દરેકે પોતાનું પેઇન ભોગવવું પડે છે! છ ચિંતનની પળે – કૃષ્ણકાંત ઉનડકટ

દરેકે પોતાનું પેઇન
ભોગવવું પડે છે!


ચિંતનની પળે -કૃષ્ણકાંત ઉનડકટ


કહે છે કે એ તો બધાને જુએ છે,
અમે કેમ એની નજરમાં ન આવ્યા?
ઘણા આમ ટૂંકાય રસ્તા હતા પણ,
મને કામ એક્કે સફરમાં ન આવ્યા.
-રાજ લખતરવી

 
પેઇન, વેદના, પીડા અને દર્દનો જિંદગી સાથે ગજબનો નાતો હોય છે. આપણે ઇચ્છીએ કે ન ઇચ્છીએ, પેઇન ઓચિંતું જ આવી ચડે છે. કંઇક એવું બને છે જે આપણને અંદર ને અંદર વલોવતું રહે છે. મૂંઝારો થાય છે. ક્યાંય મજા આવતી નથી. જિંદગીની કેટલીક ઘટનાઓ આપણા હાથમાં નથી હોતી. આપણા લાખ પ્રયાસો છતાં આપણે કેટલીક ઘટનાઓને ટાળી શકતા નથી. એમાંથી પસાર થયા વગર કોઇ છૂટકો જ હોતો નથી. ક્યારેક એવો સવાલ થાય કે, સૌથી મોટું પેઇન કયું? પ્રેમનું પેઇન કદાચ સૌથી મોટું અને અઘરું હોય છે. આપણે જેના માટે બધું જ કરી છૂટવા તૈયાર હોઇએ એ જ વ્યક્તિ જ્યારે ડિચ કરે ત્યારે મગજ બહેર મારી જાય છે. ક્યારેક કંઇક એવું બોલી જાય કે, એક શબ્દ જીરવવો પણ અઘરો લાગે! પ્રેમ અને દોસ્તીમાં જ્યારે આપણને જુદી રીતે સમજવામાં આવે ત્યારે લાગતો આઘાત આસાનીથી પચાવી શકાતો નથી. બે પ્રેમીની આ વાત છે. પ્રેમિકા પોતાના પ્રેમી માટે થઇ શકે એ બધું જ કરે. એનું ફેમિલી ઓર્થોડોક્સ હતું. ઘરે હોય ત્યારે ફોન પર વાત કરી ન શકે. મેસેજ પણ જોઈ ન શકે. તેનો પ્રેમી મેસેજ કર્યા રાખે કે રિંગ કરે તો પણ એ ફોન લઇ ન શકે. એક વખત તેના પ્રેમીએ કહ્યું કે, તું સ્વાર્થી છે. તારે વાત કરવી હોય ત્યારે તું ફોન કરે પણ મારે વાત કરવી હોય તો તું ફોન ન ઉપાડે કે મેસેજનો જવાબ પણ ન આપે! પ્રેમિકાને આ વાતથી ખૂબ જ દુ:ખ લાગ્યું. તેણે કહ્યું કે, મારી મજબૂરીને તું સ્વાર્થનું નામ ન દે! તારે બોલી દેવું છે. મારી હાલતનો અંદાજ તને નથી હોતો! આપણને આપણી વ્યક્તિની હાલતનો કેટલો અંદાજ હોય છે? આપણને બધું આપણી રીતે અને આપણી શરતે જોઇતું હોય છે! પ્રેમમાં જ્યારે કોઇ બાબતે ગેરસમજ થાય ત્યારે એવો વિચાર આવ્યા વગર નથી રહેતો કે, એને આ વાત કેમ સમજાતી નહીં હોય? એને મારો કોઇ વિચાર જ નથી આવતો? મોટા ભાગે ગેરસમજના કારણે જ સંબંધ તૂટે છે.
તૂટેલા સંબંધોની કરચો લાંબા સમય સુધી ભોંકાતી રહે છે. બ્રેકઅપ બાદ એક છોકરીએ કહેલી આ વાત છે. તેણે કહ્યું કે, થોડોક સમય તો એવું લાગ્યું જાણે જિંદગીનો કોઇ હિસ્સો જ છૂટી ગયો ન હોય! ક્યાંય ચેન ન પડે! કંઇ જ ન ગમે! એક ઉદાસી છવાયેલી રહે. ઉદાસીની એક મોસમ હોય છે અને એ મોસમ બહુ અઘરી હોય છે. ઉદાસીની મોસમનું પાછું કોઇ ટાઇમટેબલ હોતું નથી. એ ક્યાં સુધી રહે એ નક્કી હોતું નથી. પ્રેમની તીવ્રતા જેટલી વધુ એટલું પેઇન પણ વધુ જ થવાનું છે. પેઇનના પણ પ્રકારો હોય છે. કોઇ માણસ કાયમ માટે આ દુનિયા છોડીને ચાલ્યો જાય ત્યારે પેઇન થવાનું જ છે. હમણાંની જ એક સાચી ઘટના છે. એક યુવતીના પતિનું અવસાન થયું. તેની ઉંમર હજુ નાની હતી. બધા એને કહેતા કે, તું ચાંદલો કર, રંગીન ડ્રેસ પહેર! એક તબક્કે એ યુવતી ઉશ્કેરાઈ ગઈ. તેણે કહ્યું કે, હા હું બધું કરીશ પણ મને ટાઇમ તો આપો. મને મારું પેઇન તો સહન કરી લેવા દો, અત્યારે મારો જીવ જ કશામાં નથી લાગતો. મારા પેઇનમાંથી બહાર નીકળીશ પછી હું ધીમેધીમે બધું કરીશ. મને એ વાતની ખબર છે કે, એ હવે પાછો નથી આવવાનો, મને એ પણ જાણ છે કે મારે એકલીએ હવે આ જિંદગી કાઢવાની છે, મને બસ આમાંથી મારી રીતે બહાર આવવા દો. તમે બધા સુખ કે ખુશી પણ ઠોકી બેસાડવાનો પ્રયાસ ન કરો. પેઇનને પણ સમય આપવો પડતો હોય છે!
સંબંધોનાં અમુક પેઇન પાછાં એવાં હોય છે જે તમારે ફેસ કરવાં જ પડે છે. એક ભાઇની આ વાત છે. એણે દીકરીના સુખ માટે ખૂબ સપનાં જોયાં હતાં. સારું ઘર જોઇને દીકરીને પરણાવી હતી. દીકરી જોબ કરતી હતી. દીકરીનો પતિ જેવો ધાર્યો હતો એવો ન નીકળ્યો. બંને વચ્ચે ઝઘડા થતા હતા. આખરે બંને જુદાં પડી ગયાં. દીકરી પિયરમાં પાછી આવી ગઇ. પિતાને કોઇ પ્રોબ્લેમ નહોતો. દીકરીએ એક દિવસે કહ્યું કે, મારે મારી રીતે એકલા રહેવું છે. દીકરી અલગ રહેવા ચાલી ગઇ. પિતાથી દીકરીની એકલતા અને એની સાથે જે થયું એ સહન થતું નહોતું. તેનો એક મિત્ર હતો. તેણે મિત્રની હાલત જોઇને કહ્યું કે, તું આટલો બધો દુ:ખી ન થા. દરેકે પોતાનું પેઇન ભોગવવું પડે છે. એ દીકરીના ભાગનું પેઇન છે, એમાંથી એણે જ પાસ થવું પડશે. તમે કોઇને મદદ કરી શકો, કોઇને હૂંફ આપી શકો, ધ્યાન રાખી શકો પણ તમે કોઇનું નસીબ બદલી ન શકો! એનાં નસીબમાં જે લખ્યું હશે એ એણે ભોગવવાનું જ છે! એવા સમયે આપણી ફરજ એ છે કે એને તૂટવા ન દઇએ અને એક આધાર બનીને તેની પડખે ઊભા રહીએ, તેને પોતાના પેઇનમાંથી પસાર થવા દઇએ!
માણસને કોઇના સુખ વખતે શું કરવું એના કરતાં કોઇના દુ:ખ વખતે શું કરવું એની સમજ હોવી જરૂરી છે. આપણી નજીકનું કોઇ તૂટે ત્યારે આપણે એની સાથે તૂટી જવાનું ન હોય! બે મિત્રની આ વાત છે. એક મિત્રની લાઇફમાં સેટબેક આવ્યો. મિત્ર ડિસ્ટર્બ રહેવા લાગ્યો. એનો મિત્ર પણ એની સાથે ડિસ્ટર્બ રહેવા લાગ્યો. તેના એક ત્રીજા મિત્રએ કહ્યું કે, તું તો ગજબનો છે! એ ડિસ્ટર્બ છે તો તારે ડિસ્ટર્બ થવાનું હોય કે એનું ધ્યાન રાખવાનું હોય? કોઇ રડે એટલે એની સાથે રડવા ન બેસી જવાય, એને છાના રખાય! આપણે બધા પણ ઘણી વખત આવું કરતા હોઇએ છીએ. જિંદગીમાં અમુક સમય એવો આવે છે જ્યારે માણસે હોય એના કરતાં વધુ મજબૂત બનવાનું હોય છે. ઘણી વખત આપણે મજબૂત થવાનું હોય ત્યારે જ નબળા પડી જતા હોઇએ છીએ. બધું સારું અને સમુંસૂતરું હોય ત્યારે તો બધા મક્કમ અને સક્ષમ રહે, નાજુક પળે તમે કેટલા સ્વસ્થ રહો છો એના પરથી જ તમારી તાકાત નક્કી થતી હોય છે.
આપણા બધાની જિંદગીમાં આપણા ભાગનું પેઇન લખાયેલું હોય છે. દરેકે પોતાનું યુદ્ધ લડવાનું હોય છે. દરેક એ લડતા પણ હોય છે, લડવું જ પડતું હોય છે. મહત્ત્વની વાત એ હોય છે કે, આપણે કેટલી તાકાતથી, કેટલી હિંમતથી અને કેટલી સ્વસ્થતાથી આપણું યુદ્ધ લડીએ છીએ. યુદ્ધ હારવાનું હોતું નથી. યુદ્ધ જીતવું પડે છે. ઘા ખમીને પણ અને વેદના ઝીરવીને પણ ટટ્ટાર ઊભા રહેવું પડતું હોય છે. જિંદગી પર લાંબો વિચાર કરીએ તો સમજાશે કે, સાલ્લું ગમે તે કરીએ તો પણ વેદના ક્યાંકથી ને ક્યાંકથી ટપકી જ પડે છે! એક યુવાનની આ વાત છે. તે ચારે તરફથી ઘેરાયેલો હતો. પર્સનલ રિલેશન ક્રાઇસીસમાંથી પસાર થતા હતા. ઓફિસમાં પણ પ્રોબ્લેમ્સ હતા. ફ્રેન્ડ્સ વચ્ચે પણ ઇશ્યૂઝ હતા. એનું ક્યાંય ધ્યાન પડતું નહોતું. તેણે કહ્યું કે, હવે તો ફોનની રિંગ વાગે છે તો પણ ટેન્શન થાય છે કે, કંઇ નવો લોચો તો નહીં હોયને! મુસીબતો એકલદોકલ નહીં પણ બટાલિયન મોઢે જ આવતી હોય છે. ઘણી વખત તો એવું બનતું હોય છે કે, આપણને એમ થાય કે આ બધું શું થવા બેઠું છે? આવા સમયે પણ એક વાત યાદ રાખવાની કે ધીમેધીમે બધું જ સેટ થઇ જતું હોય છે. કોઇ પેઇન કાયમી હોતું નથી. કાયમી પેઇન એ જ રહે છે જો આપણે એને પંપાળ્યા રાખીએ અને તેમાંથી બહાર ન નીકળીએ. જિંદગીમાં પ્રોબ્લેમ તો આવવાના જ છે, આપણે એને કેવી રીતે પાર પાડીએ છીએ તેના પરથી આપણી સમજણ છતી થતી હોય છે. આપણે આપણી જાતને કહેતા રહેવું પડે છે કે, હું તૂટવા માટે સર્જાયો નથી! મારામાં એ કાબેલિયત છે કે, દરેક પડકારને ઝીલીને એમાંથી સાંગોપાંગ બહાર નીકળી શકું! મારે જ મારું યુદ્ધ જીતવાનું છે!

 
છેલ્લો સીન :
મનને મજબૂત રાખવા માટે એને રોજ તૈયાર કરવું પડે છે. જાતને ભરોસો આપવો પડે છે કે, તું નબળો નથી. જિંદગી પણ સક્ષમતાના પુરાવા માંગતી હોય છે અને આપણે પડકારો ઝીલીને એ પુરાવાઓ આપવા પડતા હોય છે!                                                                           -કેયુ.


(`સંદેશ’, સંસ્કાર પૂર્તિ, તા. 17 જુલાઈ, 2022, રવિવાર. `ચિંતનની પળે’ કૉલમ)
kkantu@gmail.com

Krishnkant Unadkat

Krishnkant Unadkat

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *