હું આવી જિંદગીથી કંટાળી ગયો છું! – ચિંતનની પળે

હું આવી જિંદગીથી કંટાળી ગયો છું!

ચિંતનની પળે : કૃષ્ણકાંત ઉનડકટ
અજબ મુકામ પે ઠહરા હુઆ હૈ કાફિલા જિંદગી કા,
સુકૂન ઢૂંઢને ચલે થે ઔર નીંદ હી ગંવા બૈઠે.
કોઈને પોતાની જે સ્થિતિ હોય છે એનાથી સંતોષ હોતો નથી. દરેકને જિંદગી સામે કોઈ ને કોઈ ફરિયાદ હોય છે. કોઈને પણ પૂછજો કે, હાઉ ઇઝ લાઇફ? એનો જવાબ કદાચ એવો જ હશે કે, ઓવરઓલ લાઇફ ઇઝ ગૂડ, હા, બે-ચાર પ્રોબ્લેમ છે, પણ ચાલે છે. નોકરી કરતા હોય એને પૂછજો કે જોબ ચેઇન્જ કરવાનો ઇરાદો છે? બહુ ઓછા લોકો ના પાડશે. સારો ચાન્સ મળે તો ચોક્કસ બદલવી છે એવું જ કહેશે. કોઈ તો વળી ડેસ્પરેટલી નવી જોબ શોધતા હોય છે. સરકારી નોકરી કરનારે મન મનાવી લીધું હોય છે કે હવે આ જ કરવાનું છે! ધંધાવાળાને પૂછજો કે ધંધો કેવો ચાલે છે? બહુ ઓછા લોકો એવું કહેશે કે ટનાટન ચાલે છે! મોટાભાગે એ પ્રશ્નોની લાઇન લગાવી દેશે. હમણાં બધું બહુ મંદુ ચાલે છે. ડિમાન્ડ જ નથી. ચાઇનીઝ પ્રોડક્ટ્સના કારણે માર્કેટ તૂટી રહ્યું છે. માણસોના પ્રોબ્લેમ છે. બધું જાતે જ કરવું પડે છે. કોઈના ભરોસે કંઈ મૂક્યું એટલે ગયા. મોલવાળાને છૂટક વેપારીઓ સાથે પ્રોબ્લેમ છે. નાના દુકાનદારો એવી ફરિયાદ કરે છે કે મોલવાળાએ દાટ વાળ્યો છે. આ બધાને વળી એ નડે છે કે લોકો હવે ઓનલાઇન શોપિંગ કરવા લાગ્યા છે. અમારી દુકાને આવી વસ્તુ જોઈ જાય છે અને પછી ઓનલાઇન ઓર્ડર આપી દે છેે! વાહનોવાળાને ટ્રાફિકનો પ્રોબ્લેમ છે અને પબ્લિક ટ્રાન્સપોર્ટેશનવાળાને ફ્રિક્વન્સી મળતી નથી. બસ કે ટ્રેન હોય તો જગ્યા મળતી નથી. સ્ટુડન્ટ્સને એજ્યુકેશન સિસ્ટમ સામે પ્રોબ્લેમ છે. હાઉસ વાઇફને જોબ કરવી છે અને ર્વિંકગ વુમનને એવું થાય છે કે આના કરતાં ઘરે રહેવાનું હોય તો કેવું સારું! પતિને પત્નીના સ્વભાવ સામે પ્રોબ્લેમ છે. પત્નીને પતિની આદતો ગમતી નથી. કોઈને સાસુ-સસરા સામે વાંધો હોય છે. સાસુ-સસરાને વળી વહુ સ્વચ્છંદી અને અભિમાની લાગે છે. ભાઈને એવું લાગે છે કે મારો ભાઈ મારા કામમાં દખલ કરે છે. બહેનને એવું લાગે છે કે ભાઈએ મારા માટે જે કરવું જોઈએ એ કરતો નથી. ભાઈને એવું થાય છે કે બહેનના વ્યવહારોમાંથી જ નવરો પડતો નથી!
આપણો પ્રોબ્લેમ એ હોય છે કે આપણે જે હોય છે એને સ્વીકારી જ શકતા નથી. જિંદગી ક્યારેય હન્ડ્રેડ પર્સન્ટ હોતી નથી. ન સુખ સો ટકા છે, ન દુઃખ સેન્ટ પર્સન્ટ. જિંદગી એ એક એવું પેકેજ છે જેમાં તમને બધું એકસાથે મળે છે. એક કૂક હતો. તે કહેતો કે જિંદગીમાં બધો સ્વાદ છે. મીઠો છે, કડવો છે, તીખો છે, તૂરો છે, એક એવો સ્વાદ પણ છે જેમાં કોઈ જ ટેસ્ટ નથી. તમ કયો પીસ મોઢામાં મૂકો છો એના પરથી તમને એનો સ્વાદ આવે છે. તમારે મીઠો ટુકડો મોઢામાં મૂકી રાખવાનો. મોઢું સ્વીટ જ રહેશે. આપણે બધા કડવો ટુકડો મોઢામાં મૂકી રાખીએ છીએ અને પછી એવું કહીએ છીએ કે, જિંદગીમાં કડવાશ સિવાય કંઈ જ નથી! કડવા ટુકડાને ચગળ્યે રાખીએ છીએ. આપણે એ થૂંકી નથી નાખતા. હકીકતે કડવો ટુકડો આવી જાય તોપણ તેને થૂંકીને મીઠો ટુકડો મૂકી દેવાનો હોય છે. કડવો ટુકડો થૂંકશો નહીં અને મીઠો ટુકડો મૂકશો તો બંનેનો સ્વાદ બગડી જવાનો! તમનેે ખબર છે કે તમારા મોઢામાં અત્યારે કેવો ટુકડો છે?
જિંદગી ક્યારેય આપણી ઇચ્છા મુજબ ચાલતી નથી. જિંદગી પાસેથી તમે કેવી ઇચ્છા રાખો છો? જિંદગી આપણને અનુકૂળ હોય એમ જ ચાલે? એવું ક્યારેય થવાનું નથી. આપણા મનસૂબા ઉથલાવી નાખવાની ફિતરત જિંદગીની હોય છે. જિંદગી ચેલેન્જ લઈને જ આવે છે. આપણે ઇચ્છીએ કે ન ઇચ્છીએ, આપણે જિંદગીના પડકરો ઝીલવા જ પડે છે. કોઈ હસીને જિંદગીના પડકારો ઝીલે છે, કોઈ રોદણાં રડીને. આપણને જિંદગી એવી જ દેખાય છે જેવી નજરથી આપણએ એને જોઈએ. સારી નજરથી જોશો તો જિંદગી સારી લાગશે. ફરિયાદો કરતા રહેશો તો જિંદગી પ્રોબ્લેમ જ લાગવાની છે. તમે જિંદગીને યા તો પ્રેમ કરી શકો અથવા તો જિંદગીને નફરત કરી શકો પણ તમે એનાથી છૂટી શકવાના નથી. તો પછી જિંદગીને પ્રેમથી શા માટે ન જોવી?
જિંદગી બદલતી રહે છે. સમય બદલે છે. સ્થિતિ બદલે છે. કોઈ પણ સંજોગ કાયમી રહેતો નથી. જે પરિસ્થિતિને તમે બદલી શકો એને બદલી નાખો. જે પરિસ્થિતિને તમે બદલી શકો તેમ ન હોય તેને સ્વીકારી લો અને તેની સાથે એવી રીતે એડજસ્ટ થાવ કે ફરિયાદ ન રહે. પગમાં પ્લાસ્ટર આવે ત્યારે આપણે કેવા બેઠા રહીએ છીએ? ખબર જ હોય છે કે હવે ચાલી શકવાનું નથી. એ સમયે હાય હાય કરવાનો કોઈ મતલબ નથી. પડયાં પડયાં જિંદગીને કેવી રીતે એન્જોય કરી શકાય એ વિચારીને અનુકૂળ થવાનું હોય છે. આપણે એવું નથી કરતા. જિંદગી સામે હસશો તો એ પણ તમારી સાથે મુસ્કુરાશે. તમે જિંદગી સામે દાંતિયા કાઢશો તો એ પણ તમારી સામે ઘૂરકશે. જિંદગી અરીસા જેવી છે. તમે જેવા હાવભાવ કરશો એવું જ દેખાશે!
એક માણસ હતો. એ જ્યાં રહેતો હતો ત્યાં બહુ ઘોંઘાટ થતો હતો. એને મજા આવતી નહોતી. એ ઘર બદલી શકે એમ ન હતો. રોજ ડિસ્ટર્બ જ રહેતો. તેને અશાંતિ જ લાગતી હતી. એક દિવસ એ માણસ એક સાધુ પાસે ગયો. તેણે સાધુને કહ્યું કે, મને હું રહું છું ત્યાં જ ત્રાસ થાય છે. પ્લીઝ, તમે મને કંઈક ઉકેલ બતાવો. સાધુએ કહ્યું કે, ચોક્કસ તારી સમસ્યાનો મારી પાસે ઉકેલ છે. તારે ફક્ત દરરોજ હું કહું એમ કરવાનું. પેલા માણસે કહ્યું કે તમે કહેશો એમ હું કરીશ. પહેલા દિવસે સાધુએ કહ્યું કે, તું એક કૂતરો પાળ. તેણે પાળ્યો. બીજા દિવસે કહ્યું કે, હવે દસ કબૂતર લેતો આવ. પેલો માણસ લાવ્યો. ત્રીજા દિવસે કહ્યું કે હવે એક સસલું પાળ. પેેલો માણસ સસલું પણ લાવ્યો. સાધુએ પછી એક ડુક્કર પાળવાનું કહ્યું. સાધુ રોજ નવું નવું કહે અને પેલો માણસ એ કરે. જોકે, માણસની સમસ્યા ઘટવાને બદલે વધી ગઈ. કબૂતરો ચરકીને ઘર ગંધાવી મારતાં. ડુક્કર ગંદકીમાં જ રહેતો. સસલું બધું ફેંદી નાખતું. કૂતરો આખો દિવસ ભસ્યે રાખતો. પેલો માણસ તો તોબા પોકારી ગયો. તેને થયું કે સાધુએ મારી આ શું હાલત કરી! સાધુએ કહ્યું, હવે એક મહિના પછી મારી પાસે આવજે. મહિના પછી પેલો માણસ આવ્યો. સાધુએ પૂછયું, કેવું લાગે છે? પેલો માણસ ઉશ્કેરાઈ ગયો. શું કેવું લાગે છે? હાલત ખરાબ થઈ ગઈ છે! સાધુએ હસીને કહ્યું, હવે એક કામ કર. ઘરે જઈ બધાને બહાર છુટ્ટાં મૂકી દે. કાલે પાછો આવજે. પેલા માણસે ઘરે જઈને બધાંને છુટ્ટાં મૂકી દીધાં. તેને હાશ થઈ ગઈ. રિલેક્સ થઈ ગયો. બીજા દિવસે સાધુ પાસે ગયો ત્યારે સાધુએ કહ્યું, આજે સારું લાગે છે? પેલા માણસે કહ્યું, બહુ જ સારું લાગે છે. ઘરમાં શાંતિ થઈ ગઈ છે. સાધુ હસવા લાગ્યા. આ એ જ ઘર છે જ્યાં તને અગાઉ અશાંતિ લાગતી હતી! આ બધાને તેં ઘરમાંથી કાઢી મૂક્યા, એને તું કાઢી શકે એમ હતો. અગાઉ જે ઘોંઘાટ હતો એ તારા મનમાં હતો. એને પણ કાઢી નાખ! પરિસ્થિતિ અગાઉ હતી એ જ છે, ફક્ત માનસિકતા બદલાઈ છે. પલો માણસ સાધુનો મર્મ સમજી ગયો!
જિંદગી જીવવા માટે છે. વેડફવા માટે કે વેંઠારવા માટે નથી. દરેક વ્યક્તિને કોઈ ને કોઈ પ્રોબ્લેમ હોય જ છે. તમારું સુખ તમારું છે. તમારું દુઃખ પણ તમારું છે. આશ્વાસન થોડીક રાહત આપશે, પણ તમારા દુઃખથી છુટકારો તો તમારે જ મેળવવો પડશે. એ આપણા જ હાથમાં હોય છે કે આપણે જિંદગીને કેવી રીતે જીવવી છે!
છેલ્લો સીન :
 જરાક જ જુદી રીતે જીવવાથી આપણે આપણી રીતે જીવી શકીએ છીએ. આ ‘જુદી રીત’ સમજાઈ જાય તો જિંદગીથી કોઈ ફરિયાદ નહીં રહે! -કેયુ
(‘સંદેશ’, સંસ્કાર પૂર્તિ, તા. 26 એપ્રિલ, 2015. રવિવાર. ‘ચિંતનની પળે’ કોલમ)kkantu@gmail.com

Krishnkant Unadkat

Krishnkant Unadkat

Leave a Reply

%d bloggers like this: