નવું એટલે કેવું?
તાજું કે ટાઢું?
દૂરબીન-કૃષ્ણકાંત ઉનડકટ
જિંદગીમાં કંઇપણ નવું બને ત્યારે થોડીક નવી ઊર્જાનો સંચાર થાય છે, નવી શક્યતાઓ ઊભી થાય છે. ‘નવા’નો એક રુઆબ હોય છે. ‘નવા’ની એક નજાકત હોય છે. નવું વર્ષ એ માત્ર તારીખિયું બદલાવવાની ઘટના નથી, થોડાક નવા થવાનો અવસર છે. આજે એકડે એકથી 2017ની સાલ શરૂ થઇ રહી છે. સમયની એક નવી કૂંપળ ફૂટી છે. નવું હોય એ કૂણું હોય છે, નાજુક હોય છે, હળવું હોય છે અને રોમાંચથી તરબતર હોય છે. કંઇક પ્રારંભી રહ્યું છે, કંઇક ખીલી રહ્યું છે, કંઇક સર્જાઇ રહ્યું છે. જે સર્જાય છે એ કેટલું સમજાય છે?
હા, કહેવું હોય તો એમ પણ કહી શકાય કે, શું ફેર પડે છે? ગઇકાલ જેવી જ આજ છે. 365 દિવસ પૂરા થાય પછી આપણે 366મા દિવસને પહેલો દિવસ કહી દઇએ એટલે એ નવો થઇ જાય? ગઇકાલ રાતની પાર્ટી પણ ક્યાં નવી હતી? આવી પાર્ટી તો વરસમાં ઘણીવાર કરીએ છીએ. નવું તો ફક્ત દિલને બહેલાવવાનું બહાનું હોય છે, બાકી કંઇ ક્યાં નવું હોય છે? જિંદગીની એ જ ઘટમાળ, એ જ ઉપાધિઓ, એ જ પડકારો, એ જ દોડ, એ જ હાંફ, એ જ થાક અને બધું એનું એ જ. સંવેદનામાં ઊભરો આવે છે અને શમી જાય છે, સપનાઓ ઊગે છે અને પછી નમી જાય છે, અચાનક કોઇ ગમી જાય છે પણ થોડાક જ સમયમાં એ પણ ‘પરખાઇ’ જાય છે. હા, આવું જ વિચારવું હોય તો કંઇ નવું નથી. બધું જૂનું જ છે. આજે રાત પડશે અને નવું વર્ષ પણ એક દિવસ જૂનું થઇ જશે.
‘નવા’નો કોઇ મતલબ નથી હોતો? હોય છે. ચોક્કસ હોય છે. નવાં કપડાં પણ પહેલી વખત આપણને થોડાક ‘કડક’ રાખે છે, નવાં સપનાં પણ આપણને જાગતા રાખે છે. ‘નવા’માં એક ‘નશો’ હોય છે, નશો બસ ચડવો જોઇએ. ચાલો થોડુંક નવું યાદ કરીએ. કોલેજનો પહેલો દિવસ યાદ છે? યાદ કરો, કેવી તૈયારી કરી હતી? નોકરીનો પહેલો ઇન્ટરવ્યૂ કેટલા ધબકારા વધારતો હતો? નોકરીનો પહેલો દિવસ થોડાક અજંપા સાથે ઉજાસ ઓઢીને આવ્યો ન હતો? પોતાની પહેલી બાઇક કે ફર્સ્ટ કાર ખરીદતી વખતે કેવી લાગણી થઇ હતી? પ્રેમીનો પહેલો સ્પર્શ અસ્તિત્વને કેટલું ઝણઝણાવી ગયો હતો? જિંદગીમાં કેટલું બધું નવું બનતું રહે છે, નવું બને ત્યારે તેનું સ્વાગત પણ નવું હોવું જોઇએ. તાજું હોવું જોઇએ, તાજગી આપે એવું હોવું જોઇએ.
આજથી ત્રણસો પાંસઠ પાનાની એક નવી વાર્તા શરૂ થઇ રહી છે. રોજ નવું પાનું હશે. વાર્તા લખવાની જ છે. લખવી તો પડશે જ. પાનું તો રોજ બદલવાનું જ છે. મરોડદાર અક્ષરોથી લખશો તો પણ લખાશે અને લીટા પાડશો તો પણ પાનું તો ભરાવવાનું જ છે. લખતી વખતે એટલું કરીએ તો ઘણું કે જૂનાં પાનાં ઉથલાવીએ ત્યારે ચહેરો થોડોક મલકે, આંખ થોડીક ચમકે અને સ્મરણોની થોડીક સુગંધ પ્રસરે.
ગયા વર્ષની વાર્તામાં એવાં કેટલાં પાનાં હતાં જેના પર લીટા હતા, ડાઘા હતા અથવા તો પાનાં સાવ કોરે કોરાં હતાં? જવા દો, એ નહીં જોતા, સારાં પાનાં ઉપર નજર ફેરવવી હોય તો ફેરવજો. ગયા વર્ષનો કેટલો ભાર પીઠ પર લદાયેલો છે? એ ભારને ફગાવી દો. હળવા થઇ જાવ. જો એ બેગેજ સાથે હશે તો આ નવા દિવસથી અને નવા વર્ષની હળવાશ નહીં લાગે. જિંદગીની ખુશી ઘણી વખત એમાં સમાયેલી હોય છે કે તમે કેટલું ભૂલી શકો છો? જે ભૂલી નથી શકતા એ ખૂલી નથી શકતા. બંધ રહે છે, પુરાયેલા રહે છે, કેદ હોય છે પોતાની અંદર જ. નવા વર્ષમાં જૂનાથી થોડાક મુક્ત, થોડાક આઝાદ અને થોડાક અલિપ્ત થવાય તો પણ નવાનો અહેસાસ માણવાની મજા આવશે. હાથ થોડાક પહોળા કરી નવા વર્ષને આલિંગન આપીએ, હોઠ થોડાક મલકાઇને નવા વર્ષને આવકાર આપીએ, નવી ક્ષણો, નવા શ્વાસો, નવા વિશ્વાસો અને નવી સંવેદનાઓ શુભ હોય અને આપણા સંબંધો સજીવન રહે એનાથી મોટી શુભકામનાઓ બીજી શું હોય? હેપી ન્યૂ યર 2017!
(‘દિવ્ય ભાસ્કર’, ‘રસરંગ પૂર્તિ’, તા. 01 જાન્યુઆરી 2017, રવિવાર. ‘દૂરબીન’ કોલમ)