સાચું કહેજો, તમને તમારું નામ ગમે છે? – દૂરબીન : કૃષ્ણકાંત ઉનડકટ

સાચું કહેજો, તમને
તમારું નામ ગમે છે?

દૂરબીન : કૃષ્ણકાંત ઉનડકટ


———-

નામનાં બહુ ગુણગાન ગવાયાં છે. માણસનું નામ જ્યારે પાડવામાં આવે છે ત્યારે

તેને નામ શું કહેવાય એ વિશે કોઇ ગતાગમ હોતી નથી!

સમજતા થઇએ એ પહેલાં જ આપણી સાથે આપણા નામનો સિક્કો લાગી ગયો હોય છે!​ ​

કેટલાંક નામો બહુ કોમન હોય છે. રાજુ નામ એક સમયે ખૂબ જ ચલણમાં હતું.

હવે બધા પોતાનાં સંતાનો માટે એવાં નામો શોધે છે જે યુનિક અને એક્સ્ટ્રા ઓર્ડિનરી હોય!

માણસ પર નામની કેવી અસર થતી હોય છે?


————–

નામની વાત નીકળે એટલે છસો વર્ષ પહેલાં થઈ ગયેલા દુનિયાના મહાન સાહિત્યકાર અને નાટ્યકાર વિલિયમ શેક્સપિયર યાદ આવ્યા વગર ન રહે. શેક્સપિયરે કહ્યું હતું કે, નામમાં તે વળી શું રાખ્યું છે? ગુલાબને આપણે બીજા કોઇ પણ નામથી બોલાવીએ તો પણ એ તેની ખૂશબૂ ગુમાવવાનું નથી. શેક્સપિયરે ભલે આવું કહ્યું હોય પણ દરેક નામનો એક મહિમા હોય છે. નામ આમ તો માણસને કંઇ ગતાગમ ન હોય ત્યારે પડી જતું હોય છે. ઓળી, ઝોળી, પીપળ પાન, ફોઈએ પાડ્યું ફલાણું નામ! આપણે ત્યાં નામ પાડવાના પ્રસંગને પણ એક સંસ્કાર ગણવામાં આવે છે. સાવ નાના હોઈએ ત્યારે નામ પડી જતું હોય છે પણ મોટા થયા પછી નામ કાઢવામાં બહુ પરસેવો પાડવો પડતો હોય છે. નામ વિશે દેશ અને દુનિયામાં બહુ વાતો થઇ છે! તમને કોઇ પૂછે કે, તમને તમારું નામ ગમે છે, તો તમે શું જવાબ આપો? તમારા હાથમાં હોત તો તમે અત્યારે તમારું જે નામ છે એ નામ રાખ્યું હોત ખરું? જવાબ જે હોય તે, પણ નામ આપણને વારસામાં મળે છે. સમજણા થાય ત્યારથી આપણું નામ આપણી ઓળખ બની ગયું હોય છે. કાયદો દરેક માણસને નામ બદલવાનો અધિકાર આપે છે પણ બહુ ઓછા લોકો પોતાના નામમાં ફેરફાર કરાવે છે.
આ વખતનો લેખ નામ પર લખવાનું મન થયું એની પાછળ એક રસપ્રદ કારણ છે. જાપાનમાં હમણાં એક સરસ મજાની ઘટના બની. એક જ નામના 178 લોકો એક જ સ્થળે ભેગા થયા! ગિનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં આ ઘટનાને સ્થાન આપવામાં આવ્યું છે. વાત એમ બની કે, જાપાનના હિરોકાજુ તનાકા નામના માણસે જોયું કે, દેશના એક જાણીતા બેઝબોલ પ્લેયરનું નામ પણ હિરોકાજુ તનાકા છે. હિરોકાજુને વિચાર આવ્યો કે, મારા જેવા નામના જ બીજા કેટલા લોકો હશે? જાપાનના ટોકિયાના શિબુયા જિલ્લાના એક ઓડિટોરિયમમાં હિરોકાજુએ એક કાર્યક્રમ યોજ્યો. આ કાર્યક્રમનું નામ રાખ્યું, `એક જ નામના લોકોની સૌથી મોટી સભા’. થયું એવું કે, હિરોકાજુ તનાકા નામના એક પછી એક એમ 178 લોકો ઓડિટોરિયમમાં આવી ગયા. સૌથી નાનો હિરોકાજુ ત્રણ વર્ષનો હતો અને સૌથી મોટો હિરોકાજુ 80 વર્ષના દાદા હતા! અગાઉ આ રેકોર્ડ જોકે માર્થા સ્ટીવર્ટ્સના નામના 164 લોકોના નામે હતો. 2005માં જો માર્થા સ્ટીવર્ટ્સ નામના 164 લોકો અમેરિકામાં ભેગા થયા હતા. આમ જોવા જઇએ તો દરેક દેશમાં, દરેક પ્રદેશમાં અને દરેક શહેરમાં કેટલાંક નામ બહુ કોમન હોય છે. આપણા ગુજરાતીઓ વિશે એવું કહેવાય છે કે, તમે ક્યાંય ફરવા જાવ અને જોશથી બોલો કે, એ રાજુ…તો દસેક લોકો તો તમારી સામે જોશે જ કે મને બોલાવ્યો? વિદેશ ફરવા જઇએ ત્યાં પણ ગુજરાતીઓ તો મળી જ આવે, ત્યાં પણ એકાદો રાજુ તો હોય જ!
સમયે સમયે નામોમાં પરિવર્તનો આવતાં રહે છે. દરેક દાયકાનાં નામો જુદાં હોય છે. હવે દરેક મા-બાપને પોતાનાં દીકરા કે દીકરીનું નામ યુનિક રાખવું હોય છે. બાળકનો જન્મ થાય ત્યારે સૌથી પહેલું ટેન્શન એનું નામ શું રાખવું એ જ હોય છે. આપણા રિવાજોમાં નામ પાડવાની જવાબદારી આમ તો ફઇબા પર હોય છે. હવે ફઇબા પણ ફ્લેક્સિબલ થઇ ગયાં છે. એ પણ મા-બાપ એટલે કે ભાઈ-ભાભીને પૂછીને અથવા તો જુદાં જુદાં નામોનાં ઓપ્શન આપીને નામ પાડે છે. નામ રાખવા બાબતે ઝઘડો કે માથાકૂટ થઇ હોવાના કિસ્સાઓ પણ બનતા હોય છે અને ફઇબા રિસાઇ ગયાંના દાખલાઓ પણ છે. આપણે ત્યાં સંસ્કૃતથી માંડીને પર્શિયન ભાષાના શબ્દો શોધીને નામ પાડવામાં આવે છે. નામ સાંભળીને આપણે પૂછવું પડે કે, આ નામનો અર્થ શું થાય? ગ્રીક ગોડ કે ગોડેસનાં નામ પણ તમને સાંભળવા મળી જાય. ક્યારેક તો આપણને કહેવાનું મન થાય કે, ભાઇસાબ બોલતા ફાવે અને સમજાય એવાં નામ રાખોને! નામ એટલાં અઘરાં રાખે કે સાચાં નામે કોઇ બોલાવે નહીં અને હુલામણું નામ જ પ્રચલિત થઇ જાય! એવા કિસ્સા તો ઢગલામોઢે છે કે લીવિંગ સર્ટિફિકેટમાં નામ જુદું હોય અને બધા બોલાવતા સાવ જુદા જ નામે હોય! નામ વાંચીએ ત્યારે બોલી જવાય કે, અરે, તારું સાચું નામ આ છે?
અગાઉના સમયમાં નામ રાખવા માટે ફિલ્મી નામોનો પણ મોટા પાયે ઉપયોગ થતો હતો. ફિલ્મમાં જે પાત્ર હોય અથવા તો જે કલાકાર હોય તેનાં નામ રાખવામાં આવતાં હતાં. તેની સાથે જ એક ઇન્ટરેસ્ટિંગ વાત એ પણ રહી છે કે વિલનના નામથી લોકો દૂર જ રહેતા! રણજિત, પ્રાણ અને પ્રેમ ચોપરાનાં નામ તો વિલન તરીકે એટલાં બદનામ થઇ ગયાં હતાં કે કોઇ એ નામ રાખતા જ નહીં! નામના મામલે એવી ચર્ચાઓ પણ થતી રહી છે કે, નામનો કોઇ પ્રભાવ માણસના વ્યક્તિત્વ પર ખરેખર પડે છે કે કેમ? આ વિશે મતમતાંતર પ્રવર્તે છે. ઘણા લોકો એવું કહે છે કે, નામનો પ્રભાવ ચોક્કસપણે પડે જ છે. તમે માર્ક કરજો, અમુક નામવાળા છોકરાઓ તોફાની જ હશે અને અમુક ડાહ્યા જ હશે! જોકે, સામા પક્ષે એવું પણ જોવા મળે છે કે, નામ હોય લક્ષ્મીદાસ અને ગરીબી આંટો દઇ ગઇ હોય! નામ હોય કચરો અને દેખાવે ખરેખર ખૂબ સુંદર હોય! નામ વિશે દરેકનું પોતાનું મંતવ્ય હોય છે, પોતાનું લૉજિક હોય છે. એક વાત નક્કી છે કે, નામ આપણી આઇડેન્ટિટી છે. આપણા ચહેરા અને આપણા વ્યક્તિત્વ સાથે આપણું નામ જોડાયેલું હોય છે. કેટલાંક નામ બદનામ હોય છે, કેટલાંક નામો આપણને ગમતાં હોય છે, કેટલાંક નામ સાંભળીને એમ પણ થાય કે, આવાં તે કંઈ નામ હોતાં હશે! હમણાંનો એક કિસ્સો છે. એક છોકરી માટે છોકરાનું માંગું આવ્યું. છોકરીએ છોકરાને મળવાની જ ના પાડી દીધી. છોકરીને કારણ પૂછ્યું તો તેણે કહ્યું કે, મને એ છોકરાનું નામ જ નથી ગમતું! હવે એનો તો કોઇ ઉપાય નથી! ઘણા સમાજમાં એવું છે કે, સાસરે આવ્યા પછી છોકરીનું નામ બદલી નાખવામાં આવે! પિયરમાં જુદું હોય અને સાસરે બીજું જ હોય! હવે સમય બદલાયો છે. છોકરીઓ ના પાડી દે છે કે, હું મારું નામ નહીં બદલું, લગ્નની ઉંમર સુધી મારી જે ઓળખ રહી હોય તેને હું કેવી રીતે બદલી દઉં?
છેલ્લે એક વાત, નામ ગમે તે હોય કામથી જ નામ સાર્થક થાય છે. નામ અને નામનાને કર્મ સાથે સીધો સંબંધ છે. આપણાં કર્મો જ આપણને છેલ્લે સારી કે ખરાબ ઓળખ આપતાં હોય છે. નામ નબળું હશે તો પણ જો કામ જબરું હશે તો નામ ઓટોમેટિક રોશન થવાનું છે. કામ એવાં કરીએ કે, આપણું નામ પડે ત્યાં લોકોનાં મોઢેથી સારા શબ્દો જ સરી પડે. નામને કામથી ચકચકિત કરવું પડે છે. નામ મળી જાય છે પણ નામના કમાવી પડતી હોય છે!
———–
હા, એવું છે!
એક અભ્યાસ એવું કહે છે કે, પોતાના નામનો ખોટો ઉચ્ચાર કોઈ કરે એ કોઈ માણસને ગમતું નથી. કોઇ ભૂલથી બીજા નામે બોલાવે તો પણ માણસ નારાજ થાય છે. ઘણા લોકો તો નામના મુદ્દે લડવા ઝઘડવા પર પણ ઊતરી આવે છે. વિચાર કરી જોજો, તમને કોઇ ખોટા, જુદા કે બીજા નામે બોલાવે તો તમને ગમે ખરું?
(`સંદેશ’, અર્ધસાપ્તાહિક પૂર્તિ, તા. 09 નવેમ્બર, 2022, બુધવાર, `દૂરબીન’ કૉલમ)
kkantu@gmail.com

Krishnkant Unadkat

Krishnkant Unadkat

Leave a Reply

%d bloggers like this: