દિલ ડંખે એવું
કંઇ કરતો નહીં!

ચિંતનની પળે : કૃષ્ણકાંત ઉનડકટ
એથી થોડું રડીને આવ્યા, હમણાં એને મળીને આવ્યા!
પાટાપિંડી કરો શું એની? જે માલીપા પડીને આવ્યા!
-નિનાદ અધ્યારુ
માણસ ગમે એવો સારો અને સાત્ત્વિક હોય એને ક્યારેક તો ખરાબ વિચારો આવ્યા જ હોય છે. જે લોકો બદમાશી કરે છે એની તો ફિતરત જ બીજાનું કરી નાખવાની હોય છે. અમુક લોકો પાસે આપણને કોઇ સારી આશા હોતી જ નથી. એની મથરાવટી આપણને ખબર જ હોય છે કે, એ આડા રસ્તે ચડેલો માણસ છે. જેને અંતરઆત્મા જેવું કંઇ હોતું નથી એને સારા-નરસાથી કોઇ ફેર પડતો હોતો નથી. સારો માણસ કંઇ કરતાં પહેલાં સો વાર વિચાર કરે છે. આ મારાથી થાય નહીં, આ મને શોભે નહીં, હું આવું ન કરું, એવા વિચારો જે ખરેખર સારા છે એને આવવાના જ છે. આપણા સંસ્કારો આપણને કંઇ ખોટું કે ખરાબ કરતા અટકાવતા હોય છે. દુનિયામાં ખોટા લોકોની બોલબાલા છે. જે લાયક નથી એનો દબદબો જોઇને ઘણી વખત સારા માણસને એવો વિચાર આવે છે કે, આપણે સારા રહીને શું ફાયદો મેળવી લીધો? ક્યારેક એવો વિચાર પણ આવી જાય છે કે, આપણને મોકો મળે ત્યારે આપણે પણ આપણાથી જે થાય એ કરી લેવું છે. મોકો ખરેખર જ્યારે આવે ત્યારે આપણે ન કરવા જેવું કંઇ કરતા નથી. આપણને આપણો માહ્યલો રોકી દે છે. સારા લોકોને મૂરખ કહેનારા લોકોની પણ આ દુનિયામાં કમી નથી. મોકો હોવો એક વાત છે અને મોકાનો ફાયદો ઉઠાવવો એ બીજી વાત છે. જે ખરેખર સારો માણસ છે એ કોઇ પણ સંજોગોમાં બદલતો નથી. એને ખબર હોય છે કે, મારે શું કરવાનું છે અને શું નથી કરવાનું! કોઇ પણ લાલચ તેને પલટાવી શકતી નથી. દુનિયામાં એવા લોકો છે, જે સમયની સાથે બદલતા નથી અને જેવા હોય એવા જ રહે છે. પોતાના હક સિવાયનું જેને કંઇ જોઇતું નથી એ માણસની જિંદગીમાં એક ગજબ પ્રકારની શાંતિ રહે છે. જે સારો માણસ છે એનો ચહેરો ધ્યાનથી નિરખજો. શાંતિ અને સંતોષ તેજ બનીને ચમકતા હોય છે. ચહેરો ચાડી ખાઇ જતો હોય છે કે, આ માણસ કેવો છે? માણસના મનમાં શું ચાલી રહ્યું છે એની ભલે ખબર ન પડતી હોય, પણ એટલો અણસાર તો આવી જ જતો હોય છે કે, એની પ્રકૃતિ કેવી છે? જેની પ્રકૃતિમાં જ વિકૃતિ હોય એની પ્રવૃત્તિ ક્યારેય સારી નહીં હોવાની! સારા હોવાનો ગમે એવો દેખાડો પણ માણસની વાસ્તવિકતા છતી કરી દેતો હોય છે. આપણે કહીએ છીએ કે, એ ભલે મીઠું મીઠું બોલે, પણ એના મનમાં શું ચાલે છે એ કળી શકાય એવું નથી!
એક યુવાનની આ વાત છે. એને સરસ મજાની જોબ મળી. એ જોબ એવી હતી કે, એ ધારે તે કરી શકે. રૂપિયા ભેગા કરવાનું કામ તેના માટે અઘરું નહોતું. જોબના પહેલા દિવસે નોકરીએ જતા પહેલાં એ યુવાન પિતાને પગે લાગવા ગયો. પિતાએ આશીર્વાદ આપીને એટલું જ કહ્યું કે, દિલ ડંખે એવું કંઇ કરતો નહીં. પિતાએ પછી એમ પણ કહ્યું કે, જો દિલ ડંખે એવું એક વાર કરીશને તો પછી ધીમે ધીમે દિલ ડંખવાનું જ બંધ કરી દેશે. માણસ પછી એવું જ માનવા લાગે છે કે, આમ તો કરાય. બધાય આવું જ કરે છે. બધા કરે એટલે આપણે કરવું જરૂરી નથી. માણસે અમુક તબક્કે નક્કી કરવું પડતું હોય છે કે, મારે બધા જેવું થવું છે કે મારે મારા જેવા જ રહેવું છે? પોતાની હયાતિ, પોતાના અસ્તિત્વ અને પોતાના વજૂદ માટે આપણે આપણા જેવા જ રહીએ એ સૌથી વધુ મહત્ત્વનું છે. દુનિયા બહુ વિચિત્ર છે. ખોટા માર્ગે જે બધું કરે છે એને જોઇને બધાને પૈસાવાળા અને તાકાતવાળા થઇ જવું છે. સારાને જોઇને સારા થવાવાળા બહુ ઓછા હોય છે. એવું બિલકુલ નથી કે, દુનિયામાં સારા લોકો નથી. ફેર એટલો છે કે, ખરાબ અને બદમાશ લોકો દેખાઇ આવે છે અને સારા લોકો છાના ખૂણે પોતાનું કામ કરતા રહે છે.
સારા માણસ માટે સારા બની રહેવું એ સૌથી મોટા પડકાર જેવું થઇ રહ્યું છે. અત્યારે જમાનો એવો છે કે, ખરાબ, બદમાશ, લાલચુ અને સ્વાર્થી થઇ જવું બહુ સહેલું છે. સારા રહેવું જ અઘરું થઇ રહ્યું છે. સારા રહેવા માટે સંઘર્ષ કરવો પડે એવો અત્યારનો સમય છે. એક યુવાન સંત પાસે ગયો. સંતને વંદન કર્યાં. સંતે સવાલ કર્યો, તને કેવા આશીર્વાદ જોઇએ છે? સંતને એમ હતું કે, હમણાં આ યુવાન સુખ અને સમૃદ્ધિ મળે એવા આશીર્વાદ માંગશે. જોકે, યુવાન થોડીક જુદી પ્રકૃતિનો હતો. યુવાને કહ્યું, મને એવા આશીર્વાદ આપો કે, હું સારો માણસ બનીને રહું. સંતે કહ્યું, આશીર્વાદ તો હું આપી દઇશ, પણ મારા આશીર્વાદ સાચા પાડવાની જવાબદારી તારી રહેશે. એનું કારણ એ છે કે, સારા બની રહેવું સરળ નથી. હા, એટલું હું તને કહીશ કે, સારો રહીશ તો શાંતિથી ચોક્કસ રહી શકીશ. રાતે ચેનની ઊંઘ આવશે અને દરેક સવાર પણ સુંદર હશે. જેને ખોટું કરવું છે એને સતત ખોટા વિચારો જ આવતા રહે છે. સારા કામ સહજ રીતે થાય છે, ખોટા કામનાં ષડ્યંત્રો રચવા પડે છે. માણસ ધીમે ધીમે એમાં જ રચ્યોપચ્યો રહે છે. એક તબક્કે તો એ એવું માનવા લાગે છે કે, આ જ જિંદગી છે અને આમ જ જીવાય. એક માફિયા હતો. તેની જબરી ધાક હતી. એનું નામ પડે એટલે બધા ફફડે. એક વખત એ એક સંત પાસે ગયો. સંતે કહ્યું, ખુશ છે? સુખી છે? માફિયાએ કહ્યું, ખબર નહીં! રોજ કોઇની હત્યા કરાવું છું, રોજ ધમકીઓ આપું છું, મારો પડ્યો બોલ ઝિલાય છે. એક અહંમાં જીવતો રહું છું. હા, એક ફફડાટ રહે છે કે, જો દુશ્મન ગેંગના હાથમાં આવી ગયો તો મારો ખેલ ખતમ કરી નાખશે. મારી લાઇફમાં ગમે ત્યારે ગમે તે થઇ શકે છે. બનવા જોગ છે કે, અહીંથી બહાર નીકળું અને મારા પર હુમલો થાય. સંતે કહ્યું, તેં કર્યું છે જ એવું. જ્યારે તારી પાસે સારા અને ખરાબ માર્ગની પસંદગીનો અવકાશ હતો ત્યારે તેં ખોટો માર્ગ અપનાવ્યો. જે માર્ગે જઇએ એનાં પરિણામો તો ભોગવવાં જ પડે છે. દરેક માણસ પાસે ઓપ્શન હોય છે. ખોટું કરવામાં પહેલી વખત ખચકાટ થાય છે, પણ ધીમે ધીમે આદત પડી જાય છે. સારા બનવાનું શીખવાડવું પડે છે, વ્યસન કરતા કોઇને શીખવાડવું પડતું નથી. યોગ કરવાના ક્લાસ ચાલે છે, દારૂ, સિગારેટ કે બીજા કોઇ વ્યસન માટે ક્યાંક શીખવા જવું પડતું નથી. એ આવડી જાય છે. એનું કારણ એ છે કે, એ બહુ સહેલું છે. એ લલચામણું છે. તરત લપસી જવાય છે. માણસ પાસે ચોઇસ હોય છે. ચોઇસ સમજીને પસંદ કરવાની હોય છે. એમાં જો થાપ ખાઇ ગયા તો ઘણી વખત જિંદગીભર પસ્તાવાનો વારો આવે છે. ખોટા રસ્તે ચડી ગયા પછી પણ પાછા વળવાની તક હોય જ છે. મન મક્કમ હોવું જોઇએ. મન પર નજર ન રાખીએ તો મન આપણને ઘણી વખત છેતરી જાય છે. મનને કાબૂમાં રાખવું પડે છે. મનને ટપારવું પડે છે. મનને કહેવું પડે છે કે, નહીં એટલે નહીં, નથી કરવાનું એટલે નથી કરવાનું. એક વખત જો મનને રેઢું મૂકીએ અને એવું વિચારીએ કે, ચાલને જોઇએ તો ખરા કે, શું થાય છે? એક વખત વાતમાં આવી ગયા પછી પાછા વળવું મુશ્કેલ થાય છે. માણસે પોતાના નિર્ણયો, પોતાનાં કૃત્યો અને પોતાની હરકતો પર રોજેરોજ નજર રાખવી પડે છે. નજર ચુકાઇ તો ઘણી વખત આપણી જાત જ આપણા હાથમાંથી સરકી જતી હોય છે. ખોટું જ્યારે સાચું લાગવા માંડે ત્યારે અધોગતિનો આરંભ થઇ જતો હોય છે. સમય વર્તે સાવધાન થઇ જાય એ જ સુખ અને શાંતિની નજીક રહી શકે છે!
છેલ્લો સીન :
સુખી કે દુ:ખી થવા માટે એટલી ખબર હોવી જોઇએ કે, શું કરવાનું છે અને શું નથી કરવાનું. આપણાં સુખ અને દુ:ખ માટે મોટા ભાગે આપણે જ જવાબદાર હોઇએ છીએ. -કેયુ
(`સંદેશ’, `સંસ્કાર’ પૂર્તિ, તા. 12 જાન્યુઆરી, 2025, રવિવાર. `ચિંતનની પળે’ કૉલમ)
kkantu@gmail.com
