સ્વાર્થ માટે કે મતલબ
માટે, યાદ કરે છેને?
ચિંતનની પળે : કૃષ્ણકાંત ઉનડકટ
એ સંધિ ને સમાસ, તને સાંભરે કે નહિ?
બે નામ, એક પ્રાસ, તને સાંભરે કે નહિ?
સ્પર્શે ફરી વળ્યા’તા ન્યૂટનના બધા નિયમ,
વિજ્ઞાનનો એ તાસ, તને સાંભરે કે નહિ?
– શીતલ ગઢવી
દુનિયાના કેટલાક વણલખ્યા નિયમો છે, જેને આપણે કોઇ બદલી શકતા નથી. એ નિયમો સામે બળાપો ઠાલવવાનો કે હોબાળો મચાવવાનો પણ કોઇ મતલબ હોતો નથી. આપણે ઘણાનાં મોઢે સાંભળીએ છીએ કે, બધા સ્વાર્થનાં સગાં છે, કામ હોય ત્યાં સુધી વહાલાં થાય છે, કામ પતે એટલે તું કોણ અને હું કોણ. આ વાત સાચી હતી, સાચી છે અને સાચી જ રહેવાની છે. એને સ્વીકારી લેવામાં જ માલ છે. કેટલાક અપવાદ હોય છે, જે દુનિયાની રીતરસમોથી જુદા પડે છે. એનું થોડુંકેય ભલું કર્યું હોય તો એ જિંદગીભર યાદ રાખે છે. બાકી તો સમય બદલે એમ માણસ બદલવાનો જ છે. આપણે ક્યારેય એ વિચારીએ છીએ કે, આપણે કેવા છીએ? જો પ્રામાણિકતાપૂર્વક વિચારીએ અને સ્વીકારીએ તો દુનિયાના જે વણલખ્યા નિયમો છે એને જાણે અજાણે આપણે પણ અનુસરતા હોઇએ છીએ. બીજી વાત એ પણ છે કે, કામ પતે એટલે દૂર થવાના છે એ થવાના જ છે. એક ભાઇની આ સાવ સાચી વાત છે. તેના એક જાણીતા માણસે એને એક કામ સોંપ્યું. એ કામ કરવાની એ ભાઇની દાનત નહોતી. એ ટાળતા હતા. પેલો માણસ પાછળ જ પડેલો હતો. આ દરમિયાનમાં જેને કામ કરવાનું હતું એ ભાઇના એક મિત્રએ તેને કહ્યું કે, તું એનું કામ કરી દઇશ એટલે એ ગુમ જ થઇ જશે. આ વાત સાંભળીને એ ભાઇએ કહ્યું, એમ એવું છે? તો તો એનું કામ કરી જ નાખવા દે, જો એ રીતે પણ તેનાથી જાન છૂટતી હોય તો! અમુક લોકોનાં કામ કરીએ ત્યારે જ એ નક્કી કરી લેવાનું કે હવે આને પાછું કંઇક કામ પડશે ત્યારે જ દેખાવાનો છે!
કેટલાક લોકો તો દૂર રહે એ જ સારું છે. એક વડીલ હતા. તેની પાસે એક યુવાન આવ્યો. તેણે એક કામ કહ્યું. વડીલને એમ પણ કહ્યું કે, તમને એમ થશે કે હું કામ હોય ત્યારે જ આવું છું! આ વાત સાંભળીને વડીલે કહ્યું કે, કામ હોય ત્યારે જ આવજે, મારી પાસે પણ ફાલતુ સમય નથી. ઘણા લોકો વારંવાર સારું લગાડતા હોય છે. આપણને પણ ખબર જ હોય છે કે, જરૂર પડ્યે કામ લાગીએ એટલે જ આ ભાઇ સલામ ભરે છે, બાકી તો એ નજરેય ન પડે! એવા લોકો ઘણી વખત આપણો સમય પણ બગાડતા હોય છે. એક ભાઇ આવું જ કરતા હતા. દર થોડા દિવસે ફોન કરીને ખબરઅંતર પૂછે. એક વખત એ જેને ફોન કરતા હતા એનાથી ન રહેવાયું. પેલા ભાઇએ ફોન કર્યો એટલે તેણે કહ્યું કે, તું વારંવાર ફોન ન કર, મારે તારું કંઇ કામ હશે તો તને કહી દઇશ, બાકી મનમાં એમ ન રાખ કે તું ફોન નહીં કરે તો હું તારું કામ નહીં કરું!
ઘણા લોકોને અલબત્ત જી હજૂરી ગમતી પણ હોય છે. એ એવું ઇચ્છતા પણ હોય છે કે, જેનું કામ કર્યું હોય એ સલામ મારતા રહે. એક ભાઇ હતા. એમનો એક જાણીતો યુવાન તેમની પાસે ગયો અને કહ્યું કે, એક કામ હતું. પેલા ભાઇએ ટોણો માર્યો, આમેય તું ક્યાં કોઇ કામ વગર ફરકે છે. કામ હોય ત્યારે જ હું યાદ આવું છું. પેલો યુવાન પણ મોંફટ હતો. તેણે કહ્યું, તો તમે શું એવું ઇચ્છો છો કે, તમે કામ કરી આપો એ પછી હું તમારી આસપાસ પૂંછડી પટપટાવતો ફરું? કામ કરવું હોય તો કરો, બાકી તમારી મરજી. ખોટી જી હજૂરી આપણને નહીં ફાવે. હા, કોઇ કામ હોય તો ચોક્કસ કહેજો, અડધી રાતે હાજર થઇ જઇશ. આપણી પાસે હથિયારો હોય એને લડવાનું હોય ત્યારે જ બહાર કાઢવાનાં હોય, ખોટેખોટા કોઇને દેખાડતા ન ફરાય!
બીજી એક સાવ સાચી ઘટના છે. એક વડીલ હતા. તેમણે એક યુવાનનું કામ કર્યું હતું. કામ પતી ગયું એ પછી એ યુવાન ન દેખાયો. એ દરમિયાનમાં થયું એવું કે, એ વડીલને એ યુવાનનું કામ પડ્યું. વડીલે તેને ફોન કર્યો. વડીલે કહ્યું કે, તારું એક કામ હતું. વડીલની વાત સાંભળીને એ યુવાને કહ્યું, કામ ગમે તે હોય એ તો હું કરી જ આપીશ, પણ તમે મને કામ માટે યાદ કર્યો એ મારા માટે મોટી વાત છે. તમારો ગણ હું ક્યારેય ભૂલવાનો નથી. વડીલે પણ કહ્યું, અમુક સંબંધો સંઘરેલા સોના જેવા હોય છે, એને સમય આવ્યે અને જરૂર પડ્યે જ યાદ કરવાના હોય. મને ખબર જ છે કે, તું કેવો છે, એટલે જ બીજા કોઇને નહીં ને તને કહ્યું છે. બીજી એક ઘટના પણ રસપ્રદ છે. એક ભાઇએ તેના જાણીતાને ફોન કર્યો કે, તારું એક કામ છે. એમણે કામ કહ્યું. હવે જે કામ એમણે કહ્યું હતું એ એનાથી થાય એમ નહોતું. તેણે પોતાના એક અંગત મિત્રને ફોન કરીને કહ્યું કે, યાર ગમે તે થાય, આ કામ કરવાનું છે. પેલા માણસે પૂછ્યું, એવું તે શું છે? તેણે કહ્યું કે, એ માણસે મને પહેલી વખત કામ સોંપ્યું છે. હું તો રાહ જોતો હતો કે હું એમને કંઇક કામ લાગું. હવે એમણે કહ્યું છે એટલે મારે કરવું જ પડે. તું મને મદદ કર. ઘણાનાં મોઢે આપણે સાંભળતા હોઇએ છીએ કે, કામ શું છે એ કહેને, કેવી રીતે કરવું એ મારે જોવાનું છે!
કામનું એક તથ્ય એ છે કે, કોઇનું કામ કરીને પછી ભૂલી જવાનું, કોઇ અપેક્ષા જ નહીં રાખવાની. અપેક્ષા રાખીએ તો દુ:ખ થાયને? એક યુવાન હતો. તેની સારી એવી પહોંચ હતી. બધા લોકો તેની પાસે કામ માટે આવે, કામ પતે એટલે ગુમ થઇ જાય. એક વખત એ યુવાન એક સંત પાસે ગયો. સંતને કહ્યું કે, કામ હોય ત્યાં સુધી પ્રેમ, લાગણી અને મતલબ છે, કામ પત્યું એટલે બધું પૂરું. સંતે કહ્યું કે, સારી વાત છેને! કામ માટે તો કામ માટે પણ તારી પાસે આવવું તો પડે છેને? એક વાત યાદ રાખ, તારી પાસે કામ માટે આવે છે એ તારી તાકાત છે. નવરાં અને નક્કામાં લોકોને કોઇ કંઇ કહેતું નથી. તને ખબર છે, કામ માટે લાયક બનવું પડતું હોય છે. કોઇ કામ માટે તારી પાસે આવે ત્યારે ભગવાનનો આભાર માનજે કે તને એટલો સક્ષમ બનાવ્યો કે, કોઇનાં કામ કરી શકે. બાકી, માણસો પોતાનું પણ કંઇ કરી શકતા નથી! કુદરતની કેટલી કૃપા કે બધા કામ માટે તારી પાસે આવે છે, તારે કોઇ પાસે જવું પડતું નથી! તારાથી થાય એટલું કરવાનું, ખુશ થવાનું કે તું કોઇને ઉપયોગી થઇ શક્યો છે. આપણે જે સારાં કામો કર્યાં હોય એ આપણે યાદ રાખીએ કે ન રાખીએ, પણ એ જમા થતાં હોય છે. એ ક્યારે કામ લાગે અને ક્યારે ઉપયોગી નીવડે એની કોઇને કલ્પના નથી હોતી. સારી વાત તો એ છે કે, જિંદગીમાં ક્યારેય કોઇનું કંઇ કામ જ ન પડે. અલબત્ત, ક્યારેક કોઇકનું કામ પડવાનું છે. કોઇનું કામ કર્યું હશે તો ક્યારેક કલ્પના પણ કરી ન હોય એ રીતે કામ લાગશે. બીજું બધું તો ઠીક છે, કોઇ કામ સોંપે ત્યારે માનજો કે તમારું કંઇક વજૂદ છે કે લોકો તમારી પાસે આવે છે. બાકી દુનિયામાં ક્યાં કોઇની પાસે કશા માટે ફુરસદ છે? હમણાં એક સરસ વાત વાંચવા મળી કે, આંધળો માણસ દેખતો થાય એ પછી સૌથી પહેલાં એ જ લાકડીનો ઘા કરી દે છે, જેણે એને અંધાપામાં સૌથી વધુ સાથ આપ્યો હોય છે!
છેલ્લો સીન :
સ્વમૂલ્યાંકન જેવી કપરી બાબત બીજી કોઇ નથી. મોટા ભાગે માણસો પોતાને સમજવામાં જ થાપ ખાઇ જતા હોય છે. જેને પોતાની તાકાત અને પોતાની મર્યાદાઓ ખબર છે એ જિંદગીને બેલેન્સ કરી જાણે છે. -કેયુ
(`સંદેશ’, `સંસ્કાર’ પૂર્તિ, તા. 05 જાન્યુઆરી, 2025, રવિવાર. `ચિંતનની પળે’ કૉલમ)
kkantu@gmail.com