મને કંઇ થઇ જાય તો તને વાંધો ન આવવો જોઇએ! – ચિંતનની પળે : કૃષ્ણકાંત ઉનડકટ

મને કંઇ થઇ જાય તો તને

વાંધો ન આવવો જોઇએ!

ચિંતનની પળે : કૃષ્ણકાંત ઉનડકટ

પ્રાર્થનામાં આજે હવે માંગવું કશું નથી,

બસ, ખાલી એક વાર હાંક મારી આવીએ,

હસ્તરેખાઓ સુકાઇ જાય એ સારું નહીં,

કો’કના આંસુ લૂછી એને પલાળી આવીએ.

-મુકેશ જોશી

સાચી જિંદગી એ જ હોય છે, જે ખરેખર જીવાઇ હોય છે. આપણે આપણી જિંદગીમાં ખરેખર કેટલું જીવતાં હોઇએ છીએ? દિવસના ચોવીસ કલાકમાં એવો કેટલો સમય હોય છે, જ્યારે જીવવાની ખરેખર મજા આવી હોય? આપણી હયાતિને આપણે કેટલી મહેસૂસ કરતાં હોઇએ છીએ? આપણો કેટલો બધો સમય ચિંતા, ઉદાસી, નારાજગી, ગુસ્સો, ઇર્ષા, દેખાદેખી, ઉચાટ અને ઉત્પાતમાં જાય છે? આપણે જિંદગીને કેટલી બધી વેડફીએ છીએ? આપણે ક્યારેય એ વિચારીએ છીએ કે, આપણે આપણી જાતને કેટલી હર્ટ કરીએ છીએ? બીજાને ઇજા કરવાને આપણે હિંસા કહીએ છીએ, આપણી જાત સાથે આપણે કેટલી હિંસા કરીએ છીએ? માણસે પોતાની જાત સાથે પણ દયાળુ અને માયાળુ બનવું જોઇએ. આપણે એ પણ વિચારવું જોઇએ કે, હું મારી જાત સાથે કેટલો સારો છું? મારા જીવને શાંતિ મળે એ માટે હું શું કરું છું? હું કેવી રીતે જીવું જેનાથી મને અફસોસ ન થાય?

એક યુવાન સંત પાસે ગયો. તેણે સંતને પૂછ્યું કે, ‘શું કરીએ તો કોઇ વાતનો અફસોસ ન થાય?’ સંતે કહ્યું, ‘અફસોસ ન થાય એ માટે અહેસાસ થવો જરૂરી છે. દરેક ક્ષણ, દરેક ઘટના, દરેક સંવેદના, દરેક વ્યક્તિ, દરેક સંબંધનો અહેસાસ માણો, એને પૂરેપૂરો જીવી લો તો એનો અફસોસ નહીં થાય.’ અફસોસ એનો જ થાય છે જે અધૂરું રહી જાય છે. બધું પતી ગયા પછી થાય છે કે, મેં આમ ન કર્યું, આમ કર્યું હોત તો સારું હતું! જ્યારે એ કરવાનું હતું ત્યારે કેમ ન કર્યું? કોણ રોકતું હતું તમને? તમે ત્યારે ક્યાં તમારી જાત સાથે હાજર હો છો? માણસની તકલીફ એ છે કે, એ જ્યારે, જ્યાં અને જેની સાથે હોય છે એની સાથે જીવતો નથી અને પછી ન હોય ત્યારે એનો અફસોસ કરે છે. જેને પોતાની મોજુદગીનો અહેસાસ છે એ દરેક ક્ષણને માણે છે. જિંદગી પૂર્ણ રીતે જીવવાની પહેલી શરત સંપૂર્ણ અનુભૂતિ છે. માત્ર ખુશી, આનંદ, મજા, ઉમંગ, ઉત્સાહ કે ઉન્માદની જ નહીં, વેદનાની સંપૂર્ણ અનુભૂતિ પણ આવશ્યક છે. દર્દ, પીડા, વિરહ અને વિદાયની ક્ષણો પણ પૂરેપૂરી અનુભવવી જોઇએ. વેદના થાય ત્યારે આંખ ભીની થાય એ પણ સંવેદના સજીવન હોવાની જ નિશાની છે. વિરહ વસમો લાગવો જોઇએ. વિરહની તીવ્રતા એ પ્રેમની જ નિશાની છે. કોઇના વગર મજા ન આવવી, એ પણ પ્રેમનો જ પ્રકાર છે. કોળિયો ગળે ન ઊતરે ત્યારે કોઇનો અભાવ સોએ સો ટકા અનુભવાતો હોય છે. ડૂસકું એ પણ દર્દની એક અભિવ્યક્તિ જ છે. જેની સાથે ખૂબ હસ્યા હોઇએ, એ ન હોય ત્યારે તેની યાદમાં આંસુ આવે એ પણ લાગણી હોવાની જ એક અનુભૂતિ છે. પ્રેમી કે પ્રેમિકા દૂર હોય અને જો એનો ઝૂરાપો ન લાગે તો સમજવું કે હજી આપણા સંબંધમાં કંઇક ખૂટે છે. એક તડપ, એક તરસ, એક ઉત્કંઠા સતત આપણી અંદર ઊઠતી રહેવી જોઇએ. તરસ વગર પ્યાસ બુઝાતી નથી. તડપ વગર શાતા વળતી નથી. એક ઝનૂન સતત જીવતું રહેવું જોઇએ. ઝનૂન વગરનું જીવન ધરાર ખેંચાતું આયખું બની રહે છે. આપણે કેટલું બધું ધરાર કરીએ છીએ? ઘણી વખત તો આપણે પ્રેમ પણ ધરાર કરતાં હોઇએ છીએ! એને એવું લાગે કે હું એને ચાહું છું એ માટે આપણે કોશિશો કરવી પડે છે! આપણો પ્રેમ વર્તાતો નથી. એનું એક કારણ એ પણ છે કે એમાં સહજતા નથી. અસહજ પ્રેમ અધૂરપ જ લાવે છે. સાચો પ્રેમ એ છે જેમાં પ્રયાસ કરવો પડતો નથી, એ બસ થતો રહે છે!

પ્રેમને પામવા માટે આપણે જેટલા ઉતાવળાં હોઇએ છીએ, એટલા તત્પર પ્રેમને જીવવા માટે હોતો નથી. પ્રેમને જીવો, એટલા માટે કે પછી એનો અફસોસ ન થાય. આપણે બધા જેને પ્રેમ કરતાં હોઇએ એને કોઇ વાંધો ન આવે એ માટે કેટલું બધું કરીએ છીએ? આપણે ત્યાં સુધીનું વિચારી લઇએ છીએ કે, હું ન હોઉં ત્યારે એને કોઇ તકલીફ ન પડવી જોઇએ. એને કોઇ પાસે હાથ ન લંબાવવો પડે. આપણી ગેરહાજરી હોય ત્યારે પણ એ લાચાર, અસહાય ન રહે એ માટે આપણે પ્લાનિંગ કરીએ છીએ. જીવતે જીવ આપણને એની કેટલી દરકાર હોય છે? દરેક દંપતીએ ક્યારેક એવી વાત કરી જ હોય છે કે, આપણા બેમાંથી એક નહીં હોઇએ તો? કોણ વહેલું અને કોણ પહેલું જશે એના પણ આપણને વિચારો આવી જતાં હોય છે!

એક પતિ-પત્નીની આ સાવ સાચી વાત છે. એ બંનેના લવમેરેજ હતાં. કોલેજમાં ભણતાં હતાં, ત્યારે જ પ્રેમ થયો હતો. થોડીક માથાકૂટ પછી બંનેનાં ઘરના લોકો પણ લગ્ન માટે માની ગયાં હતાં. પતિ કરતાં પત્ની નવ વર્ષ નાની હતી. પત્ની હાઉસવાઇફ હતી. પતિને હંમેશાં એવો વિચાર આવતો કે, મને કંઇ થઇ જશે તો આનું શું થશે? બંનેને એક દીકરો હતો. દીકરો હતો તો પણ એને એમ થતું કે, હું મારી વાઇફ માટે એટલું કરી જઇશ કે, ભવિષ્યમાં એણે એના સગા દીકરા પાસે પણ હાથ ન લંબાવવો પડે. દીકરો કેવો પાકે એ પણ કોને ખબર છે? માનું ધ્યાન રાખે એવો હોય તો પણ હું એવું નથી ઇચ્છતો કે, એની માએ દીકરાના રૂપિયા ઉપર આધાર રાખવો પડે. એ પત્ની માટે બચત કરતો હતો. ઇન્યોરન્સનો પણ પૂરેપૂરો ઇન્તજામ કર્યો હતો. પત્નીને બધું કહેતો પણ ખરો કે, ‘જો મને કંઇ થઇ જાય ને તો અહીં આટલું છે, આટલો વીમો છે, આટલી ફિક્સ છે, તને દર મહિને આરામથી જીવી શકાય એટલી રકમ મળી રહે એટલી વ્યવસ્થા કરી નાખી છે.’

પતિ-પત્નીનું દાંપત્ય બહુ જ સરસ હતું. પતિએ પોતાની ઇચ્છા હતી એટલું પત્ની માટે કરી રાખ્યું હતું. પતિને એ વાતની શાંતિ હતી કે, હવે મને કંઇ થઇ જાય તો પણ વાંધો નથી! મોત આવશે તો પણ હું આરામથી મરી શકીશ. બંને લાઇફને એન્જોય કરતાં હતાં. અચાનક પત્ની બીમાર પડી. તેને કેન્સર રોગનું નિદાન થયું. થોડા જ મહિનામાં એ પતિને છોડીને ચાલી ગઇ. પતિને થયું કે, ‘અરે, મે તો એનાં માટે બધી જ વ્યવસ્થા કરી રાખી હતી અને એ મારી પહેલાં જ ચાલી ગઇ. એના હાથમાં પોતાનું વીલ હતું. એ વીલમાં બધું જ એવું લખ્યું હતું કે, હું ન હોઉં ત્યારે મારું બધું જ મારી પત્નીને મળે! એવો તો ક્યારેય વિચાર જ નહોતો કર્યો કે, એ ન હોય તો?’ એણે વીલ ફાડી નાખ્યું. વીલ ફાડવાની પણ એક વેદના હોય છે. દરેક વીલથી વિશ પૂરી નથી થતી! એ માણસ પછી બેંકમાં ગયો! બેંકરે આવવાનું કારણ પૂછ્યું. તેણે કહ્યું, ‘નોમિનીમાં નામ બદલાવવા આવ્યો છું.’ વીમાની પોલિસીમાં પણ નામ બદલવાનું હતું. નોમિનીમાં નામ લખાવતી વખતે એમ હતું કે, એનાં માટે કરું છું! હવે નામ બદલાવી વખતે શું કરું છું એ સવાલ થાય છે!

વીલ ફાડવાની અને નોમિનીનું નામ બદલવાની વેદના એના ચહેરા પર વર્તાતી હતી. તેના મિત્રને આ વાતની ખબર પડી, ત્યારે એણે કહ્યું કે, ‘તું અફસોસ ન કર. તું એની સાથે સરસ રીતે જીવ્યો છે.’ એ વ્યક્તિએ કહ્યું, ‘હા, જીવ્યો છું તો સરસ રીતે, કોઇ અફસોસ પણ નથી થતો, છતાં એવો વિચાર તો આવી જ જાય છે કે, એના માટે આટલું બધું બચાવ્યું એના કરતાં એનાં માટે જ વાપરી નાખ્યું હોત તો કેવું સારું હતું!’ તેના મિત્રએ કહ્યું, ‘તેં એનાં માટે જે કર્યું એની પાછળ પણ તારો પ્રેમ જ હતો. તેં કંઇ અભાવ લાગે એવું તો કર્યું જ નથી. મિત્રએ કહ્યું, હા, એવું તો કંઇ કર્યું નથી. તને ખબર છે, એ જતી હતી એ પહેલા હસતી હતી કે, તારી એક ઇચ્છા પૂરી ન કરી શકી કે તું ન હોય ત્યારે હું સરખી રીતે જીવું, પણ હવે તું મારી એક ઇચ્છા પૂરી કરજે કે, હું ન હોઉં ત્યારે તું સરખી રીતે જીવજે!’

સંબંધોને જીવો. સંબંધોની વ્યાખ્યામાં પણ ન પડવું. પ્રેમને સમજવા કરતાં પ્રેમ કરવાનું મહત્ત્વ વધુ છે. બહુ મોટા અને લાંબા સપનાં જુઓ એમાં કંઇ વાંધો નથી, પણ દરરોજ થોડાક નાના નાના સપનાંને પણ જીવો. નાની નાની ઇચ્છાઓને પણ પૂર્ણ કરો. જીવવાનું કંઇ પેન્ડિંગ ન રાખો. ક્યારેય પણ, કંઇ પણ થાય તો અફસોસ ન થવો જોઇએ. જિંદગીમાં એક સંતોષ રહેવો જોઇએ કે, હું જિંદગીની દરેક ક્ષણ જીવું છું અને મારી વ્યક્તિને પ્રેમ કરવાની કોઇ પળ ચૂકતો નથી. જિંદગી વિશે વિચારતાં રહો કે, હું જિંદગીને બરાબર જીવું છું ને?

છેલ્લો સીન :

ઘણાને તો જિંદગી પૂરી થઇ જાય ત્યાં સુધી એ વાતનો અહેસાસ જ નથી થતો કે એ ખરેખર જીવતો હતો!            -કેયુ

(‘દિવ્ય ભાસ્કર’, ‘કળશ’ પૂર્તિ, તા. 09 સપ્ટેમ્બર 2020, બુધવાર, ‘ચિંતનની પળે’ કોલમ)

kkantu@gmail.com

Krishnkant Unadkat

Krishnkant Unadkat

Leave a Reply

%d bloggers like this: