રીલ્સ જોવાની અને વધુ પડતી ખરીદીની
આદત દારૂ સિગારેટ જેટલી જ જોખમી!

દૂરબીન : કૃષ્ણકાંત ઉનડકટ
——–
લોકો કલાકો સુધી રીલ્સ જોયા રાખે છે અને
જરૂર ન હોય એવી ખરીદી કર્યા રાખે છે,
આ પણ એક ખતરનાક વ્યસન છે!
———–
દરેક માણસના મોઢે એવી વાતો સાંભળવા મળે છે કે, સમય જ નથી મળતો. ખરેખર કામ રહેતું હોય અને માણસ બિઝી રહેતો હોય તો ઠીક છે, મોટાભાગના લોકો ન કરવા જેવાં કામોમાં સમય વેડફતા હોય છે અને પછી સમયના અભાવની ફરિયાદો કરતા હોય છે. હમણાં થયેલા એક સરવેમાં એવું બહાર આવ્યું છે કે, લોકો સોશિયલ મીડિયા પર રીલ્સ જોવામાં અને નક્કામી ખરીદી કરવામાં કલાકો વેડફી રહ્યા છે. આવી આદત સામે સોયકોલોજિસ્ટો લાલ બત્તી ધરી રહ્યા છે. નિષ્ણાતો એવું કહે છે કે, સતત રીલ્સ જોયે રાખવાથી અને જેની જરૂર ન હોય એવી ખરીદી કરવાથી માત્ર સમય જ નથી બગડતો, મગજ પણ બગડે છે! સમય હોય તો પણ આવું કરવું જોખમી છે. અમેરિકા સહિત આખી દુનિયામાં આજકાલ સાયકોથેરાપિસ્ટ તાલિથા ફોસે લખેલું `હૂક્ડ : વ્હાય યુ આર એડિક્ટેડ એન્ડ હાઉ ટુ બ્રેક ફ્રી’ નામનું પુસ્તક જબરજસ્ત ચર્ચામાં છે. તાલિથાએ લોકોની આદત, દાનત અને માનસિકતાનો અભ્યાસ કરીને એવું કહ્યું છે કે, હવે વ્યસનોની વ્યાખ્યાઓ બદલવાની જરૂર છે. કલાકો સુધી રીલ્સ જોવી અને જરૂર ન હોય એવી ચીજવસ્તુઓની ખરીદી કરવી એ દારૂ અને સિગારેટ જેટલું જ જોખમી વ્યસન છે. દારૂ, સિગારેટ કે બીજા વ્યસનથી શરીરને નુકસાન થાય છે, એવી જ રીતે રીલ્સ અને ખરીદીથી પણ મગજને હાનિ પહોંચે છે. નવા યુગમાં હાઇટેક વ્યસનો આવ્યાં છે. આ વ્યસનોને પણ ગંભીર અને ખતરનાક ગણવાની જરૂર છે. સિગારેટના પાકીટ પર તો લખ્યું હોય છે કે, સ્મોકિંગ સ્વાસ્થ્ય માટે હાનિકારક છે. દારૂની બોટલ પર પણ એવું લખેલું હોય છે કે, શરાબનું વધારે પડતું સેવન તબિયત માટે ખરાબ છે. રીલ્સ કે ખરીદી માટે એવી કોઇ ચેતવણી હોતી નથી. રીલ્સ શરૂ થતા પહેલાં એવી સૂચના આવતી નથી કે, વધારે પડતી રીલ્સ જોવી હાનિકારક છે. અમુક ખરીદી પછી એવો મેસેજ આવતો નથી કે, તમે વધારે પડતી ખરીદી કરી રહ્યા છો, જે સારું નથી! એ તો માણસે પોતે જ નક્કી કરવું પડે.
રીલ્સ લલચામણી ચીજ છે. સોશિયલ મીડિયા ખોલો એટલે તરત જ નજર સામે જાતજાતની રીલ્સ આવે છે. એક પર ક્લિક કર્યું પછી માણસ રીલ્સ બદલતો રહે છે અને જોતો રહે છે. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના કારણે માણસને ગમતી હોય એવી જ રીલ્સ સામે આવે છે. હાલને એક જોઇ લઉં એવી લાલચ જાગે છે અને પછી માણસ છોડી શકતો નથી. તાલિથા ફોસ કહે છે કે, આ પણ એક નશો જ છે. તાલિથાએ પોતાના રિસર્ચ બાદ એવું પણ કહ્યું છે કે, જેને આ પ્રકારનાં વ્યસન હોય છે એ સાચી વાત છુપાવે છે અને સાચું કહેતા શરમ પણ અનુભવે છે. જે માણસ કલાકો સુધી રીલ્સ જોયે રાખે છે અને નક્કામી ખરીદી કરે છે એને ખબર તો હોય જ છે કે, પોતે ખોટું કરે છે, પણ એ પોતાની જાતને રોકી શકતા નથી. ઘણી વખત પોતાની જાતને ખાત્રી પણ આપે છે કે, હવે સમય બગાડવો નથી, પણ એ પોતાની ભૂલોનું પુનરાવર્તન કરતા રહે છે. કેટલાક લોકો મનને મજબૂત કરીને એપ્લિકેશન જ ડિલીટ કરી નાખે છે. ડિલીટ કરતા તો કરી દે છે, પણ પછી રહેવાતું નથી એટલે ફરીથી ડાઉનલોડ કરે છે. કોઇને કહેતા નથી કે, હું રીલ્સ જોવામાં કેટલો સમય બગાડું છું અને કેટલી ખોટી ખરીદી કરું છું. નજીકની કોઇ વ્યક્તિ તેને રોકે કે ટોકે તો પણ એ બચાવમાં ઊતરી જાય છે અને પોતે કંઇ ખોટું ન કરતા હોવાની વાતો કરવા લાગે છે! કેટલીક વાર આવા લોકો પોતાની નજીકના લોકોને એવું પ્રોમિસ પણ આપે છે કે, હવે હું આવું નહીં કરું. સિગારેટ અને દારૂ છોડનાર વ્યક્તિ જેમ થોડા દિવસોમાં પાછા ચાલુ પડી જાય છે એવી જ રીતે રીલ્સ ન જોવાના અને ખોટી ખરીદી ન કરવાનાં પ્રોમિસ તોડવામાં પણ વાર નથી લાગતી.
આવા વ્યસનનો એક નવો ખતરો પણ બહાર આવ્યો છે. રીલ્સ જોવાની અને ખરીદી કરવાની આદતના કારણે પતિ-પત્નીના સંબંધોમાં ખટાશ આવવા લાગી છે. આ મુદ્દે ઝઘડા થવા લાગ્યા છે. એવું બિલકુલ નથી કે માત્ર લેડીઝ જ આવું કરે છે, પુરુષો પણ જરાયે ઓછા ઊતરે એવા નથી. આ મામલામાં કોઇ જાતિભેદ નથી. બધાને આ વ્યસન એકસરખું લાગુ પડે છે. ઘરની એક વ્યક્તિને આવી આદત પડી જાય પછી બીજી વ્યક્તિ સાથે માથાકૂટ અને ઝઘડા થાય છે. તું હવે આ બંધ કરીશ? પતિ કે પત્ની જેવા એકબીજાથી દૂર જાય કે તરત જ હાથમાં ફોન લઇને જોવા લાગે છે. આ વ્યસનના કારણે રિલેશનશિપ ક્રાઇસિસ પેદા થવાનું પણ જોખમ રહે છે. નિષ્ણાતો સાવધાન કરે છે કે, સમયસર સમજી જાવ નહીંતર હાલત વધુને વધુ બગડતી જશે!
હવે સવાલ એ છે કે, રીલ્સ અને ખરીદીનું વ્યસન થઇ ગયું હોય તો શું કરવું? તેનો બેસ્ટ વિકલ્પ સેલ્ફ કંટ્રોલ જ છે. આપણે પોતે જ નક્કી કરવું પડે કે, મારે રીલ્સ પાછળ કેટલો ખર્ચ કરવો છે અને કેટલી ખરીદી કરવી છે? હવે તો દરેક ફોનમાં સ્ક્રીન ટાઇમનો સમય બતાવે એવી સુવિધા હોય છે. મોબાઇલમાં જ સમય સેટ કરો કે આટલા સમયથી વધારે ફોન વાપરવો નથી. નક્કામી ખરીદીથી બચો. વસ્તુ નાની હોય કે મોટી, મોંઘી હોય કે સસ્તી, કંઇ પણ ખરીદતા પહેલાં એટલું વિચારો કે મારે ખરેખર આની જરૂર છે ખરી? બીજી રીત એ છે કે, તમે અત્યાર સુધીમાં જે ખરીદી કરી છે તેના વિશે એટલું વિચારો કે, મેં એનો કેટલો ઉપયોગ કર્યો? મોટા ભાગે આપણે કંઇ ખરીદીએ પછી એ વસ્તુ પડી જ રહેતી હોય છે. આપણે ભાગ્યે જ તેનો ઉપયોગ કરીએ છીએ.
રૂપિયા ખર્ચવા પરવડે એમ હોય તો પણ નક્કામી ખરીદીથી બચવું જોઇએ. મોર્કેટમાં રોજેરોજ નવી ચીજવસ્તુઓ આવતી જ રહેવાની છે. આપણે એ જોઇને લલચાઇ પણ જઇએ. ઓનલાઇન જોતા રહીએ છીએ અને ફટ દઇને ખરીદી લઇએ છીએ. ઘણા લોકો એવું પણ વિચારે છે કે, ન ગમે તો ક્યાં પાછી નથી મોકલી દેવાતી? વસ્તુ આવે ત્યારે ગમી પણ જતી હોય છે. ચેક કરજો, તમારા ઘરમાં અને પર્સનલ કલેક્શનમાં એવી કેટલી વસ્તુ છે જેનો તમે ભાગ્યે જ ઉપયોગ કરો છો? જે રોજેરોજ વાપરતા હોવ એ ચોક્કસપણે બેસ્ટ વાપરો પણ ખોટી ખરીદીથી બચો. જો ખરેખર તમને રીલ્સ જોવાની અને ખરીદી કરવાની આદત પડી ગઇ હોય તો મિત્રોની મદદ લો. મિત્રોને કહો કે, મારાથી આવું થઇ જાય છે. તેમાં પણ એક વાત ચેક કરી લેવી કે, ક્યાંક એ મિત્ર પણ એ જ રવાડે ચડેલો નથીને? ઘણી વાર દેખાદેખીમાં પણ લોકો ખોટી ખરીદી કરી લે છે. કોઇએ કંઇ ખરીદ્યું હોય તો કહેશે કે, મને લિંક મોકલજેને!
રીલ્સ જોવામાં ઘણા લોકો એવું માને છે કે, આપણું નોલેજ વધે છે. જાણકારી વધે છે. જોતા હોઇએ ત્યારે થોડીક વાર એવું થાય છે કે, કામની વાત છે પણ થોડા જ સમયમાં એ ભુલાઇ જાય છે. એક સમયે લોકોને મોબાઇલ પર ગેમ રમવાની જેવી આદત પડી જતી હતી એવી જ આદત હવે રીલ્સ જોવાની પડતી જાય છે. આપણો સમય આપણા માટે ખૂબ જ કીમતી છે. આપણે સમયનો કેવો ઉપયોગ કરીએ છીએ તેના પરથી જ આપણું ભવિષ્ય નક્કી થતું હોય છે. હવે ધ્યાન ભટકી જાય અને ફોક્સ હટી જાય એવું બધું સતત વધી રહ્યું છે. મોબાઇલ એમાં સૌથી મોખરે છે. માનસિક સમતુલન અને આર્થિક સ્થિતિ જાળવી રાખવા માટે દરેકે પોતાની વર્તણૂક પર નજર રાખવી પડે એવું છે. બાય ધ વે, તમે તો આવું બધું નથી કરતાને? ન કરતા હોવ તો બહુ સારું છે અને જો કરતા હોવ તો હજુ કંઇ મોડું થયું નથી. જસ્ટ બ્રેક ઇટ, આદતો બદલી નાખો, એ જ તમારા ફાયદામાં રહેશે.
—————-
પેશ-એ-ખિદમત
અપને સબ યાર કામ કર રહે હૈં,
ઔર હમ હૈ કી નામ કર રહે હૈં,
તેગ-બાજી કા શૌક અપની જગહ,
આપ તો કત્લ-એ-આમ કર રહે હૈં.
(તેગ-બાજી=તલવારબાજી) -જૌન એલિયા
(`સંદેશ’, અર્ધસાપ્તાહિક પૂર્તિ, તા. 02 એપ્રિલ 2025, બુધવાર, `દૂરબીન’ કૉલમ)
kkantu@gmail.com
