ફૂડ અને ફૂડ હેબિટ ધરમૂળથી બદલાઈ ગયાં છે – દૂરબીન : કૃષ્ણકાંત ઉનડકટ

ફૂડ અને ફૂડ હેબિટ
ધરમૂળથી બદલાઈ ગયાં છે

દૂરબીન : કૃષ્ણકાંત ઉનડકટ


——–

આપણા જમવામાં એવી ચીજો આવી ગઈ છે,
જે પહેલાં જોવા મળતી નહોતી. ચીઝ અને
પનીર પણ પહેલાં હતાં નહીં. આપણો ખોરાક ગ્લોબલ બનતો જાય છે.
કેટલુંક સારું છે અને કેટલુંક સાવચેત થઈ જવા જેવું પણ છે


———–

તમે આજે શું જમ્યા હતા? સવારે શેનો નાસ્તો કર્યો હતો? જે કંઇ ખાધું એ કેટલું હેલ્ધી હતું? ખોરાક અને ખાવાની આદતો વિશે હમણાં થયેલા એક સરવેમાં એવું બહાર આવ્યું છે કે, આપણો ખોરાક ધીમે ધીમે બદલાઈ રહ્યો છે. અગાઉ જે આપણી થાળીઓમાં પીરસાતું હતું અને હવે જે ખવાઇ રહ્યું છે તેમાં બહુ મોટો ફર્ક આવી ગયો છે. આ વાત આપણા ગુજરાતીઓને પણ બહુ લાગુ પડે છે. આપણું રોજિંદું મેનુ જ બદલાઈ ગયું છે. ઘરમાં અને જાહેર પ્રસંગોમાં કેટલીક એવી વાનગીઓ જોવા મળે છે, જે છેલ્લા થોડાં વર્ષોમાં જ આવી છે. અગાઉના સમયમાં લગ્નપ્રસંગનું ચોક્કસ મેનુ હતું. મોટાભાગે પૂરી, શાક, દાળ, ભાત, એક કે બે સ્વીટ, એ સ્વીટ પણ આપણી પરંપરાગત જેમ કે, મેસુબ, મોહનથાળ કે મીઠી બુંદી હતી. એક ફરસાણ જે મોટાભાગે ગાંઠિયા હતા, સંભારો અને પાપડ. વરાના જમણનો એક ચોક્કસ ટેસ્ટ પણ હતો. હવેના પ્રસંગોમાં મેનુની આઇટમો એટલી બધી હોય છે કે કઇ ખાવી અને કઇ ન ખાવી એ નક્કી કરવું મુશ્કેલ પડે. બધાને એવું જ લાગતું હોય છે કે, આટલા બધામાં તો એકેય વાનગી એન્જોય થાય નહીં. સ્ટાર્ટરમાં જ પેટ ભરાઇ જાય છે. ગુજરાતી, પંજાબી, સાઉથ ઇન્ડિયન, ઇટાલિયન, મેક્સિકનથી માંડીને ઇન્ટરકોન્ટિનેન્ટલ ફૂડ આપણા પ્રસંગોના મેનુમાં આવી ગયા છે. સૂપથી માંડીને સ્વીટ સુધીના ભોજન જોઇને એવું લાગે જાણે અન્નકૂટ ધરાયો ન હોય. મેરેજમાં જનારા લોકો પહેલાં તો એક ચક્કર મારી લે છે કે, ખાવા જેવું શું શું છે? ઘણા લોકો એવા પણ હોય છે જે દરેકેદરેક વસ્તુ થોડી તો થોડી ટેસ્ટ ન કરે ત્યાં સુધી એને મજા આવતી નથી. એવા લોકો પાછા બીજાને સજેસ્ટ પણ કરે છે કે, પેલી વાનગી ખાજો, મજાની છે. ન ખાવા જેવું હોય એના વિશે એવો અભિપ્રાય પણ આપે છે કે, એને તો અડતા જ નહીં. આ તો પ્રસંગની વાત થઇ, ઘરમાં પણ હવે મેનુ બદલાઈ ગયું છે.
ગુજરાતી ઘરોમાં રોજિંદો ખોરાક શું હતો? સવારે નાસ્તામાં મોટાભાગે રાતનો રોટલો, ભાખરી કે થેપલાં રહેતાં. કેટલીય મમ્મીઓ દિવસે વધેલી રોટલી તળીને સવારે નાસ્તામાં પીરસતી. રાતની ખીચડી પણ સવારે વઘારીને ખાવામાં આવતી. રાતે વધેલો રોટલો પણ વઘારીને નાસ્તામાં પીરસાતા હતો. હવે આપણો નાસ્તો બદલાઇ ગયો છે. નાસ્તામાં ઢગલાબંધ વેરાયટીઝ ઉમેરાઇ ગઇ છે. કોર્ન ફ્લેક્સનું નામ હજુ થોડા વર્ષો પહેલાં સુધી કોઇએ સાંભળ્યું નહોતું. કોર્ન ફ્લેક્સ ક્યારેય આપણો નાસ્તો હતો જ નહીં. હવે તો અનેક પ્રકારના કોર્ન ફ્લેક્સ આવી ગયા છે. બ્રેડ પણ અગાઉ બહુ ઓછી ખવાતી. બહુ બહુ તો બ્રેડબટર લોકો ખાતા હતા. હા, ઉપમા, પૌંઆ ચોક્ક્સ આપણા નાસ્તામાં હતા. જલેબી અને ગાંઠિયા પણ સવારના નાસ્તાનો હિસ્સો બની રહેતા હતા. ઘરમાં દાદા-દાદી, નાના-નાની કે બીજા જે કોઇ વડીલ હોય એને ક્યારેક પૂછજો કે તમારાં બા તમને નાસ્તામાં શું આપતાં હતાં, તો ઘણી રસપ્રદ વાતો સાંભળવા મળશે.
લંચ અને ડિનરની વાત કરીએ તો, આપણું લંચ કેવું હતું? બપોરના સમયે મોટાભાગે રોટલી, શાક, દાળ, ભાત, સંભારો, છાશ, પાપડ, અથાણું અને ચટણી વગેરે રહેતાં હતાં. સિઝનલ શાક જ મળતું હતું. હવે તો દુનિયાભરનાં શાકભાજી મળવા લાગ્યાં છે. બ્રોકોલી અને કેપ્સિકમનું નામ પણ વર્ષો પહેલાં કોઇએ સાંભળ્યું નહોતું. વેલ, અગાઉનું ગુજરાતી ખાણું સોએ સો ટકા સારું હતું એવું કહેવું બિલકુલ વાજબી નથી. કેટલાક લોકોને જમવામાં ફરસાણ અને મીઠાઇ વગર ચાલતું નહોતું. ધીમે ધીમે હેલ્થ અવેરનેસ આવી. એક હાર્ટ સ્પેશિયાલિસ્ટે એવું કહ્યું હતું કે, ગુજરાતી સ્ત્રી પોતાના પતિને દિલથી હૃદયરોગ પીરસે છે. આપણું ફૂડ જ એવું હતું. ડાયેટિશિયનો અને તબીબો એવી સલાહ આપવા લાગ્યા કે, બપોરે જમવામાં કાં તો રોટલી અને શાક ખાવ અને કાં તો દાળ અને ભાત ખાવ. એકસાથે બધું ખાવું સારી વાત નથી. જમતી વખતે કેલરીનો વિચાર કરો. લોકો કેલરીનો હિસાબ કરતા થઇ ગયા. કેટલી કેલરી બળે છે અને કેટલી આપણે લઇએ છીએ. આપણી ફૂડ હેબિટના કારણે મેદસ્વિતાનું મોટું પ્રમાણ આજે પણ જોવા મળે છે. સરકારે લોકોને જાડિયા થતા બચાવવા માટે કેમ્પેઇન કરવી પડે છે. સ્થૂળતાથી અનેક પ્રકારની બીમારીઓ થાય છે. લોકો હવે મહેનતનું કામ પણ ઓછું કરે છે. ઘણાને પરસેવો જ પડતો નથી. બેઠાડુ જીવન અનેક બીમારીઓ સર્જે છે. અલબત્ત, હવે લોકોમાં અવેરનેસ આવી છે અને કંઇ ખાતા પહેલાં થોડું વિચારવા પણ લાગ્યા છે.
સૌથી મોટો બદલાવ ડિનરમાં આવ્યો છે. એક સમયે આપણા રાતના ખાણામાં રોટલો, શાક અને ખીચડી વગેરે રહેતાં હતાં. હવે રોજ કોઇ ને કોઇ આઇટમ હોય છે. દેશી આપણને ભાવતું નથી. આ બધામાં ફાસ્ટફૂડે દાટ વાળ્યો છે. પિઝા, પાસ્તા, બર્ગર અને બીજી ઘણી એવી વસ્તુઓ છે જે હેલ્થ માટે સારી નથી. ક્યારેક ખાઇએ એનો વાંધો ન હોય, પણ ધીમે ધીમે આ ફૂડ રોજિંદુ થતું જાય છે. એક સમયે બહારનું ખાવાનું સારું ગણાતું નહોતું. હવે તો લોકો ફટ દઇને જુદી જુદી એપ્લિકેશનોથી ફૂડ મંગાવી લે છે. અગાઉના સમયમાં રાતના ખાવાનો ચોક્કસ સમય હતો. હવે લોકો મન થાય ત્યારે ખાય છે. રાતે મોડે સુધી ઓટીટી પ્લેટફોર્મ કે મોબાઇલ પર કંઇ ને કંઇ જોતા રહે છે અને ખાતા રહે છે. બાળકોને સ્કૂલે જાય ત્યારે અપાતો નાસ્તો પણ બગડી ગયો છે. અલબત્ત, હવે ઘણી સ્કૂલો પેરેન્ટ્સ નાસ્તાના ડબામાં શું આપે છે એ બાબતે એલર્ટ થઇ છે.
આપણો ખોરાક ચેન્જ થવાનાં જે કારણો છે એમાં સોશિયલ મીડિયાએ પણ બહુ મોટો ભાગ ભજવ્યો છે. આ વિશે જે અભ્યાસ થયો છે તેમાં એવું કહેવાયું છે કે, સોશિયલ મીડિયા પર તમારી સામે એવી વાનગીઓ રજૂ કરવામાં આવે છે જે જોઇને તમે ખાવા માટે લલચાવ. અમુક વસ્તુઓના ગુણો એટલા બધા વધારીને કહેવામાં આવે કે, લોકોના મગજમાં ઠસી જાય કે આ તો એકદમ હેલ્ધી છે. મખાના તેનું સૌથી મોટું ઉદાહરણ છે. હજુ થોડા સમય પહેલાં સુધી મખાના કોને કહેવાય અને કેવા હોય એની કોઇને ખબર નહોતી. મિલેટ્સની પણ આજકાલ બહુ બોલબાલા છે. એ વાતથી જરાયે ઇન્કાર ન થઇ શકે કે, મિલેટ્સના અનેક ફાયદાઓ છે, પણ એ અગાઉ આપણા ભાણામાં નહોતા એ હકીકત છે.
ખોરાકમાં જે બદલાવ આવ્યા છે એમાં ઘણું બધું સારું પણ છે. લોકો કંઇ ખાતા પહેલાં જુએ છે કે, આમાં કેટલી સુગર છે અને કેટલું કાર્બોહાઇડ્રેટ છે. આપણે દિવસ દરમિયાન ફ્રૂટ ઇન્ટેક્ટ કેટલું લઇએ છીએ? અગાઉ સિઝનલ ફ્રૂટ જ આપણે ત્યાં મળતાં હતાં. હવે તો દુનિયાભરનાં ફ્રૂટ મળવા લાગ્યાં છે. સારી વાત છે, પણ આવાકાડો જેવાં ઘણાં ફ્રૂટ ઓવરરેટેડ છે. વિદેશી મોંઘાં ફ્રૂટ કરતાં આપણાં દેશી ફ્રૂટ વધુ સારાં છે.
લોકોની જીવનશૈલી અને ખાણીપીણી બદલાઈ છે એના કારણે લાઇફ સ્ટાઇલ ડિસીઝનું પ્રમાણ પણ વધતું જાય છે. જે લોકોમાં ફૂડ હેબિટને લઇને અવેરનેસ છે એ સારી વાત છે, બાકી જે લોકો આડેધડ કંઇ પણ ખાધા રાખે છે એણે સાવચેત થવાની જરૂર તો ચોક્કસપણે છે. શરીર બીએમઆઇ એટલે કે બોડી માસ ઇન્ડેક્સની ઐસીતૈસી કરીને આગળ વધી જાય એ પહેલાં ચેક કરી લેજો કે, તમારું ફૂડ અને ફૂડ હેબિટ બરાબર તો છેને? જે લોકો ખાવામાં ધ્યાન નથી રાખતા એણે દવા ખાવાનો વારો આવે છે એવું એમ જ તો નહીં કહેવાતું હોયને!


————

પેશ-એ-ખિદમત
જાતે જાતે આપ ઇતના કામ તો કીજે મેરા,
યાદ કા સારા સર-ઓ-સામાં જલાતે જાઈએ,
રહ ગઈ ઉમ્મીદ તો બરબાદ હો જાઉંગા મૈં,
જાઈએ તો ફિર મુઝે સચમુચ ભુલાતે જાઈએ.
– જોન એલિયા


(`સંદેશ’, અર્ધસાપ્તાહિક પૂર્તિ, તા. 19 નવેમ્બર 2025, બુધવાર, `દૂરબીન’ કૉલમ)
kkantu@gmail.com

Krishnkant Unadkat

Krishnkant Unadkat

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *