સુખી દાંપત્યનું સાચું રહસ્ય ખરેખર શું છે એ ખબર છે? – દૂરબીન : કૃષ્ણકાંત ઉનડકટ

સુખી દાંપત્યનું સાચું રહસ્ય
ખરેખર શું છે એ ખબર છે?

દૂરબીન : કૃષ્ણકાંત ઉનડકટ


———-

પતિ-પત્નીના સંબંધો અનેક રીતે અનોખા છે. બે વ્યક્તિ ઉંમરના લગભગ
બે દાયકા પછી મળે છે અને પછી એક થઈ જાય છે
એક થયા પછી એક રહેવું સાવ સહેલું તો નથી જ!


———–

એક કપલના મેરેજને પચાસ વર્ષ પૂરાં થયાં. પરિવારના એક સભ્યએ તેમને પૂછ્યું, તમારા સફળ લગ્નજીવનનો રાઝ શું છે? પતિએ કહ્યું, જ્યારે એ ગુસ્સે થતી ત્યારે હું ચૂપ થઇ જતો હતો અને જ્યારે હું ગુસ્સે થતો ત્યારે એ ચૂપ થઇ જતી હતી. એ સભ્યએ બીજો સવાલ કર્યો, પણ તમે ગુસ્સે કયા કારણે થતાં હતાં? પત્નીએ કહ્યું, એનું તો લાંબું લિસ્ટ છે. ઘણી વખત તો ગુસ્સે થઇ ગયા પછી એ પણ ભુલાઇ જતું હતું કે, આખરે હું ગુસ્સે શા માટે થઇ હતી? સાવ નાખી દીધા જેવી વાતોમાં બબાલો થઇ જાય છે. એક બીજા કપલની આ વાત છે. બંને વચ્ચે કોઈ બાબતે ઝઘડો થયો. બે દિવસ બેમાંથી કોઈ કંઈ બોલ્યું નહીં. અબોલાના બે દિવસ પછી પત્નીને વિચાર આવ્યો કે, ઝઘડો કયા મામલે થયો હતો? એને યાદ જ નહોતું આવતું! આમ તો પતિ-પત્નીના ઝઘડા વિશે એવું જ કહેવાતું આવ્યું છે કે, ઝઘડા એ તો સ્વસ્થ દાંપત્યની નિશાની છે. દંપતી વચ્ચે ઝઘડા તો થવાના જ છે. ઝઘડા ક્યારે ન થાય? જો બંનેને એકબીજામાંથી રસ ઊડી જાય અને એવું વિચારવા લાગે કે, એને જે કરવું હોય એ કરે, મને કોઈ ફેર પડતો નથી! પ્રેમ હોય ત્યાં સમયાંતરે માથાકૂટ થતી જ રહેવાની છે. અમુક વડીલો તો એવું કહે છે કે, પતિ-પત્નીના ઝઘડામાં ક્યારેય વચ્ચે પડવાનું જોખમ ન લેવું, એનું કારણ એ છે કે એ બંને ક્યારે પાછાં ભેગાં થઇ જાય એનું કંઈ નક્કી નહીં! આપણે એવા કિસ્સા પણ જોયા છે કે, પતિ-પત્ની ઝઘડતાં હોય અને કોઇ આવી જાય તો બંને પાછાં સરસ રીતે રહેવા લાગે! તમે એને પૂછો તો એવું કહે કે, અમારે તો આવું ચાલતું રહેતું હોય!
બે વ્યક્તિ આયખાના બે દાયકા પછી મળે છે. પ્રભુતામાં પગલાં માંડે છે. જેને થોડા સમય પહેલાં સુધી ઓળખતા ન હોય, જોયા ન હોય એવી વ્યક્તિને પોતાના સમજી અને સ્વીકારી લે છે. બંનેનો ઉછેર અને ઘડતર જુદી રીતે થયાં હોય છે. આમ છતાં બંને સાથે મળીને સંસાર માંડે છે અને સરસ રીતે ચલાવે પણ છે. ડિવૉર્સની વાતો ભલે બહુ થતી હોય પણ હજુ આપણે ત્યાં પડ્યું પાનું નિભાવી લેવાની માનસિકતા કંઈ ઓછી નથી. મારાં નસીબમાં તું જ લખ્યો હતો કે મારા લમણે તું જ લખાઇ હતી એવું બોલી બોલીને પણ સાથે રહેનારાં કપલો ઠેરઠેર જોવા મળે છે. આ જ બંને બપોરે ઝઘડીને સાંજે પાછાં સાથે ફરવા કે ફિલ્મ જોવા પણ જઇ શકે છે. પતિ-પત્નીનું કોમ્બિનેશન જ ગજબનું હોય છે. લગ્નની વાત નીકળે ત્યારે પેલું ખૂબ જ ચવાયેલું વાક્ય વાગોળવામાં આવે છે કે, મેરેજીસ આર મેઇડ ઇન હેવન. લગ્ન સ્વર્ગમાં નક્કી થાય છે. બધું ઉપરવાળાએ નક્કી કરેલું હોય છે. ઘણાં કપલને જોઇને એના વિશે પણ હળવાશમાં એવું કહેવાય છે કે, ઉપર પણ બધું દે ધનાધન જ ચાલે છે. લગ્ન સ્વર્ગમાં નક્કી થતાં હશે પણ જીવવાનાં ધરતી પર જ હોય છે. એક નવું પરણેલું કપલ એક સંત પાસે આશીર્વાદ લેવા ગયું. બંનેએ સંતને વંદન કર્યાં ત્યારે સંતે એવું કહ્યું કે, એક આગ થાય ત્યારે બીજો પાણી થજો! આવું કહીને સંતે સુખી દાંપત્યની જડીબુટ્ટી આપી દીધી.
દાંપત્ય વિશે લખવાનું એક કારણ ચીનમાં હમણાં થયેલો એક અભ્યાસ છે. નોર્થ ચાઇના યુનિવર્સિટી ઓફ સાયન્સ એન્ડ ટેક્નોલોજી ડિપાર્ટમેન્ટના નિષ્ણાતોએ કરેલા અભ્યાસમાં એવું બહાર આવ્યું છે કે, પત્ની ખુશ હોય તો જીવન સુખી રહે છે. મોટા ભાગના પુરુષો પોતાની પત્નીને ખુશ રાખવાના પ્રયાસ કરે છે. અનેક કિસ્સામાં એવું પણ જોવા મળ્યું કે, પત્નીને ખુશ રાખવા માટે પતિ ગેઇમ્સમાં જાણીજોઈને હારે છે. પત્નીને જીતવા દે છે. પત્નીના ચહેરા પરની ખુશી પતિને આનંદ આપે છે. પત્નીને ખુશ રાખવાની વાત જાણીને એવો વિચાર આવ્યા વગર ન રહે કે, આખરે પત્નીને ખુશ રાખવી કઈ રીતે? એનો મૂડ ન હોય તો ગમે તે કરીએ એ ખુશ ન જ થાય. આવા સંજોગોમાં માનસ ચિકિત્સકો અને બીજા નિષ્ણાતોએ કરેલી વાત યાદ રાખવા જેવી છે. સામાન્ય સંજોગોમાં પુરુષની સરખામણીના સ્ત્રીઓમાં વધુ હોર્મોનલ બદલાવ આવતા રહે છે. દર મહિને માસિક દરમિયાન મૂડ ચેન્જ થાય છે. એ સિવાય ઉંમરના જુદા જુદા તબક્કે પરિવર્તનો આવતાં રહે છે. જો પુરુષ જિંદગીની કેટલીક નાજુક પળોને સાચવી લે તો દાંપત્યજીવનમાં કોઈ વાંધો આવતો નથી. હવેના સમયમાં સ્ત્રીઓની જવાબદારી વધી છે. મોટા ભાગની મહિલાઓ કામ કરતી થઇ છે. એને પોતાના જીવનસાથી પાસે એટલી અપેક્ષા રહેવાની જ છે કે, પતિ તેની કેર કરે, પેમ્પર કરે અને તેનાં વખાણ કરે. નાનીનાની વાતોમાં સ્ત્રી રાજી અને ખુશ થઈ જાય છે. દરેક વખતે મોટાં પ્લાનિંગ કરવાની જરૂર નથી.
દાંપત્યજીવનનું કોઈ એક રહસ્ય નથી. સુખી દાંપત્યની કોઇ ચોક્કસ ફોર્મ્યુલા નથી. દરેક દંપતી યુનિક હોય છે એટલે દરેકે પોતાની રીતે ફોર્મ્યુલા ઘડવી પડે છે. કોઈ એક સફળ કપલની રીત બીજા કપલ પર કામ કરતી નથી. જરૂરી એ છે કે, પોતાની વ્યક્તિને સારી રીતે સમજવી. એક સિદ્ધાંત કપલમાં બંનેએ યાદ રાખવા જેવો એ છે કે, એ જેવી છે એવી મારી છે અથવા તો એ જેવો છે એવો મારો છે. કોઇ માણસ સંપૂર્ણ હોતો નથી. દરેકમાં કેટલાંક માઇનસ પોઇન્ટ્સ હોય જ છે. પ્લસ પોઇન્ટ્સ પણ ઓછા નથી હોતા. આપણે આપણી વ્યક્તિમાં શું શોધીએ છીએ એ મહત્ત્વનું છે. ખામીઓ શોધશો તો ખામીઓ જ દેખાશે. ખૂબીઓ શોધશો તો એ પણ મળી જ આવશે. મોટા ભાગે માણસને વાંધો જ દેખાય છે એટલે પ્રોબ્લેમ શરૂ થાય છે.
હેપી લાઇફની બીજી એક ફોર્મ્યુલા બધાએ યાદ રાખવા જેવી છે. જતું કરવું અને ભૂલી જવું. આપણે નથી જતું કરતા કે નથી ભૂલતા. બેમાંથી એકથી કોઇ ભૂલ થઇ ગઇ હોય તો એને યાદ રાખીને સમયે સમયે ટપારતાં રહે છે. ઘાને ખોદતા રહીએ તો એ ક્યારેય રૂઝાવાનો નથી. એક ઘટના બની ગઇ, કોઇ મુદ્દે ઝઘડો થઇ ગયો, તો પણ એને વારે વારે વાગોળો નહીં. એમ તો બીજી પણ એક વાતને સુખી દાંપત્યની ચાવી ગણવામાં આવે છે. બેડરૂમમાં કોઇ બાબતે માથાકૂટ ન કરવી. મોટા ભાગે જ્યાં પ્રેમ કરવાનો હોય એ જ સ્થળે કપલ્સ ઝઘડતાં હોય છે. છેલ્લે એક વાત યાદ આવે છે. ફિલ્મ અભિનેતા શશી કપૂરે જેનીફર સાથે લવ મેરેજ કર્યાં હતા. બંને આખી જિંદગી બહુ સારી રીતે રહ્યાં હતાં. શશી કપૂરે એક વખત પોતાના દાંપત્ય વિશે સરસ વાત કરી હતી. તેમણે કહ્યું કે, મેં અને જેનીફરે લગ્ન કરતી વખતે નક્કી કર્યું હતું કે, કોઇ મુદ્દે મતભેદ થાય, ગમે તે કારણે ઝઘડો થાય, ગમે એવી સ્થિતિ કે સંજોગો સર્જાય, આપણે બંને ક્યારેય એકબીજાથી મોઢું ફેરવીને નહીં સૂઇએ. આવું બંનેએ માત્ર નક્કી જ નહોતું કર્યું, આખી જિંદગી નિભાવ્યું પણ હતું. પ્રેમ કે મેરેજ વખતે આપણે વાતો તો સારી સારી કરતાં હોઇએ છીએ પણ પછી એ ભુલાઇ જતી હોય છે. આજનાં કપલ્સની સૌથી મોટી ફરિયાદ એ પણ છે કે, મારી વ્યક્તિ મને સમય જ નથી આપતી, મારી વાતોમાં એનું ધ્યાન જ નથી હોતું, મોબાઇલ લઇને જ બેસી રહે છે! સુખી દાંપત્ય માટે પોતાની વ્યક્તિને સાંભળો અને સંવાદને સજીવન રાખો. યાદ રાખો, ઘરમાં સુખ અને શાંતિ નહીં હોય તો એ ક્યાંય મળવાની નથી!
હા, એવું છે!
દુનિયામાં સૌથી વધુ જોક્સ પતિ-પત્ની પર લખાયા, બોલાયા અને કહેવાયા છે. લોકો તેને પસંદ કરે છે એનું કારણ એ છે કે, બધા જ તેની સાથે ડાયરેક્ટ કનેક્ટ થાય છે. પોતાની જિંદગીમાં જોક જેવું કંઈ બન્યું ન હોય તો પણ આવા જોક્સને પસંદ કરવામાં આવે છે!
(`સંદેશ’, અર્ધસાપ્તાહિક પૂર્તિ, તા. 29 નવેમ્બર, 2023, બુધવાર, `દૂરબીન’ કૉલમ)
kkantu@gmail.com

Krishnkant Unadkat

Krishnkant Unadkat

Leave a Reply

%d bloggers like this: