તમે લખી રાખજો, ટેલિવિઝન ધીમે ધીમે શોભાના ગાંઠિયા બની જશે! – દૂરબીન

તમે લખી રાખજો, ટેલિવિઝન ધીમે

ધીમે શોભાના ગાંઠિયા બની જશે!

દૂરબીન-કૃષ્ણકાંત ઉનડકટ

 

ટેલિવિઝન જોનારાઓની સંખ્યા ધીમે ધીમે

ઘટી રહી છે. લોકો હવે પોતાને ગમતા શોઝ અને

ન્યૂઝ ટેબ્લેટ અને મોબાઇલમાં જોઈ રહ્યા છે.

ઓનલાઇન સ્ટ્રીમિંગ પ્લેટફોર્મ ધીમે ધીમે

ટેલિવિઝનનું ગળું ઘોંટી રહ્યા છે.

 

દુનિયામાં ટેવિલિઝન જોનારાઓની સંખ્યામાં

પંચાવન ટકાનો જબરો ઘટાડો થયો છે.

ભારતમાં પણ અસર વર્તાવા માંડી છે.

એક સમય હતો જ્યારે લોકો પોતાનાં કાર્યક્રમો અને શેડયુલ્સ ટેલિવિઝન શોઝના ટાઇમટેબલ જોઈને ગોઠવતાં હતાં. આ કાર્યક્રમ તો જોવો જ છે. પોતાને ગમતા કાર્યક્રમના સમયે ગમે તેમ કરીને ઘરે પહોંચી જતા. આવી ઘટનાઓ હવે ઇતિહાસ બની ચૂકી છે. હવે દરેક લોકો પોતાની અનુકૂળતા મુજબ, પોતે ઇચ્છે ત્યારે અને પોતાને ગમે એ શો જુએ છે. ઢગલાબંધ ઓપ્શન અવેલેબલ છે. દેશ અને દુનિયાના લેટેસ્ટ સર્વે એવું કહી રહ્યા છે કે ટેલિવિઝન જોનારાઓની સંખ્યા ઝડપભેર ઘટી રહી છે, આવું જ ચાલ્યું તો એક સમય એવો આવશે જ્યારે ટેલિવિઝન શોભાના ગાંઠિયા બની જશે.

ટેલિવિઝન આવ્યું એ સમયે એ લકઝરી હતું. બધાને પોસાતું ન હતું. પૈસાવાળા જ ખરીદી શકતા. લોકો પોતાના આજુબાજુવાળાને ત્યાં ટીવી જોવા જતા. ધીમે ધીમે ટેલિવિઝન કોમન થઈ ગયાં. એક વખત એવો હતો જ્યારે લોકો ટેલિવિઝનના એવા બંધાણી થઈ ગયા હતા કે અમુક સમયે મહેમાન આવે એ પણ કોઈને ન ગમતું. ગેસ્ટને માઠું લાગતું કે, આ તો જો, અમે તેને મળવા આવ્યા છીએ અને એનું ધ્યાન તો ટીવીના પડદા પર જ છે. ઘરના સભ્યો વચ્ચે પોતાની ચેનલ જોવા માટે રિમોટની ખેંચાતાણી થતી. હવે ટીવી ખૂણામાં પડ્યું રહે છે અથવા તો દીવાલ પર ટીંગાયેલું રહે છે.

ટેલિવિઝન પર એવા શોઝની સંખ્યા ઘટી ગઈ છે જેના વિશે લોકો ચર્ચા કરતાં હોય. ન્યૂઝની ચેનલ્સ પણ હવે કોઈ મોટી ઘટના હોય તો જ જોવાય છે. હા, ટીવીનું કન્ટેન્ટ મોબાઇલ, ટેબ્લેટ અને લેપટોપ ઉપર જોવાઈ રહ્યું છે, પણ એની સંખ્યા ઘટતી જાય છે. લોકોને વધુ ફન્ટાસ્ટિક ઓપ્શન્સ મળી રહ્યાં છે એટલે લોકો બહુ ઝડપથી ડાયવર્ટ થઈ રહ્યા છે. એક તો તમારે હવે તમારો ગમતો શો જોવા માટે ટીવી સામે ખોડાયેલા રહેવાની જરૂર નથી. મોબાઇલ અને ટેબ્લેટ પર તમે ગમે ત્યાં જોઈ શકો છો અને એ એક વખત રિલીઝ થયા પછી પણ અવેલેબલ હોય છે. એટલે તમે તમારી ફુરસદના સમયે જોઈ શકો છો.

બીજી વાત તો એવી છે કે લોકો ટેલિવિઝન કન્ટેન્ટથી જ કંટાળી રહ્યા છે. ટેલિવિઝન પર એક જ પ્રકારની ચીલાચાલુ ટીવી સિરિયલ્સ, શોઝ અને નાચવા-ગાવાના ટેલેન્ટ શોઝ આવી રહ્યા છે. લોકોનો ટેસ્ટ બદલાયો છે. હવે લોકો પાસે ટીવીને ટક્કર મારે એવા ઓનલાઇન સ્ટ્રીમિંગ પ્લેટફોર્મ અવેલેબલ છે, જેના દર્શકોની સંખ્યા કૂદકે ને ભૂસકે વધી રહી છે. ટેલિવિઝનવાળાઓને ચિંતા છે કે નવી પરિસ્થિતિમાં પોતાને કેવી રીતે ટકાવી રાખવા?

ટેલિવિઝન જોનારાઓની સંખ્યા ઉપર બાર્ક એટલે કે બ્રોડકાસ્ટ ઓડિયન્સ રિસર્ચ કાઉન્સિલ નજર રાખે છે. દર અઠવાડિયે આ સંસ્થા ટીઆરપી (ટેલિવિઝન રેટિંગ પોઇન્ટ) બહાર પાડે છે અને તેના આધારે જે તે શોની પોપ્યુલારિટી નક્કી થાય છે. બાર્કનો તાજેતરનો એક અહેવાલ એવું જણાવે છે કે સમગ્ર વિશ્વમાં ટીવી જોનારાઓની સંખ્યામાં પંચાવન ટકાનો ઘટાડો થયો છે. 42 ટકા લોકો લેપટોપ અને 13 ટકા લોકો સ્માર્ટ ફોન કે ટેબ્લેટમાં કન્ટેન્ટ જુએ છે. તેમાં પણ હવે લેપટોપમાં ઘટાડો થતો જાય છે અને લોકો સ્માર્ટ ફોન તથા ટેબ્લેટમાં વધુ જોતા થઈ ગયા છે. આપણા દેશમાં પણ સ્થિતિ ધીમે ધીમે બદલી રહી છે. તમને ખબર છે, આખા યુરોપની ટોટલ વસ્તી કરતાં પણ વધુ ટીવીદર્શકો આપણા દેશમાં છે. યુરોપની વસ્તી 74.5 કરોડ જેટલી છે, આપણા દેશમાં ટીવીના દર્શકો 78 કરોડ છે. આપણે ત્યાં હજુ ટીવીદર્શકો ટકી રહ્યા છે એનું એક કારણ એ છે કે ગ્રામીણ ક્ષેત્રમાં લોકોને હવે ટીવી ખરીદવા પોષાય છે. ઇલેક્ટ્રિસિટી પણ વધુ અવેલેબલ થઈ છે. મોટાં શહેરોમાં ટીવી જોનારાની સંખ્યા ઘટી રહી છે, તેની સામે ગામડાંઓમાં વધી રહી છે એટલે અહીં દુનિયાના બીજા દેશો જેટલો ઘટાડો હજુ જોવા મળતો નથી પણ નિષ્ણાતોનું કહેવું એવું છે કે, હવે આપણે ત્યાં પણ શરૂઆત થઈ ગઈ છે અને ધીમે ધીમે ઘટાડાની સ્પીડ વધશે.

ઓનલાઇન સ્ટ્રીમિંગ પ્લેટફોર્મની બોલબાલા વધી રહી છે. નેટફ્લિક્સ, એમેઝોન, હોટ સ્ટાર, ટીવીએફ, એએલટી બાલાજી અને એના જેવી બીજી એપ્લિકેશન્સ પર લોકો ડાયવર્ટ થઈ રહ્યા છે. આવી એપ્લિકેશન્સ હવે રિજિયોનલ લેંગ્વેજ તરફ પર ધ્યાન કેન્દ્રિત કરી રહી છે. આ એપ્સ ઉપર નજર કરીએ તો નેટફ્લિક્સ પર અંગ્રેજી શોઝ જેવા કે નાર્કોસ, હાઉસ ઓફ કાર્ડ્ઝ, ડેરડેવિલ, ઓરેન્જ ઇઝ ન્યુ બ્લેક, સ્ટેન્જર થિંગ્સ જેવા શો જબરજસ્ત પોપ્યુલર થયા છે. એમેઝોન પર ધ ગ્રાન્ડ ટૂર, સૂટ્સ, ભારતીય ક્રિકેટ પોલિટિક્સ પર ભારતીય કલાકાર સાથેની સિરિયલ ઇનસાઇડ એજ, ધ મેન ઇન ધ હાઈ કેસલ, હોમલેન્ડ જેવા શો ખૂબ જોવાયા છે. હિન્દીની વાત કરીએ તો ટીવીએફ એપ પર પરમેનન્ટ રૂમમેટ્સ, ટ્રિપલિંગ, પીચર જેવી સિરિયલ્સ અને એએલટી બાલાજી એપ પર બેવફા સી વફા, દેવ ડીડી જેવી વેબ સિરીઝની સારી એવી ચર્ચાઓ થઈ.

ઓનલાઇન સ્ટ્રીમિંગ પ્લેટફોર્મ પર જે સિરિયલ્સ અથવા તો વેબ સિરીઝ આવે છે એ બોલ્ડ એન્ડ બ્યુટિફુલ છે. ટીવી પર આવતી સાસુ-વહુની કે નાગીન જેવી સિરિયલ્સથી તદ્દન જુદી અને રિયાલિસ્ટિક છે. ટીવીની ઢેનટેડેટ ફેઇમ અને ક્યોં, ક્યોં, ક્યોં જેવા ત્રણ-ત્રણ વાર માથે મરાતા હથોડા કરતાં તેનું મેકિંગ પણ ઇન્ટરેસ્ટિંગ છે. આ બધું પાછું માઉથ પબ્લિસિટિલી પોપ્યુલર થઈ રહ્યું છે. યંગસ્ટર્સ આ નવા અને તાજા કન્ટેન્ટને વધુ પસંદ કરી રહ્યા છે.

ટેલિવિઝનનો એક જમાનો હતો. ઘરમાં દરેક વ્યક્તિ પોતાના રૂમમાં ટેલિવિઝન રાખતા. હવે આખી દુનિયા મોબાઇલમાં આવી ગઈ છે. લોકો ક્રિકેટની મેચ પણ હવે એપ ઉપર જોવા લાગ્યા છે. ઇન્ટરનેટ ડેટા સસ્તો અને ઇઝી અવેલેબલ થઈ ગયો છે. કાનમાં હેડફોન ભરાવીને લોકોને મોબાઇલ પર મનગમતું જોવામાં વધુ મજા આવે છે. એન્ટરટેઇનમેન્ટ ઉપર પોતાનો કબજો હોય એવી અનુભૂતિ લોકોને થઈ રહી છે.

તમે તમારી જાતને જ સવાલ પૂછી જુઓને, અગાઉ તમે જેટલો સમય ટીવી જોતા હતા એટલો સમય હવે ટીવીને આપો છો? ટીવીમાં તો જે આવે એ આપણે જોવું પડે છે અને મોબાઇલ આપણને જે જોવું હોય એ પીરસે છે. ઇલેક્ટ્રોનિક વર્લ્ડ એટલી ઝડપથી બદલાઈ રહ્યું છે કે કોઈને કલ્પના પણ ન આવે. હજુ તો ઘણું બદલવાનું છે. આ બધામાં ટેલિવિઝનનો ભોગ લેવાઈ જાય તો નવાઈ નહીં હોય! અલબત્ત, અત્યારની ટેલિવિઝન ચેનલ્સે પણ હવે મોબાઇલ પર જ ધ્યાન કેન્દ્રિત કર્યું છે. ગઈકાલ ટીવીની હતી, આજ મોબાઇલની છે, આવતી કાલે કંઈક જુદું જ હોય એવું શક્ય છે. અત્યારે તો બધું મોબાઇલમાં ‘હાથવગું’ છે અને દૂર પડેલું ટીવી ધીમે ધીમે દૂર ને દૂર થઈ રહ્યું છે!

 

પેશ-એ-ખિદમત

ગુલશન કી ફક્ત ફૂલો સે નહીં,

કાંટો સે ભી જીનત હોતી હૈ,

જીને કે લીયે ઇસ દુનિયા મેં,

ગમ કી ભી જરૂરત હોતી હૈ,

એ વાઇઝ-એ-નાદાં કરતા હૈ

તૂં ઇક કયામત કા ચર્ચા,

યહાં રોજ નિગાહે મિલતી હૈ,

યહાં રોજ કયામત હોતી હૈ.

– સબા અફગાની

(વાઇઝ-એ-નાદાં : નાદાન ધર્મગુરુ)

(‘દિવ્ય ભાસ્કર’, ‘રસરંગ પૂર્તિ’, તા. 29 ઓકટોબર 2017, રવિવાર. ‘દૂરબીન’ કોલમ)

kkantu@gmail.com

Krishnkant Unadkat

Krishnkant Unadkat

Leave a Reply

%d bloggers like this: