બીજાને જોઇને લાગે છે કે હું તો બહુ સુખી છું! – ચિંતનની પળે : કૃષ્ણકાંત ઉનડકટ

બીજાને જોઇને લાગે છે
કે હું તો બહુ સુખી છું!

ચિંતનની પળે : કૃષ્ણકાંત ઉનડકટ


ન કંઇ આ પાર લાગે છે ન કંઇ ઓ પાર લાગે છે,
અહીં ક્ષણેક્ષણને બસ જીવી જવામાં સાર લાગે છે.
– મહેશ દાવડકર



સુખ ખૂબ જ સૂક્ષ્મ છે. સુખ જેટલું સૂક્ષ્મ છે એટલું જ ગહન પણ છે. સુખ વ્યક્તિગત પણ છે. એકને જે વાતથી સુખ મળે એવું જ સુખી બીજા વ્યક્તિને એ જ વાતથી મળે એવું જરૂરી નથી. માનો તો સુખ હાથવગું જ હોય છે અને ન માનો તો સુખ જોજનો દૂર હોય છે. નજીકમાં ખીલેલાં ફૂલો પણ સુખ અને હળવાશ આપી શકે છે, બાકી ગમે એવા ભવ્ય બગીચામાં પણ સુખ મળતું નથી. સુખ ભેદી છે. એ ક્યારેક અચાનક મળી આવે છે અને ક્યારેક લાંબાં લાંબાં આયોજનો બાદ પણ મળતું નથી. સાચી વાત એ છે કે, સુખ આપણી અંદર હોય છે અને આપણે તેને બહાર જ શોધતા હોઇએ છીએ. બહાર પણ આપણને તો જ સુખ મળશે જો સુખ આપણી અંદર હશે. જેને સુખી થવું ન હોય તેને કોઇ સુખી કરી શકતું નથી. જેને સુખી ન થવું હોય એ ઘણી વખત બીજાને પણ દુ:ખી કરી દેતા હોય છે. આપણે ઘણાને જોઇને એવું કહેતા હોઇએ છીએ કે, એણે શાંતિ લેવી પણ નથી અને બીજાને લેવા દેવી પણ નથી. ઘણા લોકોને સુખી રહેવાની ફાવટ જ નથી હોતી. તમે એના માટે ગમે તે કરો તો પણ એને વાંધા જ પડે છે.
એક પ્રેમી અને પ્રેમિકા હતાં. પ્રેમિકાને હંમેશાં એવું થતું કે, હું મારા પ્રેમીની ખૂબ જ કાળજી રાખીશ. એનું ખૂબ ધ્યાન રાખીશ. પ્રેમિકા પોતાનાથી થાય એ બધું જ કરે. પ્રેમીને એનાથી કોઇ ફેર ન પડે. પ્રેમિકા કંઇ ખાવાનું બનાવીને લાવે તો એ કહે કે, આટલા બધા હેરાન થવાની શું જરૂર હતી? પ્રેમી માટે કંઇ ખર્ચ કરે તો કહે કે, તું ખોટા ખર્ચ કરે છે. પ્રેમિકા પોતાના પ્રેમી માટે કંઇ પણ કરી છૂટે તો પણ પેલો જરાયે ખુશ ન થાય. આખરે પ્રેમિકાએ તેને કહ્યું કે, હું તને ગમે, તને સારું લાગે એ માટે બધું કરું છું અને તને કંઇ ફેર નથી પડતો. જિંદગીનું સુખ વિરાટ, વિશાળ કે ભવ્યમાં નહીં, પણ નાની-નાની બાબતોમાં રહેલું છે. તું એમાંથી સુખ અને ખુશી નહીં મેળવી શકે તો ક્યારેય સુખી નહીં થાય. આવો જ એક કિસ્સો બીજા છોકરા-છોકરીનો છે. છોકરાનાં સપનાં ખૂબ જ ઊંચાં હતાં. તેને હંમેશાં એવું થતું કે, હું મારી પ્રેમિકાને ફાઇવ સ્ટાર હોટલમાં લંચ કે ડિનર માટે લઇ જઇશ. એ કરી નહોતો શકતો એટલે અપસેટ રહેતો હતો. એક વાર છોકરી તેને પાણીપૂરી ખાવા લઇ ગઇ. એ વખતે છોકરાએ કહ્યું, હું તને ફાઇવ સ્ટારમાં લઇ જઇશ ત્યારે જ મને મજા આવશે. છોકરીએ કહ્યું, મને તો અત્યારે જ મજા આવે છે. તેં તારી મજાને મર્યાદિત કરી નાખી છે. તારી મજાને ફાઇવ સ્ટારમાં કેદ કરી નાખી છે. તારી મજાને મુક્ત કરી દે, બધે જ મજા આવશે. જિંદગી તો દરેક ક્ષણમાં છે. જિંદગી આ ક્ષણમાં છે. તેં જિંદગીને આવનારા સમયમાં ધારી રાખી છે. એ સમય આવશે ત્યારે એને એન્જોય કરીશું, અત્યારે આ ક્ષણ તને કેમ જીવવા જેવી નથી લાગતી?
આપણે સુખની વ્યાખ્યા કેવી કરીએ છીએ એના પર પણ આપણા સુખનો મોટો આધાર રહેતો હોય છે. ઘણા એવા લોકો હોય છે જે દરેક પરિસ્થિતિમાં ખુશ રહેતો હોય છે. એવું બિલકુલ નથી હોતું કે, એને કોઇ સમસ્યા કે મુશ્કેલીઓ નથી હોતી, એ દરેક સ્થિતિમાં સ્વસ્થ રહી શકે છે. એક યુવાનની આ વાત છે. એ વેલ એજ્યુકેટેડ હતો. સારા કામની શોધમાં હતો. કામનો ક્યાંય મેળ પડતો નહોતો. તેણે ડિલિવરી બોય તરીકે કામ શરૂ કરી દીધું. નવરો પડે એટલે એ ડિલિવરીના કામે ચડી જાય. એક વખત તેના ફ્રેન્ડે કહ્યું કે, તારાં નસીબ જ ખરાબ છે. આટલો ભણેલો છે તો પણ તારે ડિલિવરી બોય તરીકે કામ કરવું પડે છે. એ યુવાને કહ્યું કે, ખોટી વાત ન કર. નસીબને તો દોષ આપતો જ નહીં, મને મારાં નસીબ કે મારા કામ સાથે કોઇ પ્રોબ્લેમ નથી. હું તો ડિલિવરી કરીને પણ એન્જોય કરું છું. મારા લાયક કામ મળવાનું હશે ત્યારે મળશે. તું આ કામને નબળું કે હલકું ગણે છે, હું તો આ કામને પણ કામ જ ગણું છું. દરરોજ અનેક લોકોને મળવાનું થાય છે. લોકોના જુદા જુદા અનુભવો થાય છે, રોજેરોજ કંઇક નવું શીખવાનું મળે છે. એટલી કમાણી પણ થઇ જાય છે કે, મારો ખર્ચ નીકળી જાય છે. બાકી મજા તો મનનું કારણ છે. હું રોદણાં રડવામાં નથી માનતો. જે છે એને એન્જોય કરું છું.
આપણે ઘણી વખત આપણું સુખ કે આપણું દુ:ખ બીજાને જોઇને પણ નક્કી કરતા હોઇએ છીએ. એક યુવાનની આ વાત છે. તેણે એરેન્જ મેરેજ કર્યા હતા. પત્ની સારી હતી. ક્યારેક ઝઘડાઓ થતા પણ એ એટલા ગંભીર નહોતા થતા. એક વખત એ યુવાન તેના મિત્ર સાથે બેઠો હતો. તેણે મિત્રને કહ્યું કે, બીજા કપલને જોઉં છું તો મને એવું લાગે છે કે, હું તો બહુ સુખી છું. તેણે પોતાની નજીકનાં કપલની વાતો કરી. એક યુવાનની પત્નીને તેની માતા એટલે કે સાસુ સાથે બનતું નથી. બંને એકબીજા સાથે વડચકે જ વાત કરે. સાસુ વહુના ઝઘડામાં એની હાલત દયાજનક થઇ જાય. બીજા એક કિસ્સામાં પતિ-પત્નીને સંતાનના ઉછેર બાબતે મતભેદ થયા રાખે છે. એક કપલને એકબીજાની આદતો સામે વાંધા હોવાથી ઝઘડ્યા રાખે છે. તેણે કહ્યું કે, આ બધાની વાત સાંભળું ત્યારે થાય છે કે, ઇશ્વરે મારા પર તો કૃપા કરી છે. બધી વાત સાંભળીને તેના મિત્રએ કહ્યું, તું તારા સુખની સરખામણી બીજા સાથે શા માટે કરે છે? બીજા દુ:ખી છે એટલે તારી જાત તને સુખી લાગે છે? તું સુખી જ છે. બીજા સાથે સરખામણી કરવાની કોઇ જરૂર જ નથી.
કેટલાક લોકો સાધનો, સુવિધા અને સંપત્તિને જ સુખ માનતા હોય છે. બધા પાસે કેટલું બધું છે, મારી પાસે તો સાવ ઓછું છે. બીજા પાસે લક્ઝરી કાર છે અને મારી પાસે સાદી કાર છે. એક વખત એ પોતાની પત્ની અને સંતાન સાથે ફરવા માટે ગયો. એક સુંદર જગ્યાએ બેઠા હતા, પણ એ યુવાનને મજા આવતી નહોતી. તેને એમ જ થતું કે, મારી પાસે ખાસ કંઇ છે જ નહીં. એ બેઠો હતો ત્યાં જ એક યુવાન સાઇકલ લઇને સામે ઊભો રહ્યો. પત્ની સાઇકલમાં પાછળ બેઠી હતી અને નાનકડી દીકરીને આગળ બેસાડી હતી. નીચે ઊતરી અને તેણે જમીન પર શેતરંજી પાથરી. ઘરેથી ખાવાનું લાવ્યાં હતાં એ ત્રણેયે ખાધું. દીકરીને ફુગ્ગો લઇ દીધો. દીકરી સાથે બંને મજાથી રમતાં હતાં. એ યુવાન પેલા માણસ પાસે ગયો અને પૂછ્યું, તારી પાસે ખાસ કંઇ નથી તો પણ તું આટલો ખુશ કેમ રહી શકે છે? પેલા માણસે કહ્યું, એનું કારણ એ છે કે, હું ક્યારેય મારી પાસે કેટલું છે એનો વિચાર કરતો નથી. હું તો એનો જ વિચાર કરું છું કે, વધુમાં વધુ મજા કેવી રીતે આવે? મારી પત્ની અને દીકરીને કેમ ખુશ રાખી શકું? એ લોકોને કંઇ નથી જોઇતું હોતું, એ લોકોને તો મારું તેની સાથે ઇન્વોલ્વમેન્ટ જ જોઇતું હોય છે. જેમ તમે મને જોતા હતા એમ હું પણ તમને જોતો હતો. મને પણ એવો જ વિચાર આવ્યો હતો કે, આની પાસે ઘણું છે, પણ એને એન્જોય કરતા નથી આવડતું. મજા કરવી, ખુશ રહેવું અને સુખની અનુભૂતિ કરવી એ તો આપણા હાથની વાત છે. દરેક પાસે એટલું તો હોય જ છે કે, એ સુખેથી જીવી શકે. લોકોને જે હોય એમાંથી સુખ નથી મેળવવું, પણ જે નથી એની ઘેલછા રાખીને દુ:ખી થતા રહેવું છે. માણસ ખોટા વિચારો, ખોટા ખયાલો, ખોટી માનસિકતા અને ખોટા ભ્રમોમાં એટલો બધો જીવતો હોય છે કે, એ જે છે એને માણી જ નથી શકતો. સુખને માણવા માટે પોતાને જાણવા જરૂરી છે. જે પોતાને જાણી નથી શકતો એ પોતાની જિંદગીને જ માણી નથી શકતો. શ્વાસ ચાલે છે એનાથી મોટું સુખ બીજું કોઇ નથી. દિલ ધડકે છે એનાથી મોટી કૃપા બીજી કોઇ નથી, બાકી જિંદગીને ધબકતી રાખવી એ તો આપણા હાથની વાત છે. જેને એ આવડે છે એણે સુખને શોધવા નથી નીકળવું પડતું, સુખ હાજરાહજૂર જ હોય છે!
છેલ્લો સીન :
સુખની પણ સમજ હોવી જોઇએ. સુખ શેમાં મળે છે એની જેને ખબર નથી એ દુ:ખી જ રહેવાના છે. – કેયુ
(`સંદેશ’, `સંસ્કાર’ પૂર્તિ, તા. 02 માર્ચ, 2025, રવિવાર. `ચિંતનની પળે’ કૉલમ)
kkantu@gmail.com

Krishnkant Unadkat

Krishnkant Unadkat

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *