નિર્ણય કરવામાં આટલું મોડું ન કર્યું હોત તો સારું થાત – ચિંતનની પળે : કૃષ્ણકાંત ઉનડકટ

નિર્ણય કરવામાં આટલું મોડું
ન કર્યું હોત તો સારું થાત

ચિંતનની પળે : કૃષ્ણકાંત ઉનડકટ


એક ક્ષણ માટેય જીવી ના શકું અંધારમાં,
એટલે તો રસ પડ્યો છે જિંદગીભર પ્યારમાં,
મૂળ તો હિંમત તમારી ખૂટી ગઇ,
કાટ દેખાયા કરે છે તમને હવે તલવારમાં.
– યોગેશ સામાણી


સમય ગજબની ચીજ છે. સમયની ફિતરત સતત ચાલતા રહેવાની છે. ઘડિયાળનો કાંટો અને નદીનું વહેણ ક્યારેય અટકતું નથી. સરકવું અને વહેવું તેની પ્રકૃતિ છે. હાથમાં ઘડિયાળને બાંધી શકાય છે, પણ સમયને પકડી કે રોકી શકાતો નથી. આપણી જિંદગીમાં ક્યારેક એવો સમય આવતો હોય છે જ્યારે આપણને એમ થાય કે, આ સમય અહીં જ રોકાઈ જાય તો કેવું સારું! એક યુવાન પોતાની પ્રેમિકા સાથે કારમાં જઇ રહ્યો હતો. બંનેએ સુંદર સમય સાથે વિતાવ્યો. જવાનું મન તો નહોતું થતું, પણ પ્રેમિકાએ જવું પડે એમ હતું. પ્રેમી મૂકવા જતો હતો ત્યારે સર્કલ પર રેડ સિગ્નલ હતું. સિગ્નલ ગ્રીન થતાં પહેલાં સિગ્નલમાં કાઉન્ટ ડાઉન ચાલતું હતું. પ્રેમી બોલ્યો, આ સિગ્નલ ગ્રીન જ ન થાય તો કેવું સારું! જિંદગીનો રંગીન અને સંગીન સમય હોય ત્યારે એવું લાગે છે કે, અત્યારે આપણો સમય છે. સમય ક્યારેક આપણો હોય છે તો ક્યારેક આપણે સમયના હોઇએ છીએ. સમય નચાવે એમ નાચવું પડે છે. આપણું કંઇ જ ચાલતું નથી. કેટલીક પરિસ્થિતિ એવી હોય છે જ્યારે આપણે ખેલ જોવા સિવાય કંઇ કરી શકતા નથી. એક એક ક્ષણ ક્યારેક યુગો જેવી લાગે છે. સમય કોઇને કાયમી પીડા કે વેદના પણ આપતો નથી, એ હળવાશ અને મોકળાશ પણ આપતો જ રહે છે. આપણને સમયનો ઉપયોગ કેવી રીતે કરવો એની સમજ હોવી જોઇએ.
સમયનો સદ્ઉપયોગ એટલે શું? એની કોઇ ચોક્કસ વ્યાખ્યા નથી. દરેક માટે સમયના સદ્ઉપયોગ અને દુરુપયોગની વ્યાખ્યા પણ જુદી જુદી હોય છે. આપણે જેને રિલેક્સ થવાનું કહેતા હોઇએ એને કોઇ સમયનો વેડફાટ પણ કહી શકે છે. સતત કામ કરનારાઓને પણ એવું કહેવાવાળા હોય છે કે, એને જિંદગી જીવતા આવડતી જ નથી. જિંદગી કંઇ કૂચે મરવા માટે નથી. જિંદગી તો જીવી જાણવા માટે છે. સમયને આપણા નિર્ણયો સાથે નજીકનો નાતો રહે છે. નિર્ણય કરવામાં કેટલો સમય લેવો જોઇએ તેનું કોઇ ગણિત નથી. અલબત્ત, એવું ચોક્કસ કહેવાય છે કે, એક હદ સુધી વિચાર કરીને પછી નિર્ણય લઇ લેવો જોઇએ. પ્લસ માઇનસ પોઇન્ટ વિચારો અને પછી ફટ દઇને નિર્ણય કરી લો. મોડું કરવામાં ઘણી વાર બહુ મોડું થઇ જતું હોય છે. એક કપલની આ વાત છે. બંનેના અરેન્જ મેરેજ હતા. છોકરા અને છોકરી બંનેએ લગ્નની હા પાડવામાં ખૂબ સમય લીધો હતો. શું કરવું એની અવઢવમાં જ એક વર્ષ કરતાં વધુ સમય પસાર થઇ ગયો હતો. અંતે બંનેએ હા પાડી અને મેરેજ થયા. બંનેને એકબીજા પર ખૂબ જ પ્રેમ હતો. પત્નીએ કહ્યું, હવે મને એવું થાય છે કે તને ફટ દઇને હા પાડી દીધી હોત તો કેવું સારું હતું! જિંદગીમાં એટલો સમય વધુ સાથે રહેવા મળ્યું હોત. દરેક પતિ-પત્ની કે પ્રેમી-પ્રેમિકાએ એક વખત તો એવું કહ્યું જ હોય છે કે, તું મને વહેલી મળી હોત તો કેવું સારું હતું! તું મને વહેલો કેમ ન મળ્યો? ઘણી વખત છુટકારો મેળવવાનો હોય ત્યારે પણ એવું થતું હોય છે કે, વહેલો નિર્ણય કરી લીધો હોત તો સારું હતું. મેં નિર્ણય કરવામાં ખોટો સમય બગાડ્યો. એક સાવ સાચો કિસ્સો છે. એક પતિ-પત્ની હતાં. બંનેના લવમેરેજ હતા. લગ્ન પછી થોડો સમય તો બધું સરખું ચાલ્યું, પણ પછી પત્નીનું પોત પ્રકાશ્યું. એ કોઇની સાથે સરખી રીતે રહેતી જ નહોતી. પતિને હતું કે, ધીમે ધીમે બધું સરખું થઇ જશે. ખૂબ પ્રયાસો કર્યા છતાં પત્નીમાં કોઇ ફેર ન પડ્યો. પતિ-પત્ની બંને વચ્ચે પણ ઝઘડા થવા લાગ્યા. આખરે પતિએ ડિવોર્સ લેવાનું નક્કી કર્યું. છૂટા પડી ગયા પછી યુવાને તેના ફ્રેન્ડને કહ્યું કે, હવે મને એવું લાગે છે કે આ નિર્ણય પહેલાં લઇ લીધો હોત તો બહુ સારું હતું.
નિર્ણય લેવામાં પણ ઘણા લોકો નસીબને વચ્ચે લાવતા હોય છે. નસીબમાં હોય એટલું ભોગવવું જ પડે એવી વાતો આપણે કહેતા અને સાંભળતા હોઇએ છીએ. આ વાત કેટલી સાચી અને કેટલી ખોટી એ એની જગ્યાએ છે, પણ કેટલાક સંજોગોમાં નિર્ણય લેવાનું કામ આપણા હાથમાં હોય છે. આપણને સમજાઈ જવું જોઇએ કે, આપણા માટે શું સારું છે અને શું ખરાબ છે. વાત સંબંધની હોય, નોકરીની હોય, કરિયરની હોય કે બીજી કોઇ પણ હોય, અમુક સમયે નિર્ણય લઇ લેવો પડે છે. ઘણા લોકોનાં મોઢે એવું પણ સાંભળતા હોઇએ છીએ કે, એ વખતે સરસ ચાન્સ હતો, એ તક ઝડપી લીધી હોત તો સારું હતું. આવું વિચારવાનો પણ કોઇ અર્થ નથી હોતો. કશા વિશે નિર્ણય ન કરવો એ પણ એક નિર્ણય જ છે. મારે આમ નથી કરવું એ પણ એક નિર્ણય જ છે. જે નિર્ણય કરી લીધો હોય એ સાચો પડે કે ખોટો, એનો ક્યારેય અફસોસ કરવો ન જોઇએ.
માણસ જ્યારે નિર્ણય લે છે ત્યારે એ સાચો જ હોય છે. માણસ સ્વભાવે ગણતરીબાજ હોય છે. એ ફાયદા, ગેરફાયદા, સારું, નરસું, યોગ્ય, અયોગ્ય બધું જ વિચારીને નિર્ણય કરતો હોય છે. નિર્ણય કરતી વખતે જે પરિસ્થિતિ હોય એ કાયમ રહેતી નથી. સ્થિતિ સુધરી પણ શકે છે અને બગડી પણ શકે છે. એ પછી જે થાય તેનો કોઇ અફસોસ કરવો જોઇએ નહીં. એક યુવાન હતો. એણે નક્કી કર્યું કે વિદેશ જઇને કરિયર બનાવવી છે. ખૂબ પ્રયાસો બાદ એ વિદેશ ચાલ્યો ગયો. વિદેશ જઇને જોબ શરૂ કરી. બહુ સારી જોબ હતી. બધું બરાબર ચાલતું હતું. એ દરમિયાનમાં એ જે જોબ કરતો હતો એનું કામ જ અટકી ગયું. નવી ટેક્નોલોજી આવી ગઇ એ પછી એ જે કામ કરતો હતો એની કોઇ ડિમાન્ડ જ ન રહી. એ જ્યાં કામ કરતો હતો એ કંપની બંધ થઇ ગઇ. બીજું કોઇ કામ એને આવડતું નહોતું. આખરે સ્થિતિ એવી થઇ કે તેણે બિસ્તરાં પોટલાં બાંધીને પાછું દેશમાં આવી જવું પડ્યું. તેણે તેના મિત્રને કહ્યું કે, બધું જ કેટલું સરસ જઇ રહ્યું હતું અને અચાનક પલટો આવી ગયો! તેના મિત્રએ કહ્યું, જવાનો નિર્ણય પણ તારો હતો અને પાછા આવવાનો નિર્ણય પણ તારો જ છે. અફસોસ ન કર. કેટલાક નિર્ણયો સમય સાથે ખોટા પડતા હોય છે અને કેટલાક થોડો સમય વીત્યા પછી સાચા પણ ઠરતા હોય છે. બનવા જોગ છે કે, તારો પાછા ફરવાનો નિર્ણય ભવિષ્યમાં સાચો અને સારો ઠરે! કોઇ નિર્ણય વિશે ફટ દઇને સારા કે ખરાબનું જજમેન્ટ આપી દેવું ન જોઇએ. નિર્ણયો પણ ક્યારેક પાકતા હોય છે. એને પાકવા માટે સમય આપવો પડે છે. સમય પહેલાં એના વિશે ધારી કે માની લેવું વાજબી નથી. આપણે બસ એટલું જ ધ્યાન રાખવાનું હોય છે કે, જ્યારે જે નિર્ણય લેવાનો હોય એ નિર્ણય સમયસર લઇ લેવો જોઇએ. એક સફળ ઉદ્યોગપતિ હતો. તેને પૂછવામાં આવ્યું કે, તમારી સફળતાનો રાઝ શું છે? ઉદ્યોગપતિએ કહ્યું, મારે જ્યારે કોઇ નિર્ણય કરવાનો હોય ત્યારે હું એ નિર્ણય માટે ટાઇમ લિમિટ નક્કી કરું છું. આટલા દિવસોમાં અથવા તો આટલા સમયમાં હું નિર્ણય લઇ લઇશ. નિર્ણય લેવાની ડેડલાઇન આવે ત્યાં સુધીમાં હું નિર્ણય લઇ લઉં છું. એ પછી જે નિર્ણય કર્યો હોય એને વળગી રહું છું. મારો સિદ્ધાંત છે કે, સમયસર નિર્ણય લઇ લેવો અને પછી એ નિર્ણયને વળગી રહેવું. વારેવારે નિર્ણય બદલવાનું પણ જોખમી હોય છે. દરેકને પોતાના નિર્ણય પર શ્રદ્ધા હોવી જોઇએ. જો નિર્ણય પર શંકા જતી રહેશે તો ક્યારેય મંજિલ સુધી પહોંચી શકાશે નહીં. નિર્ણય લેતા પહેલાં ચોક્કસ વિચારો, પણ નિર્ણય કરી લીધા પછી કોઇ પણ જાતની ચિંતા કર્યા વગર તેને વળગી રહો. આપણે કરેલા નિર્ણયોને સાર્થક કરવાની જવાબદારી પણ આપણી જ હોય છે! જાત પરની શ્રદ્ધા સફળતા માટે જરૂરી છે.
છેલ્લો સીન :
વધુ પડતો વિચાર પણ ઘણી વખત અફસોસનું કારણ બની જાય છે. ઉતાવળ સારી નથી, પણ વધુ પડતી ધીરજ પણ વાજબી હોતી નથી. રાઇટ ટાઇમ ઘણી વખત આવતો નથી, લાવવો પડે છે! – કેયુ.
(`સંદેશ’, `સંસ્કાર’ પૂર્તિ, તા. 30 માર્ચ, 2025, રવિવાર. `ચિંતનની પળે’ કૉલમ)
kkantu@gmail.com

Krishnkant Unadkat

Krishnkant Unadkat

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *