોસો જ નથી કરવો એવો વિચાર આવી જાય છે. કોઇ સંવેદનાઓ કાયમ માટે સુષુપ્ત રહેતી નથી. કોઇક એવી ઘડી આવે છે જ્યારે સંવેદનાઓ ફરીથી સજીવન થઇ જાય છે. માણસમાં આખરે કેટલી સંવેદના હોવી જોઇએ? સંવેદનાનું કોઇ માપ નથી હોતું. કોઇ થોડું સંવેદનશીલ હોય છે, તો કોઇ અત્યંત ઋજુ કહી શકાય એટલા સંવેદનશીલ હોય છે. નાની સરખી વાતમાં એની આંખો ભીની થઇ જાય છે. હ્રદય વલોવાઇ જાય છે. કંઇ લાગતું વળગતું ન હોય એવા લોકોની વાત પણ અત્યંત સંવેદનશીલ વ્યક્તિને અસર કરી જાય છે. સંવેદનશીલ હોવું સારી વાત છે પણ વધુ પડતા સંવેદનશીલ થવામાં બહુ માલ હોતો નથી. અત્યંત સંવેદનશીલ વ્યક્તિને હર્ટ કરવા બહુ સહેલા હોય છે. જરાકેય કંઇ કહો એટલે એને લાગી આવે છે. માણસે સાવ જડ પણ બનવું ન જોઇએ. સંવેદનાઓ પણ અમુક અંશે કંટ્રોલ્ડ હોવી જોઇએ.

આપણી સંવેદનાઓ બધા માટે સરખી નથી હોતી. પોતાના લોકો માટે, પારકા લોકો માટે, નજીકના લોકો માટે અને દૂરના લોકો માટે સંવેદનાઓ જુદી જુદી જ હોવાની છે. બધા ક્યારેય એક સરખા વહાલા લાગતા હોતા નથી. આપણી સંવેદનાઓ સોળે કળાએ ત્યારે જ ખીલે છે જ્યારે આપણી વ્યક્તિ આપણી સાથે હોય છે. આપણને જેનાથી ફેર પડતો હોય છે. આપણને મોટા ભાગે એનાથી જ ફેર પડતો હોય છે જેને આપણાથી ફેર પડે છે. જ્યારે ફેર પડવાનું બંધ થઇ જાય ત્યારે સંબંધોનું પોત ઘસાઇને પાતળું થવા લાગે છે. બે મિત્રોની આ વાત છે. બંનેને બહુ સારું બનતું હતું. બંને સાથે મોટા થયા. સાથે ભણ્યા. બેમાંથી એક ઘણો આગળ નીકળી ગયો. બીજો ખાસ કંઇ કરી શક્યો નહીં. સમય જતો ગયો. એક સમય હતો, જ્યારે બંને પોતાની દરેક વાત એક-બીજાને કરતા હતા. ધીમે ધીમે એ ઘટવા લાગ્યું. જ્યારે સંબંધ આછો થઇ જાય છે ત્યારે વાતો પણ ઘટતી જાય છે. પાછળ રહી ગયેલા ફ્રેન્ડની લાઇફમાં એક કરૂણ ઘટના બની. જ્યારે તેના ફ્રેન્ડને આ વાતની ખબર પડી ત્યારે તેણે કહ્યું, તેં કેમ મને વાત ન કરી? એ મિત્રએ કહ્યું, તને કંઇ ફેર પડે છે ખરો? તેં તારી સારી વાતો કહેવાનું બંધ કરી દીધું એ પછી મેં પણ વાત સારી હોય કે ખરાબ, તને કહેવાનું બંધ કરી દીધું. એકાદ વખત એવું પણ થયું કે, વાત કહ્યા પછી જે રિસ્પોન્સ મળવો જોઇએ એ ન મળ્યો. વાત સાંભળવા ખાતર સાંભળી લીધી હોય એવું લાગ્યું. રણકો વર્તાઇ જતો હોય છે. પ્રત્યાઘાત પરખાઇ જતો હોય છે. આપણને ખબર પડી જાય છે કે, હવે તેના લહેકામાં રણકો નથી. એવું થાય ત્યારે બધું જ બોદું લાગવા માંડે છે.

બધા સંબંધો તૂટવાની વેદના આપણને નથી થતી. વેદના એની જ થાય છે જે સંબંધને આપણે જીવતા હોઇએ છીએ. આપણી લાઇફમાં કેટલાંય લોકો આવતા હોય છે અને કેટલાંયે જતા હોય છે. બહુ થોડા એવા હોય છે જે આપણી લાઇફમાં રહી જાય છે. આપણે જતનપૂર્વક સાચવી રાખ્યા હોય એ જ્યારે ચાલ્યા જાય ત્યારે તમામ વેદનાઓ સક્રિય થઇ જાય છે. કેટલીક ટીસ એવી હોય છે જે આપણને રોજ થોડી થોડી ચીરતી રહે છે. કેટલીક સારી વાતો પણ હોય છે જે સદાયે આપણા દિલમાં સજીવન રહે છે. એક છોકરીની આ વાત છે. એ સોલો ટ્રીપની શોખીન હતી. સમય મળે એટલે એકલી ફરવા નીકળી જાય. એક વખત એ એક અજાણ્યા સ્થળે ફરવા ગઇ. કેટલાંક યુવાનોએ તેને ઘેરી લીધી. એની મસ્તી કરવા લાગ્યા. એ જ સમયે એક છોકરો આવ્યો. જાણે એને ઓળખતો હોય એમ એ છોકરી સાથે રહેવા લાગ્યો. તેનો ઇરાદો બધા બદમાશ છોકરાઓથી પેલી છોકરીને બચાવવાનો હતો. જ્યારે બધાને ખબર પડી કે, આની સાથે તો કોઇ છે એટલે ધીમે ધીમે બધા સરકી ગયા. છોકરીએ છોકરાને થેંક યુ કહ્યું. છોકરો પણ સોલો ટ્રીપમાં જ નીકળ્યો હતો. બે દિવસ સુધી બંને સાથે ફર્યા. જુદા પડવાનો સમય થયો. જતી વખતે છોકરીએ છોકરા પાસેથી તેનો મોબાઇલ નંબર અને એડ્રેસ માંગ્યા. પેલા છોકરાએ બહુ સલુકાઇથી કહ્યું, ના, બસ આટલું જ પૂરતું છે. કેટલીક ઘટનાઓ, કેટલીક યાદો અને કેટલાંક સંબંધોના છેડા અધૂરા જ છોડી દેવા જોઇએ. કેટલીક યાદો પણ જિંદગીભર જીવંત રહેવી જોઇએ. આપણે મળ્યા, થોડો સમય સાથે રહ્યા, વાતો કરી, સારું લાગ્યું. બસ. આટલું પૂરતું છે. છોકરી હસી. હગ કરીને બંનેએ એક-બીજાને બાય કહ્યું. બધું પકડી રાખવાનો પણ ઘણીવખત કોઇ અર્થ હોતો નથી. સારું સપનું પણ ક્યારેક પૂરું કરી દેવું જોઇએ.

આપણો એક પ્રોબ્લેમ એ પણ હોય છે કે, જે લોકો સાથે હોય છે એની આપણે બહુ કેર કરતા નથી. જે દૂર હોય છે એના માટે આપણે કૂચે મરતા હોઇએ છે. સંબંધોનું એક સત્ય એ પણ છે કે, કોઇના માટે કંઇ કરવા તૈયાર હોઇએ ત્યારે એ પણ ચેક કરી લેવું કે સામેની વ્યક્તિને કોઇ ફેર પડે છે ખરો? પ્રેમ, લાગણી, સ્નેહ અને સંબંધ ટુ વે હોવો જોઇએ. વન વે હોય તો આપણે ક્યાંય પહોંચી શકતા નથી. આપણે એ ચેક કરતા રહેવું પડે છે કે, આ સંબંધમાં હું મૂરખ તો બનતો કે બનતી નથીને? એના માટે બધું જ કરી છૂટો જેને તમારી પરવા છે. જેને તમારાથી ફેર પડે છે. એક પતિ પત્ની હતા. બંનેના એક સંબંધીને એક વખત તેમની જરૂર પડી. પત્નીએ પૂછ્યું, શું કરશું? પતિએ કહ્યું, છોડને, મને એનાથી કોઇ ફેર પડતો નથી. આ વાત સાંભળીને પત્નીએ કહ્યું, તને ભલે કંઇ ફેર પડતો ન હોય પણ મને બહુ ફેર પડે છે. આપણને જરૂર હતી ત્યારે એણે આપણું ધ્યાન રાખ્યું છે. હવે આપણે એની કોઇ જરૂર નથી એટલે મોઢું ફેરવી લઇએ એ સારી વાત નથી. આપણે તેની પડખે રહેવું જોઇએ.

સંબંધથી માણસનું માપ નીકળતું હોય છે. કેટલાંક બહુ ઊંડા હોય છે. કેટલાંક બહુ છીછરા હોય છે. આપણને એવા અનુભવો થયા જ હોય છે કે, જેની પાસે કંઇ જ અપેક્ષા ન રાખી હોય એ જરૂર પડ્યે પાક્કી દીવાલની જેમ આપણી પડખે રહ્યા હોય. એવા પણ ઘણા લોકો આપણને ભટકાયા હોય છે, જેના પર આપણે ભરોસો મૂક્યો હોય એ છેલ્લી ઘડીએ ફસકી ગયા હોય. માણસની કક્ષા કેટલી અને કેવી છે એ એના વર્તન પરથી વર્તાઇ આવતું હોય છે. એક ભાઇની આ વાત છે. એ જિંદગીમાં ખૂબ જ આગળ નીકળી ગયા. તેને મળવા માટે એપોઇન્ટમેન્ટ લેવી પડતી હતી. એક દિવસ તેણે પોતાના સેક્રેટરીને બોલાવીને કહ્યું કે, આજની તમામ એપોઇન્ટમેન્ટ કેન્સલ કરી નાખ. ચાલ મારી સાથે. એ ભાઇ કારમાં સીધા પોતાના જૂના ગામે પહોંચ્યા. ગામમાં મોટી ઉંમરના એક વ્યક્તિ બીમાર હતા. તેની પાસે જઇને તેની ખબર પૂછી. એની ટ્રીટમેન્ટ માટે તમામ મદદ કરી. પાછા ફરતી વખતે તેના સેક્રેટરીએ પૂછ્યું, કોણ હતા એ ભાઇ? એ તો સાવ ગરીબ છે. એનું તમારે કંઇ કામ પડવાનું નથી, છતાં તમે એના માટે સમય કાઢ્યો અને ઘણી મદદ કરી. એ ભાઇએ કહ્યું, જ્યારે મારા માટે કોઇને સમય નહોતા ત્યારે એ મારી સાથે હતા. મારી ભણવાની ફી એમણે આપી છે. મને અનેક વખત કહ્યું છે કે, કંઇ ચિંતા ન કરતો, હું બેઠો છું. જેણે એમ કહ્યું હોય કે, કોઇ જાતની ચિંતા ન કરતો એની ચિંતા જો આપણે ન કરીએ તો સમજવાનું કે જિંદગીમાં ધૂળ પડી. કેટલાંક સંબંધો એવા હોય છે જેને સતત યાદ રાખવાના હોય છે જેથી ભૂલાઇ ન જાય. માણસે સમયે સમયે એટલો જ વિચાર કરવાનો રહે છે કે, જે લોકો મારી સાથે હતા એની સાથે હું છું કે નહીં?  

છેલ્લો સીન :

શાંતિ જોઇતી હોય તો તમારી અંદર જ શોધો. બહાર ગમે એટલા ફાંફાં મારશો તો પણ શાંતિ મળવાની નથી. આપણી ભીતરમાં જે છે એ જ આપણું છે. જે અંદર હશે એનો જ અનુભવ અને અહેસાસ થવાનો છે.    -કેયુ

(`સંદેશ’, `સંસ્કાર’ પૂર્તિ, તા. 25 ઓકટોબર 2026, રવિવાર. `ચિંતનની પળે’ કૉલમ)
kkantu@gmail.com

Krishnkant Unadkat

Krishnkant Unadkat

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *