રંગ ઘટતા જાય છે! રંગહીન સમાજ તરફ આગળ વધતી દુનિયા – દૂરબીન : કૃષ્ણકાંત ઉનડકટ

રંગ ઘટતા જાય છે!
રંગહીન સમાજ તરફ આગળ વધતી દુનિયા

દૂરબીન : કૃષ્ણકાંત ઉનડકટ


——–

લોકોની જિંદગીમાંથી કલર ઓછા થઈ રહ્યા છે.
લાલ, પીળો, ગુલાબી કલરને બદલે
ગ્રે અને ડાર્ક શેડમાં વધારો થઈ રહ્યો છે.
કલર આપણી જિંદગીને રંગીન બનાવે છે.
વેલ, તમારો ફેવરિટ કલર ક્યો છે?


———–

તમારી આજુબાજુમાં નજર કરો. કેટલા રંગ જોવા મળે છે? મુખ્ય રંગ જાનીવાલીપીનારા એટલે કે જાંબલી, નીલો, વાદળી, લીલો, પીળો, નારંગી અને રાતો એટલે કે લાલ રંગમાંથી તમારી આસપાસ કેટલા રંગો છવાયેલા છે? તમે માર્ક કરશો તો ખબર પડશે કે, અમુક જ રંગ આપણી આસપાસ હોય છે. હમણાં થયેલા એક સરવેમાં એવું બહાર આવ્યું છે કે, લોકોની જિંદગીમાંથી રંગો સતત ઘટી રહ્યા છે. સમયની સાથે આવેલો આ બદલાવ માણસની માનસિકતાને સીધી અસર કરી રહ્યો છે. દરેક રંગની ચોક્કસ ખાસિયતો છે. લાલ રંગ જુસ્સાનો છે. સફેદ રંગ શાંતિ, પવિત્રતા અને સ્વચ્છતાનો છે. લાલ રંગ ભૂખ વધારે છે એટલે કેટલીક રેસ્ટોરાંમાં લાલ રંગનો ઉપયોગ વધુ પ્રમાણમાં થાય છે. વાદળી રંગ મનને શાંત કરે છે અને તણાવ ઘટાડે છે. લીલો રંગ આંખોને આરામ આપે છે અને સ્ટ્રેસ ઓછો કરે છે. પીળો રંગ આપણા શરીરમાં હેપી હોર્મોન્સમાં વધારો કરે છે. રંગોની અસરોના આધારે જ રંગ થેરાપી બની છે. રંગ માત્ર ભૌતિક કલર પૂરતા મર્યાદિત નથી, એ માનવીય સંવેદનાઓ, સાંસ્કૃતિક વિવિધતા, પ્રકૃતિ, જોડાણ, તહેવાર અને ઉત્સવો સાથે જોડાયેલા વૈવિધ્યના પ્રતીક છે.
આપણા બધાની લાઇફમાંથી રંગો ઝડપથી ઘટી રહ્યા છે. લંડનના સુપ્રસિદ્ધ સાયન્સ મ્યુઝિયમના ડિજિટલ ઇનોવેશન ગ્રૂપે વર્ષ 1800થી લઇને 2020 સુધીની સાત હજાર રોજિંદી ચીજોનો અભ્યાસ હાથ ધર્યો હતો. આ અભ્યાસમાં ઘરમાં વપરાતી ચીજવસ્તુઓ, ફર્નિચર, વાહન વગેરેનો સમાવેશ થતો હતો. આ અભ્યાસમાં એવું બહાર આવ્યું હતું કે, સમયની સાથે લાલ, પીળો, વાદળી, ગુલાબી જેવા બાઇબ્રન્ટ કલરમાં સતત ઘટાડો થતો ગયો છે. હવેના સમયમાં બ્લેક, વ્હાઇટ અને ગ્રે કલરનો ઉપયોગ સૌથી વધુ થાય છે. તમે ચેક કરજો, તમારી આસપાસ પણ આ ત્રણ રંગનું જ પ્રભુત્વ જોવા મળશે.
હવે બીજી એક વાત. ઇન્ટરનેશનલ લેવલે ઓટોમોટિવ કોટિંગ્સ સપ્લાયર એક કંપની દ્વારા કરવામાં આવેલા સરવેમાં પણ એ વાત બહાર આવી છે કે, વાહનોમાં પણ રંગ ઘટતા જાય છે. દુનિયામાં જેટલી કાર વેચાય છે એમાં 80 ટકા કાર ચાર જ રંગની એટલે કે વ્હાઇટ, બ્લેક, ગ્રે અને સિલ્વર છે. લાલ, પીળી, ગુલાબી, વાદળી રંગની કાર બહુ ઓછી છે. માત્ર કારની જ વાત નથી, બીજાં વાહનોમાં પણ રંગો ઘટી રહ્યા છે. એક સમયે ટ્રકોમાં પણ વિવિધ રંગોનો ઉપયોગ થતો હતો, હવે તેમાં પણ ઘટાડો જોવા મળ્યો છે. માત્ર વાહનો જ નહીં, આર્કિટેક્ચરમાં પણ એવું જ થઇ રહ્યું છે. અગાઉ જયપુર પિંક સિટી હતું, જોધપુર બ્લૂ સિટી હતું. આ ઉપરાંત સ્થાપત્યોમાં પણ જુદા જુદા રંગો જોવા મળતા હતા. હવે જે મકાનો બને છે એમાં પણ ગ્રે અને બીજા થોડાક ચોક્કસ રંગ જ વપરાય છે. ન્યૂયોર્ક, લંડન, પેરિસ, હોંગકોંગ, મુંબઇથી માંડીને દુનિયાના કોઇ પણ મોટા શહેરની સ્કાયલાઇન જોઇ લેજો, મોટાભાગે બધાં જ બિલ્ડિંગ એકસરખા કલરનાં જ જોવા મળશે.
કપડાંની વાત કરીએ તો એક સમયે આપણાં કપડાંઓ આજે છે એના કરતાં વધુ રંગીન હતાં. આપણે ત્યાં દરેક પ્રદેશના પોતાના કલરફુલ પોષાકો હતા. બાંધણી, પટોળાં, કસુંબલ રંગો, ચણિયાચોળી, સાડીથી માંડીને રંગબેરંગી પાઘડીઓનો ભવ્ય ઇતિહાસ છે. હવે એમાં પણ જબરું પરિવર્તન થયું છે. કોર્પોરેટ કલ્ચર અને ગ્લોબલ ફેશનના નામે આપણે ચોક્કસ કલરના પેન્ટ અને શર્ટ જ પહેરવા લાગ્યા છીએ. બ્લૂ જીન્સ એટલું બધું હાવી થઇ ગયું છે કે, લોકોને બીજું કંઇ દેખાતું જ નથી. જીન્સની સાથે પણ વ્હાઇટ કે અમુક ચોક્કસ કલરનાં શર્ટ કે ટીશર્ટ જ જોવા મળે છે. શૂટમાં મોટાભાગે ગ્રે કલર જ જોવા મળે છે. રંગબેરંગી કપડાં હવે ગુમ થઇ ગયાં છે.
આપણા તહેવારો દિવાળી, હોળી, ઉત્તરાયણમાં પણ રંગો ઘટી રહ્યા છે. દિવાળીમાં રંગોળીના રંગો પણ મર્યાદિત થઇ ગયા છે. રંગોળીને બદલે લોકો હવે સ્ટિકરનો ઉપયોગ કરવા લાગ્યા છે. હોળીમાં પણ બે-ચાર ચોક્કસ રંગથી જ લોકો રમતા જોવા મળે છે. તહેવારો હવે ડિજિટલ પ્લેટફોર્મ પર ઉજવાવા લાગ્યા છે. લોકોને પ્રસંગોના ફોટા અપલોડ કરવા હોય છે. સારું છે, એટલિસ્ટ ફોટા મૂકવા પૂરતા તો તૈયાર થાય છે. તમારું વોર્ડરોબ ક્યારેક ચેક કરી જોજો, કેટલા રંગનાં કપડાં છે? લેડિઝનાં કપડાંમાં તો હજુયે થોડીક વેરાયટીઝ જોવા મળે છે. જેન્ટ્સ ક્લોથમાંથી તો રંગો ઊડી જ રહ્યા છે. કોર્પોરેટ વર્લ્ડમાં પણ કલર ઘટી રહ્યા છે. કોર્પોરેટ રિબ્રાન્ડિંગનો એક સરવે એવું કહે છે કે, કંપનીઓના લોગોમાં પણ એક કે બે અને વધુમાં વધુ ત્રણ કલરનો જ ઉપયોગ થઇ રહ્યો છે. બહુ ઓછા લોગો મલ્ટિકલરના છે. ગૂગલ અને માઇક્રોસોફ્ટના લોગોમાં વિવિધ કલર છે, પણ નવી કંપનીઓમાં સિંગલ કે ડબલ કલરથી વધુ નથી.
આ બધામાં આઘાત લાગે એવી વાત એ છે કે, પ્રકૃતિના રંગો પણ ઘટી રહ્યા છે. વર્લ્ડ વાઇલ્ડ લાઇફ ફંડના લિવિંગ પ્લેનેટ રિપોર્ટમાં એવું જણાવાયું છે કે, છેલ્લાં પચાસ વર્ષમાં વન્યજીવોની વસ્તીમાં લગભગ 69 ટકા જેટલો ઘટાડો થઇ ગયો છે. હજારો રંગબેરંગી પક્ષીઓ, પતંગિયાંઓ અને ફૂલોની પ્રજાતિઓ સંપૂર્ણપણે લુપ્ત થઇ ગઇ છે. આપણી આસપાસ પ્રકૃતિના રંગોને બદલે પ્રદૂષણનો ધુમ્મસિયો ગ્રે રંગ છવાઇ ગયો છે. જે છે એ માણવાની માણસની આદત પણ ઘટી ગઇ છે. હવે લોકોને કુદરતી રંગો કરતાં સ્ક્રીન પર દેખાતા આર્ટિફિશિયલ રંગો સારા લાગવા માંડ્યા છે. માત્ર ધરતી પરની જ વાત નથી, સમુદ્રના પેટાળમાં પણ સમુદ્રના વર્ષાવનો ગ્લોબલ વોર્મિંગના કારણે નાશ પામી રહ્યા છે. તાપમાન વધવાના કારણે રંગબેરંગી પરવાળા સફેદ થવા લાગ્યા છે. દરિયાઇ સંશોધકો કહે છે, દરિયાના પેટાળની દુનિયા અદ્‌ભુત અને કલરફુલ છે, હવે એ પણ રંગ ગુમાવી રહી છે.
અમુક લોકો એવી વાત પણ કરે છે કે, રંગો ઘટી જાય એનાથી શું ફેર પડે છે? આ વિશે સંશોધકો અને નિષ્ણાતો એવી વાત કરે છે કે, રંગો ઘટે એની માણસના શારીરિક અને માનસિક વિકાસ પર બહુ મોટી અસર થાય છે. સૌથી મોટી વાત તો એ છે કે, રંગ ઘટવાના કારણે માણસની સર્જનાત્મકતા ઘટે છે. રંગ માણસની ક્રિએટિવિટીમાં વધારો કરે છે. માર્ક કરજો, મેઘધનુષ જોઇને આપણા મનમાં રોમાંચ થાય છે, ક્રિએટિવ લોકોને તેના કારણે સારા વિચારો આવે છે. રંગ વગરની દુનિયા માણસને શુષ્ક અને ઉદાસીન બનાવે છે. આવી જ રીતે ચાલ્યું તો રંગહીન સમાજ આપણી સાંસ્કૃતિક ઓળખ સામે કટોકટી પેદા કરી દેશે અને સમાજ માત્ર ગ્રે અને ડાર્ક શેડનો બની જશે.
એક સંશોધનમાં એવું બહાર આવ્યું છે કે, જ્યાં માત્ર સફેદ, કાળો કે ગ્રે કલર જ હોય એવી જગ્યાએ કામ કરતા લોકોને કોગ્નિટિવ ફેટિંગ એટલે કે માનસિક થાક વધુ લાગે છે. મનમાં ઉદાસી છવાય છે અને તેની નિર્ણયશક્તિમાં પણ ઘટાડો થાય છે. બીજો એક અભ્યાસ એવું કહે છે કે, માણસ જો એક જ રંગની દીવાલોમાં ઘેરાયેલો રહે તો તેનું મગજ જુદી રીતે કામ કરવા લાગે છે. મગજ પોતાની રીતે જ કાલ્પનિક ચિત્રો અને અવાજ પેદા કરવા લાગે છે. એના કારણે માણસને જાતજાતના ભ્રમ થવા લાગે છે. અનેક દેશોમાં ગુનેગારો પાસેથી સાચી વાત કઢાવવા માટે વ્હાઇટ ટોર્ચરનો ઉપયોગ કરવામાં આવે છે. કેદીને એવા રૂમમાં રાખવામાં આવે છે જ્યાં દીવાલોથી માંડીને બધું જ સફેદ કલરનું હોય છે. બીજો કોઇ રંગ જ નજરે ન પડે. થોડા જ સમયમાં કેદી પોતાને પણ ભૂલી જાય છે અને પાગલ જેવો થઇ જાય છે। આખરે એ સાચી કબૂલાત કરે છે. બર્ફીલા પ્રદેશમાં જ્યાં ચારે તરફ બરફ છે અને સફેદ રંગ સિવાય કંઇ દેખાતું નથી ત્યાં પણ માણસનું ચિત્તભ્રમ થઇ જાય છે.
રંગહીન સમાજથી બચવા માટે નિષ્ણાતો એવી સલાહ આપે છે કે, તમારા ઘર, વાહન, વસ્ત્રોથી માંડીને તમામ ચીજોમાં વિવિધ રંગો અપનાવો. બિલ્ડિંગો માત્ર કાચ અને સિમેન્ટની બનાવવાને બદલે તેમાં ફૂલ, ઝાડ અને બીજાં કુદરતી તત્ત્વોને ઉમેરો. ઘરમાં લાઇવ કલર્સનો ઉપયોગ કરો. પ્રકૃતિ સાથે જોડાણ વધારો. અઠવાડિયામાં એકાદ વખત જંગલ, પહાડ, નદી, દરિયા કે બગીચામાં જઇને કુદરતી રંગોને નિહાળો. કપડાં પણ બ્લેક, વ્હાઇટ, ગ્રે પસંદ કરવાના બદલે ઉત્સાહ વધારે એવા રંગોનાં વસ્ત્રો પસંદ કરો. એક વાત યાદ રાખો, રંગોની વચ્ચે હશો તો જ જિંદગી રંગીન અને જીવવા જેવી લાગશે.


————

પેશ-એ-ખિદમત
ટૂટી હુઇ કશ્તી કો કિનારે ભી મિલે હૈં,
તૂફાન સે દુનિયા કો સહારે ભી મિલે હૈં,
ખોયા હૈ અગર એક ચમકતા હુઆ સૂરજ,
બદલે મેં કઇ લાખ સિતારે ભી મિલે હૈં.
– શમીમ ફરહાની


(`સંદેશ’, અર્ધસાપ્તાહિક પૂર્તિ, તા. 17 જૂન 2026, બુધવાર, `દૂરબીન’ કૉલમ)
kkantu@gmail.com

Krishnkant Unadkat

Krishnkant Unadkat

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *