ભગવાન રામની જિંદગીમાંથી આપણે શું શીખી શકીએ? – દૂરબીન : કૃષ્ણકાંત ઉનડકટ

રઘુકૂલ રીત સદા ચલી આઇ…. પ્રાણ જાએ પણ વચન ના જાઇ…

ભગવાન રામની જિંદગીમાંથી

આપણે શું શીખી શકીએ?

દૂરબીન : કૃષ્ણકાંત ઉનડકટ

આજે રામનવમી છે. ભગવાન રામને મર્યાદા પુરૂષોત્તમ કહેવામાં આવે છે. રામની જિંદગીમાંથી શીખવાનું એ છે કે, મર્યાદા જાળવશો તો જ ઉત્તમ બની શકશો. શ્રેષ્ઠ બનવા માટે ઘણા બધા સંયમો પાળવા પડતા હોય છે. રામનો એકાદ કણ જો આપણામાં ઉમેરાય તો જિંદગી ધન્ય થઇ જાય!

-0-0-0-0-0-0-

રઘુકૂલ રીત સદા ચલી આઇ, પ્રાણ જાય પર વચન ન જાય. વાત વચનની હોય, વાણીની હોય કે પછી વર્તનની હોય, ભગવાન રામ દરેક દરેક બાબતમાં સંપૂર્ણ છે. ભગવાન રામનું જીવન જ માણસ જાતને જીવવાના તમામ લેસનો પૂરા પાડે છે. રામ ભગવાને હસતા મોઢે વનવાસ સ્વીકાર્યો. પારિવારિક મૂલ્યોની નાની સરખી મર્યાદા પણ ન ચૂકી. ભગવાન રામને એટલે જ મર્યાદા પુરૂષોત્તમ કહેવાયા છે. આમ તો ભગવાનની સરખામણી કરવાની ન હોય, છતાં એવું કહેવાતું રહ્યું છે કે, રામ કરે એમ કરો અને કૃષ્ણ કહે એમ કરો. કૃષ્ણ ભગવાનની લીલા અપરંપાર છે. રામ ભગવાનનું જીવન એ લીલા નહીં પણ કલા છે. ભગવાન રામની જિંદગીમાંથી આપણે શું શીખી શકીએ એમ છીએ? ઘણું બધું એવું છે જેને આજના સંદર્ભમાં જોવા અને સમજવા જેવું છે.

સૌથી પહેલા તો વચનની વાત. ભગવાન રામને રાજ સિંહાસન પર બેસાડવાની તૈયારી ચાલતી હતી ત્યારે જ સાવકી માતા કૈકેયીએ રાજા દશરથ પાસેથી વચન માંગી લીધું કે, રામને વનવાસ અને ભરતને ગાદી. પિતાનું વચન નિભાવવા રામ વનવાસ ગયા. આજના સંદર્ભમાં આ વાત જોઇએ તો? લોકો પિતાએ આપેલું વચન તો શું પોતે આપેલું વચન પણ પાળતા નથી. અમુક કિસ્સામાં તો એવું પણ બને કે, દીકરો જ પિતાને પૂછે કે વચન તમે આપ્યું હતું, એની સજા હું શા માટે ભોગવું? આજના સમયમાં વચન, બોલ કે પ્રોમિસની મહત્તા કેટલી રહી છે? હવે તો એવું કહેવાય છે કે, વચનેષું કિમ દ્રરિદ્રતા મતલબ કે વચન આપવામાં શું વિચાર કરવાનો? આપી દેવાના! કોના વચન પાળ્યા અને કોના રહી ગયા? રાજકારણમાં તો બેમોઢે વચનો આપવામાં આવે છે, એમાંથી કેટલા પાળવામાં આવે છે એ આપણને બધાને ખબર છે. લોકો પોતાની નજીકની વ્યક્તિને આપેલા વચનની પણ ઐસી તૈસી કરી નાખે છે. રામ પાસેથી જે શીખવાનું છે એમાં સૌથી મોટી જો કોઇ વાત હોય તો જે બોલ્યા છીએ એને નિભાવવાનું છે. આપણને હવે આપણા શબ્દોની જ કિંમત નથી રહી. આપણે ઘણા નજીકના લોકોને કહી દઇએ છીએ કે, કંઇ પણ હોય તો કહજે, હું બેઠો છું. આ વાતે હવે એવી મજાક થવા લાગી છે કે, હું બેઠો છું એવું કહેનારામાંથી ઘણા લોકો એવા હોય છે જે બેઠાં જ રહે છે. આઇ એમ ધેર ફોર યુ કહ્યા પછી ખરેખર હાજર હોય એવા લોકોની સંખ્યા ઘટતી જાય છે.

વચન પાળી શકાય એમ નથી? કંઇ વાંધો નહીં. ધ્યાન એટલું રાખો કે, જો વચન પાળી શકાય એમ ન હોય તો કોઇ વચન ન આપો. ઘણા કિસ્સામાં તો લોકો સામેથી વચન માંગતા હોય છે. પહેલા મને પ્રોમિસ આપ કે હું તને જે વાત કહીશ એ તું કોઇને કહીશ નહીં. વચન આપી, વાત સાંભળીને પણ આપણા પેટમાં વાત રહેતી નથી. એમ તો આ દુનિયામાં એવા માણસો પણ છે જે વચન એવું બોલ્યા વગર બોલ્યું પાળે છે. બધામાં પ્રોમિસ આપવાની કે સમ ખાવાની ક્યાં જરૂર હોય છે? મારો શબ્દ એ જ મારું વચન છે એવું માનનારા લોકો પણ પડ્યા છે, એ વાત જુદી છે કે એવા લોકોની સંખ્યા બહુ મોટી નથી. માણસનું મૂલ્ય છેલ્લે એનાથી જ નક્કી થતું હોય છે કે, એ પોતાના શબ્દોને કેટલો વળગી રહે છે. જેને પોતાના શબ્દોનું મૂલ્ય નથી એની કિંમત લોકો આંકી લેતા હોય છે.

ભગવાન રામના જીવનમાંથી એક વાત જે ઉડીને આંખે વળગે છે એ છે, અનિશ્ચિતતા. રામ અયોધ્યાની ગાદીએ બેસવાના હતા. રામના લલાટે સત્તા નહીં પણ વનવાસ લખ્યો હતો. જે લખ્યું હતું એ ભગવાન રામે કોઇપણ જાતના વિરોધ કે અફસોસ વગર સ્વીકારી લીધું. આ વાત સાબિત કરે છે કે, નીયતિને તમે નકારી કે ઠુકરાવી શકતા નથી. રામ તો ભગવાન હતા, એમના ભાગે પણ કંઇ ઓછા કષ્ટો ભોગવવાના નહોતા આવ્યા. આમ તો દુનિયામાં જેટલા ભગવાન છે એ બધાની જિંદગી ઉપર નજર નાખી જુઓ, ભગવાનોને એવા એવા કષ્ટો પડ્યા છે કે જો એવી મુશ્કેલીઓ સામાન્ય માણસને પડે તો ફરિયાદો કરવામાંથી જ નવરા ન પડે! આપણા હાથમાંથી કંઇક જાય અથવા તો જે હાથવગું હોય એ હાથ ન લાગે ત્યારે આપણે શું કરીએ છીએ? ફરિયાદો! હું આને લાયક હતો, મારી સાથે અન્યાય થયો છે, મારી સાથે રમત રમવામાં આવી છે, મને બલિનો બકરો બનાવવામાં આવ્યો છે, હું કોઇનાથી સહન થતો નહોતો એટલે મારી સાથે આવું કરવામાં આવ્યું છે. આપણે ફરિયાદો કરવામાં કંઇ બાકી રાખતા નથી. ગાઇ વગાડીને બધાના મોઢે બળાપો ઠાલવીએ છીએ. જે લોકો ફરિયાદો નથી કરતા એ લોકો અફસોસ કરતા રહે છે. મારા તો નસીબ જ ખરાબ છે, હું પેહલેથી હેરાન જ થતો આવ્યો છું, આવું બધું મારા ભાગે જ લખેલું છે, મને કોઇ દિવસ મારી મહેનતનું સાચું ફળ મળ્યું જ નથી. ભગવાન રામના આખા જીવન પર નજર નાખી જુઓ, તેમણે ક્યાંય નસીબને કે સમયને દોષ દીધો નથી.

આખી દુનિયા અત્યારે કોરોનાના કપરા કાળમાથી પસાર થઇ રહી છે. દરેકના ભાગે કંઇકને કંઇક ભોગવવાનું આવ્યું છે. જે લોકોએ સ્વજન ગુમાવ્યા છે એ લોકોની દશા કલ્પી ન શકાય એવી છે. અમુક ખોટ એવી હોય છે જે ક્યારેય પૂરાતી નથી. એનો અફસોસ પણ રહે છે. એ સિવાય ઘણા લોકોએ નોકરીઓ ગુમાવી છે. ધંધામાં કોઇને નાનું તો કોઇને મોટું નુકશાન ગયું છે. બધાના મોઢે કોઇને કોઇ ફરિયાદ, અફસોસ, નારાજગી, ગુસ્સો છે. પરિસ્થિતિ જ એવી છે કે, ભલ ભલો માણસ ગભરાઇ જાય, ઉશ્કેરાઇ જાય. સાથોસાથ એ પણ હકીકત છે કે, જિંદગી અનિશ્ચિતતાઓથી ભરેલી છે. આપણે બધાએ ધાર્યું હતું કંઇક અને થઇ ગયું છે કંઇક. આવા સંજોગોમાં રામાયણ એ જ શીખવે છે કે ધીરજ ધરો. આજનો સમય ખૂબ જ ખરાબ છે. આ પડકાર માત્ર આપણા એકલા પૂરતો પણ મર્યાદિત નથી, આખી દુનિયા તેનો સામનો કરી રહી છે. સમયને સાચવી લો. જે ધ્યાન રાખવાનું છે એમાં જરા પણ લાપરવાહી ન વર્તો. આ સમય પણ વીતી જશે.

હા, કહેવું હોય તો એવું કહી શકાય કે, રામ તો ભગવાન હતા, આપણે તો સામાન્ય માણસ છીએ. આપણાથી અમુક વાતો, અમુક ઘટનાઓ અને અમુક કિસ્સાઓ સહન નથી થતા! જો એવું હોય તો ભગવાન પર શ્રદ્ધા રાખો. ભગવાન રામે તો યુદ્ધમાં પણ નિયમો કે મર્યાદાનો ભંગ કર્યો નહોતો. આખે આખી માનવજાત અત્યારે કોરોના સામે યુદ્ધ લડી રહી છે, જે મર્યાદાઓ જાળવવાની છે એ જાળવજો તો કોઇ વાંધો નહીં આવે! ભગવાન રામ આપણ સહુની મદદે આવે એવી જ રામનવમીના અવસરે પ્રાર્થના કરીએ!

હા, એવું છે!

દુનિયાભરમાં થયેલા અનેક સંશોધનો, રિસર્ચો અને અભ્યાસોમાં એવું સાબિત થયું છે કે, શ્રધ્ધામાં શક્તિ છે. શ્રદ્ધા ફળે છે. બસ, શ્રદ્ધા ફળે ત્યાં સુધી હિંમત ન હારવી.

(‘સંદેશ’, અર્ધસાપ્તાહિક પૂર્તિ, તા. 21 ફેબ્રુઆરી 2021, બુધવાર. ‘દૂરબીન’ કોલમ)

kkantu@gmail.com

Krishnkant Unadkat

Krishnkant Unadkat

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *