તમારી સાથે કામ કરતા લોકો સાથે તમારે કેવા સંબંધો છે? – દૂરબીન : કૃષ્ણકાંત ઉનડકટ

તમારી સાથે કામ કરતા લોકો
સાથે તમારે કેવા સંબંધો છે?

દૂરબીન : કૃષ્ણકાંત ઉનડકટ


———-

આપણી નજીકના દરેક લોકોના વર્તનની સારી કે નરસી અસર આપણા પણ થતી હોય છે.
સાથે કામ કરતા હોય એની સાથેના સારા સંબંધો આપણી ખુશીમાં વધારો કરે છે
કેટલાંક કલિગ્સ આપણી હાલત બગાડી પણ નાખતા હોય છે!


———–

આપણી લાઇફમાં સુખ, ખુશી, આનંદ અને હળવાશનાં ઘણાં કેન્દ્રો હોય છે. આપણું ઘર અને આપણી ઓફિસ હેપીનેસના સૌથી મોટા સોર્સ છે. ઘરનું અને આપણે જ્યાં કામ કરતા હોઇએ એ સ્થળનું વાતાવરણ જો સારું હોય તો સ્ટ્રેસની ગેરહાજરી રહે છે. જો પરિસ્થિતિ તેનાથી ઊંધી હોય તો જિંદગી નર્ક જેવી પણ બની જાય છે. હમણાં થયેલો એક સરવૅ એવું કહે છે કે, તમારી સાથે જે લોકો કામ કરે છે એની સાથે તમારે જો સારા સંબંધો હશે તો તમારી જિંદગી સુખી અને સ્વસ્થ રહેશે. માણસને છેલ્લે તો માણસ સાથે પનારો હોય છે. આપણી આસપાસ જે લોકો હોય છે તેની સારી કે નરસી અસર આપણને થવાની જ છે. દરેક માણસની પોઝિટિવ કે નેગેટિવ ઔરા હોય છે, જે આપણને ડાયરેક્ટ ઇફેક્ટ કરે છે. તમે માર્ક કરજો, કેટલાંક લોકોને જોઇને જ આપણે ઇરિટેટ થઇ જઇએ છીએ. આપણને એમ થાય કે, આ ક્યાં સામે મળી ગયો કે મળી ગઇ? તેનાથી તદ્દન વિરુદ્ધ કેટલાંક લોકોને જોઇને આપણને સારું લાગવા માંડે છે. ઓફિસમાં ઘણી વખતે અમુક વ્યક્તિ રજા પર હોય ત્યારે એક કામચલાઉ ખાલીપો અનુભવાતો હોય છે. દરેક વ્યક્તિના વૅવ્ઝ આપણને સ્પર્શે છે અને કેટલાંકના વૅવ્ઝ આપણને ડિસ્ટર્બ પણ કરે છે.
આપણે જાગ્રત અવસ્થામાં ઘરે જેટલો સમય રહીએ છીએ તેના કરતાં વધુ સમય આપણે ઓફિસમાં વિતાવતા હોઈએ છીએ. હવે જોબ નવ કલાકની થઇ ગઇ છે. ઓફિસમાં જે લોકો હોય છે એ તમામ આપણી પસંદના હોય એવું બિલકુલ જરૂરી નથી. આપણને કેવા બોસ અને કેવા કલિગ્સ મળે છે એ પણ નસીબનો જ હિસ્સો માનવામાં આવે છે. કેટલીક ઓફિસમાં સાથે કામ કરનારા લોકો મિત્રો જેવા હોય છે. આવા સ્થળે કામે જવાની અને ત્યાં ગયા પછી કામ કરવાની પણ મજા આવે છે. કેટલીક ઓફિસ એવી હોય છે જ્યાં પગ મૂકીએ એ સાથે કારણ વગરનું ટેન્શન અને પ્રેશર લાગવા માંડે. આપણી આજુબાજુમાં એવા લોકો કામ કરતા હોય જેની સાથે આપણને નયાભારનું ફાવતું ન હોય. નોકરી છોડવાનાં કારણોમાં એક અને સૌથી મોટું કારણ નેગેટિવ વર્કિંગ એટમોસ્ફિયરનું હોય છે. મોટા ભાગના લોકો નોકરી એટલા માટે છોડતા હોય છે કે, એ જ્યાં કામ કરતા હોય ત્યાં કામ કરવાની મજા આવતી નથી. પગાર સહિત બધું સારું હોય પણ જો સાથે કામ કરતા લોકો બરાબર ન હોય નોકરી ભારરૂપ લાગે છે.
તમે જ્યાં કામ કરો છો ત્યાં તમને મજા આવે છે? મજા ન આવતી હોય તો એનાં કારણો શું છે? એ કારણોનો ઉકેલ તમે લાવી શકો છો? દરેક વખતે સામેની વ્યક્તિનો જ વાંક હોય એવું જરૂરી નથી. ક્યારેક આપણો પ્રોબ્લેમ આપણે પોતે જ હોઇએ છીએ! દરેક માણસે એ ચેક કરતા રહેવું જોઇએ કે, મારા સાથી કર્મચારીઓ સાથે મારું બીહેવિયર તો સારું છેને? હું બધાનો વાંક કાઢું છું પણ મારો તો કોઈ વાંક નથીને? ઘણા લોકો એવા હોય છે જે કોઇની સાથે મિક્સ જ ન થાય. લંચ બ્રેકમાં સાથે જમવા પણ ન બેસે. જાણે પોતે બીજી જ દુનિયાના ન હોય! આપણી સાથેના લોકો આપણાથી વર્કમાં કે નોલેજમાં કદાચ થોડાક નબળા હોઈ શકે પણ એને તુચ્છ સમજવા એ બિલકુલ યોગ્ય નથી. ઘણા લોકો પોતાનાથી હોશિયાર લોકોની ઇર્ષા પણ કરતા હોય છે. એ પોતાની જાતને સમથિંગ સમજે છે. આમ તો દરેક પ્રકારના લોકો ઓફિસમાં હોવાના જ છે. એ બધા સાથે એડજસ્ટ થવું એ પણ એક આર્ટ જ છે.
અમેરિકાના હાર્વર્ડ સ્ટડી ઓફ એડલ્ટ ડેવલપમેન્ટના ડિરેક્ટર અને સાઇકિયાટ્રિસ્ટ રોબર્ટ વાલ્ડિંગર અને તેમના સાથી સાઇકોલોજિસ્ટ માર્ક શેલ્ફે 80 વર્ષથી ચાલતા એક રિસર્ચના આધારે `ધ ગૂડ લાઇફ : લેસન ફ્રોમ ધ લોંગેસ્ટ સાયન્ટિફિક સ્ટડી ઓફ હેપીનેસ’ નામનું પુસ્તક લખ્યું છે. આ બુકમાં જણાવાયું છે કે, જે લોકોને પોતાના સાથી કર્મચારીઓ સાથે સારા સંબંધો હતા એ લોકો વધુ ખુશ રહેતા હતા. એને ઘરેથી ઓફિસ અથવા તો કામ કરવાના સ્થળે જવાનું મન થતું હતું. જે લોકોને પોતાના કલિગ્સ સાથે ઇશ્યૂઝ કે પ્રોબ્લેમ્સ હતા એ લોકો હેરાન, પરેશાન અને દુ:ખી હતા.
સમયની સાથે બધું બદલાતું હોય છે. સંબંધો પણ સમયની સાથે બદલાતા રહેવાના છે. અગાઉના સમયમાં સાથે કામ કરતા લોકો એકબીજાને જ નહીં પણ એકબીજાના પરિવારને પણ સારી રીતે ઓળખતા હતા. સારા-નરસા પ્રસંગે એકબીજાના ઘરે આવરો-જાવરો રહેતો હતો. તમે જરાક વિચાર કરજો, તમારી સાથે જે લોકો કામ કરે છે એમાંથી કેટલાના ઘરે તમે ગયા છો? ઘરે જવાની વાત સાઇડમાં રાખો, માત્ર એટલું કહો કે, સાથે કામ કરનાર વ્યક્તિની જિંદગી વિશે તમે કેટલું જાણો છો? તમારી સાથે કામ કરનારાઓમાંથી તમારા ઘરે કેટલા લોકો આવ્યા છે? હવે એક ફિલોસોફી એવી પ્રચલિત થતી જાય છે કે, ઓફિસના સંબંધો ઓફિસ પૂરતા મર્યાદિત રાખવાના! આવી થિયરીને વળી પ્રોફેશનાલિઝમ સાથે જોડવામાં આવે છે. સાથે કામ કરતા લોકો સાથે પ્રોફેશનલ રિલેશન જ રાખવાના, બહુ પર્સનલ નહીં થવાનું! અલબત્ત, એમાં કશું ખોટું નથી પણ એનાથી ફેર તો પડે જ છે. આપણને ઘણી વખત ખબર જ નથી હોતી કે, આપણી સાથે જે દરરોજ આઠથી નવ કલાક વિતાવે છે, જે રોજ કેન્ટિનમાં સાથે જમે છે એ કેવી માનસિકતામાંથી પસાર થાય છે? ક્યારેક આપણને ખબર પડે ત્યારે એવી લાગણી પણ થાય છે કે, એ આટલા ખરાબ સમયમાંથી પસાર થતો કે થતી હતી અને આપણને ખબર સુધ્ધાં ન પડી? ખબર ક્યાંથી પડે, કોઇ દિવસ કોઇની વાત સાંભળવાની કે સમજવાની તૈયારી બતાવી હોય તોને? કહે છેને કે, કોઇ સાંભળવાવાળું હોય એનાથી બહુ મોટો ફેર પડતો હોય છે. હળવા થવા માટે એક ખૂણો જોઇએ, એ ખૂણો જ આપણે કામ કરતા હોઇએ ત્યાં જ હોય તો જિંદગી ઘણી વખત બહુ આસાન થઇ જાય છે. આપણાં ઘણાં કામ પણ આસાનીથી પતી જાય છે. દરેક ઓફિસમાં એક-બે એવા લોકો હોય જ છે જે સબ મર્ઝ કી દવા જેવા હોય છે. એ ઉત્સાહથી બધાને મદદ કરતા હોય છે. કેટલાંક લોકોને તો સાથે કામ કરતા લોકો સાથે એવી દોસ્તી થઇ જાય છે કે, નોકરી બદલે, શહેર બદલે પણ સંબંધ અકબંધ રહે છે. આ અંગે નિષ્ણાતો તો એવી સલાહ આપે છે કે, જો તમારે તમારી સાથે કામ કરતા લોકો સાથે સારા સંબંધ ન હોય તો પ્રયત્નપૂર્વક રિલેશન્સ ડેવલપ કરો. કલિગ્સની સાથે જમો, ચા-પાણી પીઓ, ફેમિલી સાથે પિકનિક પર જવાનું પ્લાનિંગ કરો, એકબીજાના પરિવારના ખબરઅંતર પૂછતાં રહો, જરૂર પડે ત્યારે ઉપયોગી થાવ. આ બધું દિલથી થવું જોઇએ, નાટક નથી કરવાનું. તમારા સંબંધો જો સજીવન હશે તો જિંદગી જીવવાની મજા આવશે. ઓફિસ કે કામના સ્થળે જવાનું મન થશે અને હળવાશ પણ લાગશે. બહુ અઘરું નથી. છેલ્લે એક વાત, આપણે પોતે પણ બધાની નજીક જ રહેવાનું છે. જે લોકો સાથે કામ કરે છે તેને આપણે બદલી શકતા નથી પણ આપણે જો ઇચ્છીએ તો તેની સાથે સારા સંબંધો તો ડેવલપ કરી જ શકીએ. ટ્રાય કરી જોજો, સરવાળે ફાયદો જ થવાનો છે!
હા, એવું છે!
માત્ર પુરુષો કે માત્ર મહિલાઓ કામ કરતી હોય એવી જગ્યાઓની સરખામણીમાં જ્યાં લેડિઝ અને જેન્ટ્સ બંને કામ કરતાં હોય ત્યાં વર્કિંગ એટમોસ્ફિયર વધુ સારું હોય છે એવું એક અભ્યાસ કહે છે. અલબત્ત, તેમાં પણ એ જરૂરી હોય છે કે, જે કામ કરે છે એ મહિલાઓ અને પુરુષો સ્વભાવે કેવાં છે! છેલ્લે તો માણસની પ્રકૃતિ જ માહોલ સુધારતી કે બગાડતી હોય છે!
(`સંદેશ’, અર્ધસાપ્તાહિક પૂર્તિ, તા. 18 ઓક્ટોબર, 2023, બુધવાર, `દૂરબીન’ કૉલમ)
kkantu@gmail.com

Krishnkant Unadkat

Krishnkant Unadkat

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *