મારા જેવો પ્રેમ તને કોઈ ના કરી શકે! – ચિંતનની પળે

મારા જેવો પ્રેમ તને

કોઈ ના કરી શકે!

ચિંતનની પળે : કૃષ્ણકાંત ઉનડકટ

બે જ ડગલાં પૂરતો જે સાથ દઈને જાય છે,

ખોટ એની માર્ગમાં છેવટ સુધી વર્તાય છે.

રાખવાનો છે મલાજો આખરે સંબંધનો,

આપણાથી એમ થોડી આંગળી ચીંધાય છે.

-હિમલ પંડ્યા ‘પાર્થ’

 

તમને પ્રેમ કરતા આવડે છે? આવો સવાલ તમને કોઈ પૂછે તો તમે શું જવાબ આપો? કોઈ એમ કહે કે ના, મને પ્રેમ કરતા નથી આવડતું? પ્રેમ કરતા બધાને આવડતું હોય છે. કોઈ માણસ નફરત કરવા પ્રેમ કરતો હોતો નથી. પ્રેમ તો પ્રેમ કરવા માટે જ થતો હોય છે. તકલીફ એ છે કે આપણે પ્રેમ કરતા હોતા નથી. પ્રેમ વ્યક્ત થતો હોવો જોઈએ. પ્રેમ દેખાવવો જોઈએ. ચહેરા ઉપર પ્રેમ નજાકત બનીને તરવરવો જોઈએ. પ્રેમ આંખમાં છલકવો જોઈએ. પ્રેમ ટેરવાં ઉપર સ્પંદનો સર્જવો જોઈએ. પ્રેમ અસ્તિત્વમાં ઉજાગર થવો જોઈએ. પ્રેમ શ્વાસમાં સુગંધ ભરવો જોઈએ. પ્રેમ દિલમાં ધડકવો જોઈએ. એનું નામ પડે કે તરત દિલના ધબકારા તેજ થવા જોઈએ. એનો ચહેરો દેખાય અને આયખું ખીલી જવું જોઈએ.

 

પ્રેમ વિશે એવું કહેવાતું આવ્યું છે કે પ્રેમ છૂપો રહેતો નથી. પ્રેમ છૂપો રહેવો પણ ન જોઈએ. જો છૂપો રહે તો એ પ્રેમ કેવો? પ્રેમ તો થનગનાટ, તરવરાટ અને તલસાટનો પર્યાય છે. પ્રેમમાં હોય એ વ્યક્તિ કાં તો ખૂબ જ ખુશ હોય અને કાં તો પ્રેમીની યાદમાં અત્યંત ઉદાસ હોય. પ્રેમમાં જે કંઈ હોય એ બધું એક્સ્ટ્રીમ જ હોય. પ્રેમમાં અંકુશ રહેતો નથી. પ્રેમ આપણને મજબૂર કરે છે. સતત એને જોવા માટે, સતત એના વિશે વિચારવા માટે, સતત એની વાતો વાગોળવા માટે, સતત એના સ્પર્શને સજીવન કરવા માટે પ્રેમ આપણને મજબૂર કરે છે.

 

પ્રેમીનું નામ, એનો ચહેરો, એના શબ્દો અને એનું સાંનિધ્ય દિલ સાથે ‘ટેગ’ થઈ ગયેલું હોય છે. પ્રેમ હાઇટેક બન્યો છે. મોબાઇલના હાઇડ કે પાસવર્ડ સિક્યોર્ડ ફોલ્ડરમાં છુપાયેલી તસવીરો એકાંતમાં ખૂલે છે. ટચ સ્ક્રીનથી તસવીરો ફરે છે અને ચહેરો થોડો થોડો ખીલતો રહે છે. પ્રેમીનું પ્રોફાઇલ પિક્ચર એ વિશ્વની સૌથી સુંદર તસવીર છે. ઇન્સ્ટાગ્રામ પર અપલોડ થયેલી તસવીરને લાઇક કર્યા પછી કમેન્ટ માટે શબ્દો મળતા નથી. જે શબ્દો મળે એ લખી શકાતા નથી. ફેસબુક પર આઈ એમ ઇન રિલેશનશિપ જેવું લખવાનું બધાના નસીબમાં હોતું નથી. લખવાનું તો મન થાય, પણ ખાનગી હોય એ જાહેર થઈ જવાનો ડર સતાવે છે. પ્રેમ એ દેખાડવાની ચીજ નથી. પ્રેમ તો અનુભવવાની વસ્તુ છે. પ્રેમમાં કવિતાઓ સૂઝે છે અને શમણાંઓ દૂઝે છે.

 

પ્રેમ મુક્ત હોવો જોઈએ એવું કહેવાય છે. હકીકતે પ્રેમ ક્યારેય સંપૂર્ણપણે મુક્ત હોતો જ નથી. પ્રેમમાં ઈર્ષા હોય છે. પ્રેમમાં પઝેશન હોય છે. પ્રેમમાં જીદ હોય છે. મારી વ્યક્તિ બસ મારી જ હોવી જોઈએ. એના સામે બીજું કોઈ ન જુએ. પ્રેમી કોઈ બીજાનાં કે બીજીનાં વખાણ કરે તો આકરું લાગે છે. પ્રેમીના અપડેટ્સમાં કોઈ કમેન્ટ કરે તો પણ સહન નથી થતું. એ કેમ તારા વિશે એવું લખે છે? પોતાના પ્રેમી ફોટો અપલોડ કરે પછી પ્રેમિકા ખાનગીમાં જોઈ લે છે કે કેટલી છોકરીઓએ લાઇક કર્યું છે? પ્રેમિકાના ફોટા પર લાઇક કરનાર છોકરાઓ વિશે પ્રેમીને કુતૂહલ હોય છે કે આ કોણ છે? એને કેવી રીતે ઓળખે છે. પૂછવાનું મન થાય તો પણ ઘણી વખત પૂછી શકાતું નથી? પ્રેમી કે પ્રેમિકાને કેવું લાગે? એને હું ઓર્થોડોક્સ લાગીશ. મને તારા ફ્રેન્ડ્ઝ હોય એની સામે કંઈ વાંધો નથી, પણ માત્ર ફ્રેન્ડ્ઝ જ હોવા જોઈએ. એમાંય કોઈ ફ્રેન્ડ ‘બેસ્ટી’ હોય ત્યારે એના ઉપર વધુ નજર હોય છે.

 

પ્રેમમાં એક મીઠી પીડા છે. કોઈ પોતાની વ્યક્તિને ‘પ્રેમ’થી જુએ તો સહન થતું નથી. એક પ્રેમીયુગલની વાત છે. પ્રેમીએ એની પ્રેમિકાને કહ્યું કે, તું બહુ સજીધજીને તૈયાર ન થાને? પ્રેમિકાએ પૂછ્યું, કેમ તને નથી ગમતું? પ્રેમીએ કહ્યું કે, મને તો બહુ જ ગમે છે, પણ તારી સામે બધા જુએ એ સહન નથી થતું! પ્રેમિકાએ મજાક કરી કે, તારું ચાલે તો તું મને જૂના ગાભા પહેરવાનું જ કહે! મેકઅપ નહીં કરવાનો, તું તો નેચરલી જ બ્યૂટીફૂલ છે! આવું બધું પ્રેમમાં બહુ જ સહજ છે. પ્રેમની તીવ્રતા જેટલી વધુ એટલી આવી મીઠી પીડા વધુ. આમ જુઓ તો એ જ તો પ્રેમનો એક ભાગ છે. તૈયાર થઈને લીધેલી પહેલી સેલ્ફી પ્રેમીને મોકલી દેવાય છે. કેવી લાગું છું? કે કેવો લાગું છું? સ્વીટી, ક્યૂટી, મસ્ત કે હેન્ડસમ, ડેશિંગ જેવો જવાબ મળે એટલે પગ ધરતીથી થોડાક ઉપર હવામાં લહેરાતા હોય છે. રાતે ગુડનાઇટનો મેસેજ ન આવે ત્યાં સુધી ઊંઘ નથી આવતી અને ગુડ મોર્નિંગનો મેસેજ ન આવે ત્યાં સુધી સવાર પડતી નથી. વીડિયો કોલ કરીને ચહેરો જોવાનું મન થાય છે, પણ ઘરમાં એટલી પ્રાઇવસી મળતી નથી. મેસેજ પણ સંતાઈને થાય છે. પ્રેમ માણસને જુદું બોલતો અને ઘણું બધું છુપાવતો કરી દે છે. જે કરે છે એનો કોઈ ગમ કે અફસોસ હોતો નથી, ઊલટું છાતી ઠોકીને કહે છે કે એવરીથિંગ ઇઝ ફેર ઇન લવ એન્ડ વોર.

 

પ્રેમ ગમે એટલો કરીએ તો પણ ઓછો પડે છે. દરેક પ્રેમીને એવું હોય છે કે હું તને વધુ પ્રેમ કરું છું. કોણ વધુ પ્રેમ કરે છે એ કહેવું અઘરું હોય છે. એક પ્રેમીયુગલની વાત છે. બંને એકબીજાના ગળાડૂબ પ્રેમમાં હતાં. પ્રેમી વારંવાર એક સવાલ કરે કે, હું તને વધુ પ્રેમ કરું છું ને? પ્રેમિકા ઓલવેઝ એવું કહે કે, ના હું તને વધુ પ્રેમ કરું છું. એક વખત પ્રેમીએ કહ્યું કે, મારા જેવો પ્રેમ તને બીજું કોઈ ન કરે! પ્રેમિકાએ કહ્યું કે, સાચું તો એ કહેવાય કે હું તને કહું કે તારા જેવો પ્રેમ કોઈ ન કરે! જોકે, પ્રેમ માપીને થતો નથી. પ્રેમનું કોઈ માપ જ ન હોઈ શકે. પ્રેમ એ લગ્ન પહેલાં જીવવા માટે નથી. પ્રેમ એ તો છેલ્લા શ્વાસ સુધી જીવાતી ઘટના છે.

 

એક વૃદ્ધ દંપતીની આ વાત છે. પત્ની બીમાર હતી. પથારીવશ પત્નીનો ચામડીમાં કરચલીવાળો હાથ પકડીને પતિ રોજ તેની પાસે બેસી રહે. એક વખત પતિએ હાથમાં હાથ લીધો અને પત્નીએ કહ્યું કે, તારા હાથમાં હજુ એવી ને એવી ઉષ્મા છે. દર વખતે તું હાથ પકડે ત્યારે હજુ પહેલી વખત હાથ પકડ્યો હતો એવો જ રોમાંચ જીવતો થઈ જાય છે. આંખમાં ઝાંખપ આવી છે, પણ તું મને હજુ એવી જ ત્વરાથી જુએ છે. વાળ સફેદ થઈ ગયા છે, પણ તારી નજર હજુ મારા માટે એવી ને એવી રંગીન છે. કોઈ મને પૂછે કે પ્રેમ એટલે શું તો હું એવું જ કહું કે તારી સાથે ઘરડા થવાની મજા. તેં મને તારી આદત બનાવી દીધી છે અને તું મારા માટે મારી જિજીવિષા છે. હું જીવું છું, કારણ કે તું હજુ એવી રીતે હાથ પકડે છે કે એ હાથ છોડવાનું મન નથી થતું. મરવાનો ડર નથી, પણ તારાથી જુદા થવાનું મન થતું નથી. તેં મને ક્યારેય તારાથી જુદી થવા જ નથી દીધી.

 

પ્રેમ માપો નહીં. પ્રેમ કરો. અનહદ, બેઇન્તેહા! એવો પ્રેમ કે દુનિયામાં કોઈએ ન કર્યો હોય. હા, એવો પ્રેમ થઈ શકે છે, એવો પ્રેમ કરી શકાય છે, કારણ કે તમારા જેવો પ્રેમ બીજું કોઈ ન કરી શકે. તમે જ તમારા જેવો પ્રેમ કરી શકો. પ્રેમી પરિસ્થિતિને આધીન હોય છે. પ્રેમમાં અપ-ડાઉન્સ પણ આવે. મિલન પછી વિરહ પણ થાય. પ્રેમ આપણી અંદર જીવાતો રહેવો જોઈએ. એટલો પ્રેમ કરો કે તમારી વ્યક્તિ જ બોલી ઊઠે કે તારા જેવો પ્રેમ બીજું કોઈ કરી ન શકે! તું મારા માટે વિશ્વની શ્રેષ્ઠ વ્યક્તિ છે. તારા વગર બધું જ અઘૂરું. તું છે તો જ મને લાગે છે કે હું છું!

 

છેલ્લો સીન:

પ્રેમમાં સુખી થવાની ચાવી એ છે કે બંને નાનામાં નાની વાતમાં પણ એકબીજાને રાજી રાખવાની કલા શીખે.

-જે. એચ. પાર્કિસ.

 

(‘દિવ્ય ભાસ્કર’, ‘કળશ’ પૂર્તિ, તા. 01 ફેબ્રુઆરી, 2017, બુધવાર. ચિંતનની પળે કોલમ)

 

Krishnkant Unadkat

Krishnkant Unadkat

10 thoughts on “મારા જેવો પ્રેમ તને કોઈ ના કરી શકે! – ચિંતનની પળે

  1. વાંચવા ની ખૂબ મજા પડી..અને આનંદ આવ્યો ખૂબ જ સુંદર લેખ છે અને ખૂબ જ મધુર સરસ ને બહુ જ સાચી પ્રેમ ની વાત એમાં અનુભવાતી લાગણી એમાં સમાયેલ ભાવ,એહસાસ દરેક ની સુંદર છણાવટ કરી છે..બહુ ગમ્યું.🌹🌹

  2. Nice Article Sir
    પ્રેમ માપો નહીં. પ્રેમ કરો. અનહદ, બેઇન્તેહા! એવો પ્રેમ કે દુનિયામાં કોઈએ ન કર્યો હોય. હા, એવો પ્રેમ થઈ શકે છે, એવો પ્રેમ કરી શકાય છે, કારણ કે તમારા જેવો પ્રેમ બીજું કોઈ ન કરી શકે. તમે જ તમારા જેવો પ્રેમ કરી શકો. પ્રેમી પરિસ્થિતિને આધીન હોય છે. પ્રેમમાં અપ-ડાઉન્સ પણ આવે. મિલન પછી વિરહ પણ થાય. પ્રેમ આપણી અંદર જીવાતો રહેવો જોઈએ. એટલો પ્રેમ કરો કે તમારી વ્યક્તિ જ બોલી ઊઠે કે તારા જેવો પ્રેમ બીજું કોઈ કરી ન શકે! તું મારા માટે વિશ્વની શ્રેષ્ઠ વ્યક્તિ છે. તારા વગર બધું જ અઘૂરું. તું છે તો જ મને લાગે છે કે હું છું!
    its really true..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *