સોશિયલ મીડિયા પર ઓછી લાઇક
મળે તો તમે અપસેટ થાવ છો?
દૂરબીન : કૃષ્ણકાંત ઉનડકટ
ફેસબુક હવે એવું કરવાનું છે કે, તમને જે લાઇક્સ
મળે છે એ તમારા સિવાય બીજું કોઇ જોઇ ન શકે.
આપણે હવે લાઇક્સથી પણ ઇર્ષા કે અભિમાન કરવા લાગ્યા છીએ!
સોશિયલ મીડિયાની સાઇકોલોજી ખતરનાક થતી
જાય છે. આ કોઇ સ્પર્ધા નથી કે આપણે એમાં
આપણી હાર કે જીત જોઇએ
તમે સોશિયલ મીડિયા પર કંઇ અપલોડ કરો એ પછી તમને એ જોવાની લાલચ રહે છે કે, કેટલી લાઇક્સ મળી? કોણે કોણે કમેન્ટ્સ કરી? શું કમેન્ટ્સ કરી? હા, એવી લાલચ તો થવાની જ છે. એવું થવું બહુ સ્વાભાવિક પણ છે. ઘણા લોકો તો વારે વારે એ જોતા રહે છે કે, લાઇક કેટલી વધી? અગાઉની પોસ્ટમાં તમને 200 લાઇક મળી હોય અને છેલ્લી પોસ્ટને 125 લાઇક થઇ જાય તો તમે અપસેટ થાવ છો? બીજા કોઇની પોસ્ટને લાઇક કરતી વખતે તમે શું વિચારો છો? એ તમને આળખે છે એટલે લાઇક કરો છો કે પછી એની પોસ્ટ ખરેખર લાઇક કરવા જેવી હોય છે? ઘણા લોકો તો કોઇ ફોટો જોઇને કહે છે કે, ભંગાર લાગે છે, એટલું બોલીને પણ પાછી લાઇક તો કરશે જ! આપણે હવે સોશિયલ મીડિયા પર પણ સારું લગાડતા થઇ ગયા છીએ! બોસની પોસ્ટ છે એટલે તો લાઇક કરવી જ પડશે. આપણે બોસને રાજી રાખવા માટે તો ક્યારેય દાંત કચકચાવતા પણ કમેન્ટ કરીએ છીએ કે, વાહ ક્યા બાત હૈ!
તમે કોઇ પોસ્ટ કોઇ માટે લખી હોય, એને ટેગ પણ કર્યા હોય અને એણે જોઇ જ ન હોય તો તમને ગુસ્સો આવે છે? એવું થાય છે કે એને તો કોઇ પરવા જ નથી? માનો કે એણે જોઇ લીધી હોય અને કંઇ જ રિસ્પોન્સ ન આપ્યો હોય તો તમને માઠું લાગે છે? બધાને એકસરખું થાય એવું જરૂરી નથી. દરેક એક્શન સામે જુદાં-જુદાં રિએક્શન હોય છે. તમે સ્ટેટસ અપલોડ કર્યું હોય અને એકેય લાઇક ન મળે તો તમને શું થાય? મોટા ભાગના લોકો તો સ્ટેટસ મૂકીને સૌથી પહેલાં પોતે જ લાઇક કરી દે છે. આપણી લાઇક સૌથી પહેલી! ખાતું તો આપણાથી જ ખૂલવું જોઇએ. તમારા ફ્રેન્ડને તમારાથી વધુ લાઇક મળતી હોય તો તમને તેની ઇર્ષા આવે છે?
સોશિયલ મીડિયા પણ જાણે કોઇ સ્પર્ધા જામી હોય એમ બધા લાઇક, કમેન્ટ્સ અને ફોલોઅર્સ માટે દોડે છે. એને ક્રાઇટેરિયા માની લે છે. ઇન્સ્ટાગ્રામ, ફેસબુક અને બીજા સોશિયલ મીડિયામાં કોના કેટલા ફોલોઅર્સ કે ફ્રેન્ડ છે એના ઉપરથી એની લોકપ્રિયતાને આંકવામાં આવે છે. સેલિબ્રિટિઝની વાત જુદી છે, પણ સામાન્ય લોકો જ્યારે આ દોડમાં જોડાય છે ત્યારે ઘણીવખત એ હતાશાનો ભોગ બને છે. લઘુતાગ્રંથિ આવી જાય છે કે, મારું તો કોઇ મહત્ત્વ જ નથી.
સોશિયલ મીડિયાના કારણે જે સાઇકોલોજિકલ પ્રોબ્લેમ્સ થાય છે એ જોઇને ફેસબુક એક નિર્ણય લેવાનું વિચારી રહ્યું છે. હવેથી તમને ફેસબુક પર જે લાઇક્સ મળે છે એ માત્ર તમે જ જોઇ શકશો. તમારી પોસ્ટને જે કમેન્ટ્સ મળે છે એ ફક્ત તમે જ વાંચી શકશો. ફેસબુકે તેની પ્રાયોગિક શરૂઆત આસ્ટ્રેલિયાથી કરી પણ દીધી છે. ઓસ્ટ્રેલિયામાં જે રિઝલ્ટસ મળશે તેના પરથી બીજા દેશોમાં એ લાગું કરવું કે નહીં તેનો નિર્ણય લેવાશે. બાય ધ વે, આવું થાય તો તમને ગમે કે નહીં? આપણને જે લાઇક મળે છે એ બીજા લોકો પણ જોતા હોય છે. માત્ર લાઇક્સ જ નહીં, કોણે શું કમેન્ટ્સ કરી એ પણ વાંચતા હોય છે. કમેન્ટ્સ ઉપર પણ ચર્ચાઓ અને વાદવિવાદ ચાલતા રહે છે.
ફેસબુકના રિસર્ચમાં એવું બહાર આવ્યું હતું કે, જેને ઓછી લાઇક્સ મળે છે એ ડિસ્ટર્બ થાય છે અને પોતાના વિશે જાતજાતના અભિપ્રાયો બાંધી લે છે. ઘણા લોકો તો ઓછી લાઇક્સ મળે તો પોસ્ટ જ ડિલીટ કરી નાખે છે. ફેસબુક એવું કહે છે કે, અમે નથી ઇચ્છતા કે લોકો આને સ્પર્ધા સમજે. ફેસબુક અને ઇન્સ્ટાગ્રામની માલિકી એકની જ એટલે કે માર્ક ઝકરબર્ગની છે. કેનેડામાં ઇન્સ્ટાગ્રામમાં આવો પ્રયોગ થયો છે. ઇન્સ્ટાગ્રામના આગમન પછી યંગસ્ટર્સ તેના તરફ વળ્યા છે. ફેસબુકને હવે યંગસ્ટર્સ મોમ-ડેડ કે અંકલ-આન્ટીનું સોશિયલ મીડિયા કહે છે. ફેસબુક વિશે પણ લોકોમાં જાતજાતની વાતો થતી રહે છે. અનેક લોકોનું એવું માનવું છે કે, પહેલાં જેટલી લાઇક મળતી હતી એટલી હવે નથી મળતી. લોકો જે પોસ્ટ કરે છે એ બધા સુધી પહોંચતી ન હોવાની વાતો પણ થતી રહે છે. પોસ્ટને પ્રમોટ કરવા માટે ફેસબુક રૂપિયા માંગે છે. હવે આમાં કેટલું સાચું અને કેટલું ખોટું એ તો ભગવાન જાણે અને ફેસબુકવાળા જાણે.
સૌથી મહત્ત્વની વાત એ છે કે ફેસબુક હોય, ઇન્સ્ટાગ્રામ હોય, ટ્વિટર હોય, લિંક્ડઇન હોય કે બીજું કોઇ સોશિયલ મીડિયા હોય, તેને તમારી લાયકાત કે ગેરલાયકાતનું ધોરણ ન માની લો. સોશિયલ મીડિયાને તમારા મગજ પર સવાર થવા ન દો. સોશિયલ મીડિયા એ માત્ર મિત્રો સાથે જોડાયેલા રહેવા માટેનું માધ્યમ છે. કોઇના મજા કરતા ફોટા જોઇને એવું ન વિચારો કે બધા જલસા કરે છે અને હું એકલો કે એકલી જ દુ:ખી છું. કોણ સુખી છે કે કોણ દુ:ખી છે એનો અંદાજ ક્યારેય સોશિયલ મીડિયા પરથી આવતો નથી. માણસ જે દેખાડે છે એના કરતાં છુપાવતો વધુ હોય છે. તમારા નજીકના લોકો સાથે લાઇવ સંપર્કમાં રહો. થોડાક એવા સંબંધો રાખો જ્યાં તમે તમારા દિલની બધી વાતો હળવાશથી કરી શકો. સોશિયલ મીડિયા આભાસી દુનિયા છે અને જે આભાસી હોય છે એ ક્યારેય સાચું હોતું નથી. આપણે જો એને સાચું માની લઇએ તો એમાં વાંક એનો નહીં, આપણો હોય છે. તમે સોશિયલ મીડિયા પર કેટલો સમય વિતાવો છો એનો પણ હિસાબ રાખો. જો તમે તમારા લોકો કરતાં વધુ સમય સોશિયલ મીડિયાને આપતા હોવ તો માનજો કે તમે ખોટા રસ્તે છો. ખરાબ કે ખોટું કંઇ જ નથી, ટેક્નોલોજી આપણા માટે જ છે. તમને સોશિયલ મીડિયા ગમતું હોય તો ચોક્કસપણે એક્ટિવ રહો, માત્ર પ્રમાણભાન જાળવો અને માનસિકતા ઉપર થતી અસરથી અવેર રહો. સોશિયલ મીડિયાના કારણે માનસિક બીમારોની સંખ્યા વધતી જાય છે. નક્કી કરો કે મારે મારું નામ સાઇબર સિકમાં નથી નોંધાવવું. પેલી ઉક્તિ તો તમે સાંભળી જ હશે કે, અતિ સદા વર્જયેત!
પેશ-એ-ખિદમત
બગૈર ઉસકે અબ આરામ ભી નહીં આતા,
વો શખ્સ જિસકા મુજે નામ ભી નહીં આતા,
ચૂરા કે ખ્વાબ વો આંખોં કો રેહન રખતા હૈ,
ઔર ઉસકે સર કોઇ ઇલ્જામ ભી નહીં આતા.
(રેહન-બંધક) – ગુલામ મહોમ્મદ કાસિર
( ‘દિવ્ય ભાસ્કર’, ‘રસરંગ’ પૂર્તિ, તા. 06 ઓકટોબર 2019, રવિવાર. ‘દૂરબીન’ કોલમ)
kkantu@gmail.com