કોરોનાએ આપણને કેટલા
બદલ્યા, કેટલા બદલશે?

દૂરબીન : કૃષ્ણકાંત ઉનડકટ
———-0————
કોરોના વિશે દેશ અને દુનિયામાં જાતજાતના અભ્યાસો થઇ રહ્યા છે. કોરોના વાઇરસે દુનિયાના એકેએક માણસને કોઇને કોઇ રીતે અસર કરી છે. એક્સપર્ટસ કહે છે કે, કોરોનાની આર્થિક, સામાજિક અને માનસિક અસરો લાંબા સમય સુધી વર્તાતી રહેવાની છે. કોરોના જેવી ઘટના સદીઓમાં એક વખત જ બનતી હોય છે. કોરોનાના કારણે તમારામાં શું બદલાવ આવ્યો છે?
———-0———
લાઇફ આફટર કોરોના વિશે જાતજાતના અનુમાનો થઇ રહ્યા છે,
આસ્તિકતાથી માંડીને માનસિકતા સુધીમાં બદલાવ આવશે
—–0—-
આખે આખી દુનિયા અત્યારે એક ગજબની માનસિકતામાંથી પસાર થઇ રહી છે. કોઇ એક ઘટના સમગ્ર વિશ્વને એક સરખી રીતે હેરાન પરેશાન કરી મૂકે એવું સદીઓમાં એકાદ વખત જ બનતું હોય છે. કોરોનાએ દુનિયાના દરેકે દરેક માણસને કોઇને કોઇ રીતે અસર કરી છે. કોઇ આર્થિક રીતે તૂટી ગયું છે, તો કોઇ માનિસક રીતે ભાંગી પડ્યું છે. બધાના મનોબળો મપાઇ ગયા છે. કોરોનાનો રિપોર્ટ નેગેટિવ જોઇને માણસ થોડોક પોઝિટિવ થાય છે, એ સિવાય કોઇ મોટિવેશન કોઇના પર કામ કરતું નથી. આપણા દેશની હાલત તો વર્સ્ટ છે. દરરોજ જે ઘટનાઓ સામે આવી રહી છે એ માનવીય સંવેદનાને ક્ષુબ્ધ કરી દે તેવી છે. દુનિયાના સાઇકોલોજિસ્ટો, સમાજશાસ્ત્રીઓ અને જુદા જુદા ક્ષેત્રના નિષ્ણાતો અનેક અભ્યાસો પછી એવું કહી રહ્યા છે કે, કોરોના તો વહેલો કે મોડો ચાલ્યો જશે પણ એની અસરો લાંબા સમય સુધી વર્તાવાની છે. હવે પછીના સમયમાં કોઇ વાત થશે તો એ કોરોના પહેલા અને કોરોના પછી એમ બે તબક્કામાં થશે. માણસની લાઇફ સ્ટાઇલથી માંડીને મેન્ટાલિટી સુધીમાં પરિવર્તન થઇ રહ્યું છે.
આપણે બધા તો હજુ કોરોનાના કારમા સમયમાંથી પસાર થઇ રહ્યા છીએ. હજુ કોરોના છે ત્યાં જ આપણા બધામાં ઘણા બધા બદલાવ આવી ગયા છે. દરેક પરિવર્તન દેખાતા નથી. અમુક બદલાવ અનુભવાતા હોય છે. આપણી અંદર જે ચેન્જિસ થાય છે એની ઘણી વખત આપણને પણ ખબર પડતી નથી. સમગ્ર દુનિયામાં જેની ઓળખ છે એવા બ્રાઝિલના 73 વર્ષના લેખક પોઉલો કોહેલોએ કહ્યું છે કે, જ્યારે મને કોઇ પૂછે છે કે, કેમ છો? ત્યારે હું કહું છું કે હું મજામાં છું. હકીકતે તો મને એવું થાય છે કે, એ મને ટાઇટ હગ કરીને કહે કે, ના તું મજામાં નથી! આપણે બધા પણ થોડા ઘણા અંશે આવી જ અવસ્થામાંથી પસાર થઇએ છીએ. કોઇ પૂછે તો એવું કહીએ છીએ કે, મજામાં છું પણ મજામાં હોતા નથી. સવાલ તો એ પણ થાય કે, પૂછવાવાળો પણ બિચારો ક્યાં મજામાં છે? માણસ જાત એટલી નિખાલસ નથી કે બધાના મોઢે ખરેખર જે અનુભવતા હોય એ દિલ ખોલીને કહી દે! આપણે બધા દિલ પર કોઇને કોઇ ભાર લઇને ફરવા લાગ્યા છીએ. અત્યારે આપણે બધા જે અનુભવીએ છીએ એની અસર આપણે બધા જીવીશું ત્યાં સુધી રહેવાની છે. આપણે આપણી નજીક લોકોને મરતા જોયા છે. સારવાર માટે ટળવળતા જોયા છે. દવાખાના દરવાજે ઓક્સિજનના અભાવે જ્યારે કોઇ માણસ દમ તોડે છે ત્યારે ભલે એ આપણો કોઇ સગો ન હોય, ભલે આપણને એની સાથે કંઇ લાગતું વળગતું ન હોય પણ આપણા મન ઉપર એક ઊંડી છાપ છોડી જાય છે. આપણો જીવવાનો નજરિયો થોડોક બદલાઇ જાય છે.
કોરોના પછીના સમયમાં લોકો વધુ આસ્તિક બની જશે એવું એક અભ્યાસ કહે છે. આપણે જોયું કે, ગમે એવો શક્તિશાળી કે ધનવાન માણસ પણ લાચારી અનુભવી રહ્યો છે. જે એવું માનતા હતા કે, અમે ધારીએ એ કરી શકીએ છીએ એવા લોકો પણ કોરોનાથી પીડાતા પોતાના સ્વજન માટે પથારી શોધવા ઘાંઘા થઇ ગયા હતા. દરેક માણસે કોઇને કોઇ નજીકની વ્યક્તિને ગુમાવી છે. સ્વજન વિદાય લે ત્યારે એનું મોઢું પણ ન જોઇ શકાય, કોઇ મરણોત્તર ક્રિયા પણ ન થઇ શકે, બેસણું પણ યોજી ન શકાય, સ્મશાન ગૃહમાં પણ વારો આવવાની રાહ જોવી પડે, એવું બધું માણસને ભાંગી નાખે છે. આવા સમયે માણસને થાય છે કે, આપણું કંઇ ચાલતું જ નથી. ઇશ્વરે ધાર્યું હોય એમ જ થાય છે. જિંદગી કેટલી ક્ષણભંગુર છે એનો પણ અહેસાસ થાય છે. એક તબક્કે માણસને થાય છે કે, બધું જ ઉપરવાળાના હાથમાં છે. આવા વિચારો માણસને આસ્તિક બનવા પ્રેરે છે. આ વાતની બરાબર ઓપોઝિટ એવું પણ કહેવામાં આવે છે કે, જે લોકો નાસ્તિકતાની નજીક છે એ લોકો નાસ્તિક પણ બની જશે. ઘણી ઘટનાઓ માણસને કઠોર બનાવી દેતી હોય છે. નિયમિત રીતે ભગવાનને ભજતા હોય, લોકોનું બને એટલું ભલું કરતા હોય, કોઇનું કંઇ બૂરું ન કર્યું હોય, એવા લોકોની સાથે જ્યારે કંઇક આઘાતજનક બને છે ત્યારે એક વખત તો એને એવો વિચાર આવી જ જાય છે કે, ભગવાન જેવું કંઇ છે કે નહીં? જો હોય તો એ ક્યાં છે? કેમ એને કંઇ થતું નથી? સાચું કહેજો, તમને કેવા કેવા વિચારો આવ્યા છે? આમાં પણ જેવી ભગવાનની મરજી એવું વિચારનારા જ વધુ છે.
હવે થોડીક વાત સંબંધોની કરીએ. કોરોનાના આ કાતિલ સમયમાં ઘણા બધા સંબંધો મપાઇ ગયા છે. સંબંધોને લઇને દરેકને જાત જાતના અનુભવો થયા છે. એવું નથી કે, બધાને ખરાબ અનુભવો જ થયા છે. સારા અનુભવો પણ કંઇ ઓછા નથી થયા. જિંદગીમાં ઘણી વખત એવું બનતું હોય છે કે, જેની પાસેથી નયા ભારની પણ અપેક્ષા ન રાખી હોય એ પડખે આવીને ઊભા રહી ગયા હોય. સંકટના સમયે માણસ પરખાઇ જતો હોય છે. વર્ચ્યુલ વર્લ્ડની પાછળ આંધળી દોડ મૂકનારને પણ એક વાત સારી રીતે સમજાઇ ગઇ છે કે, છેલ્લે તો જે લોકો પોતાના છે એ જ કામ લાગવાના છે. બાકીના બધા તો કમેન્ટ કરીને કે કોઇ ઇમોજી મૂકીને છટકી જવાના છે. જેને પોતાના લોકોના સારા અનુભવો નથી થયા એને સંબંધો પરનો વિશ્વાસ ડગી પણ જશે. તમને સંબંધોમાં કેવા કેવા અનુભવો થયા છે?
માત્ર સંબંધોમાં જ નહીં, નોકરી ધંધામાં પણ ઘણા સાથે કોઇ દિવસ કલપ્યું ન હોય એવું બન્યું છે. નોકરીમાંથી કાઢી મૂકાયા હોય, કોસ્ટ કટિંગનું નામ આપીને નામો પર ચોકડી મૂકી દેવાઇ હોય એવા કિસ્સાઓ વધુ બન્યા છે. રાતોરાત લાખો લોકો બેકાર થઇ ગયા હતા. ઘરનું કેમ કરીને પૂરું કરીશું એ વિચારે માણસની મતિ મૂંઝાઇ ગઇ હતી. સામા પક્ષે એવા લોકો પણ પડ્યા છે જેમણે ખોટ ખાઇને પણ પોતાના કર્મચારીઓને પૂરેપૂરો પગાર આપ્યો હતો. જે લોકોને નોકરીમાંથી કાઢી મૂક્વામાં આવ્યા હતા એ લોકોની સાથે પણ એવું બન્યું છે કે, ફરીથી ક્યાંકને ક્યાંક નોકરીનું ગોઠવાઇ ગયું. એનાથી માણસને એવું પણ લાગ્યું છે કે, એમ કંઇ અટકી પડતું નથી. આપણે ખરાબ બને ત્યારે જાતજાતના વિચારો કરીને મૂંઝાતા હોઇએ છીએ કે, હવે શું થશે? આ એક વર્ષમાં ઘણાને સમજાઇ ગયું છે કે, એમ કંઇ ખતમ થતું નથી. લાઇફ થોડીક આડી અવળી અને ઊંધી ચત્તી થઇને ફરીથી પાટા ઉપર ચડી જતી હોય છે.
લાઇફ સ્ટાઇલ અને ઓફિસ વર્ક વિશે પણ જાતજાતના પરિવર્તનોની આગાહીઓ થઇ રહી છે. વર્ક ફ્રોમ હોમ વધુ પસંદ કરવામાં આવશે. જે કંપનીઓ એવું માનતી હતી કે, ઘરે બેસીને કોઇ સરખું કામ કરતા નથી એના ઘણા બધા ભ્રમો ભાંગ્યા છે. વર્ક ફ્રોમ હોમના સારા રિઝલ્ટસ મળ્યા છે. ન્યૂ નોર્મલ પણ ધીમે ધીમે ઓલ્ડ બનવાનું છે. માણસની ઘણી આદતો બદલાઇ જવાની છે. કોરોના પછીના સમય વિશે જાત જાતના રિસર્ચો, અનુમાનો અને આગાહીઓ થઇ રહી છે. એ સાથે એવું પણ કહેવાઇ રહ્યું છે કે, તમે જોજોને, આ બધું પૂરું થશે એટલે માણસ પાછો હતો એવોને એવો સ્વાર્થી, લાલચી અને બદમાશ થઇ જવાનો છે. સ્મશાન વૈરાગ્યની જેમ થોડોક સમય બધું બદલાશે પછી પાછું હતું એવુંને એવું થઇ જશે. બધા અભ્યાસો જુદા જુદા તારણો આપે છે. બાય ધ વે, તમે શું માનો છો? કોરોનાના કારણે તમારામાં શું પરિવર્તન આવ્યું છે? તમે શું ગુમાવ્યું છે? તમે શું મેળવ્યું છે? ઓવરઓલ તમારા પર કેવી અને કેટલી અસર થઇ છે? થોડોક વિચાર કરશો તો છેવટે એવું તો લાગશે જ કે, વધુ પડતી હાયહોય કર્યા વગર જિંદગીને સરસ રીતે જીવો અને સંબંધોને સજીવન રાખો! કશાનો કોઇ મતલબ ન લાગે ત્યારે જિંદગીનો ઘણો મતલબ સમજાઇ જતો હોય છે.
હા, એવું છે! :
સમગ્ર દુનિયામાં ન્યૂઝીલેન્ડના લોકો પ્રાણીઓ પાળવામાં મોખરે છે. એક અભ્યાસમાં એવું બહાર આવ્યું છે કે, આ દેશના 68 ટકા ઘરોમાં કોઇને કોઇ પ્રાણી પાળવામાં આવ્યું છે. ન્યૂઝીલેન્ડમાં પેટ લવર્સ સોસાયટીઓની પણ કમી નથી!
(‘સંદેશ’, અર્ધસાપ્તાહિક પૂર્તિ, તા. 05 મે 2021, બુધવાર. ‘દૂરબીન’ કોલમ)
kkantu@gmail.com
