મરજી મુજબના સુખની
કિંમત ચૂકવવી પડે છે

ચિંતનની પળે : કૃષ્ણકાંત ઉનડકટ
કંઈક નોખું ધારવા તૈયાર છો, તો ધન્ય છો!
જાતને અજમાવવા તૈયાર છો, તો ધન્ય છો!
બહુ હઠીલી જાત છે, વળગ્યા પછી છૂટે નહીં,
એ અહમને નાથવા તૈયાર છો, તો ધન્ય છો!
– ડો. મહેશ રાવલ
દરેક માણસને પોતાની મરજી મુજબ જીવવું હોય છે. એ વાત જુદી છે કે, જિંદગી આપણને આપણી રીતે જીવવા દેતી નથી. જિંદગી સાથે માણસે ઘણાં સમાધાન કરવાં પડે છે. બધું આપણું ધાર્યું થતું નથી. તમને કોઇ એવો સવાલ કરે કે, તમે તમારી મરજી મુજબની જિંદગી જીવો છો તો તમે શું જવાબ આપો? મોટા ભાગના લોકોની જિંદગીમાં એવું બન્યું હોય છે કે, કરવું હોય છે કંઇક અને થઇ જાય છે કંઇક. ક્યારેક તો માણસે ક્યારેય કલ્પના પણ ન કરી હોય એવી રીતે જિંદગી ફંટાઇ જાય છે. ઘણાનાં મોઢે આપણે એવું સાભળીએ છીએ કે, મેં તો સપનેય વિચાર્યું નહોતું કે મારી સાથે આવું થશે. એક ઘટના બની અને આખી જિંદગી જ બદલાઈ ગઇ. જિંદગીમાં ક્યારેક સારું થાય છે, તો ક્યારેક ખરાબ પણ બની જાય છે. ક્યારેક તો એવો સવાલ પણ ઊઠે કે, ખરેખર આપણી જિંદગીની દોર આપણા હાથમાં છે કે નહીં? માણસ દરેક પરિસ્થિતિ પર કંટ્રોલ કરવાના સતત પ્રયાસો કરતો રહે છે. ક્યારેક એવું ફીલ પણ થાય છે કે, હવે બધું કંટ્રોલમાં છે. લાઇફ સેટ છે. બધું સ્મૂધલી ચાલી રહ્યું છે. અચાનક જ કંઇક એવું થાય છે કે, બધું જ ડામાડોળ થઇ જાય છે. જિંદગી તોફાને ચડી જાય છે અને એક નવો સંઘર્ષ શરૂ થાય છે. જિંદગી વિશે ક્યારેય કંઇ ધારી લેવું નહીં, કારણ કે જિંદગી ક્યારે આપણી ધારણાઓ ખોટી પાડે એ નક્કી હોતું નથી. બેસ્ટ વે એ જ છે કે, જિંદગીને વહેવા દેવી. જિંદગીના સવાલોના જવાબો આપવાની તૈયારી રાખવી અને જિંદગી જીવતા રહેવું.
માણસ સુખ માટે સતત પ્રયાસો કરતો રહે છે. અલબત્ત, એમાં કશું ખોટું નથી. માણસ જે કંઇ કરે છે એનો અલ્ટિમેટ ગોલ તો સુખ જ હોય છે. કેટલાંક સુખ એવાં હોય છે જેને આપણે ઝંખતા હોઇએ છીએ. મારે તો આમ કરવું છે. એક યુવાનની આ સાવ સાચી વાત છે. એને દરિયાઇ સૃષ્ટિનો ગાંડો શોખ હતો. દરિયામાં ડૂબકી મારવી અને પેટાળ સુધી પહોંચવું, દરિયાની સુંદરતાને માણવી અને દરિયાઇ જીવોને જાણવા. એના માટે તેણે જરૂરી અભ્યાસ પણ કર્યો. પોતાના શોખને પાળવાની કલ્પના સાથે એ નોકરીની શોધમાં પણ હતો. એક વખત તેને બિઝનેસ શિપિંગ કંપનીની જોબ માટે ઓફર આવી. માલની હેરફેર કરતા શિપમાં તેને સફર કરવાની હતી. દરિયાની નજીક રહેવાય એમ હતું, પણ દરિયાની અંદર ડૂબકી મારવાની શક્યતાઓ ઓછી હતી. તેણે પિતાની સલાહ લીધી. પિતાને કહ્યું કે, મારે તો મરજીવા જેવું કામ કરવું છે. પિતાએ તેને કહ્યું, શિપિંગ કંપનીની જોબમાં સારો પગાર છે. દર મહિને ચોક્કસ રકમ મળશે. તું જે કરવા ઇચ્છે છે એમાં આવકની કોઇ ગેરંટી નથી. પિતાએ પછી સરસ વાત કરી. તેમણે કહ્યું કે, દીકરા, મરજી મુજબનું સુખ, ખુશી અને આનંદ મેળવવાની કિંમત ચૂકવવી પડતી હોય છે. તારે જો તારી ઇચ્છા મુજબનું કામ કરવું હોય તો ચોક્કસ કર, પણ એની કિંમત ચૂકવવા તૈયાર રહેજે. જિંદગીમાં ક્યારેય ફરિયાદ ન કરતો. ઊલટું ખુશ થજે કે, મેં મને ગમતું હતું એ કર્યું છે. ક્યારેય એવો વિચાર નહીં કરવાનો કે, આના કરતાં નોકરી કરી લીધી હોત તો સારું હતું. દીકરાએ નક્કી કરી લીધું કે, જે ગમે છે એ જ કરવું છે, ભલે ગમે એટલી મુશ્કેલી પડે. કામ કરવાની તો મજા આવશે.
કેટલાક લોકોને તો એ વાતની પણ સમજ નથી પડતી કે, મને ખરેખર શેમાં મજા આવે છે? મારે લાઇફમાં શું જોઇએ છે? જિંદગી પાસેથી મને શું અપેક્ષા છે? જિંદગી વિશે પણ ક્લેરિટી હોય એ જરૂરી છે. જિંદગીને જેમ ચાલતી હોય એમ ચાલવા દઇએ તો પણ એ ચાલતી જ રહેવાની છે, આપણે નક્કી કરવાનું હોય છે કે, આપણે જિંદગીને કંઇ તરફ લઇ જવી છે. જિંદગી એની રીતે ટર્ન લઇ લે તો વાંધો નથી, પણ આપણા પ્રયાસો તો એવા જ હોવા જોઇએ કે, આપણને સુખ મળે એ તરફ જિંદગીને લઇ જઇએ. સંબંધો પણ ક્યારેક સુખના સવાલો પેદા કરતા હોય છે. એક છોકરીની આ વાત છે. ખૂબ જ ધનાઢ્ય પરિવારની આ છોકરી અત્યંત લાડકોડમાં ઉછરી હતી. તેને એક છોકરા સાથે પ્રેમ થયો. છોકરો સામાન્ય પરિવારનો હતો. છોકરીએ પિતાને વાત કરી. પિતાએ દીકરીને વાસ્તવિકતા સમજાવી અને કહ્યું કે, તું જુદી રીતે ઉછરી છે, ત્યાં ઘણા ચેલેન્જીસ છે. તું સહન કરી શકીશ? દીકરીએ કહ્યું, હા મને ખબર છે કે હું ધારું છું એટલું સહેલું રહેવાનું નથી. મારા સુખની કિંમત ચૂકવવા હું તૈયાર છું. આવો જ એક બીજો કિસ્સો છે. એક છોકરીએ પોતાની મરજી મુજબ લગ્ન કર્યાં હતાં. માતા-પિતા દીકરીની પસંદથી ખુશ નહોતાં. પરિવારે દીકરી સાથેનો બધો જ સંબંધ કાપી નાખ્યો હતો. દીકરી પોતાના જીવનસાથી સાથે ખૂબ ખુશ હતી. સરસ જિંદગી જતી હતી. પેઇન એટલું જ હતું કે, ઘરના લોકો બોલતા નહોતા. તેને એમ થતું કે, એ લોકો જુએ તો ખબર પડે કે અમે બંને કેટલાં સુખી છીએ, કોઇ પ્રોબ્લેમ નથી, બધું સારું છે, પણ એ લોકો જુએ તોને? એક વખત છોકરીની ફ્રેન્ડે પૂછ્યું, મમ્મી-પપ્પા નથી બોલતાં એનું પેઇન થાય છે? છોકરીએ કહ્યું, એ તો થવાનું જ છે. આપણા સુખની પસંદગી સાથે કેટલાક પેઇન પણ આવતા જ હોય છે. ચોઇસ મારી હતી એટલે પેઇન પણ મારે જ ભોગવવાનું છે. કેટલાક કિસ્સામાં આપણા સુખની કામના કરતા લોકો પણ આપણને આપણી મરજી મુજબનું સુખ ભોગવવા દેતા નથી. એ લોકોને આપણા માટે પણ એવું સુખ ખપતું હોય છે જે એની વ્યાખ્યામાં ફીટ બેસતું હોય. જિંદગી ક્યારેક એવા ત્રિભેટે આવીને ઊભી રહી જતી હોય છે કે, આપણી મતિ મૂંઝાઇ જાય. શું કરવું એ સમજ ન પડે. એવા સમયે તમારે નક્કી કરવું પડતું હોય છે, તમારા સુખ માટે કેટલી કુરબાની આપવાની તમારી તૈયારી છે. ક્યારેક આપણી પસંદગીના સુખમાં આપણે ખોટા પણ પડીએ. એવા સંજોગોમાં પણ પરિણામો ભોગવવાની આપણી તૈયારી હોવી જોઇએ. ધારણાઓ ખોટી પડે અને પરિણામો જુદાં આવે ત્યારે રડવા બેસીએ એ બરાબર નથી હોતું. એને પણ ફેસ કરવાની તૈયારી રાખવાની હોય છે.
સુખ અને દુ:ખની ધારણાઓ પણ ક્યારેક ખોટી પડે છે અને આપણને કલ્પના પણ ન હોય એ રીતે આપણી સામે આવે છે. એક યુવાનની આ વાત છે. તેને એક છોકરી સાથે પ્રેમ થયો. તેને એવું જ લાગ્યું કે, આ વ્યક્તિ મારી લાઇફમાં આવી જાય તો જિંદગી સુખેથી જીવી શકાય. છોકરીને પણ એવું જ હતું કે, આ વ્યક્તિ જ મારા માટે રાઇટ ચોઇસ છે. બંનેએ પોતપોતાના ઘરે વાત કરી. ઘરના લોકો માની ગયા અને બંનેના મેરજ થયા. થોડો સમય તો બંનેને એવું લાગ્યું જાણે એ સ્વર્ગની જિંદગી જીવે છે. ધીમે ધીમે વાસ્તવિકતાઓ સામે આવવા લાગી. એકબીજાને પ્રોબ્લેમ થવા લાગ્યા. એ યુવાને કહ્યું કે, જેની સાથે જ સુખ લાગતું હતું એ જ હવે દુ:ખનું કારણ બની ગયું છે. ઘણી વખત સમજાતું નથી કે, આવું કેમ થયું? જે વ્યક્તિ બેસ્ટ લાગતી હતી એ કેમ અચાનક બદલાઈ ગઈ? એ બદલાઈ ગઈ કે હું બદલાઈ ગયો છું? માણસ બદલતો હોય છે. સમયની સાથે માણસમાં પણ પરિવર્તનો આવતાં હોય છે. આપણે પણ બદલાતા હોઇએ છીએ. બદલતા સમય અને બદલતી વ્યક્તિ સાથે આપણે પણ બેલેન્સ સાધવું પડતું હોય છે. કેટલાક લોકો બદલાઈ નથી શકતા. એ વિચાર નથી કરતા કે, ક્યાં ખોટું થઇ રહ્યું છે? શું ખૂટી રહ્યું છે? ખોટું હોય તેને સુધારતા અને ખૂટી રહ્યું હોય એને પૂરતા આવડવું જોઇએ. જિંદગીનો ટ્રેક પણ મેઇનટેઇન કરવો પડે છે. ધ્યાન ચૂકે તો ગાડી આડે પાટે ચડી જાય છે. જિંદગી રોજેરોજ જીવવાની ઘટના છે. એની સાથોસાથ એ પણ જોતા રહેવું પડે છે કે, જિંદગી બરાબર તો જીવાય છેને? પેઇન હોય તો પણ એ પોતાની પસંદગીનું હોવું જોઇએ. સુખી થવા માટે ક્યારેક સામનો તો ક્યારેક સમાધાનો કરવાં પડે છે. ક્યારે શું કરવું એની સમજ જ જિંદગીને જીવવા જેવી બનાવે છે.
છેલ્લો સીન :
સંબંધ પણ ક્યારેક બ્લેકમેલિંગ પર ઊતરી આવતા હોય છે. તું આમ કરીશ તો હું આમ કરીશ. ઇમોશનલ બ્લેકમેલ માણસની મતિ મૂંઝવી દે છે. આપણને એવું થાય છે કે, આવું થોડું હોય? હકીકતે એવું જ હોય છે. દુનિયા એવી જ છે! – કેયુ.
(`સંદેશ’, `સંસ્કાર’ પૂર્તિ, તા. 28 સપ્ટેમ્બર, 2025, રવિવાર. `ચિંતનની પળે’ કૉલમ)
kkantu@gmail.com
