ફોરેનની ગર્લ્સને ઇન્ડિયન બોય્ઝમાં શું ગમે છે? – દૂરબીન

ફોરેનની ગર્લ્સને ઇન્ડિયન
બોય્ઝમાં શું ગમે છે?

48

દૂરબીન : કૃષ્ણકાંત ઉનડકટ

છોકરીને કેવા છોકરા ગમે છે એ વિશે જાતજાતના સર્વે થતા રહે છે.

હમણાં પાંચ દેશ રશિયા, મલેશિયા, ફિલિપાઇન્સ, થાઇલેન્ડ અને પાકિસ્તાનમાં

એક સર્વે થચો, જેમાં એ દેશની છોકરીઓને પૂછવામાં આવ્યું કે

ઇન્ડિયન બોય્ઝમાં તમને શું ગમે છે?

જે જવાબો મળ્યા તે મમળાવવા જેવા છે.

દરેક છોકરીનો સપનાનો એક રાજકુમાર હોય છે. પોતાનો લાઇફ પાર્ટનર કેવો હશે તેની મધુર કલ્પનાઓ તમામ છોકરીઓને હોય જ છે. કોઇપણ છોકરીને પૂછો કે તને કેવો જીવનસાથી ગમે તો કદાચ પોતાના ભાવિ ભરથારની લાયકાત વિશે માંડીને વાત કરે. મારો મિસ્ટર રાઇટ આવો હોવો જોઇએ કે તેવો હોવો જોઇએ. જોકે છેવટે એક વાત તો આવે જ છે કે એ મને ખૂબ પ્રેમ કરતો હોવો જોઇએ. બધું જ હોય અને સ્નેહ ન હોય તો કશાનો કોઇ મતલબ રહેતો નથી. પ્રેમ તો મસ્ટ છે પણ એ ઉપરાંત પણ દરેક છોકરીઓના લાઇકસ અને ડિસલાઇકસ હોય છે.

એનામાં આટલું તો હોવું જોઇએ જ, સાથોસાથ આટલું તો ન જ હોવું જોઇએ એવા ખયાલો હોય છે. હાઇટ, વેઇટ, દેખાવ, એજ્યુકેશન, જોબ કે બિઝનેસ, ઘર, ફેમિલી સિવાય પણ બીજા ગુણો અને અવગુણો પર પસંદગીનો આધાર રહે છે. ડ્રિંક તો ન જ કરતો હોવો જોઇએ એવું ઘણી છોકરીઓ દૃઢપણે માને છે તો ઘણી છોકરીઓને એમાં કંઇ અજુગતું નથી લાગતું, ઓકેઝનલી તો હવે કોણ નથી લેતું? પોતે વોડકા કે બ્રિઝર જેવું કોઇ ડ્રિંક લેતી હોય તો તો એવું પણ ઇચ્છતી હોય છે કે કંપની આપે એવો હોવો જોઇએ. સ્મોકિંગ પ્રત્યે સૂગ હોય એ તો ચોખ્ખે ચોખ્ખું પૂછી લે છે કે સિગારેટ પીવો છો? કહેવાનો મતલબ એ છે કે દરેક છોકરીની પોતાની ચોઇઝ હોય છે અને પોતાના ગમા–અણગમાનો તેને અધિકાર પણ હોય જ છે.

માચો પર્સનાલિટીથી ઘણી છોકરીઓ એટ્રેક થાય છે પણ વાત જ્યારે જિંદગી અને દાંપત્યની આવે ત્યારે એવું કહે છે કે આવા લોકો લાઇફ અને ફેમિલી પ્રત્યે સિરિયસ નથી હોતા. જોકે માચો બોય લાયક નથી હોતા એવું નથી હોતું પણ એવો બોય્સને એના જેવી લાઇક માઇન્ડેડ ગર્લ્સ જ પસંદ કરતી હોય છે. ગળા અને હાથ ઉપર રાતાં-પીળાં ટેટૂઝ ચીતરાવ્યાં હોય એવા છોકરાઓની ઇમેજ પણ જુદી જુદી હોય છે. ઘણી છોકરીઓને એ રોકિંગ બોય લાગે છે તો ઘણી છોકરીઓ એમ પણ કહેતી હોય છે કે લઘરા જેવો લાગે છે! ડાહ્યો ડમરો, વેલ ડિસિપ્લિન્ડ, સિન્સયર, લાઇફ પ્રત્યે પોઝિટિવ, કંઇક કરી છૂટવાની તમન્નાવાળા છોકરા પ્રત્યે અમુક છોકરીઓને આકર્ષણ તો રહેવાનું જ છે, છતાં ઘણી છોકરીઓને આવા છોકરા ચીકણા અને વેદિયા પણ લાગતા હોય છે. વાંક છોકરાઓનો હોતો જ નથી, એ તો જેવા હોય છે એવા હોય છે, વાત છોકરીઓની પસંદ–નાપસંદની છે.

વેલ, આ તો થઇ આપણા દેશની છોકરીઓની વાત. તમને ખબર છે ફોરેનની છોકરીઓને ઇન્ડિયન બોય્ઝમાં શું ગમે છે? હમણાં પાંચ દેશ રશિયા, મલેશિયા, ફિલિપાઇન્સ, થાઇલેન્ડ અને યસ આપણે ત્યાં સોથી વધુ ચર્ચામાં રહેતા દેશ પાકિસ્તાનમાં એક ઓનલાઇન સર્વે કરવામાં આવ્યો અને ત્યાંની છોકરીઓને પૂછવામાં આવ્યું કે ઇન્ડિયન બોય્ઝ કેવા હોય છે? જે જવાબો મળ્યા તે રસપ્રદ તો છે જ, સાથોસાથ એ દેશની છોકરીઓની માનસિકતા પણ છતી કરે છે અને આડકતરી રીતે એ પણ બહાર આવે છે કે એ દેશની છોકરીઓને પોતાના દેશના છોકરાઓમાં શું નથી ગમતું.

સૌથી પહેલા રશિયન છોકરીઓની વાત કરીએ. આપણા દેશમાંથી મોટી સંખ્યામાં છોકરાઓ મેડિકલના સ્ટડી માટે રશિયા જાય છે. એની સાથે જે રશિયન છોકરીઓ ભણે છે તેણે આપણા દેશના છોકરાઓ વિશે કહ્યું કે, ઇન્ડિયન છોકરાઓ લેડિઝને સન્માન આપે છે. એટલું જ નહીં, એ મદદ કરવા માટે તૈયાર હોય છે. સ્વભાવે લાગણીશીલ હોય છે. આવો પ્રતિભાવ મળવાનું એક કારણ એ પણ છે કે રશિયન છોકરાઓ પ્રમાણમાં રુડ હોય છે, એ પોતાની ગર્લફ્રેન્ડને પણ બોધર કરતા નથી. તોછડા છોકરાઓ છોકરીઓને ટેકન ફોર ગ્રાન્ટેડ લઇ લે છે એ ત્યાંની છોકરીઓને નથી ગમતું. એની સરખામણીમાં ભારતના છોકરાઓ કેર કરે તેવા લાગે છે.

હવે ફિલિપાઇન્સની છોકરીઓનું મંતવ્ય જાણીએ. તેમણે કહ્યું કે, ઇન્ડિયન બોય્ઝનો ટોકેટિવ નેચર અમને બહુ ગમે છે. એ વાતો કરતા રહે છે અને એની વાતો પણ સાવ ઢંગધડા વિનાની હોતી નથી. મલેશિયન છોકરીઓનું આપણા દેશના છોકરાઓ વિશે એવું કહેવું હતું કે ભારતના છોકરાઓ બધા લોકો સાથે સરળતાથી મિક્સ થઇ જાય છે, થોડી વારમાં તો એવું લાગવા માંડે જાણે એ આપણા ગ્રૂપનો જ મેમ્બર છે. અજાણ્યા લોકો સાથે પોતાના હોય એ રીતે હળી-મળી જવાની આદત કંઇ જેવી તેવી નથી.

થાઇલેન્ડ. એક એવો દેશ જ્યાં બધા મોજમજા કરવા જાય છે. આ એવો દેશ છે જ્યાં નાણાં ખર્ચો એટલે તમે માંગો એ મળી જાય છે. આ દેશનાં મોલ્સ અને માર્કેટમાં જે છોકરીઓ કામ કરે છે તેમણે આપણા દેશના છોકરાઓ વિશે જે વાત કરી તે મજાની છે. તેમણે કહ્યું કે ઇન્ડિયન બોય્ઝ તેની પત્ની અને બાળકો પાછળ દિલથી ખર્ચ કરે છે. પત્ની કે પ્રેમિકાની તસવીર પોતાના પર્સમાં રાખે છે. આ વાત તો સર્વેમાં બહાર આવી છે પણ એ સર્વે બહારની એક વાત એવી પણ છે કે અમુક લોકો પત્નીને અંધારામાં રાખીને, કોન્ફરન્સ કે બિઝનસ ટૂરનું બહાનું કાઢીને તમામ પ્રકારની મોજમજા કરવા થાઇલેન્ડ જઇ આવે છે. જવા દો, એ લોકોની વાત આપણે નથી કરવી, આ તો એવા ભારતીય છોકરાઓની વાત છે જે પત્ની અને પરિવારને પ્રેમ કરે છે.

નાઉ ઓવર ટુ પાકિસ્તાન. પાકિસ્તાની છોકરીઓએ કહ્યું કે, ઇન્ડિયન છોકરાઓ સારા હોય છે અને સૌથી મોટી વાત એ છે કે એમના ફેમિલીમાં પત્નીને પૂરતું સ્થાન મળે છે. જોકે સાથોસાથ એમ પણ કહ્યું કે એ લોકો પોતાની કાસ્ટ માટે બહુ સ્ટ્રિક્ટ હોય છે. મોટા ભાગની પાકિસ્તાની છોકરીઓએ આપણા છોકરાઓ માટે કૂલ અને ગુડ જેવા શબ્દો વાપર્યા હતા.

તો, ઓવરઓલ જોઇએ તો આપણા દેશના બોય્ઝની છાપ વિદેશી છોકરીઓમાં તો સારી જ છે. આમ તો એવું પણ કહેવાય છે કે ઇન્ડિયન બોય્ઝ એક ‘બ્રાન્ડ’ છે. આપણા દેશની છોકરીઓને પોતાના જીવનસાથીમાં શું જોઇતું હોય છે એના ઉપર પણ નજર નાખવા જેવી છે. એ સારો માણસ હોવો જોઇએ અને તેની સેન્સ ઓફ હ્યુમર સારી હોવી જોઇએ. ઘર સારી રીતે ચાલે તેટલી ઇન્કમ, એ પછી એકની હોય કે બંનેની. એ ઉપરાંત જે પોતાની સાથે મળી સપનાં જુએ અને એ પૂરાં કરવા માટે ઇમાનદારીપૂર્વક પ્રયાસો કરે. બાકી રહ્યો પ્રેમ ,જે કયારેય ખૂટે નહીં અને સતત વહેતો રહે. સાચા જીવનસાથી છેવટે તો એ જ હોય છે જે સજોડે સપનાં પૂરાં કરવા માટે વ્યસ્ત રહે અને એક-બીજામાં મસ્ત રહે.

(‘દિવ્ય ભાસ્કર’, ‘રસરંગ’ પૂર્તિ, તા. 04 સપ્ટેમ્બર 2016, રવિવાર. ‘દૂરબીન’ કોલમ)

Email : kkantu@gmail.com

4-9-16_rasrang_26.5 in size.indd

Krishnkant Unadkat

Krishnkant Unadkat

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *