તમે તમારા વિશે શું માનો છો?
જાત સાથેના સંવાદમાં સતર્ક રહેજો!

દૂરબીન : કૃષ્ણકાંત ઉનડકટ
——–
દરેક માણસે જાત સાથે વાત કરવામાં ખૂબ જ સાવધાની રાખવી
જોઇએ. પોતાના વિશેનો અભિપ્રાય માણસને સીધી અને સૌથી
મોટી અસર કરે છે. જાપાનના ડો. માસારુ ઇમોટોની
વોટર થિયરીની તમને ખબર છે?
———–
દુનિયાનો દરેક માણસ એવું ઇચ્છતો હોય છે કે, તેનું પોતાનું વજૂદ હોય. પોતાની આગવી ઓળખ હોય. પરિવાર, સમાજ અને દેશમાં તેનું નામ હોય. પોતાની જાતને સાબિત કરવા માટે માણસ પોતાનાથી થાય એટલી મહેનત પણ કરતો હોય છે. કોઇ માણસ સફળતાની ટોચ સુધી પહોંચે છે, તો કોઇ નિષ્ફળતાની ખીણમાં પણ ધકેલાઇ જાય છે. માણસ પોતાનાં નામ, કામ અને ઓળખ માટે પોતાની જાત સાથે સતત સંવાદ સાધતો હોય છે. એની સાથે જ માણસની પોતાના વિશેની માન્યતા ઘડાતી હોય છે. પોતાના વિશે માણસ જે માનતો હોય તેના આધારે જ તેનો એટિટ્યૂટ બનતો હોય છે. અનેક રિસર્ચમાં એવું બહાર આવ્યું છે કે, માણસ પોતાના વિશે જે ધારતો, માનતો અને વિચારતો હોય એવું જ તેની સાથે થાય છે. ઘણા લોકો પાસે ખાસ કંઇ હોતું નથી, પણ એ પોતાની જાતને ક્યારેય નબળા ગણતા નથી. દુનિયામાં એવા લોકો પણ હોય છે જેઓ પોતે જ એવું માને છે કે, આપણે તો કંઇ નથી. હું નિષ્ફળ છું. આપણે અનેક વખત એવું સાંભળ્યું છે કે, મન કે હારે હાર હૈ, મન કે જીતે જીત. રમતમાં ઊતરતા પહેલાં જે એવું વિચારે કે આપણે હારી જવાના છીએ એ ચોક્કસપણે હારવાના જ છે. દરેક સ્પોર્ટ્સમેનને સૌથી પહેલાં એ જ શીખવાડવામાં આવે છે કે, જીતવાના જ છીએ એવું વિચારીને જ મેદાનમાં પગ મૂકવાનો. એવું પણ નહીં વિચારવાનું કે, ગેમમાં તો એક જીતે અને બીજો હારે. હાર શબ્દ જ વિચારમાં ન આવવો જોઇએ. જીત વિશે જરાકેય શંકા પેદા થઇ તો તમે હારની નજીક સરકી જવાના છો.
માણસના વિચારો માણસને પોતાને સૌથી વધુ અસર કરે છે. આપણને જો આપણી કિંમત ન હોય, આપણે જ આપણને સસ્તા સમજતા હોઇએ તો દુનિયા ક્યારેય આપણી કિંમત કરવાની નથી. સૌથી પહેલો સવાલ એ જ છે કે, આપણે આપણા વિશે શું માનીએ છીએ? આપણે જ્યારે આપણી જાત સાથે વાત કરીએ છીએ ત્યારે આપણા શબ્દો, આપણો ટોન અને આપણી માન્યતાઓ શું હોય છે? તમને જાપાનના ડો. માસારુ ઇમોટોની વોટર થિયરીના પ્રયોગની ખબર છે? ડો. માસારુએ એક એક્સપેરિમેન્ટ કર્યો હતો. તેમણે પાણીની બોટલો બે ભાગમાં વહેંચી હતી. પાણીની કેટલીક બોટલ અલગ પાડીને તેને ખરાબ શબ્દો કહેવામાં આવ્યા. હું તને નફરત કરું છું. આ દુનિયામાં તારી કોઇ જરૂર નથી. તું સાવ નક્કામું છે. આવા શબ્દો ઉપરાંત નેગેટિવ ભાષામાં જે કંઇ કહી શકાય એ કહેવામાં આવ્યું હતું. બીજી તરફ પાણીની કેટલીક બોટલો સમક્ષ શ્રેષ્ઠ અને પોઝિટિવ વાતો કરવામાં આવી. હું તને પ્રેમ કરું છું. તું દુનિયામાં સૌથી મહાન છે. તારા વગર જિંદગી શક્ય જ નથી. તું જ આખા જગતને રળિયામણું બનાવે છે. આવી બધી સુંદર વાતો એ પાણીની બોટલ સામે કરવામાં આવી હતી. એ પછી જે પ્રયોગ થયો તેનાં પરિણામો ચોંકાવનારાં હતાં.
બોટલોને બાદમાં ફ્રીઝ કરવામાં આવી. પાણી જામી ગયું. જામેલા પાણીને માઇક્રોસ્કોપથી જોવામાં આવ્યું. પાણીની જે બોટલો સમક્ષ નેગેટિવ વાતો કરવામાં આવી હતી એ થીજેલા પાણીની માઇક્રોસ્કોપિક ફોટોગ્રાફી કરવામાં આવી હતી. તેમાંથી જે ચિત્રો પેદા થયાં હતાં એ વિચિત્ર અને અસ્તવ્યસ્ત હતાં. બીજી તરફ જે બોટલો સામે સારી વાતો કરવામાં આવી હતી તેની ફોટોગ્રાફી ખૂબ જ સુંદર આકાર રચતી હતી. આ પ્રયોગના આધારે એવું કહેવામાં આવ્યું હતું કે, માણસના શરીરમાં 70 ટકા હિસ્સો પાણીનો છે. જો બોટલના પાણીને કહેવામાં આવેલી વાતો તેને અસર કરતી હોય તો માણસ પોતાની સાથે જે વાત કરે તેની અસર પણ માણસના શરીરમાં રહેલા પાણીને થાય છે. તેના પરથી એવું કહેવાયું છે કે, પોતાની જાત સાથે વાત કરવામાં સાવચેત રહો. પોતાની જાતને ક્યારેય કોસવી ન જોઇએ. પોતાના વિશેનો અભિપ્રાય હંમેશાં ઊંચો જ રાખવો જોઇએ. પોતાના વિશે ખરાબ કે નબળું વિચારશો તો તેની ખરાબ અસરો પણ થવાની જ છે.
જાપાનના ડો. માસારુ ઇમેટોએ પોતાના વોટર એક્સપેરિમેન્ટ પર વર્ષ 2004માં `ધ હિડન મેસેજીસ ઇન વોટર’ નામનું પુસ્તક પણ લખ્યું હતું. આ પુસ્તક બેસ્ટ સેલર બન્યું હતું. અલબત્ત, ડો. માસારુ ઇમેટોના પાણી પ્રયોગને ઘણાએ વાહિયાત પણ ગણાવ્યો છે. તેમના પર એવો પણ આક્ષેપ થયો છે કે, તેમણે પોપ્યુલર થવા માટે આખી વાત ઘડી કાઢી છે. બીજાએ આવો પ્રયોગ કર્યો ત્યારે પાણીમાં કંઇ ફેર પડ્યો નહોતો. પાણીને શબ્દોની અસર થાય નહીં એવું પણ કહેવાયું હતું. ડો. માસારુના કિસ્સામાં જે સાચું કે ખોટું હોય તે, પણ માણસ પોતાના વિશે જે માને છે એની અસરો તો તેના પર થતી જ હોય છે.
બીજી વાત એ છે કે, પ્રયોગો અને બીજી વાતોને સાઇડમાં મૂકો, સારા વિચારો કરવામાં કંઇ ગુમાવવાનું નથી અને ખોટા વિચારો કરવાનો કોઇ અર્થ નથી એ વાત તો સાચી છે જ. જે સફળ લોકો છે તેના પર જેટલા અભ્યાસ થયા છે એમાં પણ એ વાત તો બહાર આવી છે કે, તેમણે પોતાના વિશે ક્યારેય નબળા વિચારો કર્યા હોતા નથી. ક્યારેક એવો વિચાર આવી જાય કે, મારાથી આ થઇ શકશે કે કેમ એ સ્વાભાવિક છે. એમાં પણ જે માણસ એવું વિચારે કે થઇ જશે, ન કેમ થાય, એ સફળતા મેળવે છે. આપણે કંઇ કરી શકવાના નથી એવું વિચારવાવાળો કંઇ કરી શકતો નથી. અલબત્ત, માણસે એ વાતનું પણ ધ્યાન રાખવાનું હોય છે કે, માત્ર વિચારોથી કંઇ થવાનું નથી, તેના માટે મહેનત તો જરૂરી છે જ. પોતાના વિશે ઘણાને ખોટા અભિપ્રાયો પણ હોય છે. પોતાની જાતનું સાચું મૂલ્યાંકન કરવું એ પણ એક આવડત છે.
સરવાળે સાવ સરળ શબ્દોમાં વાત કરીએ તો, ભલે જિંદગીમાં ગમે તે થાય, કોઇ પણ સંજોગોમાં હિંમત નહીં હારવાની, જરાયે નબળા નહીં પડવાનું. મુશ્કેલીઓ આવવાની જ છે. ઠોકરો લાગવાની જ છે. પડકારોનો સામનો કરવાનો જ છે, એવું વિચારીને જે પોતાનું કામ કરતા રહે છે એ ચોક્કસપણ ધારેલી સફળતા મેળવે છે. મહેનત વગર કોઇ સફળતાની આશા રાખવી એ મૂર્ખતા છે. બેઠાં બેઠાં કંઇ થવાનું નથી. નિષ્ફળતા માટે કોઇ બહાનાબાજી ચાલતી નથી. સમય, સંજોગ કે કોઇ વ્યક્તિને દોષ દેવાથી પણ બચવું જોઇએ. ઘણા લોકો નિષ્ફળતા માટે પણ છટકબારીઓ શોધતા હોય છે. જાતજાતનાં કારણો શોધે છે અને પોતાની જાતને જ આશ્વાસન આપતા રહે છે. આવું કરીને પણ માણસ પોતાને નબળો જ પાડતો હોય છે. સાચો માણસ પોતાની નિષ્ફળતાનાં કારણો શોધીને તેનું નિવારણ કરે છે અને સફળતા પ્રાપ્ત કરે છે.
પોતાની જાત માટે, પોતાની કરિયર માટે અને પોતાની સફળતા માટે ક્લેરિટી હોય એ સૌથી વધુ જરૂરી છે. સફળતા માટે ફોક્સ કરવાની ખૂબ વાતો થાય છે. વાત સાચી છે પણ સૌથી પહેલાં તો એ ખબર હોવી જોઇએ કે, ક્યાં ફોક્સ કરવાનું છે? જો ટાર્ગેટ જ ખોટો હોય તો નિશાન ક્યારેય સાચું નહીં થાય. વિચારો સુખને પણ એટલા જ લાગુ પડે છે. માણસ વિચારે કે હું સુખી છું તો એ સુખી છે. માણસ જો એવું વિચારે કે હું દુ:ખી છું તો એને કોઇ સુખી કરી શકે નહીં. માણસે પોતાના વિચારનું નિરીક્ષણ કરતા રહેવું જોઇએ. મને કેવા વિચારો આવે છે? મારા વિચારો મને નબળો પાડે એવા તો નથીને? વિચારો જો સબળા હશે તો જિંદગી સરળ રહેવાની છે. પડકારોનો સામનો કરવા માટે મનની મક્કમતા જરૂરી છે. કોઇ વાતથી ડરી ન જાવ, કોઇ ઘટનાથી અટકી ન જાવ. નક્કી કરો કે, મારે સરસ જિંદગી જીવવી છે. હું કોઇ સંજોગોમાં નબળો પડીશ નહીં. તમે જેવું વિચારશો એવું જ થવાનું છે!
—————-
પેશ-એ-ખિદમત
વો ભી બદલ ગયા હૈ મુઝે છોડને કે બાદ,
મુઝસે ભી અપને આપ મેં આયા કહાં ગયા,
આવાજ દે રહા થા કોઇ મુઝકો ખ્વાબ મેં,
લેકિન ખબર નહીં કિ બુલાયા કહાં ગયા.
– ફૈસલ અઝમી
(`સંદેશ’, અર્ધસાપ્તાહિક પૂર્તિ, તા. 16 એપ્રિલ 2025, બુધવાર, `દૂરબીન’ કૉલમ)
kkantu@gmail.com
