જિંદગીને પણ થોડી થોડી ‘પેમ્પર’ કરવી જોઈએ! – ઉત્સવ-2017

આપ સર્વેને દિવાળી અને

નવા વર્ષની ખરા દિલથી શુભકામનાઓ.

‘દિવ્ય ભાસ્કર’ના ‘ઉત્સવ-2017’માં પ્રસિધ્ધ થયેલો લેખ…

 

જિંદગીને પણ થોડી થોડી

પેમ્પરકરવી જોઈએ!

-કૃષ્ણકાંત ઉનડકટ

જિંદગીને લાડકી રાખવી પડતી હોય છે. જિંદગીને લાડકી ન રાખો તો એ રિસાઈ જાય છે. જિંદગીને સમયે સમયે પેમ્પર કરતા રહેવું જોઈએ. જિંદગીને મનાવવી પડે છે, પટાવવી પડે છે. કોઈ તકલીફ હોય ત્યારે એને પ્રેમથી કહેવું પડે છે કે જો જિંદગી, બહુ દુ:ખી નહીં થવાનું, ચાલ્યા રાખે, આવું તો થાય, બધું સરખું થઈ જશે! થોડીક ધીરજ રાખ! જિંદગીનું તો એવું છેને કે એ તો આપણે જેવું કહીએ એવું કરે. આપણે હસીએ તો એ હસે, આપણે રડીએ તો એ રડે, આપણે એની સામે મોઢું મચકોડીએ તો એ પણ આપણી સામે દાંતિયા કાઢે. એ તો એવું જ કરેને! આખરે એ આપણો જ તો એક ભાગ છે!

થવાનું છે, ક્યારેક તો કંઈ થવાનું છે જ. ક્યારેક કોઈ છોડી જવાનું છે, ક્યારેક જેને આપણી વ્યક્તિ સમજી હોય એ જ આપણા વિશે કોઈ ગેરસમજ કરવાની જ છે, ક્યારેક નિષ્ફળતા મળવાની જ છે, ક્યારેક ઉદાસી છવાવાની જ છે, આંખ ક્યારેક તો ભીની થવાની જ છે. જિંદગીનું મોસમ જેવું જ હોય છે, એ તો બદલતી રહે છે. એના રંગ પણ માત્ર જાનેવાલીપીનાલીની જેમ સાત નથી હોતા, અનેક અને વિવિધરંગી હોય છે. કોઈ દિવસ કલ્પના પણ કરી ન હોય એવા રંગ અને એવા રૂપ જિંદગી આપણને બતાવે છે. થોડુંક લાંબું વિચારીએ તો એવું થાય કે, યાર જિંદગીની એ જ તો મજા છે. આખી જિંદગી એકધારી અને એકસરખી જ હોત તો આપણે કંટાળી ન જાત? રોજ કંઈ જ નવું ન હોય, કંઈ જ ચોંકાવનારું ન હોય, કંઈ જ રોકિંગ ન હોય કે કંઈ જ શોકિંગ ન હોય તો આપણને કોઈ ચેઇન્જ લાગત ખરો? જિંદગીની મજા તો એ જેવી છે એવી જ એને ગળે વળગાડવામાં છે!

મને એક વાત કહો. કોને ખબર નથી કે જિંદગી સારી રીતે જીવવી જોઈએ? આ વાત બધાને ખબર છે. દુનિયાની કોઈપણ ફિલોસોફી જોઈ જાવ. બધામાં એક વાત ઊડીને આંખે વળગે એવી છે. બધી જ ફિલોસોફી કહે છે કે જિંદગીને ભરપૂર જીવો. આમ જુઓ તો આમાં કંઈ જ નવું નથી. જિંદગીને ભરપૂર જીવવી જ જોઈએ. બધાને જીવવી પણ હોય છે. પ્રોબ્લેમ ત્યાં થાય છે કે, જિંદગીને ભરપૂર જીવી શકાતી નથી. વર્તમાનમાં જીવો. દરેક ક્ષણને માણો. વીતી ગયેલો સમય પાછો આવવાનો નથી. આ બધી જ વાત બધાને ખબર હોવા છતાં આપણાથી એવું થઈ શકતું નથી. કંઈક આડું આવી જાય છે. કંઈક ડિસ્ટર્બ કરતું રહે છે. કંઈક આપણને અટકાવતું રહે છે. કંઈક સારું જોઈએ, કંઈક સારું વાંચીએ કે કંઈક સારું સાંભળીએ ત્યારે એવું થાય છે કે હવે તો આપણે જિંદગી મસ્તીથી જ જીવવી છે. જ્યારે જીવવાનો સમય હોય ત્યારે જ આ વાત ભુલાઈ જાય છે.

એક સંત હતા. બધાં શહેરોમાં ફરી ફરીને એ પ્રવચનો આપે. હજારો-લાખો લોકો એમનાં પ્રવચનોમાં આવે. એક વખત એક પત્રકારે તેમને પૂછ્યું કે આટલા બધા લોકો તમને સાંભળે છે, તમારી વાત વખાણે છે છતાં લોકોના જીવનમાં પરિવર્તન કેમ નથી આવતું? સંતે કહ્યું કે એ લોકો મેદાનમાંથી બહાર નીકળે એટલે ભૂલી જાય છે. બહારનાં પરિબળો હાવી થઈ જાય છે. એને ટેકલ કરવાને બદલે એની સામે લડે છે. લડતાં લડતાં થાકી જાય છે, હારી જાય છે. જિંદગીનો કોઈ મતલબ જ નથી લાગતો. બધું કંટાળાજનક જ લાગે છે. સ્ટ્રેસ એ આમ જુઓ તો બીજું કંઈ નથી, માત્ર આપણા મગજ પર સવાર થઈ ગયેલા નેગેટિવ વિચારોનું જ પરિણામ છે. કામ તો રહેવાનું જ છે, સમસ્યાઓ તો સતાવતી જ રહેવાની છે. તમે એની સાથે સાક્ષીરૂપે કેમ નથી રહેતા? ઇન્સોલ્વ કેમ થઈ જાવ છો? સમસ્યા ઉપર તમે સવાર નહીં થાવ તો એ તમારા ઉપર ચઢી બેસશે.

આપણે કહેવા ખાતર કહીએ છીએ કે મજામાં છું! પણ હોઈએ છીએ ખરા? મજા તો દૂરની વાત છે, હળવા પણ હોઈએ છીએ ખરા? માણસ ઉકળતો રહે છે. કંઈ કહીએ તો તરત જ ફાટે છે. કોઈને વતાયવા થતા નથી! જાણે અંદર કોઈ જ્વાળામુખી ન હોય! બધાને પોતાનું ધાર્યું કરવું હોય છે. કોઈનું ધાર્યું કાયમ થતું નથી. ઈગો નડતો રહે છે. સંબંધોમાં પ્રશ્નો છે. કેવું છે? બધાને પ્રેમ જોઈએ છે, બધા જ પ્રેમના ભૂખ્યા છે, બધાને વાત કહેવી છે, બધાને વાત કરવી છે, પણ પોતાને કંઈ કરવું નથી. કોઈ આપણી નજીક આવે એ માટે આપણે પણ એના તરફ એકાદ ડગલું ભરવાનું હોય છે. સુખ અને શાંતિ બજારમાં મળતાં નથી. જેનું મૂલ્ય નથી હોતું એ જ અમૂલ્ય હોય છે. સુખ, શાંતિ, પ્રેમ, લાગણી, કરુણા, આત્મીયતા એ બધું તો આપણી અંદર જ હોય છે. આપણે બસ તેને શોધવાનું હોય છે. એમ તો અભિમાન, ઇગો, સ્વાર્થ, ઈર્ષા, નફરત એવું બધું પણ આપણી અંદર જ હોય છે. એને પણ શોધવું પડતું હોય છે. એને શોધીને બસ બહાર કાઢીને ફેંકી દેવાનું હોય છે. શું રાખવું અને શું ત્યજવું એટલી જો સમજ આવી જાય તો જિંદગી ખરા અર્થમાં જીવતી થઈ જાય! આપણે જે સાચવવા જેવું હોય છે એની પરવા કરતા નથી અને જે ફેંકવાલાયક હોય એને સંઘરી રાખીએ છીએ. આ તો એના જેવું છે કે આપણે આપણા ઘરમાં જે વસ્તુ રાખીએ એ જ આપણા હાથમાં આવનારી છે. સારી રાખો તો સારી અને ખરાબ રાખો તો ખરાબ, જેવું વાવીએ એવું જ લણવાનું હોય છે.

આપણે જિંદગીને પૂરેપૂરી જીવી નથી શકતા તેનાં બીજાં બે કારણો પણ બહુ મહત્ત્વનાં છે. એક તો આપણે ગઈ કાલને આપણી પીઠ પર લાદીને ફરીએ છીએ અને બીજું આવતી કાલની ચિંતાને માથે લઈને ફરીએ છીએ. એના કારણે જ તો આપણે આજમાં જીવી શકતા નથી. જિંદગીને સફળ રીતે જીવવા માટે સૌથી વધુ જરૂરી હોય તો એ છે થોડુંક ભૂલતાં શીખવાનું! બધું યાદ રાખવાની જરૂર જ હોતી નથી! જિંદગીના અમુક બનાવો, કેટલાક પ્રસંગો અને થોડીક ઘટનાઓ એવી હોય છે જે જેટલી વહેલી ભુલાઈ જાય એટલું સારું. જિંદગી તો રૂ જેવી હળવી ફૂલ હોવી જોઈએ. અમુક ઘટના પાણી જેવી હોય છે. એ રૂને ભીંજવી દે છે એટલે હળવું ફૂલ રૂ પણ વજનદાર થઈ જાય છે. એને નીચોવી દેવું પડે છે. તમને દુ:ખી, હેરાન કે પરેશાન કરતી કેટલી ઘટનાઓ તમે સતત યાદ કર્યે રાખો છો? એણે મને હેરાન કર્યો હતો, એણે મારી સામે દગો કર્યો, એણે મારી સામે બેવફાઈ કરી, એ મને આવું બોલી ગયો! તમને ખબર છે ‘એ’ને યાદ કરતા રહેશો તો ‘એ’ તમારા માથા પર જ રહેશે. ‘એ’ને ઉખેડીને ફેંકી દો.

આવતી કાલ આપણા હાથમાં નથી, એનું થોડું પ્લાનિંગ કરો એ વાજબી છે, પણ હાય હાય શું થશે? એવી ચિંતા કરવાનો કોઈ મતલબ નથી. બધા કહેતા ફરે છે કે આવતી કાલે શું થવાનું છે એની કોઈને ખબર નથી, છતાં પણ આપણે બધા આવતી કાલની ઉપાધિ કરતા રહીએ છીએ. આવતી કાલે કંઈ ખરાબ જ થવાનું છે એવું જ નથી, આવતી કાલે આજે છે એના કરતાં વધુ સારું પણ થાય. આપણે ઘણી વખત બોલીએ છીએ કે, ગોડ મસ્ટ હેવ બેટર પ્લાન્સ ફોર યુ! થોડુંક તો એના ઉપર છોડો! બધું તમારા ઉપર રાખશો તો તમારા જ ભાર નીચે દબાઈ જશો.

નવું વર્ષ શરૂ થાય છે, બીજું કંઈ ન કરીએ તો આપણી અંદર જે  થોડુંક પડ્યું છે, જે નક્કામું છે, જે કચરો છે એને સાફ કરી લઈએને તો પણ જિંદગી જીવવા જેવી થઈ જાય! સાવ સાચું કહું, જિંદગી તો સુંદર જ છે, આપણે જ તેને બગાડીએ છીએ. જિંદગી સારી ન લાગતી હોય તો એમાં વાંક જિંદગીનો હોતો નથી, ઘણો મોટો વાંક આપણો જ હોય છે. જિંદગીને જો તમે સમજો નહીં અને એની સામે ફરિયાદ કરતા રહો તો એ વાત વાજબી નથી. જિંદગીને સમજવી સાવ સરળ છે, તકલીફ એ જ છે કે સાવ સરળ હોય એ જ આપણને સમજાતું હોતું નથી!

જિંદગીને માણવા માટે બીજી એક ટ્રિક પણ અજમાવવા જેવી છે. જરૂર પડે ત્યારે માફી માગી લો અને કોઈ માફી માગે કે ન માગે, તમે માફ કરી દો અત્યંત હળવા રહેવાશે. પેલો શેર કાયમ યાદ રાખવા જેવો છે, કુછ ઇસ તરહ સે હમને જિંદગી કો આંસા કર લિયા, કિસી સે માફી માંગ લી, કિસી કો માફ કર દિયા! માફી માગવાનો અને આપવાનો હિસાબ રોજેરોજ રાખવા જેવો છે. રોજ રાતે વિચાર કરવાનો કે શું માફી માગવા જેવું છે? શું માફ કરવા જેવું છે? શું યાદ રાખવા જેવું છે? શું ભૂલી જવા જેવું છે? રોજ રાતે હિસાબ પૂરો કરી લેવાનો એટલે નવો દિવસ નવી જિંદગી જેવો જ ઊગશે!

પોતાની વ્યક્તિનું સાંનિધ્ય, પોતાની વ્યક્તિનો સ્નેહ અને પોતાના લોકોનો સંબંધ જ જિંદગીને જીવવા જેવી બનાવે છે. આ બધું તો આપણી સાવ નજીક જ છે. આપણે કેટલા એની નજીક છીએ એ તપાસતા રહેવાની જરૂર હોય છે. નવું વર્ષ શરૂ થવાનું છે. જૂનું વર્ષ જાય છે. નવા વર્ષમાં બીજું કોઈ રિઝોલ્યુશન બનાવો કે ન બનાવો એટલું તો નક્કી કરો જ કે, આગામી વર્ષમાં હું જિંદગીને વધુ સારી રીતે જીવીશ, વધુ હળવો રહીશ, વધુ હસતો રહીશ, કોઈને દુ:ખી નહીં કરું અને હું પણ દુ:ખી નહીં થાઉં! બહુ આસાન છે, બસ નિર્ણય કરવો પડે અને હળવા થવું પડે! જિંદગીને જીવતી રાખવા માટે એનો હાથ પકડી રાખવો પડે છે. તમે હાથ પકડશો તો એ તમને ગળે વળગાડી લેશે. નવા વર્ષના અવસરે સર્વેને સુંદર જિંદગીની શુભકામનાઓ.

Krishnkant Unadkat

Krishnkant Unadkat

Leave a Reply

%d bloggers like this: