મજબૂરી પણ ક્યારેક મોટું મોટિવેશન બની જાય છે! – ચિંતનની પળે

મજબૂરી પણ ક્યારેક મોટું

મોટિવેશન બની જાય છે!

62ચિંતનની પળે : કૃષ્ણકાંત ઉનડકટ

 

દિલ અગર હૈ તો દર્દ ભી હોગા,

ઇસકા કોઈ નહીં હૈ હલ શાયદ,

રાખ કો ભી કુરેદ કર દેખો,

અભી જલતા હો કોઈ પલ શાયદ.

-ગુલઝાર.

 

સંકલ્પ અને સંઘર્ષ વિના કોઈ સફળતા શક્ય બનતી નથી. કોઈ માણસ કોઈ પણ મુકામે પહોંચ્યો હોય તો તેની પાછળની કોઈ કથા હશે. ઘણી કથા વ્યથામાંથી આકાર પામતી હોય છે. મજબૂરી પણ મજબૂતી બનીને બહાર આવતી હોય છે. તાળીઓ મેળવવા માટે માણસે પોતાની સાથે તાલ મિલાવવો પડે છે. ફૂલ માટે છોડ સંઘર્ષ કરતો હશે? ફૂલ ઉગાડતા પહેલાં છોડે કેટલાં પાંદડાં ઉગાડવાં પડે છે? કેટલા કાંટાઓનો સામનો કરવો પડે છે? ક્યારેક તો એવું લાગે કે ફૂલ માટે પણ છોડે લાયકાત કેળવવી પડે છે! પોતાનું વજૂદ સાબિત કરવું પડે છે! સુગ હોય ત્યાં સુગંધ ન હોય!

દરેક માણસની પોતાની થોડીક અંગત મજબૂરી હોય છે. થોડીક પોતીકી જવાબદારીઓ હોય છે. જિંદગી જવાબ માગે છે. આપણે એ જવાબ આપવા પડે છે. જવાબ અને જવાબદારીથી તમે છટકી ન શકો. દરેક વખતે હાથ ખંખેરીને ઊભા થઈ જવાતું નથી. હાથ ફેલાવવા પડે છે. સવાલો સાથે બાથ ભીડવી પડે છે. પ્રેમ પણ સાબિત કરવો પડે છે. નફરત પણ નિભાવવી પડે છે. એમને એમ તો કંઈ જ થતું નથી. હું તને પ્રેમ કરું છું એમ કહી દેવાથી જ પ્રેમ સર્જાતો નથી. પ્રેમ દેખાવો જોઈએ. પ્રેમ વર્તાવો જોઈએ. હું તને પ્રેમ કરું છું, પણ હું મજબૂર છું એવું પ્રેમમાં ન ચાલે. આવું હોય તો પ્રેમનું આયુષ્ય ખૂટી જાય છે.

મજબૂરી જેવું ખરેખર કંઈ હોય છે? કે પછી આપણે આપણી સાથેની જવાબદારીઓ અને આપણી સામેના પડકારોને મજબૂરીનું નામ આપી દઈએ છીએ? મજબૂરીનું નામ આપીને ઘણી વખત તો આપણે ખોટું આશ્વાસન મેળવતા હોઈએ છીએ. છટકબારી શોધતા હોઈએ છીએ. આપણે કરવું હોતું નથી એટલે મજબૂરીને આગળ ધરી દઈએ. એક અપંગ પર્વતારોહી હતો. બચપણથી તેનું સપનું હતું કે પર્વત પર ચડીને પોતાનું સપનું સિદ્ધ કરવું છે. થોડોક મોટો થયો ત્યાં એને એક અકસ્માત નડ્યો. અકસ્માતે તેને અપંગ બનાવી દીધો હતો. જોકે, તેણે પોતાનું સપનું પૂરું કર્યું. સફળ પર્વતારોહણ કર્યું. પછી તેને પૂછવામાં આવ્યું કે અપંગ હોવા છતાં કેવી રીતે આ શક્ય બન્યું?

અપંગ પર્વતારોહીએ કહ્યું કે, અકસ્માત બાદ એવું લાગ્યું હતું કે બધું ખતમ થઈ ગયું. મારું સપનું ચકનાચૂર થઈ ગયું. હું વિચારવા લાગ્યો હતો કે હવે હું મજબૂર છું. મારા પગ કામ કરતા નથી. એક વખત હું બગીચામાં બેઠો હતો. એક નાનું બાળક રમતું હતું. ભાખોડિયા ભરીને તે એક ટેકરી પાસે ગયું. પગ તો મંડાતા ન હતા. તેમ છતાં તે ટેકરી પર ચડવાનો પ્રયાસ કરતું હતું. મારી નજર સામે એ ઘણી વાર પડ્યું. છેલ્લે એ ઢસડાઈને ટેકરી પર પહોંચ્યું. ઉપર પહોંચ્યા પછી તેના ચહેરા પર જે આનંદ હતો તે અલૌકિક હતો. એ બાળકે મારી સામે જોયું. હસ્યું. જાણે એ મને કહેતું હતું કે તારી અપંગતાને તારી મજબૂરીનું કારણ ન બનાવ. પ્રયાસ તો કર. થોડોક વધારે પડીશ. કદાચ પર્વતારોહણ ન પણ કરી શકે, તો શું? કમ સે કમ તને એટલું તો થશે કે તેં પ્રયત્ન કર્યો. સફળતાની ચિંતા ન કર. પ્રયાસ કર. મેં મારા પગની સામે જોઈને કહ્યું કે, હું તને મારાં સપનાંની આડે નહીં આવવા દઉં. હું તને મારી મજબૂરી પણ નહીં કહું. એ દિવસથી મેં વિચારવાનું શરૂ કર્યું કે આ પગ છે, આ પગ કામ કરતો નથી, અપંગતા મારી જિંદગીનું સત્ય છે, એનાથી હું પીછો છોડાવી શકવાનો નથી. હવે એની સાથે જ મારે જે કરવાનું છે એ કરવાનું છે. એને મારે સાથે રાખીને આગળ વધવાનું છે. મારી ચેલેન્જ ડબલ હતી. મને ખબર પડી કે મારે હવે બમણા પ્રયાસ કરવા પડશે. મેં મારા પ્રયાસને ડબલ નહીં પણ ત્રણ ગણાં કરી નાખ્યાં અને હું મારું સપનું સાકાર કરી શક્યો.

તમારી કોઈ મજબૂરી છે? હશે. હોવાની જ. દરેકની હોય છે. તમે એને સાથે રાખીને આગળ વધી શકો છો? તો આગળ વધો. ઘરની જવાબદારી, પરિવારની જવાબદારી, ભાઈ-બહેનને સાચવવાની જવાબદારી સાથે પોતાની સાથેની એક જવાબદારી પણ હોય છે. એ જવાબદારી એટલે બધી જ જવાબદારી છતાં આપણું સપનું સિદ્ધ કરવું. કોઈ જવાબદારીથી ભાગવાનું નહીં. કોઈ મજબૂરીને વગોવવાની નહીં. મોટાભાગના લોકોને એવું થતું હોય છે કે મારે નોકરી કરવી પડે છે એટલે કરું છું, બાકી નોકરી ન કરું. મારું મનગમતું કામ કરું. પગારની જરૂર હોય છે. રૂપિયા જોતા હોય છે. ઘરનું પૂરું કરવાનું હોય છે. મા-બાપને સાચવવાનાં હોય છે. છોકરાંવને મોટાં કરવાનાં હોય છે. બધાની જરૂરિયાત પૂરી કરવાની હોય છે. તમે શું માનો છો, જે લોકો સફળ થયા છે એને કોઈ જવાબદારીઓ નહીં હોય?

એક સંગીતકાર હતો. તેનું નામ બહુ મોટું હતું. તેને સાંભળવા માટે લોકો દૂર દૂરથી આવતા હતા. ખચોખચ ભરેલા સ્ટેડિયમમાં એ લોકોને જોતો ત્યારે તેની સામે એક દૃશ્ય ખડું થતું. એ દૃશ્ય હતું એક નાઇટ ક્લબનું. એને સંગીતકાર બનવું હતું. ઘરની હાલત કફોડી હતી. મા-બાપ વૃદ્ધ હતાં. કોઈ આવક હતી નહીં. કામ કરવું પડે એમ હતું. તેણે એક નાઇટ ક્લબમાં મ્યુઝિક વગાડવાનું કામ શરૂ કર્યું. અડધી રાત સુધી કામ કરવાને એ મજબૂરીનું નામ આપી શક્યો હોત. આખો દિવસ મા-બાપ અને ઘરની સંભાળને પણ મજબૂરી કહી શક્યો હોત. તેણે કહ્યું કે, હું નાઇટ ક્લબમાં વગાડતો ત્યારે મારી સામેના ટેબલ્સ પર બેઠેલા લોકો ખાવા-પીવામાં અને વાતોમાં મશગૂલ રહેતા. હું ડિસ્ટર્બ થઈ જતો હતો. કોઈને સંગીતની ક્યાં પડી છે? મારી કલા તો વેડફાઈ રહી છે, એવું પણ થતું. જોકે, પછી મેં એનો તોડ કાઢ્યો. મેં આંખો બંધ કરીને એવું વિચારવાનું શરૂ કર્યું કે, હું કોઈ મોટી કોન્સર્ટમાં વગાડી રહ્યો છું. મારી સામે સ્ટેડિયમમાં હજારો લોકો છે. એ મને સાંભળે છે. આંખો બંધ કરીને હું ખોવાઈ જતો, મારામાં અને મારા મ્યુઝિકમાં. હવે સ્ટેડિયમ ભરેલું જોઉં છું, ત્યારે મેં બંધ આંખે જોયેલું સપનું સાકાર થતું હોય એમ લાગે છે. હવે મારે આંખો બંધ કરવી પડતી નથી. નાઇટ ક્લબમાં જો મેં મારી મજબૂરીને અતિક્રમી ન હોત તો કદાચ હું આજે આ સ્થાને પહોંચ્યો ન હોત.

મજબૂરી તો એક છટકબારી છે. યાર, મારે કરવું હતું પણ હું આ કારણે ન કરી શક્યો એવું ઘણા કહેતા હોય છે. ન કરવા માટે ઘણાં બહાનાં મળી જવાનાં છે, કંઈ કરી છૂટવા માટે બધાં બહાનાંને બાજુએ મૂકી દેવાં પડે છે.  ઘણું બધું છોડવું પડે છે. આપણો પ્રોબ્લેમ એ હોય છે કે આપણે સાધનોની પાછળ દોડીએ છીએ, સાધનાની પાછળ નહીં. પરીક્ષા પાસ કરવી છે, પણ વાંચવું નથી, સ્વાસ્થ્ય સારું રાખવું છે, પણ યોગ કરવા નથી, તપશ્ચર્યા વગર કોઈ સાધના સિદ્ધ થતી નથી. મુશ્કેલીઓ હોવાની, તકલીફો થવાની, જવાબદારીઓ પણ હોવાની જ, આ બધાં છતાં તમે આગળ વધો તો જ સાચા.

તમારી મજબૂરીને તમારું મોટિવેશન બનાવી શકો? એક યુવાનની આ વાત છે. તેને જવાબદારીઓ પૂરી કરવા કામ કરવું પડે એમ હતું. મજબૂરી હતી. તેણે કહ્યું, મેં મારી મજબૂરીને જ મોટિવેશન બનાવી દીધી. કરવાનું છે તો બેસ્ટ કર, દિલથી કર, તારા તમામ પ્રયાસો એમાં રેડી દે, મજબૂરી ન હોત તો કદાચ આજે હું જ્યાં છું ત્યાં ન હોત! કોઈ ને કોઈ મજબૂરી હોવાની જ. મજબૂરી વગરનો માણસ હોઈ જ ન શકે. એની સાથે જ આગળ વધવાનું હોય છે. છેલ્લે તો તમારી સફળતાની જ નોંધ લેવાશે, તમારી મજબૂરીની નહીં!

છેલ્લો સીન:

લોકો પાસે શક્તિ તો હોય જ છે, અભાવ માત્ર ને માત્ર સંકલ્પનો હોય છે.       -વિક્ટર હ્યુગો.

(‘દિવ્ય ભાસ્કર’, ‘કળશ’ પૂર્તિ, તા. 07 ડિસેમ્બર, 2016, બુધવાર. ચિંતનની પળે કોલમ)

07-december-2016-62

 

Krishnkant Unadkat

Krishnkant Unadkat

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *