જુદા પડવાનું દુ:ખ અલગ થયા પછી જ સમજાય છે – દૂરબીન : કૃષ્ણકાંત ઉનડકટ

જુદા પડવાનું દુ:ખ અલગ

થયા પછી જ સમજાય છે

દૂરબીન : કૃષ્ણકાંત ઉનડકટ

———-

બિલ ગેટ્સને મેલિંડાથી છૂટા પડવાનો પસ્તાવો થઇ રહ્યો છે.

બિલ ગેટ્સે પોતાની ભૂલ જાહેરમાં સ્વીકારી કે એપેસ્ટીન સાથેની દોસ્તી મારી સૌથી મોટી ભૂલ હતી.

સંબંધમાં જ્યારે દરાર પડવાની શરૂ થાય ત્યારે માણસને એના પરિણામનો અંદાજ નથી હોતો.

ભૂલ થયા પછી પોતાની વ્યક્તિ પાસે ભૂલ સ્વીકારી અને સુધારી લઇએ તો સંબંધ તૂટતો બચી જાય છે પણ

એવું બહુ ઓછા લોકો કરી શકતા હોય છે. સોરી કહેવામાં આપણને આપણો ઇગો નડતો હોય છે.

હાથ છૂટે એ પછીની પીડાનો ત્યારે ખયાલ આવતો નથી.

દાંપત્ય બહુ નાજુક હોય છે, તૂટતા વાર નથી લાગી.

સંબંધ તૂટે એ પછી માણસ થોડો થોડો તૂટતો રહેતો હોય છે!

 ———-

દુનિયામાં સૌથી નાજુક ચીજ શું છે? સંબંધ! સંબંધ એવી નાજુક ચીજ છે કે એની માવજત કરવામાં જરાકેય થાપ ખાઇએ તો સંબંધ ધડાકાભેર તૂટે છે. સંબંધોની વેરાયેલી કરચો આખી જિંદગી ચૂભતી રહે છે. વિશ્વાસ, વફાદારી, પ્રામાણિકતા અને લાગણીના પાયા ઉપર સંબંધો ટકેલા હોય છે. પાયો જરાકેય નબળો પડે એટલે આખી ઇમારત ધરાશાયી થઇ જાય છે. માણસનો સૌથી મોટો પ્રોબ્લેમ એ હોય છે કે, એની પાસે જે હોય છે એની એને કદર હોતી નથી. જે હોય એ ચાલ્યું જાય ત્યારે જ સમજાય છે કે, જે હતું એ કેટલું કિંમતી હતું. દુનિયામાં દરેક વસ્તુની જગ્યા વહેલી કે મોડી પૂરાઇ જાય છે પણ વ્યક્તિની જગ્યા એક વખત ખાલી પડે એ પછી આસાનીથી પૂરાતી નથી. કોઇ વ્યક્તિ દૂર થાય ત્યારે ઘરનો ખૂણો જ ખાલી થતો નથી, દિલનો ખૂણો પણ ખાલી થઇ જતો હોય છે.

માણસને અમુક ભૂલો મોડી સમજાતી હોય છે. ભૂલ સમજાય ત્યાં સુધીમાં એટલું મોડું થઇ ગયું હોય છે કે પછી માફી માંગવાનો કોઇ મતલબ રહેતો નથી. તમારી ભૂલનું પેઇન તમારે ભોગવવું પડે છે. માઇક્રોસોફ્ટના સ્થાપક બિલ ગેટ્સ અને પત્ની મેલિંડા ગયા મે મહિનામાં જુદા થઇ ગયા. 27 વર્ષની મેરેજ લાઇફ પછી થયેલા ડિવોર્સે આખી દુનિયામાં ખૂબ ચર્ચાઓ જગાવી હતી. બિલના રંગીન મિજાજ વિશે પણ જાતજાતની વાતો બહાર આવી. બે વ્યક્તિ જ્યારે જુદી પડે ત્યારે લોકોને તમાશો જોવાની મજા પડતી હોય છે. દરેક માણસનું પોતાના સ્તરનું એક સર્કલ હોય છે. ડીવોર્સ થાય ત્યારે એ સર્કલમાં સર્કસ ચાલતું હોય એવી રીતે વાતો થાય છે. બીજા બધા તો પોતપોતાની રીતે વાતો કરતા હતા પણ બિલ ગેટ્સે પોતે હમણાં જે વાત કરી એ સમજવા જેવી છે. બિલે કહ્યું કે, મેલિંડા સાથે જુદા પડવાની ઘટના એ ક્યારેય ખતમ ન થનારું દુ:ખ છે. બિલે ટેલિવિઝન ચેનલને આપેલા ઇન્ટરવ્યૂમાં પોતાની ભૂલ પણ કબૂલી. બિલે કહ્યું કે, જેફરી એપસ્ટીન સાથે દોસ્તી એ મારી જિંદગીની સૌથી મોટી ભૂલ હતી. જેફરી સાથેની દોસ્તી મેલિંડાને ગમતી નહોતી. જેફરી બહુ મોટો ફાઇનાન્સર હતો. 14 વર્ષની છોકરીના યૌન શોષણ કેસમાં જેફરીની ધરપકડ કરવામાં આવી હતી. પોલીસે જ્યારે તપાસ કરી ત્યારે ખબર પડી કે, જેફરીએ એક છોકરી નહીં પણ 36 ટીનએજર છોકરીઓ સાથે ગંદા કામો કર્યા છે. પોતાના કરતૂતો બહાર આવ્યા એ પછી જેફરી એપેસ્ટીનનું 10મી ઓગસ્ટ 2019ના રોજ જેલમાં જ રહસ્યમય સંજોગોમાં મોત થયું હતું. કોઇ એવું કહેતું હતું કે, તેણે આપઘાત કર્યો છે તો કોઇ વળી એવી પણ વાત કરે છે કે જેલમાં જ તેના પર હુમલો કરવામાં આવ્યો હતો. અમેરિકામાં ધનાઢ્ય જેફરી એપેસ્ટીનનો કિસ્સો ખૂબ ચર્ચાયો છે.

બિલ ગેટ્સનો બચાવ એવો હતો કે, હું તો ચેરીટીના નાણાં વધુ મળે એ માટે જેફરી સાથે દોસ્તી રાખતો હતો. જેફરીની મોટા માથાઓ સાથે ઉઠક બેઠક હતી. અમેરિકાના ભૂતપૂર્વ પ્રમુખ બિલ ક્લિન્ટન અને બ્રિટનના પ્રિન્સ એન્ડ્રયુ સાથે પણ જેફરીને દોસ્તી હતી. મેલિંડાને જેફરીના કરતૂતો ભેદભરમવાળા લાગતા હતા. મેલિંડાએ બિલને જેફરી સાથેની દોસ્તી તોડી નાખવા કહ્યું હતું પણ બિલે દોસ્તી ચાલુ રાખી હતી. વાત એવી પણ હતી કે, બિલ તેના મિત્રો સાથે પાર્ટીઓ કરતા હતા અને રંગરેલિયા મનાવતા હતા. માઇક્રોસોફ્ટની ઓફિસમાં કામ કરતી છોકરીઓ સાથે લફરાની વાતો પણ ચગી હતી. બિલને કદાચ એવું હતું કે, મેલિંડા ડીવોર્સ સુધીની વાત પર નહીં જાય. પોતાની વ્યક્તિ જ્યારે છંછેડાય છે ત્યારે એ કોઇપણ પગલું ભરતા અચકાતી નથી. જુદા પડી ગયા પછી બિલને બ્રહ્મજ્ઞાન લાદ્યું છે કે, મારે આવું આવું કરવું જોઇતું નહોતું. આ જ વાત બિલને પહેલા સમજાઇ ગઇ હોત અને તેણે એ વખતે મેલિંડાને સોરી કહી દીધું હોત તો જાહેરમાં આવું બધું કબૂલવાનો વારો ન આવત! મોટા ભાગના લોકો સંબંધમાં આવું જ કરતા હોય છે. જ્યારે કોઇ ઇશ્યુ ઊભો થાય ત્યારે લડાયક મિજાજમાં આવી જાય છે. છૂટું પડવુ હોય તો ભલે પડી જાય! ખાલી મને જ થોડી પડી છે?

 અત્યારના સમયમાં સૌથી વધુ કંઇ જો દાવ પર લાગેલું હોય તો એ સંબંધો છે. દરેકને પોતાની વ્યક્તિથી કોઇને કોઇ અસંતોષ છે. પરફેક્ટ તો કોઇ હોતું નથી એ આપણને ખબર હોવા છતાં આપણે આપણી વ્યક્તિ પાસેથી એવી અપેક્ષાઓ રાખીએ છીએ કે, એ મારી કલ્પનામાં હોય એવી જ વ્યક્તિ બની રહે. આપણે એની કલ્પનાની વ્યક્તિ છીએ કે નહીં એની આપણે નયા ભારની પરવા કરતા નથી. સંબંધો તરડાય ત્યારે જિંદગી ખરડાય છે. દુનિયાનું સૌથી મોટું પેઇન કયું છે? કદાચ એ કે, જ્યારે આપણને ખબર પડે કે આપણી વ્યક્તિ કોઇની સાથે સંબંધમાં કે સંપર્કમાં છે. આખું અસ્તિત્ત્વ કડાકા સાથે તૂટે છે. બુદ્ધિ બહેર મારી જાય છે.

ડીવોર્સના એક એડવોકેટે કહેલી આ વાત છે. મોટા ભાગના જે કેસો આવે છે એનું કારણ આડા સંબંધો હોય છે. કોઇની પત્ની કોઇ સાથે ચેટ કરતી હોય છે તો કોઇનો પતિ કોઇની સાથે ફરતો હોય છે. ઘણા લોકો જાસૂસની જેમ પોતાની વ્યક્તિ ઉપર નજર રાખે છે. પ્રેમથી રહેતા હોય એવા કપલ બહુ ઓછા હોય છે. એક કપલનો કેસ તો વિચિત્ર છે. પત્નીને ખબર પડી કે, પતિને કોઇ છોકરી સાથે અફેર છે. પતિને પાઠ ભણાવવા માટે પત્નીએ જાણીજોઇને અફેર કર્યું. પતિને કહ્યું કે, તું કરી શકે છે તો હું પણ કરી શકું છું. સાથે બેસીને વાત કરવાની, ભૂલને માફ કરવાની કે બીજી તક આપવાની પણ કોઇની તૈયારીઓ હોતી નથી.

એક બીજો કિસ્સો સમજવા જેવો છે. એક વેલ ટુ ડુ કપલ છે. પત્નીને ખબર પડી કે તેનો પતિ મિત્રો સાથે થાઇલેન્ડ અને બીજા સ્થળોએ જઇને રંગરેલિયા મનાવે છે. આ ઘટનામાં પત્નીએ એવું કહ્યું કે, ભલેને જતો, મને કોઇ ફેર પડતો નથી. એ પછી એણે જે વાત કરી એ વધુ વિચારતા કરી દે એવી છે. તેણે કહ્યું કે, એ ફિઝિકલી કોઇ સાથે રિલેશન રાખે એમાં વાંધો નથી પણ ઇમોશનલી કોઇની સાથે કનેક્ટ ન હોવો જોઇએ!

દરેક ભૂલ અજાણતા નથી થતી, ઘણી ભૂલો જાણી જોઇને થતી હોય છે. ભૂલો કરતી વખતે પરિણામની કલ્પના સુદ્ધાં હોતી નથી. ઘણા કપલ એવા પણ છે જે આંખ આડા કાન કરી લે છે. એવા પતિ પત્ની સાથે રહેતા હોય છે પણ એના દાંપત્યમાં કોઇ દમ હોતો નથી. સાઇકોલોજિસ્ટો માટે પણ એ અભ્યાસનો વિષય છે કે, સંબંધો કેમ દિવસેને દિવસે ઘસાતા જાય છે? પ્રેમ કેમ ટકતો નથી? અપેક્ષાઓનો અતિરેક સંબંધનું ગળું ઘોંટી નાખે છે. સાચી વાત એ છે કે, કોઇ કોઇને સમજવા તૈયાર નથી. બધા પોતાને સાચા માને છે. હાથ છૂટે પછી પસ્તાય છે. સંબંધોને સજીવન રાખવા બહુ અઘરા નથી. તમે જે ઇચ્છો એવા તમારી વ્યક્તિ માટે પણ બનો, સંવાદને અટકવા ન દો, તમારી વ્યક્તિને સમય આપો, સાથ આપો, સ્નેહ આપો. પ્રેમ બીજે શોધવા ફાંફાં મારશો તો જે છે એ પણ ગુમાવવાનો વારો આવશે. જિંદગીના કોઇ રસ્તે જઇ રહ્યા હોઇએ ત્યારે એ વિચારવું જોઇએ કે, આ રસ્તો ક્યાં જાય છે? એનો અંજામ શું હશે? ક્યાંક આપણે હાથે કરીને તો દુ:ખ, પીડા, વેદના અને એકલતાને નોતરતા નથીને?

હા એવું છે!

દુનિયાના છ ટકા જેટલા લોકો નાર્સિસિસ્ટિક પર્સનાલિટી ડિસઓર્ડરથી પીડાય છે. તેઓ એવા ભ્રમમાં હોય છે કે, હું જ શ્રેષ્ઠ છું. આવા લોકોને પોતાના માટે તો ઊંચો ખયાલ હોય છે પણ એ બીજા લોકો સાથે ઘણી વખત જાણે હાલી-મવાલી હોય એવું વર્તન કરતા હોય છે!

(‘સંદેશ’, અર્ધસાપ્તાહિક પૂર્તિ, તા. 18 ઓગસ્ટ 2021, બુધવાર. ‘દૂરબીન’ કોલમ)

kkantu@gmail.com

Krishnkant Unadkat

Krishnkant Unadkat

Leave a Reply

%d bloggers like this: