તને કેમ મારામાં કંઈ
સારું દેખાતું જ નથી?
ચિંતનની પળે : કૃષ્ણકાંત ઉનડકટ
એક પણ ક્યાં કામ સરખાં થાય છે,
પેટવું દીવો ને ભડકા થાય છે,
સાથ પણ ક્યારેક અડચણ રૂપ હોય,
આંગળી છૂટે ને રસ્તા થાય છે.
-ભાવિન ગોપાણી
‘એને બસ બધામાં મારો જ વાંક દેખાય છે. જે કંઈ થાય છે એના માટે જવાબદાર હું જ છું! એને પોતાના વિશે ક્યારેય કંઈ વિચાર જ નથી આવતો. હું એના વાંક કાઢવા બેસું તો ઘણા બધા વાંક કાઢી શકું એમ છું. એ મારી કોઈ વાત સમજવા જ તૈયાર નથી. એ કહે એ બધું સાચું. મારી દરેક વાત ખોટી. દરેક વાતમાં મારે જ જતું કરી દેવાનું! એણે કંઈ જ કરવાનું નહીં. આપણે એના ઇગોને પેમ્પર કરતા રહેવાનું. એની હામાં હા પુરાવીએ તો આપણે સારા. ના પાડીએ કે દલીલ કરીએ એટલે આપણે ખરાબ અને ખોટા. આવું થોડું ચાલે? મારામાં તો જાણે કંઈ બુદ્ધિ જ નથી! બધી સમજ, બધી આવડત અને બધી હોશિયારી તેનામાં જ છે.’ સંબંધો સવાલ કરતા હોય છે. સંબંધો ફરિયાદ જગાવતા હોય છે. સંબંધો આપણને વિચારતા કરી દે છે કે આ શું થઈ રહ્યું છે?
ક્યારેક એવો પણ વિચાર આવે છે કે જે કંઈ થઈ રહ્યું છે એમાં મારો તો ક્યાંય વાંક નથી ને? પોતાનો વાંક શોધવાનો વિચાર આવે છે, પણ એ મળતો નથી. આપણને સરવાળે એ જ મળતું હોય છે જે આપણે શોધવું હોય છે. એક દંપતી ફિલોસોફર પાસે ગયું. તેણે કહ્યું કે, અમારી વચ્ચે રોજ ઝઘડા થાય છે. રોજની માથાકૂટથી અમે કંટાળી ગયા છીએ. ફિલોસોફરે બંનેને એક એક કાગળ અને પેન આપ્યાં. બંનેને કહ્યું કે, તમે અલગ-અલગ રૂમમાં જાવ. તમને એકબીજામાં જે પ્રોબ્લેમ લાગતા હોય એની એક યાદી બનાવો. બંને ગયાં. થોડી વાર પછી પાછા આવ્યાં. બંને પાસે પોતપોતાનું લાંબું લિસ્ટ હતું. ફિલોસોફરે કહ્યું, હું આ યાદી જોઉં ત્યાં સુધીમાં તમે એક બીજું કામ કરો. ફિલોસોફરે બંનેને પાછો એક-એક કાગળ આપ્યો. તેણે કહ્યું કે, હવે તમે બંને આ કાગળ પર એકબીજાની સારી બાબતોની યાદી બનાવો. રૂમમાં જાવ. બંને રૂમમાં ગયાં. ઘણો સમય થયો, પણ પાછા જ ન આવ્યાં. આખરે ફિલોસોફર બંનેને મળવા ગયા. તેણે પૂછ્યું, કેમ કંઈ નથી મળતું? એકબીજામાં કંઈ જ સારું નથી? એવું તો હોઈ જ ન શકે! ફિલોસોફરે કહ્યું કે, તમને સારી વાત એટલે જ નથી મળતી, કારણ કે તમે એ શોધવાનો તો ક્યારેય પ્રયાસ જ નથી કર્યો. તમે તો એકબીજાના વાંક કાઢવામાંથી નવરાં જ નથી પડ્યાં. માણસે પોતાની વ્યક્તિમાં સારું શું છે એ જાણવા અને સમજવા માટે પણ પ્રયાસ કરતા રહેવું જોઈએ. આ પ્રયત્ન તમે પણ કરી જુઓ. તમારી વ્યક્તિની સારી બાબતો, સારી આદતો અને સારા ઇરાદાઓની યાદી તો બનાવી જુઓ. યાદ રાખવા જેવું આપણે યાદ રાખતા નથી એટલે જે ભૂલવા જેવું હોય એ આપણે ભૂલી શકતા નથી. સુખી જીવન માટે એ નક્કી કરવું જરૂરી હોય છે કે શું યાદ રાખવું અને શું ભૂલી જવું.
એક પતિ-પત્ની વચ્ચે ઝઘડો થયો. પતિથી એક વાત બોલાઈ ગઈ હતી, જે પત્નીનાં મગજમાંથી ખસતી જ નહોતી. દર વખતે કંઈ થાય એટલે પત્ની એ જ વાત કાઢીને બેસતી કે તેં આવું કહ્યું હતું મને. તારાથી આવું કહી જ કેમ શકાય? હું તને આ વાત માટે તો કોઈ દિવસ માફ કરવાની નથી. પત્નીની એક ફ્રેન્ડ તેને મળવા આવી. પતિ સાથેની રિલેશનશિપની વાતો થઈ. મારા પતિએ આ વાત કરી જે મારા મગજમાંથી નીકળતી જ નથી. તેની ફ્રેન્ડે કહ્યું, તમારી આટલા વર્ષની મેરેજ લાઇફમાં આ એક જ વાત થઈ છે? બીજી વાતો જ નથી થઈ? સારી વાતો પણ થઈ જ હશે! એ બધી કેમ મગજમાંથી નીકળી ગઈ? એને તારે કાઢવી હતી અને આ વાતને તારે જ કાઢવી નથી. સારું હોય એ યાદ રાખવું વધુ જરૂરી છે. માણસથી ક્યારેક ભૂલ થતી હોય છે. માણસથી ક્યારેક ન બોલવું જોઈએ એવું બોલાઈ જતું હોય છે. ક્યારેક અયોગ્ય વર્તન પણ થઈ જતું હોય છે. એ વાત કે વર્તનથી નારાજગી થાય, ગુસ્સો આવે એ પણ સ્વાભાવિક છે. ગુસ્સો વ્યક્ત કરી દેવામાં પણ કંઈ વાંધો નથી. એ વાતનો પછી અંત આવવો જોઈએ. આપણે તો ભૂલતા પણ નથી અને આપણી વ્યક્તિને ભૂલવા પણ દેતા નથી. આપણે સતત એને એની ભૂલનું ભાન કરાવવું હોય છે. એવું કરવામાં આપણે ઘણી વખત આપણો સંબંધ દાવ પર લગાડી દેતા હોઈએ છીએ. કોઈ સંબંધ એક વાતથી તૂટતો નથી. કુહાડીના એક ઘાથી ઝાડ પડી જતું નથી. આપણે વાતોને મૂકતા નથી. ઘાને રુઝાવવા દેતા નથી. જરાક રુઝાય ત્યાં પાછો ખોતરીએ છીએ. મોટાભાગના સંબંધો ભૂતકાળમાં બનેલા બનાવોને સતત વાગોળ્યા રાખવાથી અંત પામે છે. આપણે સારી યાદોને સાચવીએ છીએ, પણ માત્ર ફોટાના આલ્બમમાં કે પછી મોબાઇલની ગેલેરીમાં. મનમાં શું સાચવીએ છીએ? કઈ વાત મનમાંથી નીકળતી નથી? જે કાઢી નાખવા જેવી હોય એ જ વાત.
જિંદગીની અમુક ઘટનાઓ એવી હોય છે, જે આપણા દિલ પર ભાર ઊભો કરતી હોય છે. કોઈ વાત, કોઈ સ્મરણ કે કોઈ વર્તન આપણને અંદરથી કોરી ખાતું હોય છે. એક વાત યાદ રાખવા જેવી એ છે કે જે વ્યક્તિના કારણે આવું થયું હોય એ આપણા દિલનો ભાર હળવો કરવા આવવાની નથી. એ તો આપણે જ હટાવવો પડે. કંઈક ન ભૂલીને પીડાતા તો આપણે જ હોઈએ છીએ ને?
એક છોકરા અને છોકરીનું બ્રેકઅપ થયું. છોકરાને આ વાતથી બહુ આઘાત લાગ્યો. એને ક્યાંય મજા આવતી નહોતી. જે થયું એમાં એનો કશો જ વાંક ન હતો. એ ઉદાસ રહેતો. દુ:ખી થતો. તેના એક મિત્રને કહ્યું કે યાર મારો તો કંઈ જ વાંક ન હતો. મિત્રએ બધી જ વાત શાંતિથી સાંભળી. છેલ્લે એ મિત્રએ કહ્યું કે તું સાવ સાચો છે. બ્રેકઅપ થયું એમાં તારો કંઈ જ વાંક નથી, પણ બ્રેકઅપ થયા પછી તું જે દુ:ખી થાય છે, ઉદાસ રહે છે એમાં તો માત્ર ને માત્ર તારો જ વાંક છે. તને કોઈએ કહ્યું નથી કે તું દુ:ખી થજે. રડતો રહેજે. તારા નસીબને કોસતો રહેજે. એ બધું તો તું જ કરી રહ્યો છે. આપણે એવું જ કરતા હોઈએ છીએ. મારો તો કંઈ વાંક નથી, તોયે એણે મારી સાથે આવું કર્યું? આપણો વાંક ન હોય તો પછી આપણે શેની ચિંતા કરતા હોઈએ છીએ? આપણે કેમ ઘૂંટાતા રહીએ છીએ? આપણે કોઈનાથી મુક્ત થવાની સાથે આપણાથી પણ થોડુંક મુક્ત થવાની જરૂર હોય છે.
ક્યારેક તો આપણને કોઈક કંઈ કહી જાય પછી આપણે આપણા વિશે અભિપ્રાય બાંધી લેતા હોઈએ છીએ. તારામાં કંઈ સમજ જ નથી. તને કંઈ આવડતું જ નથી. તું કંઈ કરી શકવાનો જ નથી. તારું મોઢું જોયું છે? આવું જેણે કહેવું હોય છે એ તો કહી દે છે, પણ પછી આપણે શું કરીએ છીએ? એક છોકરાને તેના મિત્રએ આવું બધું કહ્યું એટલે તે પોતાના વડીલને પૂછવા ગયો કે શું હું ખરેખર આવો છું? મારામાં કંઈ જ આવડત નથી? વડીલે એટલું જ કહ્યું કે, તું જે છે એને સમજવાની એની દૃષ્ટિ નથી. તું તારી આવડત વિશે શંકા ન કર, એવું વિચાર કે એનામાં એવી સમજ નથી કે તારામાં કંઈ સારું જોઈ શકે. દુનિયામાં તમને પ્રેરણા આપનારી વ્યક્તિઓ કરતાં તમને નબળા દેખાડવાનો પ્રયાસ કરનારા વધુ જ હોવાના. સારું બહુ ઓછા લોકો જોઈ શકે છે. જે સારું જોતા હોય એને સમજવા અને સ્વીકારવાની જરૂર હોય છે. આપણે જે ખરાબ, ખોટું કે નબળું બોલતા હોય છે એને જ મગજમાં રાખતા હોઈએ છીએ.
તમારો અભિપ્રાય તમે જ બાંધો. કોઈ નબળા કહે એટલે તમે નબળા નથી થઈ જતા. સારી વાત કહો અને તમારી વ્યક્તિની સારી વાતોને જ યાદ રાખો. પોતાની વ્યક્તિ ઉપર તો જ પ્રેમ આવશે જો એ તમને સારી લાગશે. સારી તો જ લાગશે જો તમે એની સારી વાતો યાદ રાખશો. ખોટી અને નબળી વાતો ભૂલી જશો. આંખની આડે એક કાળો પથ્થર રાખી દેશોને તો બધું કાળું જ દેખાશે. એ પથ્થર પાછળ સુંદર રંગીન ચિત્ર છે. એ જોવા માટે કાળો પથ્થર હટાવવો પડે. જિંદગીમાંથી હટાવવા જેવું હટાવી દો, એ પછી જે રહેશે એ રાખવા જેવું, સાચવવા જેવું અને જીવવા જેવું જ હશે!
છેલ્લો સીન :
કોઈના વાંક કાઢવા બહુ સહેલા છે. સહેલું હોય એ આપણને બહુ ફાવતું હોય છે. સાવ સહેલું હોય એનાથી સાવચેત રહેવું જોઈએ. -કેયુ.
(‘દિવ્ય ભાસ્કર’, ‘કળશ’ પૂર્તિ, તા. 31 ઓકટોબર 2018, બુધવાર, ‘ચિંતનની પળે’ કોલમ)
kkantu@gmail.com