મને એની વાતોમાં કોઈ રસ જ નથી! – ચિંતનની પળે : કૃષ્ણકાંત ઉનડકટ

મને એની વાતોમાં
કોઈ રસ જ નથી!

ચિંતનની પળે : કૃષ્ણકાંત ઉનડકટ


છે બહુ ઓછો સમય તો દુશ્મનોને માફ કર,
દિલને ગમતા હોય એવા માણસોને વાત કર,
બાગ, ટહુકા, બાંકડા, ઠંડી હવા ને સાંજ છે,
ચોતરફ આમંત્રણો છે, તું નજર તો બા’ર કર.
-મધુસૂદન પટેલ `મધુ’સંબંધ અને સંવાદને સીધો સંબંધ છે. સંબંધ માટે વાત કરવી મહત્ત્વની છે અને તેનાથી પણ જરૂરી છે વાત સાંભળવી! લોકો વાત કરવાને કળા કહે છે. સારી રીતે વાત કરતા આવડવી એ આર્ટ છે. વાત સાંભળવી એ પણ કંઇ નાની વાત નથી. આપણે એની જ વાત ધ્યાનથી સાંભળીએ છીએ જે આપણી નજીક છે, જેની દરેકે દરેક વાત આપણને સ્પર્શે છે, જેની વાતથી આપણને ફેર પડે છે. આપણો સ્વાર્થ હોય ત્યારે પણ આપણે દરેક વાત બહુ ધ્યાનથી સાંભળતા હોઇએ છીએ. બોસ કે સિનિયરે કહેલી વાતને કેરફુલી સાંભળવી પડે છે. વાતને પણ આપણે અલગ અલગ કેટેગરીમાં વહેંચતા હોઇએ છીએ. કામની વાત, નકામની વાત, ફાલતું વાત, મહત્ત્વની વાત, લાભની વાત અને અમસ્તી વાત. દરેક વાત મહત્ત્વની હોય એ જરૂરી નથી. કેટલીક વાતો મજાની હોય છે. ક્યારેય મિત્રો કે સ્વજનો સાથે જૂની વાતોમાં સરી જવાય છે. થોડાક મિત્રો લાંબા સમય પછી પાર્ટી કરવા ભેગા થયા હતા. બધા સ્કૂલ ટાઇમના ફ્રેન્ડ્સ હતા. વાતો વાતોમાં જૂની યાદો નીકળી. સ્કૂલ અને કૉલેજની. કૉલેજ કેન્ટિનમાં કરેલી ધમાલની, છોકરીઓ સાથે દોસ્તીની, પરીક્ષાની તૈયારીઓની અને બીજી ઘણીબધી વાતો થઇ. એક મિત્રે કહ્યું કે, આપણે કહીએ છીએ કે ગયું એ ગયું પણ સાવ તો કંઇ જ જતું નથી. ગયું છે એમાંથી પણ કંઇક રહી જતું હોય છે. જૂની વાતો યાદ આવે ત્યારે એવું જ લાગે જ્યારે જૂનો સમય ફરીથી જિવાયો ન હોય! જૂના મિત્રો મળે ત્યારે સૌથી મોટી મજા જૂની યાદો વાગોળવાની જ હોય છે.
તમે માર્ક કરજો. સંબંધ પૂરો થવામાં હશે ત્યારે સૌથી પહેલાં વાત સાંભળવાનું ઘટી જશે. પ્રેમ, લાગણી કે સ્નેહ હોય ત્યારે નાની વાત પણ મોટી લાગે છે. જ્યારે અભાવ આવે છે ત્યારે વાત સાંભળવાનું ઘટતું જાય છે. આપણું એની વાતમાં ધ્યાન જ નથી હોતું. એક પ્રેમી-પ્રેમિકા હતાં. બંને વચ્ચે ખૂબ જ પ્રેમ હતો. વાત મેરેજની આવી. બંને મેરેજ લાઇફમાં શું ધ્યાન રાખવું એની વાતો કરતાં હતાં. એ સમયે બંનેએ નક્કી કર્યું કે, ગમે એવા સંજોગોમાં પણ આપણે એકબીજાની વાત ધ્યાનથી સાંભળીશું. નાની સરખી વાત પણ ઇગ્નોર નહીં કરીએ. મેરેજ થયા. સમય મળ્યે બંને સાથે બેસીને વાતો કરતાં. કામમાં હોય અને કોઇ વાત કરે તો બધું જ બાજુએ મૂકીને વાત સાંભળે. એકબીજાની વાતમાં પૂરેપૂરું ધ્યાન હોવું એ પણ પ્રેમની જ નિશાની છે. એક વૃદ્ધ કપલની આ વાત છે. બંને ચાલીસી વટ્યાં ત્યારથી નિયમિત રીતે બોડી ચેકઅપ કરાવે. દરે વર્ષે બોડી ચેકઅપ વખતે બંને ડૉક્ટરને એકસરખો સવાલ કરે. અમારા કાન બરાબર ધ્યાનથી ચેક કરજો. એક વખત ડૉક્ટરે પૂછ્યું, તમે દર વખતે કાન ધ્યાનથી ચેક કરવાનું જ કેમ કહો છો? પત્નીએ કહ્યું, એટલા માટે કે ક્યારેય એવું ન બનવું જોઇએ કે એ મને સાદ દે અને મને સંભળાય નહીં! આંખો ઝાંખી પડશે તો ચાલશે પણ કાન નબળા પડવા ન જોઇએ. તમારા કાન કેવા છે? ઘણી વખત આપણા કાન સબળા હોય તો પણ આપણે વાત સાંભળતા નથી! આપણું ધ્યાન જ નથી હોતું કે, આપણી વ્યક્તિ શું બોલે છે? સંભળાતું હોય એટલે કાન સક્ષમ નથી થઈ જતા, ધ્યાનથી સાંભળીએ ત્યારે કાન સાર્થક થતાં હોય છે. ઘણાં કપલ એકબીજા વિશે એવું કહેતાં હોય છે કે, મારી વાતમાં એને રસ જ ક્યાં હોય છે! મારે કહેવું પડે છે કે, હું જે કહું છું એ સાંભળ. અમુક સમયે હજુ વાત શરૂ થઇ હોય ત્યાં પોતાનું મંતવ્ય કે ચુકાદા સંભળાવી દેવાતા હોય છે, આવા સમયે એવું સાંભળવા મળે છે કે, પહેલાં ધ્યાનથી મારી વાત તો સાંભળ પછી તારે કહેવું હોય એ કહેજે!
સંબંધમાં વાત મહત્ત્વની હોતી જ નથી, વ્યક્તિ મહત્ત્વની હોય છે. કોની સાથે વાત કરીએ છીએ એના પરથી વાતની કક્ષા નક્કી થતી હોય છે. પ્રેમ હોય ત્યારે પોતાની વ્યક્તિની સાવ ફાલતું વાતો પણ ગમે છે. વાતોએ વળગીએ એ પછી સમયનું પણ ભાન રહેતું નથી. ફોન પર વાત કરતાં હોઇએ તો ફોન મૂકવાનું મન નથી થતું. પ્રેમીઓ કે નવા પરણેલાઓ ફોન પર વાતો કરતાં હોય ત્યારે વડીલો એવું કહે છે કે, આ બંનેની વાતો તો ખૂટતી જ નથી. કોણ જાણે શું વાતો કરે છે! એ ભૂલી જાય છે કે, યંગ હતા ત્યારે આપણે પણ આવું જ કર્યું છે! સંબંધમાં અંતર આવવાનું શરૂ થાય એટલે સૌથી પહેલાં વાતોમાંથી રસ ઊડતો જાય છે. બે મિત્રો હતા. બંને વચ્ચે એક બાબતે મનદુ:ખ થયું. એક વખત ત્રીજા મિત્રે બીજા મિત્રની વાત કરી ત્યારે પેલા મિત્રએ કહ્યું, એની વાત જ ન કર, મને એની વાતમાં જરાયે રસ નથી! વાતમાં નયા ભારનો પણ રસ ન રહે ત્યારે સંબંધ સંકોચાઇ જાય છે.
વાત કરવાની તાલાવેલી અને વાત સાંભળવાની ઉત્કટતા સંબંધની કક્ષા નક્કી કરે છે. આપણે વાત કરતાં હોઇએ અને આપણી વ્યક્તિનું ધ્યાન ન હોય તો સમજવું કે કંઈક પ્રોબ્લેમ છે. મોબાઇલના કારણે પણ હવે વાતો ધ્યાનથી સાંભળવામાં નથી આવતી. એક હસબન્ડ વાત કરતો હતો. એની પત્નીનું ધ્યાન મોબાઇલમાં હતું. પતિએ કહ્યું મારી વાત કરતાં તારા માટે મોબાઇલ વધુ મહત્ત્વનો છે? વાત ન સાંભળવાના મામલે થતાં ઝઘડાના કિસ્સાઓ હવે વધતા જાય છે. આપણે પણ ઘણી વખત એવું કરતાં હોઇએ છીએ. કોઇ વાત કરે ત્યારે આપણું ધ્યાન મોબાઇલમાં હોય છે. પૂરી વાત સાંભળ્યા વગર આપણે હાએ હા કરતા હોઇએ છીએ! આપણે જ્યારે એમ પૂછીએ કે, શું કહ્યું? ત્યારે સમજવાનું કે એણે પહેલી વખત કહ્યું ત્યારે આપણું ધ્યાન હતું નહીં. વાતથી ધ્યાન નક્કી થાય છે. એક પતિ-પત્નીનો સાવ સાચો કિસ્સો છે. પત્ની વાત કરતી હતી. પતિનું ધ્યાન નહોતું. પત્નીએ કહ્યું, શું વાત છે? આજે મારી વાતમાં તારું ધ્યાન નથી. શું થયું છે? કંઈક વાત હોય તોય મારી વાતમાં તારું ધ્યાન ન હોય, બાકી તું સામે હોય છે ત્યારે ઓલવેઝ મારી સાથે જ હોય છે. પતિએ આખરે સાચી વાત કરી કે, હમણાં ઓફિસમાં થોડુંક ટેન્શન ચાલે છે. ટેન્શન હોય ત્યારે પણ એ હળવું તો છેલ્લે વાત કરીને જ થાય છે! સંબંધ જાળવવો હોય તો તમારો સંવાદ તપાસતા રહેજો. તમે જો તમારી વ્યક્તિને તમારી પાસે રાખવા ઇચ્છતા હો તો બીજું બધું કરવાની સાથે એની વાત ધ્યાનથી સાંભળજો. વાત સાંભળીએ ત્યારે વાત કરનારને એવી ફીલિંગ આવે છે કે, આને મારી વાતની કદર છે. મારા શબ્દોની એને પડી છે. મારી એક એક વાત એ ગંભીરતાથી લે છે. કાન ધરવો એ આધાર અને આદર આપવાનો જ એક પ્રકાર છે. જેના પ્રત્યે આદર હોય એની વાત પણ આપણે ધ્યાનથી સાંભળતા હોઇએ છીએ. એક વાત એ પણ યાદ રાખવા જેવી છે કે, જો વાત સાંભળવાનું ઘટી જશે તો સામા પક્ષેથી વાત કહેવાનું પણ બંધ થતું જશે. એને મારી વાતોમાં ક્યાં કોઈ રસ જ રહ્યો છે! એને કંઈ કહેવાનો કોઇ મતલબ નથી! એણે કોઇની વાત સાંભળવી જ નથી. વાત એકબીજાને જોડી રાખે છે, જો એ પ્રેમથી કહેવાતી અને ધ્યાનથી સાંભળવામાં આવતી હોય તો! વાતો કરો, ત્યારે એ પણ ચેક કરતા રહેજો કે તમારી વાતમાં રસ પડે છે કે નહીં! તમે જેને પ્રેમ કરતા હો, તમને જેના પર લાગણી હોય એની વાત પણ ધ્યાનથી સાંભળતા રહેજો, જો એવું નહીં થાય તો સંબંધનું પોત ધીમેધીમે પાતળું થતું જશે!
છેલ્લો સીન :
આપણી ચોઇસ, આપણી પસંદ અને આપણી માન્યતાઓ આપણી ઇમેજ બનાવતી હોય છે. જે પોતે સુધરેલા હોય છે એણે ઇમેજ સુધારવાનો પ્રયાસ કરવો પડતો નથી! -કેયુ.
(`સંદેશ’, `સંસ્કાર’ પૂર્તિ, તા. 02 એપ્રિલ, 2023, રવિવાર. `ચિંતનની પળે’ કૉલમ)
Kkantu@gmail.com

Krishnkant Unadkat

Krishnkant Unadkat

Leave a Reply

%d bloggers like this: