ગમે તે કરો, લોકો તમને
જજ તો કરવાના જ છે

ચિંતનની પળે : કૃષ્ણકાંત ઉનડકટ
બારી ખૂલી સહેજ અને બંધ થઇ ગઇ,
કાઢી રહ્યા છે લોક હવે ક્યાસ કેટલા!
એકાંતમાં ન એકલો પડવા દે એ મને,
મળતાં નથી ને તોય રહે પાસ કેટલા!
– શૈલેશ ગઢવી
દુનિયા આજકાલની નહીં, જ્યારથી જગતનું સર્જન થયું ત્યારથી આવી જ છે. દુનિયાના કેટલાક નિયમો છે. આપણને ગમે કે ન ગમે, આપણે સ્વીકારીએ કે ન સ્વીકારીએ, એ નિયમો એવા જ રહેવાના છે. દુનિયામાં કેટલાક લોકો ખણખોદ કરવાના જ છે, કેટલાક આપણને સહન કરી જ નથી શકવાના, કેટલાક આપણા વિશે ખોટી વાતો ફેલાવવાના જ છે. તમે ગમે એટલા આગળ વધી જાવ એ લોકો કંઇક વાત શોધીને તમને વખોડવાનું કામ કરવાના જ છે. તમે તનતોડ મહેનત કરીને આગળ આવ્યા હશો તો પણ લોકો એવું જ કહેવાના છે કે, એનાં નસીબ કામ કરે છે. કોઇ વળી એમ કહેશે કે, એના છેડા ઊંચા છે. જે માણસ પોતે કંઇ કરી શક્યા ન હોય એ ઘણી વખત બીજાનું સારું જોઇ શકતા નથી. આજના સમયમાં દાદ દેવાવાળા, વખાણ કરવાવાળા, પીઠ થાબડવાવાળા અને શાબાશી દેવાવાળા લોકો કેટલા છે એ નક્કી કરવું અઘરું બની ગયું છે. સોશિયલ મીડિયા પર તમે તમારા કંઇ અચીવમેન્ટ વિશે લખો ત્યારે અનેક લોકો અભિનંદન આપે છે. વાહ! ખૂબ સરસ, અભિનંદન અને બીજા શબ્દો લખે છે. શબ્દો ન સૂઝે તો ઇમોજી મૂકી દે છે. જે લોકો કમેન્ટ કરે છે એમાંથી ખરેખર કેટલા લોકો રાજી થયા હોય છે? કેટલા લોકોએ આપવા ખાતર અભિનંદન આપ્યાં હોય છે? મોઢું મચકોડીને સ્માઇલીની ઇમોજી ફટકારી દેનારા લોકોની સંખ્યા ઓછી નથી.
એક સાવ સાચો કિસ્સો છે. બે મિત્રો હતો. બંને સાથે બેઠા બેઠા વાતો કરતા હતા અને પોતપોતાનો ફોન સર્ફ કરતા હતા. તેમાં એક મિત્રએ ફોન પર સોશિયલ મીડિયામાં જોયું કે, ત્રીજા એક મિત્રએ લક્ઝરી કાર ખરીદી છે અને તેના ફોટા મૂક્યા છે. ફોટો જોઇને એ મિત્રએ તેના બીજા મિત્રને બતાવ્યો. આ જો, જલસા છે આને તો, બેનંબરી કમાણી કરે છે અને મોટી મોટી ગાડીઓ ફેરવે છે. અભિનંદન તો આપવાં પડશેને, ચાલો વાહ વાહ લખી નાખીએ. આ વાત સાંભળીને તેના મિત્રએ કહ્યું કે, તું કોઇનું સારું જોઇને ખુશ કેમ નથી થતો? એણે કેવી રીતે કમાણી કરી એ એણે જોવાનું છે. તને જો યોગ્ય ન લાગતું હોય તો તું અભિનંદન ન આપ. બાકી આવું શા માટે બોલે છે? તને ખબર છે, તું જે કરે છે એનાથી તારી પ્રકૃતિ છતી થાય છે. તને કદાચ એમ હશે કે, હું પણ તારી વાતમાં સંમતિ પુરાવીશ, પણ હું એવું વિચારતો નથી. જેણે જે કરવું હોય એ કરે, કોઇનું કંઇ સારું જોઇને આપણાથી ખુશ થવાય તો થવાનું અને ખુશ ન થવાય તો વખોડવાનું તો નહીં જ. આપણે ઘણી વખત બીજા શું કરે છે એ જોઇને, એના વિશે વાત કરીને આપણી જ શક્તિ વેડફતા હોઇએ છીએ.
એક બીજો સાવ સાચો કિસ્સો છે. એક ભાઇએ ભવ્ય બંગલો બનાવ્યો. તેણે પ્રોફેશનલ્સને બોલાવી બંગલાના સરસ ફોટા પડાવ્યા, રીલ્સ બનાવડાવી. તેણે પછી કહ્યું, ચાલો હવે સોશિયલ મીડિયા પર ચડાવીને બધાને બાળીએ. ભલે લોકો ઇર્ષા કરતા. તેની આ વાત સાંભળીને તેના મિત્રએ કહ્યું કે, તું લોકોને બાળવા માટે આવું બધું કરે છે? એ મિત્રએ વિચિત્ર દલીલ કરી. તેણે કહ્યું, હા હું લાકોને બાળવા માટે આવું બધું કરું છું! આમેય ખરા દિલથી રાજી થવાવાળા કેટલા હોય છે? આ જગતમાં તમારા દુ:ખે દુ:ખી થવાવાળા મળી જશે, પણ તમારા સુખે સુખી થવાવાળા નહીં મળે. કોઇ કોઇનું સારું જોઇ જ નથી શકતું. તેના મિત્રએ કહ્યું, કોને કેવું લાગશે એ એણે જોવાનું છે, તારે કેવું લગાડવું છે એ તારે નક્કી કરવાનું છે. તારી દાનત જ લોકોને બાળવાની છે. તારે બધાને બતાવવું છે કે, જુઓ મેં શું કર્યું, તારે વટ પાડવો છે, તારે દેખાડી દેવું છે. આપણે કયા વિચારે શું કરીએ છીએ એ આપણા માટે વધુ મહત્ત્વનું છે. આપણી દાનત અને આપણી નિયતની પરવા આપણને હોવી જોઇએ. તને એમ કેમ વિચાર ન આવ્યો કે, મારા લોકો મારા બંગલાના ફોટા જોઇને રાજી થશે. તારે જ લોકોને બાળવા છે. લોકો તારા વિશે કંઇ ખરાબ બોલે છે તો તું લડવા નીકળી પડે છે, તારાથી કંઇ સહન થતું નથી. તું જે કરે છે એ વાજબી તો નથી જ. કોન બળશે અને કોને સારું લાગશે એની ચિંતા પણ કરવા જેવું હોતું નથી. સરવાળે એનાથી કોઇ ફેર પડવાનો નથી. આપણે સોશિયલ મીડિયા સહિત ઘણી બધી બાબતોમાં ભ્રમમાં રહેતા હોઇએ છીએ અને કોને કેવું લાગશે એ વિશે કંઇ પણ ધારી કે માની લેતા હોઇએ છીએ. આપણે ઘણી વખત આપણી જાતને જેટલી ગંભીરતાથી લેતા હોઇએ છીએ, એટલી ગંભીરતાથી લોકો લેતા હોતા નથી. આપણે એટલે જ નક્કી કરવું પડે છે કે, આપણે શું કરવું છે અને શું નથી કરવું. આપણને શું શોભે અને શું ન શોભે. આપણે આપણા પોતાના પૂરતો વિચાર કરીએ તો પૂરતું છે. બાકી દુનિયા જેવી છે એવી જ રહેવાની છે, દુનિયાને જે કરવું હોય એ કરવા દેવાનું, જે વિચારવું હોય એ વિચારવા દેવાનું. એનાથી બહુ રાજી પણ નહીં થઇ જવાનું અને કોઇ ખરાબ બોલે તો દુ:ખી પણ નહીં થઇ જવાનું.
એવી સલાહ બહુ આપવામાં આવે છે કે, માણસે ક્યારેય કોઇ વ્યક્તિને જજ કરવા ન જોઇએ. આ સલાહ સાચી પણ છે. જોકે, માણસ જજ કરતો જ રહેવાનો છે. માણસની પ્રકૃતિ જ કોઇના વિશે અભિપ્રાયો આપવાની છે. એક બાપ દીકરી હતાં. એક વખત છોકરીઓએ કેવા ડ્રેસ પહેરવા જોઇએ એના વિશે બંને વચ્ચે થોડી વાતચીત થઇ. બોલ્ડ ડ્રેસ પહેરવા જોઇએ કે નહીં એવો સવાલ દીકરીએ પૂછ્યો. તેના પિતાએ કહ્યું કે, શું પહેરવું અને શું ન પહેરવું એ માણસે પોતે નક્કી કરવું જોઇએ. શું સારું લાગે છે અને શું ખરાબ લાગે છે એ નિર્ણય પણ માણસે પોતે જ કરવો જોઇએ. સાથોસાથ એક વાત યાદ રાખવાની હોય છે કે, તમે જે પહેરો, જેવું વર્તન કરો તેના પરથી લોકો તમને જજ કરવાના જ છે. કેટલાક કિસ્સામાં તો એવું પણ બનવાનું છે કે, થોડાક લોકો સારું બોલશે અને થોડાક લોકો ખરાબ પણ બોલશે. લોકો સારું બોલે તો બહુ પ્રભાવિત થઇ જવાની જરૂર નથી અને ખરાબ બોલે તો ડિસ્ટર્બ થઇ જવાની પણ જરૂર હોતી નથી. આપણે એટલું વિચારવું જોઇએ કે, હું જે કરું છું એ મને શોભે છે કે નહીં? મને સારું લાગે છે કે નહીં?
આપણે આપણી જાતને વફાદાર હોઇએ એટલું પૂરતું છે. જે માણસ પોતાની જાતને વફાદાર હોતો નથી એ કોઇને વફાદાર રહેતો નથી. માણસ પોતાની નજરમાંથી ઊતરી ન જવો જોઇએ. આપણે ઘણી વખત દુનિયાને સારું લગાડવા માટે ન કરવાનું કરતા હોઇએ છીએ. કેટલાક કિસ્સામાં એવું માની પણ લેતા હોઇએ છીએ કે, દુનિયાની સાથે એની જેમ જ કામ લેવાનું હોય છે. સીધી રીતે કંઇ થતું નથી. આ દુનિયામાં પોતાની ઇમેજ બનાવવા માટે સીનસપાટા પણ કરવા પડે છે. બધાને હવે છાકો પાડી દેવો છે. પોપ્યુલર થવું છે. સેલિબ્રિટિઝને જોઇને એના જેવાં ગતકડાં કરવા માંડે છે. સાચી વાત એ છે કે, તમે જેવો છો એવા જ રહો, લોકોને એ જ વાત સ્પર્શવાની છે. ગમે એવું કરીએ તો પણ નાટક છેલ્લે વર્તાઇ આવતું હોય છે. આપણે કોઇને છેતરી શકીએ, કોઇને મૂરખ બનાવી શકીએ, પણ આપણી જાતનું શું? આપણને તો ખબર જ હોય છે કે આપણે કેવા છીએ. અરીસા સામે ઊભા રહીએ ત્યારે આપણે આપણી આંખમાં આંખ મિલાવીને કહી શકવા જોઇએ કે, હું મારી જાત સાથે વફાદાર છું. દુનિયા બદલવાની નથી. લોકો જે કરવાના છે એ કરવાના જ છે. આપણી ફરિયાદો કે રાડારાડથી દુનિયાને કોઇ ફેર પડવાનો નથી. આપણે આપણા પૂરતું વિચારીને જિંદગી જીવવાની હોય છે. પોતાની જાતનું સાચું મૂલ્યાંકન જે કરી શકે છે એ જ સાચા અને સારા માર્ગે ટકી રહે છે. બીજા કયા રસ્તે જાય છે, શા માટે જાય છે, એમણે એ માર્ગે જવું જોઇએ કે નહીં, એ બધામાં પડવા જેવું હોતું નથી. આપણે ફક્ત એટલું જ જોવાનું હોય છે કે, હું જે રસ્તે છું એ સાચો અને સારો છેને? આપણે ખોટા રસ્તે ચડી ન જઇએ એ જ આપણા માટે પૂરતું છે.
છેલ્લો સીન :
ઘણા લોકો બહુ ભેદી હોય છે. એવા લોકોના ભેદ ઉકેલવાના બદલે એના ભ્રમમાંથી મુક્ત થઇ જવું વધુ બહેતર હોય છે. અમુક લોકો પાછળ ખોટી શક્તિ વેડફવી એ પણ મૂર્ખતા જ છે. – કેયુ
(`સંદેશ’, `સંસ્કાર’ પૂર્તિ, તા. 10 ઓગસ્ટ, 2025, રવિવાર. `ચિંતનની પળે’ કૉલમ)
kkantu@gmail.com
