સુખની ક્ષણો લંબાવીએ,
વેદનાની પળોને સંકોચીએ

દૂરબીન : કૃષ્ણકાંત ઉનડકટ
——–
લોકો દુ:ખ, પીડા, વેદના અને સમસ્યાઓને વાગોળ્યા રાખે છે.
સારી ઘટનાઓને તરત જ ભૂલી જાય છે. જિંદગીને સારી રીતે
જીવવા માટે સારા સમયનું સ્મરણ વધારે કરો.
જિંદગી પ્રત્યે પોઝિટિવ રહેવામાં મોટો ફાયદો છે
———–
જિંદગી જીવવાની વધુમાં વધુ મજા આવે એ માટે શું કરવું જોઇએ? જિંદગીમાં પ્રોબ્લેમ તો રહેવાના જ છે. માથે હાથ દઇને બેઠા રહીએ તો ન ચાલે. ફરિયાદો કરવાથી કે રોદણાં રડવાથી કોઇ ફેર પડવાનો નથી. દરેક વખત સંજોગો અને પરિસ્થિતિ આપણે બદલી શકતા નથી. દુનિયામાં ખુશી, આનંદ, ઉત્સાહ અને સુખ માટે નવા નવા પ્રયોગો થતા રહે છે અને થિયરીઓ અપાતી રહે છે. આ બધામાં હમણાં અમેરિકાની કેલિફોર્નિયા યુનિવર્સિટીનાં નિષ્ણાત ડો. કેરી બર્નાઇટે જોય સ્પાનની નવી થિયરી આપી છે. તેમણે પોતાના પુસ્તક `જોય સ્પાન : ધ આર્ટ એન્ડ સાયન્સ ઓફ થ્રાઇવિંગ ઇન લાઇફ્સ સેકન્ડ હાફ’માં ખુશીઓની ક્ષણોને લંબાવીને દરેક સ્થિતિમાં ટકી રહેવાની સુંદર વાત કરી છે. ડો. કેરીએ કહ્યું કે, દર્દીઓની સારવાર દરમિયાન હું તેમની ક્ષમતા અને માનસિકતા વિશે અભ્યાસ કરતી રહેતી હતી. કેટલાક લોકો ઉંમરની સાથે પડકારો ઝીલવામાં હાંફી જાય છે. કેટલાક લોકો ગમે એવી ખરાબ સ્થિતિ હોય તો પણ માર્ગ શોધી લે છે અને જિંદગીને પાછી સરખી કરી લે છે. આ બંનેમાં સૌથી મોટો ફર્ક જોય સ્પાનનો છે. આપણે લાઇફ સ્પાનને ખૂબ જ મહત્ત્વ આપીએ છીએ. લાંબું જીવવા માટે બને એટલા પ્રયાસો કરીએ છીએ. લાઇફ સ્પાનની સાથે હેલ્થ સ્પાનનું પણ ધ્યાન રાખીએ છીએ. જિંદગી લાંબી હોય એટલું પૂરતું નથી, જિંદગી જીવવાની મજા આવે એ વધુ જરૂરી છે. આપણે ત્યાં જિજીવિષાની બહુ વાતો થતી રહે છે. જિજીવિષા જેટલી પ્રબળ હોય એટલી જિંદગી લાંબી અને સારી રહે છે. ડો. કેરી જિજીવિષાની જેમ જિજ્ઞાસાની વાત કરે છે. જિંદગીના દરેક તબક્કે જિજ્ઞાસા જીવતી રહેવી જોઇએ. નાના હોઇએ ત્યારે કુતૂહલવૃત્તિ ખૂબ જ હોય છે. દરેક વાતમાં રસ પડે છે. દરેક વાતમાં સવાલો ઊઠે છે. જેમ જેમ મોટા થતા જઇએ તેમ તેમ કુતૂહલવૃત્તિ ઘટે છે. કુતૂહલ ઘટે એટલે રોમાંચ ઘટે છે. રોમાંચ ઘટે એટલે જિંદગીમાંથી રસ ઘટતો જાય છે.
ખાસ કરીને પચાસ વર્ષની ઉંમર પછી માણસે પોતાની શારીરિક ક્ષમતાની સાથે માનસિક સ્વાસ્થ્ય પર વધુ ધ્યાન દેવાની જરૂર હોય છે. લોકો હેલ્થ સારી રહે એ માટે ચાલવા જાય છે, પણ મન મજબૂત રાખવા માટે જે કરવું જોઇએ એ કરતા નથી. ઊલટું એવું વિચારે છે કે, અડધી જિંદગી તો ચાલી ગઇ. હવે નવું શીખીને શું કરવું છે? બહુ કર્યું, હવે કંઇ નથી કરવું. આ પ્રકારની વૃત્તિ માનસિક રીતે નબળા પાડે છે. ઉંમર પચાસ તો શું, સિત્તેર એંસીની હોય તો પણ થનગનાટ એવો ને એવો રહેવો જોઇએ. નવું શીખવાની દાનત કાયમ રહેવી જોઇએ. એક બીજો અભ્યાસ એવું પણ કહે છે કે, જે મનથી પોતાને ઉંમરલાયક માનવા માંડે છે એને ઉંમરની સૌથી વધુ અસર થાય છે. જે લોકો ઉંમર વિશે બહુ વિચાર નથી કરતા તેને કોઇ ઉંમર નડતી નથી. કેટલાક વૃદ્ધો પંચોતેર વર્ષની વયે પણ મસ્ત જિંદગી જીવતા હોય છે. કેટલાક યુવાનો થનગનાટને બદલે થથરતા હોય છે. માનસિકતા જો નબળી પડી તો ગમે એટલા સાજા સારા હશો તો પણ જિંદગી જીવવાની મજા નહીં આવે. અત્યારે લોકો ફિઝિકલ હેલ્થને જેટલું ઇમ્પોર્ટન્સ આપે છે તેની સરખામણીમાં મેન્ટલ હેલ્થની જેટલી કેર કરવી જોઇએ એટલી કરતા નથી. અભ્યાસમાં તો એવું પણ સાબિત થયું છે કે, શારીરિક સ્વાસ્થ્ય થોડું ઘણું નબળું હશે તો ચાલશે, પણ મનથી નબળા પડ્યા તો ગયા સમજો. આપણે એવા કેટલાયે કિસ્સાઓ સાંભળીએ છીએ કે, ગંભીર બીમારીનો સામનો કરીને પણ માણસ પાછો બેઠો થઇ ગયો હોય. કેટલાકની લાઇફમાં એટલા બધા પડકાર આવ્યા હોય છે, જેના વિશે સાંભળીને આપણે જ કહેતા હોઇએ છીએ કે, એ માણસને દાદ દેવી પડે. એની જગ્યાએ બીજો કોઇ હોય તો ભાંગી જ પડ્યો હોય. આપણી સામે એવાં અનેક ઉદાહરણો હોય છે જે ગમે એવી ખરાબ પરિસ્થિતિમાં પણ જરાયે ગભરાતા નથી. તેની સામે જેને ખાસ કોઇ પ્રોબ્લેમ ન હોય એ પણ રોદણાં રડવામાંથી નવરા પડતા હોતા નથી. આપણે એવાને જોઇને કહેતા હોઇએ છીએ કે, આને કોઇ પ્રોબ્લેમ નથી તો પણ સુખેથી રહેતા આવડતું નથી. આપણને સુખેથી રહેતા કેટલું આવડે છે?
જિંદગીને સરસ રીતે જીવવા માટે એક બીજી વાત પણ સમજવા અને સ્વીકારવા જેવી છે. જિંદગીમાં જે સુખ અને ખુશીની ક્ષણો આવે છે એને લંબાવો અને દુ:ખ, પીડા અને વેદનાની પળો આવે છે એને સંકોચો. આપણે મોટા ભાગે ઊંધું કરતા હોઇએ છીએ. જિંદગીમાં કંઇક ખરાબ કે ન ગમતું બને એને વાગોળતા જ રહીએ છીએ. એક વાર વેદના થઇ હોય તેને વારંવાર યાદ કરીને દુ:ખી થતા રહીએ છીએ. આપણે જ ઘણાની વાત સાંભળીને કહેતા હોઇએ છીએ કે, મૂકને હવે, પતી ગયું, શું એકની એક વાતો કર્યા રાખે છે. માનસશાસ્ત્રીઓ કહે છે કે, સુખની ક્ષણોને લંબાવો. જિંદગીમાં એવા પ્રસંગો બનતા જ હોય છે જ્યારે આપણને મજા આવી હોય. કેટલીય વાર એવું થાય છે કે, જલસો પડી ગયો, મોજ આવી ગઇ. આ મોજને લાંબી ટકાવી રાખો. એનું સ્મરણ ઝાંખું થવા ન દો. આપણે બહાર ફરવા ગયા હોઇએ ત્યારે ખૂબ મજા કરી હોય છે. ફરીને જેવા આવીએ કે, તરત જ કામના ટેન્શનમાં આવી જઇએ છીએ. ઘણા લોકો તો ફરવા ગયા હોય ત્યાં પણ એવી જ વાતો કરતા હોય છે કે, હમણાં આ રજા પતી જશે અને પાછું બધું હતું એનું એ જ થઇ જશે. એવું કેમ નથી વિચારતા કે, બધું રૂટિન હતું એમાંથી સરસ બ્રેક મળ્યો છે. આ ક્ષણોને પૂરેપૂરી જીવી લેવી છે. એટલું એન્જોય કરવું છે કે, જ્યારે પણ આ ક્ષણો યાદ આવે ત્યારે ચહેરો થોડોક ખીલી જાય. કેટલાક લોકો મજા કરવા ગયા હોય એ વખતે પણ જે મુશ્કેલી પડી હોય એની વાતો જ યાદ રાખતા હોય છે. બહાર જઇએ ત્યારે કંઇક તો તકલીફ પડવાની જ છે. મુશ્કેલીને યાદ રાખશો તો મજા યાદ આવવાની જ નથી.
સરવાળે જિંદગી પ્રત્યેના નજરિયાનું જ મહત્ત્વ છે. આપણે આપણી જિંદગીને કેવી માનીએ છીએ? સુખ વિશે એમ જ તો એવું કહેવાયું નહીં હોયને કે, તમે માનો તો તમે સુખી છો અને તમે ન માનો તો દુ:ખી છો અને દુ:ખી જ રહેવાના છો. જિંદગી સરસ રીતે જીવી શકાય એટલું બધા પાસે હોય જ છે. જેટલું છે એટલું એન્જોય કરતા આપણને કેટલું આવડે છે? જિંદગીમાં વધુ મેળવવાની ઇચ્છા દરેકને હોય છે. એમાં કશું ખોટું નથી. મહત્ત્વાકાંક્ષા મરી ગઇ તો કંઇ રહેશે નહીં. સંતોષ સારી વાત છે એમાં ના નહીં, પણ દરેક વાતમાં સંતોષ માની લેતો માણસ પણ એક હદથી આગળ વધી શકતો નથી. જિંદગીમાં થોડોક અસંતોષ પણ રહેવો જોઇએ. વધુ મેળવવા માટે મહેનત ચોક્કસ કરો, પણ સાથોસાથ જે છે એને પણ સંપૂર્ણપણે એન્જોય કરો. સુખ, ખુશી, ઉત્સાહ, આનંદ, સફળતા વગેરે માટે અનેક ફિલોસોફીઓ અને થિયરીઓ છે. સાચી વાત એ છે કે, માણસ પોતાની જિંદગીની થિયરી પોતે બનાવે. નક્કી કરે કે, મારે મારી જિંદગી મસ્ત રીતે જીવવી છે. જિંદગીમાં પડકારો, સમસ્યાઓ અને મુશ્કેલીઓ આવવાની જ છે. હું એ બધાનો હિંમતભેર સામનો કરીશ. ગમે તે થાય મનથી તો ક્યારેય નબળો નહીં પડું. આપણે પહેલેથી એવું સાંભળતા આવ્યા છીએ કે, મન કે હારે હાર હૈ, મન કે જીતે જીત. આપણું યુદ્ધ આપણે જ લડવાનું છે અને આપણે જ જીતવાનું છે. જિંદગી વિશે હંમેશાં પોઝિટવ રહો. જિંદગીની દરેક ક્ષણને માણો. જે આપણા હાથની વાત ન હોય એની બહુ ચિંતા ન કરો. આપણે માનીએ કે ન માનીએ, પણ અમુક સંજોગોમાં જેવી કુદરતની ઇચ્છા એ થિયરી પણ કામ કરતી હોય છે. આપણું કંઇ ચાલે એમ ન હોય ત્યારે કુદરત પર છોડી દેવાનું. પ્રયાસો ન છોડવાના, હિંમત પણ ક્યારેય નહીં હારવાની. જિંદગીને પણ સાંત્વના આપતા રહેવું પડે છે. અપ-ડાઉન તો ચાલ્યા રાખે, મજાથી જીવવું એ છેલ્લે આપણા હાથની જ વાત હોય છે. સાચું કે નહીં?
—————-
પેશ-એ-ખિદમત
મૈંને તો બાદ મેં તોડા થા ઇસે,
આઇના મુઝ પે હંસા થા પહલે,
બાદ મેં મૈંને બુલંદી કો છુઆ,
અપની નજરોં સે ગિરા થા પહલે.
– રાજેશ રેડ્ડી
(`સંદેશ’, અર્ધસાપ્તાહિક પૂર્તિ, તા. 30 જુલાઇ, 2025, બુધવાર, `દૂરબીન’ કૉલમ)
kkantu@gmail.com
