પ્રતિભાસંપન્ન માતા-પિતાનાં સંતાન હોવું શું શાપ છે? – દૂરબીન : કૃષ્ણકાંત ઉનડકટ

પ્રતિભાસંપન્ન માતા-પિતાનાં
સંતાન હોવું શું શાપ છે?

દૂરબીન : કૃષ્ણકાંત ઉનડકટ


———-

ખૂબ જ તેજસ્વી અને અત્યંત ધનવાન પરિવારમાં જન્મેલાં 

બાળકોને પહેલી નજરે નસીબદાર સમજવામાં આવે છે પરંતુ 

એવાં બાળકોની માનસિક હાલત વિચિત્ર હોય છે!​ ​

પ્રતિભાશાળી મા-બાપનાં સંતાનો પર મા-બાપનું નામ રોશન કરવાનું અને પોતાની જાતને સાબિત કરવાનું જબરજસ્ત પ્રેશર હોય છે. 

સામાન્ય બાળકો માટે માતા-પિતા બેન્ચમાર્ક હોતાં નથી એટલે એ મુક્ત રીતે પર્ફોર્મ કરી શકે છે!


———–

જન્મ અને મૃત્યુ એ એવી ઘટનાઓ છે જે સંપૂર્ણપણે ઉપરવાળાના હાથમાં છે. માણસનો જન્મ ક્યાં થશે એ કુદરતે પોતાના હાથમાં રાખ્યું છે. બે ઘડી વિચાર કરો કે, તમને જો ચોઇસ આપવામાં આવી હોત તો તમે અત્યારે જે પરિવારમાં, જે જ્ઞાતિમાં, જે સમાજમાં, જે શહેરમાં કે જે દેશમાં જન્મ્યા છો એનું જ નામ આપતા ખરા? અલબત્ત, એવી ચોઇસ કોઇને મળતી નથી અને ક્યારેય મળવાની પણ નથી! કોઈ સેલિબ્રિટી, પ્રતિભાસંપન્ન, ધનવાન કે પાંચમાં પુછાતા પરિવારમાં કોઇ બાળકનો જન્મ થાય ત્યારે ઘણાનાં મોઢે એવું સાંભળવા મળે છે કે, કેવો નસીબદાર બાળક છે નહીં? એની લાઇફમાં તો કોઇ સ્ટ્રગલ જ નથી લખી! બોર્ન વિથ સિલ્વર સ્પૂન! પાણી માંગે તો દૂધ હાજર થઇ જાય છે! ગરીબ અને મધ્યમવર્ગના પરિવારમાં જન્મેલાં સંતાનોને ક્યારેક તો એવો વિચાર આવ્યો જ હોય છે કે મારો જન્મ કેમ સામાન્ય પરિવારમાં થયો છે? અમુક વાતોના કોઇ જવાબ હોતા નથી! આપણાં શાસ્ત્રોમાં કર્મના આધારે જન્મની ઘણી વાતો કહેવામાં આવી છે. જે હોય તે પણ એક હકીકત છે કે, જન્મ માણસના હાથમાં નથી!​​
હવે બીજી વાત, ધનવાન કે પ્રતિભાશાળી મા-બાપનાં સંતાનો સુખી જ હોય છે એવું માની લેવાની નયા ભારની પણ જરૂર નથી. બધી સગવડ મળે એનો અર્થ એવો નથી કે બધું સુખ મળે છે. આપણે મોટા ભાગે સાધન-સંપત્તિને સુખ માની લેવાની ભૂલ કરતા હોઇએ છીએ. બધું હોય છતાં દુ:ખ, વેદના, પીડા, વ્યથા કે ચિંતા હોઈ શકે છે. સુખ ખરીદી શકાતું નથી. હમણાં થયેલો એક અભ્યાસ એવું કહે છે કે, પ્રતિભાશાળી અને ધનવાન પરિવારનાં સંતાનોની હાલત સામાન્ય પરિવારનાં બાળકો કરતાં વધુ ખરાબ હોય છે. અમેરિકાના ફ્લોરિડાના સાઇકૉલોજિસ્ટ એમી મોરિને સેલિબ્રિટીનાં સંતાનો પર અભ્યાસ કરીને કહ્યું કે, એ બાળકો માતા-પિતાના પડછાયામાંથી બહાર જ આવી શકતાં નથી. બીજા એક મનોવૈજ્ઞાનિક એલેક્સ લેફે કહ્યું કે, મહાન લોકોનાં સંતાનોને પોતાનું કોઇ અલગ વ્યક્તિત્વ હોય એવું લાગતું જ નથી. અમે ગમે તે કરીશું તો પણ મા-બાપની અપેક્ષામાં ખરા ઊતરીશું નહીં એવું તેઓ માનવા લાગે છે. મહાન કે સેલિબ્રિટીનાં સંતાનો માટે પોતાની જાતને પ્રૂવ કરવાનો એક અજાણ્યો ભાર હોય છે. મા-બાપ એ સ્ટેજે પહોંચી ગયાં હોય છે કે, દીકરો કે દીકરી ગમે તે કરે તો પણ ત્યાં પહોંચી શકતાં નથી. ગમે એ કરે તો પણ અંતે તો એ પિતાના નામે જ ઓળખાય છે કે, એ તો ફલાણાનો દીકરો છે. જાણીતાં મા-બાપના વંઠેલ સંતાનો માટે આપણે ત્યાં એવું કહેવાય છે કે, દીવા પાછળ અંધારું! બાપના પગરખામાં પગ આવી જાય એટલે બાપ જેટલી મહત્તા મળી જતી નથી. જે અભ્યાસ થયો એમાં પ્રતિભાશાળી માતા-પિતાનાં સંતાનોએ એવું કહ્યું હતું કે, નાના હોઇએ ત્યારે મા-બાપના નામને કારણે માન-પાન મળે પણ જેમ જેમ સમજતાં થઇએ ત્યારે એ સવાલ થાય કે, મારું શું? મેં શું કર્યું? અમારી નજર સામે પિતાનું કદાવર વ્યક્તિત્વ હોય છે. એના સુધી પહોંચવું કઇ રીતે? માંડ માંડ કોઇ સ્થાન સુધી પહોંચીએ તો પણ એવો આક્ષેપ થાય છે કે, એ તો મોટા માણસનો દીકરો છે એટલે એનો ચાન્સ લાગી ગયો, બાકી એનામાં કેટલી આવડત છે એ બધાને ખબર છે! મા કે બાપના નામે તમને કામ કે થોડુંક નામ મળે તો પણ નેપોટિઝમનું લેબલ લાગી જાય છે! બે ઘડી માની લો કે, મા-બાપના કારણે ચાન્સ મળી જાય પછી પણ તમારે તમારી જાતને સાબિત તો કરવી જ પડતી હોય છે!
અમિતાભ બચ્ચનનો દીકરો અભિષેક બચ્ચન અને સુનીલ ગાવસ્કરનો દીકરો રોહન ગાવાસ્કર સહિત અસંખ્ય ઉદાહરણો આપણી સામે છે. સચીન તેંડુલકરનો દીકરો અર્જુન તેંડુલકર આખી જિંદગી માથા પછાડે તો પણ પિતાની કક્ષા સુધી પહોંચી શકવાનો નથી. પીડા થાય એવી એક વાત બીજી પણ છે. જે મા-બાપ મહાન છે એને પણ પોતાનાં સંતાનો પાસેથી બહુ મોટી અપેક્ષાઓ હોય છે. એ પોતે પણ પોતાનો દીકરો કે દીકરી ભણવામાં કે બીજા કોઇ ક્ષેત્રમાં નબળાં હોય એ સહન કરી શકતાં નથી. સંતાનોની ક્ષમતાને જોવાને બદલે એ લોકો સંતાનોને એવું કહેતાં હોય છે કે, તારે આપણા કુળનું નામ રોશન કરવાનું છે. મારા કરતાં પણ સવાયા થવાનું છે. એ ક્યારેય વિચારતાં જ નથી કે, એ બિચારા કે બિચારીની એટલી તાકાત છે ખરી?
મહાન, સેલિબ્રિટી કે ધનવાનનાં સંતાનોના કિસ્સામાં પ્રેમ, લાગણી અને હૂંફનો પણ સવાલ પેદા થાય છે. મા-બાપ એટલાં બિઝી હોય છે કે, એની પાસે પોતાનાં સંતાનો માટે સમય જ હોતો નથી. સંતાનો માતા અને પિતાની હાજરી ઇચ્છતાં હોય છે. મા-બાપનું નામ એવડું મોટું હોય છે કે, એને પોતાના માટે સમય નથી હોતો તો પછી સંતાનો માટે તો ક્યાંથી ટાઇમ હોવાનો? ઘરમાં આયાઓ કે કામવાળાઓ જ સંતાનોનું ધ્યાન રાખતા હોય છે. ઘણા કિસ્સામાં એવું જોવા મળ્યું છે કે, અમીર લોકોનાં સંતાનોને આયા પર મા જેટલો અને ઘણા કિસ્સામાં તો મા કરતાં પણ વધારે પ્રેમ હોય છે. એનું કારણ એ જ હોય છે કે, આયાએ જ તેને મોટાં કર્યાં હોય છે. સેલિબ્રિટીઝનાં સંતાનો પર અભ્યાસ કરનાર માનસશાસ્ત્રીઓએ તો સેલિબ્રિટીઝને સંબોધીને પણ એમ કહ્યું છે કે, તમારાં સંતાનો સાથે વાતો કરો. એની સાથે ટાઇમ વિતાવો. એને સમજો. તમારા વિચારો કે તમારો માન-મોભો એના પર ઠોકી ન બેસાડો. એટલું ધ્યાન રાખો કે, તમારા જ ભાર નીચે તમારાં સંતાનો દબાઇ ન જાય!
હવે થોડીક સામા પક્ષની વાત. સામાન્ય પરિવારનાં સંતાનો વધુ મુક્ત અને ઉત્સાહી હોય છે. અભાવમાં મોટાં થયાં હોવાના કારણે તેના મનમાં કંઇક બનવાની અને કંઇક મેળવવાની ધગશ પણ હોય છે. સૌથી મહત્ત્વની વાત એ છે કે, એણે કંઇ ગુમાવવાનું હોતું નથી. ખાસ કંઇ હોય તો ગુમાવેને? એક સાવ સાચી ઘટના છે. એક ગુજરાતી યુવાન અત્યારે ડિપ્લોમેટ છે. તેણે કહ્યું કે, અમે આઇએએસનું ભણતા હતા ત્યારે અમારી સાથે ઘણાં એવાં છોકરાં-છોકરીઓ હતાં જેનાં મા-બાપ પણ આઇએએસ કે આઇપીએસ હતાં. એ યુવાનોના માથે કાયમ ટેન્શન સવાર રહેતું. મા-બાપની જેમ જ એને સફળ થવાનું હતું. પોતાની વાત કરતાં તેણે કહ્યું કે, મારા પિતા તો સામાન્ય પરિવારના છે. ખાસ કંઇ ભણ્યા પણ નથી. એના માટે તો હું થોડુંક ભણ્યો એ પણ ખુશી થવા જેવી વાત હતી. મારા પર સફળ થવાનું ટેન્શન નહોતું કે નહોતો નિષ્ફળ જવાનો ડર. એના કારણે હું રિલેક્સ રહેતો અને મહેનતમાં વધુ ધ્યાન આપી શકતો હતો.
દરેક સેલિબ્રિટીઝનાં સંતાનો નબળાં હોય છે એવું કહેવાનો ઇરાદો નથી પણ એ લોકો પર વધુ પ્રેશર હોય છે. માત્ર સેલિબ્રિટીઝની જ વાત નથી. દરેક સંતાન માટે એનાં મા-બાપની કક્ષા સુધી પહોંચવાની ઇચ્છા તો હોય જ છે. કમસે કમ મારા ફાધર કરતાં તો મારે આગળ વધવું જ છે. બાપ પણ દીકરા કે દીકરીને પોતાના કરતાં સવાયાં જોવા ઇચ્છતાં હોય છે. દરેક સંતાન માટે મા-બાપ એ સૌથી પહેલી અને સૌથી મોટી પ્રેરણા હોય છે. મા-બાપ પણ સંતાનોને સમજે અને એમની કેપેસિટી જેટલી જ અપેક્ષા રાખે એ જરૂરી છે. સાથોસાથ જે છોકરાં છોકરીઓ સામાન્ય પરિવારમાં જન્મ્યાં છે એ પણ યાદ રાખે કે, તમે કંઇક જુદી રીતે બ્લેસ્ડ છો. જન્મ ગમે ત્યાં થયો હોય, છેલ્લે તો દરેક માણસે પોતાની આવડતથી આગળ વધવાનું હોય છે. સંજોગો, પરિસ્થિતિ, મુશ્કેલીઓ, સમસ્યાઓ અને બીજા બધા ઇશ્યૂઝ તો રહેવાના જ છે. જે પ્રામાણિકતા અને ધગશથી મહેનત કરે છે એને જ સફળતા પ્રાપ્ત થતી હોય છે! સાચું કે નહીં?
હા, એવું છે!
માણસ શારીરિક ખામીને પહોંચી વળે છે પણ માનસિક સ્ટ્રગલ માણસને થકવી દે છે. શરીર ગમે એટલું સ્વસ્થ હોય પણ મન જો નબળું પડે તો સફળતા માટેનો સંઘર્ષ અઘરો સાબિત થાય છે!
(`સંદેશ’, અર્ધસાપ્તાહિક પૂર્તિ, તા. 16 નવેમ્બર, 2022, બુધવાર, `દૂરબીન’ કૉલમ)
kkantu@gmail.com

Krishnkant Unadkat

Krishnkant Unadkat

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *