પ્લીઝ, તું મારા ખાતર
હું કહું એટલું માનને!

ચિંતનની પળે : કૃષ્ણકાંત ઉનડકટ
એક માણસ હારવાનો વારતાના અંતમાં,
હું દિલાસો આપવાનો વારતાના અંતમાં,
જિંદગીભર આપતા આવ્યા છો જાકારો ભલે,
હું તમારો લાગવાનો વારતના અંતમાં.
-દિનેશ કાનાણી
જિંદગી ઘણી વખત એવા સવાલો લઇને સામે આવી જતી હોય છે, જેના જવાબો આપણી પાસે હોતા નથી. આપણો કોઇ વાંક ન હોય તો પણ જિંદગી આપણને ક્યારેક કઠેડામાં ખડા કરી દેતી હોય છે. આપણે તમાશો જોવા સિવાય કંઇ કરી શકતા નથી. હવે તો જે થાય એ થવા દો, બીજું શું? એવું વિચારીને આપણે આપણી જાતને જ સધિયારો આપતા હોઇએ છીએ. ગમે એટલા ડાહ્યા, સમજું, શાણા અને વિદ્વાન માણસની મતિ પણ મૂંઝાઇ જાય એવી ઘટનાઓ જિંદગીમાં બનતી રહે છે. આપણા હાથમાં કંઇ હોતું નથી. જેના હાથમાં હોય છે એનો હાથ આપણા હાથમાં હોતો નથી. આપણે એવું કહીએ છીએ કે, હવે તને યોગ્ય લાગે એમ કર! જેવી તારી મરજી. દુશ્મન સામે હોય તો આપણે લડી પણ લઇએ, સામે જ્યારે પોતાની જ વ્યક્તિ હોય ત્યારે ધર્મસંકટ પેદા થાય છે. બીજો કોઇ હોય તો એને એની ઓકાતનું ભાન કરાવી દઉં, પણ આને શું કહેવું એવો વિચાર આવી જાય છે. માણસ સૌથી વધુ લાચાર પોતાના લોકોની સામે જ હોય છે. આકરા મિજાજનો માણસ પણ કરગરતો હોય છે કે, પ્લીઝ યાર તું તો સમજ, બીજા કોઇને તો કંઇ પડી નથી, તું તો બીજા જેવું ન કર!
એક ફેમિલીની આ સાવ સાચી વાત છે. એ ફેમિલીમાં બે ભાઇ અને એક બહેન એમ ત્રણ લોકો હતાં. પિતા સારો એવો વારસો મૂકી ગયા હતા. કોઇ વાતની કમી નહોતી. ભાઇ-બેન વચ્ચે સંપ પણ સારો હતો. એક વખત પિતાની વરસી હતી. એક ભાઇએ કહ્યું કે, આ વર્ષે આપણે ભાગવત સપ્તાહ કરીએ. બીજા ભાઇએ કહ્યું કે, એના કરતાં મોટા પાયે યજ્ઞ કરીએ. બંને પોતપોતાની વાત લઇને બેસી રહ્યા હતા. બંનેએ બહેનને પોતાના પક્ષમાં લઇ પોતાની વાત મનાવવાનો પ્રયાસ કર્યો. બહેનની હાલત બે ભાઇઓ વચ્ચે સેન્ડવિચ જેવી થઇ ગઇ. આખરે તેણે નાના ભાઇને સમજાવ્યો કે, પ્લીઝ, તું મારા ખાતર મોટો ભાઇ કહે છે એ માનને! નાના ભાઇએ કહ્યું, દર વખતે મારે જ માનવાનું? એને કહેને મારી વાત માને. મોટો ભાઇ પણ ભાગવત સપ્તાહની જ જીદ લઇને બેઠો હતો. બહેને એવો રસ્તો પણ બતાવી જોયો કે, આ વર્ષે એક કામ કરીએ, નેક્સ્ટ યર બીજું કરીશું. ભાઇઓ તો પણ ન માન્યા. આખરે બહેને કહી દીધું કે, તો તમારે જેમ કરવું હોય તેમ કરો. તમારે કોઇની વાત માનવી જ નથી. ઘણી વખત એવી સ્થિતિ પણ સર્જાતી હોય છે કે, આપણી પાસે રસ્તો હોય છે, એ રસ્તો સાચો અને સારો પણ હોય છે, પણ એ રસ્તે જવા કોઇ તૈયાર હોતા નથી. દરેકને પોતાના રસ્તે જ જવું હોય છે. એ રસ્તો પછી ભલે ક્યાંય ન જતો હોય.
આપણે પણ ક્યારેક એવું કરતા હોઇએ છીએ. કોઇ તેની વાત ગળે ઉતરાવવાની કોશિશ કરે છે, પણ આપણે કોઇ વાત સાંભળવા જ તૈયાર હોતા નથી. સાચો સંબંધ એ છે જેમાં વાત ધ્યાનથી સાંભળવામાં આવે, સમજવામાં આવે અને સારી હોય તો સ્વીકારવામાં પણ આવે. ઘણી વખત આપણે એવું કહેતા હોઇએ છીએ કે, પહેલાં તું મારી વાત તો સાંભળ, તને યોગ્ય ન લાગે તો પછી તું તારું મન થાય એમ કરજે. કેટલાક લોકો એવા પણ હોય છે જેને કોઇ કરગરતું હોય તો મજા આવે છે. આવા લોકો મોકો જોઇને ખેલ પાડવામાં માહેર હોય છે. એક યુવાન હતો. તેના ગ્રૂપમાં એની છાપ જ એવી હતી કે, કંઇ પણ હશે એને વાંધો પડશે. એ બોલતો પણ ખરો કે, મારો વારો આવશે ત્યારે હું બતાડી દઇશ. એક વખત બધાએ ફરવા જવાનો પ્લાન કર્યો. એ યુવાને બધાને કહેવાનું શરૂ કર્યું કે, ત્યાં જવા જેવું નથી. હેરાન થશો. આખરે તેના એક ફ્રેન્ડે કહ્યું કે, તું આવું બધું રહેવા દે તો સારું, તારે ન આવવું હોય તો કંઇ નહીં, તું બીજાને તો પરેશાન ન કર. જે લોકોને કોઇની વાત સમજાતી નથી એ ઘણી વખત એકલા પડી જતા હોય છે. વધારે પડતી વાયડાઇ કરનારને નજીકના લોકો પણ વતાવવાનું બંધ કરી દે છે. માણસ એકલો એમ જ નથી પડતો, મોટાભાગે પોતાના કારણે જ માણસ એકલો પડી જતો હોય છે. ઘણા એવા હોય છે જેને કોઇની સાથે ફાવતું નથી. જેને કોઇની સાથે ન ફાવે એની સાથે પણ કોઇને ફાવવાનું નથી. દરેકને એવું થશે કે, રહેવા દેને, એનાથી દૂર જ સારા છીએ.
તમે કોના ખાતર ગમે તે કરવા તૈયાર છો? આપણે ઘણી વખત અમુક ચોક્કસ લોકોની વાત માનતા હોઇએ છીએ. તારા માટે કંઇ પણ, તું બોલને તારે શું કરવું છે? દરેકની જિંદગીમાં એવી કોઇ વ્યક્તિ હોય છે જેના માટે માણસ પોતાને ન ગમતું હોય એવું પણ કરી જાણે છે. તેં કહ્યું એટલે કરું છું, બાકી આ મને ગળે ઊતરે એવું નથી. કેટલાક લોકો પર આપણને ગળા સુધીનો ભરોસો હોય છે કે એ કહે એ સાચું જ હશે. બધું હોવા છતાં માણસ પર ક્યારેક જીદ હાવી થઇ જતી હોય છે. એક પતિ-પત્ની હતાં. બંને બહુ સરસ રીતે રહે. એકબીજાને ખૂબ પ્રેમ કરે. પત્ની ક્યારેક કોઇ જીદ પર ચડે ત્યારે પતિ એની જીદ પૂરી પણ કરતો. અલબત્ત, ક્યારેક એવું થતું કે, પતિની હાલત કફોડી થઇ જાય. એક વખત ફેમિલીમાં એક પ્રસંગ હતો. જેના ઘરે પ્રસંગ હતો એની સાથે પત્નીને બનતું નહોતું. પત્નીએ કહ્યું, તારે જવું હોય તો તું જા, મારે નથી આવવું. મને એ લોકો સાથે ફાવતું નથી. એ લોકો પણ મને સારી રીતે ટ્રીટ નહીં કરે. મને અપમાન જેવું લાગશે તો મારાથી સહન નહીં થાય. એના કરતાં હું ન આવું એ જ વાજબી છે. પતિએ કહ્યું કે, તું નહીં આવે તો પણ એ બગડશે, ઊલટું તેને બોલવાનો મોકો મળી જશે. બધાને જવાબ આપવો મારા માટે પણ અઘરો બનશે. તું બીજાનું નહીં, મારું તો વિચાર, મારી હાલત કેવી થશે? બીજા માટે નહીં તો તું મારા ખાતર હું કહું એ માનને! આવા જ એક બીજા કિસ્સામાં પત્નીના પિયરિયામાં પ્રસંગ હતો. પતિએ ના પાડી કે, મારે નથી આવવું, તું બહાનું કાઢી દેજે કે ઓફિસના કામે બહાર જવું પડ્યું. પત્નીએ કહ્યું, તારા વગર કેવું લાગે? તું નહીં આવે તો મારા પિયરિયામાં જાતજાતની વાતો થશે. તું નહીં આવે તો મારે કેટલાયનું સાંભળવું પડશે. કેટલાક કિસ્સામાં ના પાડીને પણ માણસ પોતાની વ્યક્તિ સાથે વેર વાળતો હોય છે. તું મારી વાત નહોતી માનીને, હું પણ તારી વાત નથી માનવાનો! તને પણ એ વાતનું ભાન થાય કે, આપણી વ્યક્તિ જ જ્યારે આપણું કહ્યું ન માને ત્યારે કેવું થાય છે! પ્રેમ, દાંપત્ય અને સંબંધમાં જ્યારે દેખાડી દેવાની ભાવના આવે ત્યારે સંબંધને લૂણો લાગે છે અને સંબંધનું પોત પાતળું પડવા લાગે છે. પોતાની વ્યક્તિ માટે જતું કરવાની પણ એક મજા હોય છે. પ્રેમ જુદી જુદી રીતે વ્યક્ત થતો હોય છે. સૌથી વધુ તો પ્રેમ વર્તનથી જ વર્તાતો હોય છે. ભલે બોલે નહીં, પણ પોતાની વ્યક્તિને એ ખબર જ હોય છે કે, એની મારી કેટલી પરવા છે. પોતાની વ્યક્તિ ખાતર માણસ ઘણી વખત પોતાની પરવા પણ કરતો નથી. મારે બસ એના માટે કરવું છે, મારું જે થવાનું હોય એ થાય. માણસ જે કંઇ કરે છે એ માત્ર પોતાના માટે નથી કરતો, એને પોતાના લોકોને પણ ખુશ રાખવા હોય છે. તારા માટે તો બધું કરું છું. જે આપણા માટે કંઇ પણ કરવા તૈયાર હોય, આપણા ખાતર દરેક પડકારોનો સામનો કરતા હોય એનું જતન કરવું એ પણ પ્રેમ જ છે.
છેલ્લો સીન :
કોની વાત માનવી અને કોની ન માનવી એ સમજ ન હોય તો ઊંધા રસ્તે ચડી જવાનું જોખમ રહે છે. ઘણી વખત આપણા વિરોધીઓ, ઇર્ષાળુઓ, હરીફો અને દુશ્મનો હિતેચ્છુના રૂપમાં પણ ફરતા હોય છે. પનારો પાડતા પહેલાં માણસની પરખ કરી લેવી જોઇએ! – કેયુ
(`સંદેશ’, `સંસ્કાર’ પૂર્તિ, તા. 19 જાન્યુઆરી, 2025, રવિવાર. `ચિંતનની પળે’ કૉલમ)
kkantu@gmail.com
