તમે જેની સાથે કામ કરો છો એ લોકો કેવા છે? – દૂરબીન : કૃષ્ણકાંત ઉનડકટ

તમે જેની સાથે કામ કરો

છો એ લોકો કેવા છે?

દૂરબીન : કૃષ્ણકાંત ઉનડકટ

———-

આપણે જ્યાં કામ કરતા હોઇએ ત્યાંના વાતાવરણની તમામ અસરો આપણા પર થતી હોય છે.

આપણી અસર પણ બીજા પર થાય છે

એવી જગ્યાએ અને એવા લોકો સાથે કામ કરો જ્યાં તમને

પોઝિટિવિટી ફીલ થાય અને કામ કરવા જવાનું મન થાય.

તમે પણ એવા બનો કે તમારી સાથે કામ કરવાનું કોઇને મન થાય!

આપણે જાગતી અવસ્થામાં સૌથી વધુ સમય આપણા કલિગ્સ સાથે પસાર કરીએ છીએ,

એની સાથેના સંબંધો પણ સજીવન રહેવા જોઇએ

———–

ફિલ્મ અભિનેત્રી દીપિકા પદુકોણે હમણાં એક ઇન્ટરવ્યૂમાં તેને જિંદગી અને કરિયર દરમિયાન મળેલી સલાહો વિશે દિલ ખોલીને વાત કરી હતી. દીપિકાએ કહ્યું કે, એક સલાહ એવી હતી જે હું આ જિંદગીમાં ક્યારેય નહીં ભૂલું. એ સલાહ શાહરૂખ ખાને આપી હતી. શાહરૂખે દીપિકાને કહ્યું હતું કે, હંમેશાં એવા લોકો સાથે કામ કરજે જેની સાથે તું સારો સમય પસાર કરી શકે. આપણે જેની સાથે કામ કરતા હોઇએ તેની સાથે આપણે એટલા સમય પૂરતી જિંદગી જીવતા હોઇએ છીએ, અનુભવો મેળવતા હોઇએ છીએ અને યાદોનું ભાથું બાંધતા હોઇએ છીએ. કેટલી સાચી વાત છે નહીં? આપણે જેની સાથે કામ કરતા હોઇએ એની સીધી અસર આપણને થતી હોય છે. દીપિકા તો અભિનેત્રી છે. એક ફિલ્મ પૂરી થાય અને બીજી શરૂ થાય ત્યારે જેની સાથે કામ કરવાનું હોય એ બધા જ લોકો બદલી જાય! સામાન્ય માણસને એટલી વરાયટિઝ અને એટલી ચોઇસિસ મળતી નથી. કેટલાંક લોકો નસીબદાર હોય છે જેને ગમતી જગ્યાએ કામ કરવા મળે છે, બધાના નસીબ એવા હોતા નથી.

દિલ પર હાથ મૂકીને કહેજો, તમને જ્યાં જોબ કરો છો ત્યાં કામ કરવું ગમે છે? જો ગમે છે તો શા માટે ગમે છે? નથી ગમતું તો એની પાછળના કારણો કયાં છે? કેટલીક ઓફિસનું વાતાવરણ જ એવું હોય છે કે, કર્મચારીઓને ત્યાં કામ કરવાની મજા આવે. ઓફિસ જવાનું મન થાય. અંગત કારણોસર થોડાક દિવસોની રજા લીધી હોય ત્યારે પણ ઓફિસની યાદ આવે. જોબ અને કામ વિશે હમણાં થયેલો એક સર્વે એવું કહે છે કે, જે લોકોને જ્યાં જોબ કરે છે ત્યાં કામ કરવાની મજા આવતી હોય તો એ લોકો વધુ ખુશ અને સુખી રહે છે. તમે જે જગ્યાએ કામ કરો છો એનું વાતાવરણ તમારા મૂડ અને માનસિકતાને મોટી અસર કરે છે. આપણે કામ પર જવાનું હોય ત્યારે સવારે ઉઠતાં વેંત જ એના વિચારો શરૂ થઇ જતા હોય છે. કામ કરવાની મજા ન આવતી હોય એવા સંજોગોમાં સવારથી જ આપણો મૂડ ખરાબ થઇ જાય છે. હમણાં ઓફિસે જતાં વેંત જ બધી મગજમારી શરૂ થઇ જશે. સાંજ સુધીમાં તો થાકીને ટેં થઇ જવાશે. તેની સામે જેને કામ કરવાની મજા આવે છે એ મસ્તીથી ઓફિસ જાય છે અને ઓફિસે પહોંચ્યા પછી પણ દિલથી પોતાનું કામ કરી શકે છે. ઓફિસનો સમય પૂરો થઇ જાય તોયે કામનો થાક લાગતો નથી.

દરેક માણસને મજા આવે એવી જગ્યાએ જ કામ કરવાની ચોઇસ મળતી નથી. કામ મળે ત્યાં કામ કરવું પડતું હોય છે. એક યુવાનની આ સાવ સાચી વાત છે. તે જ્યાં કામ કરતો હતો ત્યાં ખુશ હતો. એ ટીમ મેમ્બર હતો. લીડર અને ટીમના અન્ય સભ્યો સાથે એને કામ કરવાની મજા આવતી હતી. એવામાં તેને એક મોટી કંપનીમાંથી ઓફર આવી. સેલેરી દોઢ ગણી હતી. પ્રોગ્રેસ કોને ન ગમે? તેણે ઓફર સ્વીકારી લીધી અને નવી જગ્યાએ કામ શરૂ કર્યું. થોડા જ સમયમાં તેને સમજાઇ ગયું કે, આપણાથી ખોટ પસંદગી થઇ ગઇ છે. તેને કામ કરવાની મજા આવતી નહોતી. ઓફિસમાં કોઇ કોઇની સાથે સંબંધ તો નહોતું જ રાખતું, ઉપરથી એક બીજાને નીચા દેખાડવાનો પ્રયાસો કરતા હતા. તેણે ફરીથી જૂની કંપનીમાં ઓછા પગારે નોકરી કરવાની તૈયારી બતાવી. એની જગ્યા ભરાઇ ગઇ હતી. જૂની જગ્યાએ જોબ ન મળી. હવે તેની પાસે બીજે ક્યાંકથી ઓફર આવે તેની રાહ જોવા સિવાય કોઇ વિકલ્પ નહોતો.

દરેક માણસે જ્યારે પહેલી નોકરી સ્વીકારી હોય ત્યારે એનામાં કંઇક કરી બતાવવાનો થનગનાટ હોય છે. ધીમે ધીમે એ પણ ઓફિસનું વાતાવરણ હોય એવો થઇ જાય છે. સારું હોય તો પોઝિટિવ અસર થાય છે, બાકી નેગેટિવિટી પણ આવે છે. એક છોકરીએ એવું કહ્યું કે, તમારી પહેલી જોબ જ્યાં હોય ત્યાંનું વાતાવરણ ટફ હોય એ વધુ સારું છે. તેણે પોતાનો અનુભવ શેર કર્યો. મારી પહેલી જોબ અઘરી હતી. ઓફિસનું વાતાવરણ વિચિત્ર હતું. મારો બોસ ભારમાં જ રહેતો હતો અને ખીજાયા જ રાખતો હતો. ઓફિસમાં એક બીજા બ્લેઇમ ગેમ જ રમતા હતા. થોડા જ સમયમાં મને બીજી જગ્યાએ જોબ મળી. નવી જગ્યાનું વાતાવરણ તદ્દન જુદું હતું. બધા બહુ પ્રેમથી રહેતા હતા અને હસી ખુશીથી કામ કરતા હતા. જાણે બધા ફ્રેન્ડસ જ ન હોય એવી રીતે રહેતા હતા. સરસ કામ થતું હતું. મને થયું કે, સારું થયું મને પહેલા અહીં જોબ ન મળી, નહીંતર મને નવા અને સારા વાતાવરણની કદર જ ન થાત.

હવે યંગસ્ટર્સ ક્યાંય કામ કરવા જાય એ પહેલા માત્ર સેલેરી નથી જોતો, એ કંપનીના વર્ક કલ્ચરની પણ તપાસ કરે છે. ઘણી કંપનીઓ પ્રોફેશનલ હોવાની વાત કરે છે. એક સવાલ એ કે, પ્રોફેશનલ હોવું એટલે શું? પ્રોફેશનલ હોવાના ઘણા જુદા મતલબો પણ કાઢવામાં આવે છે. પ્રોફેશનાલિઝમનો મતલબ એવો તો નથી જ કે, આપણે આપણા કામથી જ મતલબ રાખવાનો, ત્યાં પણ લાગણીને પૂરેપૂરો અવકાશ હોય જ છે. ઘણી ઓફિસિઝમાં કર્મચારીઓને ઓફિસ પૂરતા જ સંબંધ હોય છે. ઓફિસની બહાર નીકળ્યા પછી તું કોણ અને હું કોણ? ઓફિસ જાણે કોઇ અલગ જ દુનિયા ન હોય! સાચી વાત એ છે કે, ઓફિસ આપણી દુનિયાનો જ એક હિસ્સો હોય છે. આપણે જાગતી અવસ્થામાં સૌથી વધુ સમય ઓફિસમાં રહેતા હોઇએ છીએ અને આપણા કલિગ સાથે સમય પસાર કરતા હોય છે. દરેક વખતે કંપનીને દોષ દેવો પણ વાજબી હોતો નથી કારણ કે કંપની આખરે કર્મચારીઓથી જ બનતી હોય છે. આપણે પણ ઓફિસનો જ એક હિસ્સો હોઇએ છીએ. એક બોસ હતો. તેની પાસે એક કર્મચારી ગયો. તેણે બોસને કહ્યું કે, અહીંના લોકો બહુ નેગેટિવ છે. તેની નેગેટિવ અસર મારા પર પડે છે. બોસે સરસ વાત કરી. તેણે કહ્યું કે, તું એટલો પોઝિટિવ રહે કે તારી પોઝિટિવિટીની અસર બીજા પર પડે. આપણે ઘણી વખત સાથે કામ કરનારાને જજ કરીએ છીએ, એના વિશે ખયાલો બાંધી લઇએ છીએ પણ આપણે ક્યારેય એવું વિચારીએ છીએ કે, હું કેવો કે કેવી છું? મારી ઓફિસમાં મારો રોલ અને મારું વર્તન કેવું છે? તમે તમારા હન્ડ્રેડ પરસન્ટ આપો, તમારો એટિટ્યૂડ પોઝિટિવ રાખો, તમારી નોંધ લેવાશે જ.

લીડર પર ઓફિસનું વાતાવરણ સારું રાખવાની બહુ મોટી જવાબદારી હોય છે. લીડરે પણ ક્યારેક તો નીચલા લેવલે એટલે કે ટીમ મેમ્બર તરીકે કામ કર્યું જ હોય છે. તેને તેના અગાઉના લીડર્સના અસંખ્ય અનુભવો હશે. કામ કેવી રીતે કઢાવવું એ પણ તેણે ક્યાંકથી શીખ્યું હશે. ટીમ મેમ્બર હોવ ત્યારે તમે શું શીખો છો એ પણ મહત્ત્વનું છે. એક યુવાનની આ વાત છે. તે જ્યારે ટીમ મેમ્બર ત્યારે તેને બોસ વિચિત્ર હતો. તેણે નક્કી કર્યું કે, હું જ્યારે લીડર થઇશ ત્યારે મારા આ બોસની સ્ટાઇલથી કામ નહીં જ કરું, હું મારી સ્ટાઇલથી જ બધા પાસેથી કામ લઇશ. આપણે આપણા ઘણાં સિનિયરોને ભૂલી જ શકતા નથી, કારણ કે તેની પાસેથી આપણે ઘણું બધું શીખ્યા હોઇએ છીએ. કેટલાંક એવા પણ ભટકાયા હોય છે જે યાદ આવે ત્યારે આપણા ભવાં તંગ થઇ જાય!

જો માણસને ચોઇસ મળતી હોય તો તેણે એવી જગ્યાએ કામ કરવાનું પસંદ કરવું જોઇએ જ્યાં એને કંઇક શીખવાનું મળે અને કામ કરવાની મજા આવે. અમુક કંપનીઓ એવી હોય છે જ્યાં પગાર ઓછો હોય છતાં યંગસ્ટર્સ ત્યાં કામ કરવા જવાનું પસંદ કરે છે. તેનું કારણ એ હોય છે કે, ત્યાં આપણે ઘડાઇ જતા હોઇએ છીએ. આપણે ઘણી કંપનીઓ વિશે એવું સાંભળતા હોઇએ છીએ કે, ત્યાં જેણે કામ કર્યું હોય એ ક્યાંય પાછો ન પડે! આ બધા વચ્ચે એક સત્ય એ છે કે, આપણે કેવું કામ કરીએ છીએ? કામ કરવા જઇએ ત્યારે આપણી દાનત કેવી હોય છે? જો આપણે સારા હોઇએ, જો આપણે આપણા કામને વફાદાર હોઇએ, ઇમાનદારીથી આપણને સોંપવામાં આવેલું કામ કરીએ તો વહેલી કે મોડી આપણા કામની નોંધ લેવાય જ છે. બીજા કશામાં પડવાને બદલે જે પોતાના કામને જ પ્રાધાન્ય આપે છે એની પ્રગતિ કોઇ રોકી શકતું નથી. કોણ કેવું કામ કરે છે, કોણ ઓફિસનું વાતાવરણ બગાડે છે અને કોણ નિષ્ઠાપૂર્વક કામ કરે છે એની નોંધ લેવાતી જ હોય છે. છેલ્લે તો પેલી ગુજરાતી કહેવત જેવું જ હોય છે કે, દાનત એવી બરકત! કરશો એવું પામશો!

હા, એવું છે!

ગુસ્સા વિશે થયેલો એક અભ્યાસ એવું કહે છે કે, માણસ સૌથી વધુ ગુસ્સો પોતાના ઘરમાં પોતાના લોકો પર જ કરે છે! એટલે જ મજાકમાં એવું કહેવાય છે કે, બહાર થોડું કોઇ સહન કરવાનું છે? ઘરમાં સિંહ થઇને ફરતા ઘણાં લોકો બહાર બિલાડીના બચ્ચા જેવા થઇ જતા હોય છે!

(‘સંદેશ’, અર્ધસાપ્તાહિક પૂર્તિ, તા. 30 માર્ચ 2022, બુધવાર, ‘દૂરબીન’ કોલમ)

kkantu@gmail.com

Krishnkant Unadkat

Krishnkant Unadkat

Leave a Reply

%d bloggers like this: