તું હવે ખોટા ખર્ચા કરવાનું બંધ કરીશ? – ચિંતનની પળે : કૃષ્ણકાંત ઉનડકટ

તું હવે ખોટા ખર્ચા
કરવાનું બંધ કરીશ?

ચિંતનની પળે : કૃષ્ણકાંત ઉનડકટ


ફૂલની હળવાશ જેવા આપણે, બે અધૂરા ગ્લાસ જેવા આપણે,
સાવ સાચી આંખ પણ ક્યાં હોય છે, એટલે આભાસ જેવા આપણે.
-મુકેશ માલવણકર


દરેક માણસ ગણતરીઓ કરતો જ હોય છે. કોઇ એમ કહે કે, મેં ક્યારેય કોઇ ગણતરીઓ કરી જ નથી તો એ ખોટું બોલતો હોય છે. હા, દરેકની ગણતરીઓ જુદી જુદી હોય શકે. ઘણા લોકો એવું માને છે કે, ભેગું કરીને કરવું છે શું? બીજા લોકો એવું વિચારે છે કે, ભવિષ્યનો વિચાર કરીને કંઇક બચાવવું તો જોઇએને? આવક, ખર્ચ, કરકસર, લોભ અને હિસાબ કિતાબમાં પણ દરેકની પોતાની ફિલોસોફી હોય છે. આપણામાં એવું કહેવાય છે કે, પછેડી એવડી સોડ તણાય. તેની સામે એક ભાઇએ એવું કહ્યું કે ના, સોડ તો જેવડી તણાય એટલી તાણવી જોઇએ, પછેડી ટૂંકી હોય તો એને લાંબી કરી દો! મતલબ ખર્ચમાં ઘટાડો કરવાની કંઇ જરૂર નથી, આવક વધારી દો. આવકનું પાછું એવું છે કે, ગમે એટલી હોય તો પણ ઓછી જ લાગે છે. દસ હજારની આવકવાળાને પણ બે છેડા ભેગા કરવામાં નાકે દમ આવી જાય છે અને મહિને લાખ કમાતા હશે તેને પૂછશો તો એ પણ એમ જ કહેશે કે યાર, પૂરું જ નથી થતું! બે છેડા ભેગા કરવામાં ને કરવામાં જિંદગી પૂરી થઇ જાય છે!
સંબંધોમાં પણ ખર્ચની ગણતરીઓ તો થતી જ હોય છે. આપણા બધાની લાઇફમાં એવા લોકો હોય છે જેના માટે ગમે એટલો ખર્ચ કરવામાં આપણે વિચાર કરતા નથી! એ વખતે એવો વિચાર આવી જાય છે કે, એની ઇચ્છા પૂરી ન કરું તો પછી આટલું કમાઇને કરવાનું છે શું? માણસ પોતાના માટે સમાધાનો કરતો હોય છે પણ જ્યારે વાત પોતાના લોકોની આવે ત્યારે એ કહે છે કે, નો કોમ્પ્રોમાઇઝ! એક બાપ-દીકરીની આ વાત છે. બાપને પોતાને ક્યાંય જવું હોય તો એ ટ્રેનના સાદા ડબ્બામાં બુકિંગ કરાવે પણ દીકરીને ક્યાંય જવાનું હોય તો તેના માટે એરકન્ડિશન્ડ કોચમાં જ બુકિંગ કરાવે! દીકરી દર વખતે પિતાને કહે કે, તમે આવું કેમ કરો છો? પિતા એવું કહીને વાત ટાળી દેતા હતા કે, મને તો નાનો હતો ત્યારથી સાદા ડબ્બાની આદત છે. સાચી વાત એ હતી કે, પિતા દીકરીને કોઇ મુશ્કેલી ન પડે અને તેની સફર કમ્ફર્ટેબલ રહે એવું ઇચ્છતા હતા. દીકરીને પણ ખબર હતી કે, પપ્પા પોતે હેરાન થશે પણ મને ક્યાંય ઓછું નહીં આવવા દે! આપણા દરેકની લાઇફમાં એવું કોઇ ને કોઇ સ્પેશિયલ હોય છે જેના માટે આપણે કોઇ વિચાર નથી કરતા. ઘણી વખત તો એના માટે જ મહેનત કરતા હોઇએ છીએ! પોતાની વ્યક્તિને રાજી જોઇને રાજી થવાની મજા અલગ જ હોય છે!
પતિ-પત્નીના સંબંધોમાં નાણાકીય વ્યવહારો, ખર્ચ અને કરકસરનો મુદ્દો બહુ મહત્ત્વનો ભાગ ભજવતો હોય છે. ઘર ચલાવવા માટે પણ એક સિસ્ટમની જરૂર પડતી હોય છે, સમજણની જરૂર પડતી હોય છે. એક વ્યક્તિ ખર્ચ કરવામાં ધ્યાન રાખતી હોય અને બીજી ઉડાઉ હોય ત્યારે સમસ્યા ઊભી થવાની છે. બેમાંથી એક વધુ પડતા લોભી હોય તો પણ પ્રોબ્લેમ ઊભા થાય છે. એક પતિ-પત્નીની આ સાવ સાચી વાત છે. પત્ની એક એક રૂપિયો વાપરવામાં વિચાર કરે. ખોટા ખર્ચા ન કરે. બચત પણ પૂરતી કરે. પતિને પણ એ ગમતું. અલબત્ત, અમુક બાબતે પતિ-પત્નીને ઝઘડા પણ થતા. એક વખત ઘરમાં ખર્ચ કરવાની વાત થઇ ત્યારે પત્નીએ ના પાડી દીધી. એવી ક્યાં કંઇ જરૂર છે? ચાલે જ છેને? પતિએ કહ્યું, ચલાવવું હોય તો આખી જિંદગી ચાલે પણ શા માટે ચલાવવું જોઇએ? આખરે રૂપિયા છે શેના માટે? ખર્ચ કરવામાં ધ્યાન રાખીએ એ બરાબર છે પણ અમુક રકમ મજા અને આરામ માટે પણ વાપરવી જોઇએ. મનને મારીને મની બચાવવાથી કંઇ મળી જવાનું નથી. ફાઇનાન્સિયલ પ્લાનિંગ કરીએ એ જરૂરી છે પણ પ્લાનિંગ થઇ જાય અને બધું પરફેક્ટ હોય પછી થોડુંક મરજી મુજબ જીવવાનું કે નહીં?
એક બીજો કિસ્સો પણ રસપ્રદ છે. પત્ની શોપિંગની વાત કરે એટલે પતિ એને તરત જ લઇ જાય. પત્ની બધું જુએ પણ કંઇ ખરીદે નહીં. બહુ મોંઘું છે એમ કહીને મૂકી દે. પતિએ એને કહેવું પડે કે, કંઈક તો લે! આમ આટલું બધું ફરે છે અને કંઇ લે નહીં એ થોડું ચાલે? એક તબક્કે તો પતિએ એવું કહ્યું કે, તું પ્રાઇઝ ટેગ જોવાનું જ બંધ કરી દે. શું ગમે છે અને કેવું લાગે છે એ જ જો. ગમતું હોય તો પછી ખર્ચનો બહુ વિચાર નહીં કરવાનો. આપણને પોસાય છે એટલે બહુ ચિંતા કરવાની જરૂર નથી.
એક કપલ હોટલમાં જમવા જાય ત્યારે પતિ વાનગીનો ભાવ જોઇને ઓર્ડર આપે. એક વખત સારી હોટલમાં જમવા જવાનું નક્કી કર્યું ત્યારે પત્નીએ એવું કહ્યું કે, તું રહેવા જ દે. આપણે સ્ટ્રીટ ફૂડ ખાઇ લઇએ. મને પાણીપૂરી અને ભેળપૂરીમાં પણ વાંધો નથી. બધું ચાલશે પણ હોટલમાં ગયા પછી તું ડિશના ભાવ જુએ એ નહીં ચાલે! મોંઘી હોટલમાં જઈએ તો ભાવ તો વધુ હોવાના જ છે. ફાઇવ સ્ટારમાં જઈને તમે સાદી હોટલના ભાવની અપેક્ષા રાખો એ વાજબી નથી. ખર્ચ કેટલો કરવો, ક્યાં કરવો, કરવો કે ન કરવો, એ મુદ્દે માણસ પોતે સમજે અને સાથે હોય એને પણ વાત ગળે ઊતરે એ જરૂરી હોય છે. સંબંધ કોઇપણ હોય ખર્ચથી માણસ મપાતો હોય છે. આપણે ઘણા એવા લોકો જોયા હોય છે જેને પોસાતું હોય તો પણ દુ:ખી થતા હોય છે. આપણને એવો વિચાર આવ્યા વગર ન રહે કે એને ક્યાં કંઈ ખોટ છે કે લોભ કરે છે? એક વસ્તુ યાદ રાખવાની હોય છે કે, નાણાં આપણા માટે છે આપણે નાણાં માટે નથી. બચત જરૂરી છે પણ એક સિક્યોરિટી થઇ જાય પછી બહુ વિચાર કે ચિંતા કરવાની જરૂર હોતી નથી.
એક પતિ-પત્નીની આ વાત છે. પત્નીનો હાથ છૂટો હતો. એક સમયે પત્નીએ એક મોટો ખર્ચ કરવાની વાત કરી. પતિએ એને પ્રેમથી સમજાવી કે, અત્યારે એની જરૂર નથી. જરૂર જણાશે ત્યારે આપણે ચોક્કસ એ વસ્તુ ખરીદીશું. પત્ની નારાજ થઇ. એ બોલવા લાગી, તું તારે કર્યે રાખ બધું ભેગું, ઉપર જઇશ ત્યારે બાંધીને લઇ જવાનો છે? પતિએ કહ્યું કે, બાંધીને નથી લઇ જવાનો પણ તારા માટે રાખીને તો જાઉંને? ખર્ચ કરવાનો હોય કે ન કરવાનો હોય એમાં પણ પ્રેમ ઝળકવો જોઇએ. ઘણી વખત બેમાંથી એકની વાત વાજબી ન હોય ત્યારે એ વિશે ચર્ચા પણ કરવી જોઇએ. એક પતિને ઓનલાઇન શોપિંગની આદત પડી હતી. જરૂર હોય કે ન હોય, એ કંઇક ને કંઇક મંગાવતો જ રહે. એક વખત પત્નીથી ન રહેવાયું. તેણે કહ્યું કે, તું પ્લીઝ, ખોટા ખર્ચા કરવાનું બંધ કરીશ? હા, આપણને ખર્ચ કરવામાં કંઇ વાંધો નથી. આપણી કમાણી સરસ છે પણ કંઇ ખરીદતા પહેલાં એટલું તો વિચાર કે તેની જરૂર છે કે નહીં? ઘરમાં ઘણી વસ્તુઓ એમને એમ પડી છે. આપણે ક્યારેય વિચારીએ છીએ કે, કોઇ વસ્તુ ખરીદી કર્યા પછી આપણે તેનો ઉપયોગ કેટલી વાર કરીએ છીએ? ઘણા કિસ્સામાં તો એવું પણ બનતું હોય છે કે કોઇ વસ્તુ હાથમાં આવે ત્યારે આપણને એ યાદ આવે કે આપણે એ ખરીદી હતી. સાવ ઓછી વાપરી હોય એવી ચીજવસ્તુઓથી કબાટ ભર્યા હોય છે. કબાટ અને કબાડમાં ફેર છે. કબાટ કબાડખાનું ન બનવું જોઇએ. માળિયા પર ખડકલો હોય છે. પોસાતું હોય તો પણ બિનજરૂરી લેતા રહેવાની ઘણાની માનસિકતા હોય છે. રૂપિયાનો ખર્ચ કરવો એ પણ એક આવડત છે, એક કળા છે. આ કળાની ફાવટ જેને ન હોય એ ઘણી વખત પસ્તાતા હોય છે!
છેલ્લો સીન :
લોભ અને કરકસરમાં હાથી-ઘોડાનો ફર્ક છે. આ બંને વચ્ચેનો ભેદ જેને સમજાતો નથી એ આખી જિંદગી ગણતરીઓ કરવામાંથી જ નવરો પડતો નથી. કરકસર પણ થઇ શકે ત્યાં જ કરવી જોઇએ. બધામાં હિસાબ કિતાબ સરવાળે સંબંધોને દાવ પર લગાવી દે છે.                                         –કેયુ.


(`સંદેશ’, સંસ્કાર પૂર્તિ, તા. 22 મે 2022, રવિવાર. `ચિંતનની પળે’ કૉલમ)
kkantu@gmail.com

Krishnkant Unadkat

Krishnkant Unadkat

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *