શું દયા, કરૂણા અને માનવતા
જેવું ભવિષ્યમાં કંઇ નહીં રહે?

દૂરબીન : કૃષ્ણકાંત ઉનડકટ
——–
લોકોની ફિતરત, આદત અને દાનત ટેક્નોલોજીના કારણે
બદલાઇ રહી છે. લોકો સ્વકેન્દ્રી થઇ રહ્યા છે.
બીજાનું જે થવું હોય એ થાય, મારે શું? એવું લોકો વિચારવા લાગ્યા છે!
———–
દુનિયા બહુ ઝડપથી બદલી રહી છે. જેમ જેમ સમય પસાર થઇ રહ્યો છે એમ એમ બદલાવની ઝડપ પણ વધી રહી છે. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ માણસજાત પર હાવી થઇ રહ્યું છે. લોકોની લાઇફ સ્ટાઇલમાં બદલાવ આવવા લાગ્યો છે. બાકી બધું તો ઠીક છે પણ જે લેટેસ્ટ સંશોધન છે એ એવું કહે છે કે, એઆઇ અને બીજી ટેક્નોલોજીના કારણે લોકોના મૂલ્યો અને સંસ્કારને પણ લૂણો લાગી રહ્યો છે. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના ગોડફાધર તરીકે જાણીતા જ્યોફ્રી હિન્ટને અનેક વખત ચેતવણી આપી ચૂક્યા છે કે, એઆઇથી સમયસર સાવધાન થઇ જવાની જરૂર છે. એઆઇના કારણે નોકરીઓ જશે અને પ્રાયવસી જેવું કંઇ નહીં રહે એ બધી વાતો તો છે જ, એના કરતા પણ વધુ ચિંતાનો વિષય એ છે કે, લોકોની માનસિકતા જ બદલી જશે. તારીખ 1 જાન્યુઆરી, 2025થી જન્મનારા બાળકોની ગણના બીટા જનરેશનમાં થવાની છે. આ બીટા જનરેશન જ્યારે મોટી થશે ત્યારે એ લોકોના વાણી અને વર્તન તદ્ન બદલી ગયા હશે. આમ તો એઆઇ અને ટેક્નોલોજીની વિપરીત અસરો ક્યારનીયે દેખાવા જ લાગી છે.
આપણે એવા અનેક કિસ્સાઓ જોયા છે જ્યારે કોઇ દુર્ધટના બને છે ત્યારે લોકો બચાવવાની કામગીરી કરવાના બદલે મોબાઇલથી વીડિયો ઉતારતા હોય છે. કેટલાંકનું વર્તન તો એવું હોય છે જે જોઇને આપણને લાગે કે, લોકોની સંવેદનાઓ ખરેખર બુઠ્ઠી થઇ ગઇ છે કે શું? કંપારી છોડી દે એવી ઘટના જોઇને પણ કોઇનું રુવાડું ફરકતું નથી. સારી હોય કે ખરાબ, હવે દરેક ઘટનાઓ રીલ બનાવાવનું મટિરિયલ બની ગઇ છે. દરેકને જે હાથ લાગ્યું એ તરત વાઇરલ કરી દેવું છે. અગાઉના સમયમાં લોકોમાં દયા, લાગણી, પ્રેમ, કરૂણા અને બીજા માટે થાય એ કરી છૂટવાની ભાવના હતી. હવે એવું બધું ધીમે ધીમે ઘટતું જાય છે. લોકો સ્વકેન્દ્રી બની રહ્યા છે. અગાઉ દરેક જ્ઞાતિ અને સમાજમાં એક મહાજન કે સંગઠન રહેતું. મુશ્કેલીમાં હોય એવા પોતાની નાતના લોકો માટે વડીલોનું એક ગ્રૂપ કામ કરતું હતું. આર્થિક મદદ કરતા અને ઝઘડાઓનું સમાધાન પણ કરાવતા હતા. હવે નવી જનરેશનના લોકો એવું કરવા ઓછા આગળ આવે છે. એ લોકો એવું જ વિચારે છે કે, આપણે પારકી પંચાતમાં પડવું નથી. હું ભલો અને મારું કામ ભલું. દૂરના લોકોની વાત તો જવા દો, લોકો પોતાની નજીકના લોકોની પણ પરવા ઓછી કરવા લાગ્યા છે. જે ધરાર કરવું પડે એમ હોય એ જ બધા કરે છે. મોટા ભાગના લોકોની દાનત છટકવાની જ હોય છે. તેની અસર હવે પ્રસંગો પર પણ પડવા લાગી છે. અગાઉના સમયમાં મેરેજ હોય તો બધા કામ વહેંચી લેતા હતા. રસોઇમાં સમજ પડતી હોય એ રસોડું સંભાળી લેતા અને જેને જેમાં ફાવટ હોય એ કામ સોંપી દેવામાં આવતું. જેને કામ સોંપવામાં આવે એ ખુશી ખુશી જવાબદારી સંભાળી લેતા હતા. હવે કોઇ જવાબદારી લેવા તૈયાર થતું નથી. એના કારણે જ મેરેજ અને બીજા પ્રસંગો ઇવેન્ટ ઓર્ગેનાઇઝરોને સોંપવા પડે છે. હવે કોઇ કામ કરવા માટે પ્રસંગોમાં આવતું નથી, બધા હાજરી આપવા અને મજા કરવા જ આવે છે.
લોકો હવે એકલસૂડા થતા જાય છે. તમે માર્ક કરજો, મોટા ભાગના યંગસ્ટર્સ પોતાની દુનિયામાં જ મસ્ત રહે છે. ઘરમાં હોય ત્યારે પણ પોતાના રૂમમાં અથવા તો કોઇ એક ખૂણામાં મોબાઇલ લઇને બેઠા રહે છે. વર્ચ્યુઅલ વર્લ્ડમાં ખોવાયેલા રહે છે. અગાઉના સમયમાં ઘરના લોકો વચ્ચે કમ્યુનિકેશન સ્ટ્રોંગ હતું, હવે એ પણ ઘટતું જાય છે. બહુ ઓછા ફેમિલિમાં બધા લોકો સાથે બેસીને વાતો કરે છે. એક જ છત નીચે રહેતા લોકોને એ ખબર નથી હોતી કે, મારા ઘરની જ વ્યક્તિ અત્યારે કેવી માનસિકતામાંથી પસાર થાય છે. હજુ સ્થિતિ બગડવાની છે. સંબંધોનું પોત સમયની સાથે વધુને વધુ પાતળું પડતું જવાનું છે. બોન્ડિંગ નબળું પડવાનું છે. પરિણામ એ આવશે કે માણસ એકલતામાં સબડવા લાગશે. મોબાઇલ અને બીજા ઇલેકટ્રોનિક ઇન્સ્ટ્રુમેન્ટના કારણે માણસને એવું લાગવા માંડ્યું છે કે, મારે કોઇની જરૂર નથી. માનો કે કશાની જરૂર છે તો બધું ઓનલાઇન એવેલેબલ છે. વર્ચ્યુઅલ ફ્રેન્ડસ પણ છે અને વર્ચ્યુલ લવર પણ એવેલેબેલ છે. અત્યાર હજુ એવા લોકોની મોટી સંખ્યા છે જેણે પરિવર્તન જોયું છે. મોબાઇલ ફોન નહોતો એ તેમને ખબર છે. નવી જનરેશન તો એવું જ માને છે કે, મોબાઇલ તો હોય જ, એને મોબાઇલ વગરની દુનિયાની કલ્પના જ નથી. એના કારણે એ જે જુએ છે એને જ સાચું માની લે છે. જનરેશન બીટાના લોકો તો એવું જ માનવા લાગવાના છે કે, આવું જ હોય. એને કશાથી આશ્ચર્ય નહીં થાય અને કશાથી આઘાત પણ નહીં લાગે! સરવાળે સંવેદનાઓ સંકોચાઇ જશે અને પોતે જ ગૂંથેલી ભ્રમજાળમાં માણસ ફસાતો જશે.
માણસ મગજ વાપરવાનું પણ બંધ કરતો જશે! અત્યારે પણ તમે જુઓ લોકો લાંબું વિચારતા નથી. નાની નાની બાબતોમાં ગૂગલ અને ચેટજીપીટીના સહારે ચાલ્યા જાય છે. બે ત્રણ આંકડાના સરવાળા કરવા માટે પણ કેલક્યુલેટરનો ઉપયોગ કરે છે. જીપીએસ સિસ્ટમના કારણે કોઇ રસ્તા તેને યાદ નથી. બધું તૈયાર મળે છે તો પછી મગજ શા માટે વાપરવું જોઇએ? લોકો પ્રકૃતિથી પણ દૂર જતા જશે. ફરવા જશે તો પણ તેનો ઇરાદો પ્રકૃતિને માણવાનો નહીં પણ ફોટા અને રીલ બનાવવાનો જ હશે. આમ તો અત્યારે જ એવું નજરે પડવા લાગ્યું છે કે, લોકોને ફરવા કરતા ફોટા પાડવામાં વધુ રસ છે. મોટા ભાગના યંગસ્ટર્સ કાનમાં ઇયર પ્લગ ભરાવી રાખે છે. સતત કંઇક સાંભળતા રહે છે. એને પશુ પક્ષીઓના અવાજ કે ખળખળ વહેતા ઝરણાનો અવાજ ધ્યાને જ આવતો નથી. ઉલટું કૃત્રિમ અવાજો સાંભળીને નવી જનરેશનનો માણસ એવું ન કહે તો સારું કે, પ્રકૃતિનો અવાજ ઓરિજિનલ નથી, એના કરતા તો પેલાએ સરસ અવાજ કાઢ્યો છે!
દુનિયામાં ધીમે ધીમે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો ઉપયોગ ઓછો કરવા માટેની ચળવળો શરૂ થવા લાગી છે. જે રીતે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ આગળ વધતું જાય છે એ જોઇને નિષ્ણાતો એવું કહી રહ્યા છે કે, એઆઇ માણસની વિચારવાની ક્ષમતા કરતા અનેકગણી તીવ્રતાથી કામ કરવા લાગશે. માણસને વિચારશે એ પહેલા તો એઆઇ જવાબ આપી દેશે. લોકોની પ્રાયવસી પર એઆઇ અતિક્રમણ કરશે. જે વાસ્તવિક છે એનાથી વધારે કાલ્પનિક હશે. અત્યારે સ્ક્રીન પર એવું જ થઇ રહ્યું છે. એઆઇ જનરેટેડ ફોટો અને વીડિયો એવા બની રહ્યા છે જે વાસ્તવિક કરતા દેખાવમાં ખૂબ જ સુંદર લાગે છે. ભવિષ્યમાં તેના કારણે લોકો પણ એઆઇ જનરેટેડ જેવી ચીજ વસ્તુઓ લોકો ઇચ્છવા લાગશે. એવું જ ઇચ્છશે કે, પ્રેમ પણ એઆઇ જનરેટેડ સ્ટાઇલથી જ થાય. પ્રેમ અને સંબંધો પણ જરૂરિયાત પૂરતા અને સ્વાર્થથી ભરેલા હશે. મજાની વાત એ છે કે, લોકો એમાં કંઇ ખરાબ જ નહીં સમજે, ખરાબની સમજ તો એને પડેને જેણે સારું જોયું હોય! જેને સારા અને નરસાનો ભેદ જ ખબર ન હોય એને કશાથી ફેર પડતો નથી. એઆઇના ઉપયોગને મર્યાદિત કરવાના પ્રયાસો દુનિયામાં ચાલી રહ્યા છે પણ એઆઇ અટકે એવી શક્યતાઓ બહુ ઓછી છે. ઘોડા છૂટી ગયા છે, હવે તો જે થાય એ ખરું. આશાવાદી લોકો એવું કહે છે કે, એ તો ધીમે ધીમે માણસ પાછો લાઇનમાં આવી જશે અને તેને વાસ્તવિકતાનું ભાન થશે. આ બધું જો એને તો પર નિર્ભર છે. બચવા કરતા બગડવાનું જોખમ વધારે છે. કેટલાંક બદલાવને કોઇ રોકી શકતું નથી. એ બદલાવના પરિણામો પણ ભોગવવા પડે છે. માનસિક બીમારોની સંખ્યા વધતી જશે અને સરવાળે માણસ વધુને વધુ એકલો પડતો જશે! જે સમજશે એ જીવી જાણશે, બાકી સુખની શોધમાં દુખી થશે અને પ્રેતાત્માની જેમ ભટકતા રહેશે!
———
પેશ-એ-ખિદમત
શાયદ કિ મર ગયા મેરે અંદર કા આદમી,
આંખે દિખા રહા હૈ બરાબર કા આદમી,
આવાજ આઇ પીછે પલટકર તો દેખિએ,
પીછે પલટ કે દેખા તો પત્થર કા આદમી.
-ખાલિદ મહમૂદ
(`સંદેશ’, અર્ધસાપ્તાહિક પૂર્તિ, તા. 22 જાન્યુઆરી 2025, બુધવાર, `દૂરબીન’ કૉલમ)
kkantu@gmail.com
