મને લાગે છે કે હવે મારી કોઈ જરૂર નથી! – ચિંતનની પળે

મને લાગે છે કે હવે

મારી કોઈ જરૂર નથી!

ચિંતનની પળે : કૃષ્ણકાંત ઉનડકટ

ખલા કો છૂ કે આના ચાહતા હૂં,

મૈં ખુદ કો આજમાના ચાહતા હૂં,

મેરી ખામોશિયોં કી બાત સુન લો,

ખામોશી સે બતાના ચાહતા હૂં.

-પ્રખર માલવીય ‘કાન્હા’.

 

ક્યાં સુધી પકડી રાખવું અને ક્યારે છોડી દેવું એટલી સમજ જેનામાં હોય એ માણસ પોતાનું સન્માન હંમેશાં માટે જાળવી શકે છે. આપણને જરાસરખો પણ અંદાજ કે અણસાર આવે કે હવે આપણે અહીં અનવોન્ટેડ છીએ ત્યારે ક્વિટ કરી જવું એ સાચું શાણપણ છે. આપણે જેટલી તીવ્રતાથી પકડી રાખીએ એટલી ઉગ્રતાથી આપણને ઉખાડીને ફેંકી દેવાતા હોય છે. આમ તો સાચી વાત એ છે કે બોલાવે નહીં ત્યાં સુધી જવું નહીં અને સલાહ માગે નહીં ત્યાં સુધી કંઈ કહેવું નહીં. માનો કે બોલાવે તો પણ ક્યાં સુધી રહેવું અને કેટલું ઇન્વોલ્વ થવું એ આપણે નક્કી કરવાનું હોય છે. કોઈ સલાહ માગે તો પણ આપણો મત વ્યક્ત કરીને મૂંગા થઈ જવું જોઈએ. આપણો પ્રોબ્લેમ ઘણી વખત એ હોય છે કે આપણાથી કંઈ છૂટતું નથી. જે છોડી નથી શકતા એને છોડી દેવાતા હોય છે.

આપણી લિમિટ આપણે નક્કી ન કરીએ ત્યારે આપણને આપણી મર્યાદા કહી દેવાતી હોય છે. ઘણા લોકોને તો ચોખ્ખેચોખ્ખું કહી દેવાતું હોય છે કે પ્લીઝ, હવે તમે આ મામલામાં ઇન્વોલ્વ થતાં નહીં, છતાં પણ એ કેડો મૂકતા નથી. કોઈની ઇચ્છા વગર કોઈની અંગત તો શું જાહેર બાબતોમાં પણ દખલ કરવી એ એક પ્રકારનું એન્ક્રોચમેન્ટ જ છે. તમારા વિચાર, તમારું અસ્તિત્વ, તમારું મંતવ્ય, તમારી હાજરી કોઈના પર થોપવાનો પ્રયાસ એક અપકૃત્ય જ છે. આઈ એમ ઓલવેઝ ધેર ફોર યુ એવું કહેવું જોઈએ, પણ એને આપણી જરૂર હોય ત્યારે જ. કોઈ આપણને સામે ઇચ્છતું ન હોય અને આપણે એની આજુબાજુમાં ફરતા રહીએ એ પણ એક જાતનું ટોર્ચર જ છે.

હમણાંની જ એક વાત છે. એક દીકરી મેડિકલનું ભણવા માટે હોસ્ટેલમાં ગઈ. મા-બાપની એકની એક દીકરી હતી એટલે ખૂબ જ લાડકી હોય એ સ્વાભાવિક છે. આ દીકરીએ જ કહ્યું કે, હું મારાં મમ્મી-ડેડીથી તંગ આવી ગઈ છું. એમને મારા પ્રત્યે અનહદ લાગણી છે એ મને ખબર છે. મને પણ એ બંને પ્રત્યે ખૂબ જ પ્રેમ અને આદર છે, પણ દરેક નાની-નાની વાતોમાં એ પૂછ-પૂછ કરે છે એ મને નથી ગમતું. સવારના પહોરમાં ઊઠીને ફોન કરશે કે તું ઊઠી ગઈ? નાસ્તો કર્યો? બરાબર જમી લેજે! ક્લાસ કેવા રહ્યા? તારે કંઈ જોઈએ છે? રાતે મોડે સુધી વાંચતી હોય તો કહેશે કે હજુ સૂતી નથી!

એક વાર તો મેં મમ્મી-ડેડીને બેસાડીને બહુ સલૂકાઈથી કહ્યું કે, મારી આટલી બધી ચિંતા ન કરો. હવે હું કંઈ નાની નથી એવું કહેવાનો મારો જરાયે ઇરાદો નથી, પણ હું અમુક નિર્ણયો કરી શકું છું. મને ભૂખ લાગશે તો હું જમી લઈશ. કંઈ જોઈતું હશે તો માગી લઈશ. તમે પ્લીઝ મને મારી રીતે રહેવા દો. આ વાત સાંભળીને મમ્મી રડવા લાગી. હવે તને અમારો ભાર લાગે છે. અમારે તારા સિવાય કોણ છે? તું તો અમારો આધાર છે. તારી ચિંતા ન થાય તો કોની થાય? દીકરીએ કહ્યું કે, મા એવું નથી. હું તમારી લાગણી સમજુ છું. તમારો આદર કરું છું. આ તો મને એવું લાગે છે કે તમે વધુ ચિંતા કરી રહ્યાં છો. ઘણાં સંતાનોને મા-બાપના એટલા બધા ફોન આવતા હોય છે કે રિંગ વાગે અને સ્ક્રીન પર નામ જુએ કે તરત જ થાય કે આ માનું કે બાપનું શું કરવું?

સાવ ફોન ન કરવા એવું પણ ન હોવું જોઈએ. એમ પણ ન લાગે કે મારી કંઈ પડી જ નથી. દરેક સંબંધમાં એક લાઇન હોય છે જે ચુકાવવી ન જોઈએ. હોસ્ટેલમાં જ ભણતી એક દીકરીને પિતાએ મેસેજ કર્યો. દીકરા, ફ્રી છો? ફ્રી ન હોય તો તું ફ્રી થાય ત્યારે ફોન કરજે. નથિંગ અરજન્ટ. દીકરીએ મેસેજ વાંચી તરત જ ફોન કર્યો. યસ ડેડ, તમારે મેસેજ કરવાનો હોય? ફોન કરી લેવાયને? પિતાએ કહ્યું, ના દીકરા, તું કોઈ કામમાં હોય તો? મને તારા સમયની કિંમત છે. તું ક્લાસમાં પણ હોય કે વાંચતી પણ હોય. અરે! ફ્રેન્ડ્સ સાથે મજા પણ કરતી હોય! મને મારા ટાઇમે તારી સાથે વાત કરવી હોતી નથી, મને તો આપણા સમયે વાત કરવી હોય છે. ઘણા લોકો તો બીજાના સમયની કદર જ કરતા નથી. બોસ હોય કે સિનિયર હોય એ એવું જ માની લેતા હોય છે કે એને તો ગમે ત્યારે ફોન કરાય! કેટલા બોસ, કેટલા સિનિયર્સ કે કેટલા વડીલ મોબાઇલ પર ફોન કરીને એવું પૂછતા હોય છે કે અત્યારે વાત થઈ શકે એમ છે? આપણો આદર આપણે જ નક્કી કરતા હોઈએ છીએ. પ્રેમ, સન્માન, આદર માગવાથી કે છીનવવાથી મળતો નથી, એ તો સહજ રીતે જ મળતો હોય છે. આપણે આપણી મર્યાદા ન ચૂકીએ તો જ સામેવાળો એની મર્યાદા જાળવે.

આપણે ઘણી વખત આપણી જાતને જ કોઈ માટે મહત્ત્વના સમજી લઈએ છીએ એટલા મહત્ત્વના એના માટે હોતા નથી. એને મારી જરૂર છે એવું માનીને ઘણા લોકો ધરાર ઘૂસતા હોય છે. એની દાનત ખરાબ હોતી નથી, પણ સમજદારીમાં અભાવ તો જરૂર હોય છે. માનો કે કોઈને આપણી મદદ, સહાનુભૂતિ, સાંત્વન કે સાંનિધ્ય જોઈતું હોય તો આપવું જોઈએ, પણ એની પણ એક હદ હોય છે. એ સ્વસ્થ થાય પછી એને મુક્ત કરી દેવા જોઈએ. ઓવર પેમ્પિરિંગ કે ઓવર કેર પણ વાજબી હોતી નથી. હવે તું કર, મારી ક્યાંય પણ જરૂર હોય તો મને કહેજે, હું તારા માટે હાજર જ છું. આપણને જે વ્યક્તિ પ્રત્યે લાગણી હોય એ પોતાના પગ ઉપર ઊભો થાય અને માનસિક રીતે સ્વસ્થ રહે એ માટે પણ તેને એના હાલ ઉપર છોડવા જોઈએ.

એક યુવાનની આ વાત છે. એક સમયે તેને ડિપ્રેશન આવ્યું. બધા મિત્રો તેનું ધ્યાન રાખતા હતા. તેને કોઈ ખરાબ વિચાર ન આવે, તે કંઈ નબળું ન વિચારે એની પૂરી દરકાર રાખે. ટ્રીટમેન્ટ અને કાઉન્સેલિંગ પણ ચાલતું હતું. આખરે એ યુવાન ડિપ્રેશનમાંથી બહાર આવી ગયો. એના મિત્રો પછી પણ એનું એવું જ ધ્યાન રાખતા. એ યુવાનને તો ફ્રેન્ડ્સ તરફથી સ્પેશિયલ ટ્રીટમેન્ટ મળતી હતી તેમાં મજા આવવા લાગી. ધીમે ધીમે તો એને આદત પડી ગઈ કે બધા એની કેર કરતા રહે. યુવાનના સમજુ પિતાએ એક દિવસ બધા મિત્રોને ભેગાં કરીને કહ્યું કે, તમે બધાએ જે કર્યું છે એ દાદ માગી લે એવું છે. જોકે, હવે એને છોડી દો. એને તો પેમ્પરિંગથી મજા આવવા માંડી છે. હવે તમે એને રેઢો નહીં મૂકો તો એની પેમ્પર થવાની દાનત જ નહીં બદલાય. પગમાં ફ્રેક્ચર થાય અને ઘોડીથી ચાલવું પડે એ સમજી શકાય એવું છે, પણ ફ્રેક્ચર સાજું થઈ જાય પછી તો ઘોડી મૂકી જ દેવી પડે. ફિઝિયો એક્સરસાઇઝ કરીને ફરીથી જાતે જ ચાલવાનું શરૂ કરવું પડે.

‘જનરેશન ગેપ’નું એક અને કદાચ સૌથી મોટું કારણ ‘માનસિક અતિક્રમણ’ હોય છે. એક હદથી વધારે હૂંફ પણ ગૂંગળામણ સર્જતી હોય છે. શિયાળામાં કાતીલ ઠંડીથી બચવા તાપણું કરવામાં આવે છે અને સેફ ડિસ્ટન્સ રાખીને જ તાપવામાં આવે છે. ગમે એવી ઠંડી હોય તો પણ આપણે આગમાં હાથ નાખતા નથી. પ્રેમ ગમે એટલો હોય તો પણ એમાં થોડીક મોકળાશ રહેવી જોઈએ.

દરેકની પોતાની પ્રાઇવસી હોય છે. એ મેઇન્ટેઇન થવી જોઈએ. કોઈની પ્રાઇવસીને રિસ્પેક્ટ કરવી એ પણ સમજદારી જ છે. હજુ આપણે ત્યાં કોઈ એમ કહે કે, મારે થોડો સમય એકલું રહેવું છે, પ્લીઝ લીવ મી અલોન, તો આપણને ગળે ઊતરતું નથી. દરેકને ક્યારેક કંઈ જ ન કરવાનું, કંઈ જ ન બોલવાનું અને કંઈ જ ન વિચારવાનું મન થતું હોય છે. પોતાની જાત સાથે શાંતિ જોઈતી હોય છે. પોતાને ફીલ કરવી હોય છે. તમે કોઈને ફીલ ન કરવા દો ત્યારે તમારે સમજવું જોઈએ કે તમે કોઈની ‘ફીલ’ને ‘કિલ’ કરી રહ્યા છો. એવો અધિકાર કોઈને હોતો નથી પછી એ ભલેને ગમે એટલી અંગત હોય.

એક પતિ-પત્નીની વાત છે. બંને ખૂબ જ પ્રેમથી રહે. બેમાંથી કોઈને એકલું રહેવું હોય તો આરામથી રહે. પત્ની કે પતિ કહીને જ જાય કે મને મારી મસ્તીમાં રહેવા દેજે. એ રૂમમાં ચાલી જાય. એને કંઈ જ ડિસ્ટર્બ ન થાય એની કાળજી રાખવામાં આવે. એક વખત દોઢ કલાક પછી પત્ની બહાર આવી. તેણે પતિને પૂછ્યું કે, તને ક્યારેય એમ નથી થતું કે આ સમય દરમિયાન તું શું વિચારતી હતી? પતિએ કહ્યું કે ના, મને ખબર છે કે જે કહેવા જેવું હોય એ તું મને કહેવાની જ છે અને જે તારા પૂરતું રાખવું હોય એ રાખવાનો પણ તને અધિકાર છે. તારા અસ્તિત્વ ઉપર જ નહીં, હું તો વિચાર ઉપર પણ આધિપત્ય જમાવવા માગતો નથી. આપણા ગાઢ પ્રેમનું કારણ જ એકબીજાને અપાતી સ્પેસ છે.

સંબંધમાં એકબીજાને પોતાના માટેનો સમય પણ આપવો જોઈએ. દોસ્તી કે બીજા સંબંધોમાં ક્યારેય વધુ પડતું ઇન્ટરફિયર ન કરવું જોઈએ. જ્યારે લાગે કે હવે હટી જવાની જરૂર છે ત્યારે ખસી જવું. ઘણાને બેક સીટ ડ્રાઇવિંગની એટલી બધી આદત હોય છે કે અકસ્માત ન સર્જાય ત્યાં સુધી એને અહેસાસ જ નથી થતો કે ભૂલ મારી હતી, ગાડી ચલાવનારાની નહીં. અમુક સમયે સંબંધો તૂટે ત્યારે કારણભૂત આપણે જ હોઈએ છીએ.

 

છેલ્લો સીન :

અન્ય પર વિજય મેળવનાર બળવાન છે, સ્વયં પર વિજય પ્રાપ્ત કરનાર મહાન છે.           -લાઓ ત્સે.

(‘દિવ્ય ભાસ્કર’, ‘કળશ’ પૂર્તિ, તા. 10 મે, બુધવાર. ‘ચિંતનની પળે’ કોલમ)

kkantu@gmail.com

 

Krishnkant Unadkat

Krishnkant Unadkat

8 thoughts on “મને લાગે છે કે હવે મારી કોઈ જરૂર નથી! – ચિંતનની પળે

  1. i had feel this kind of feeling in my life recently,
    very very good article & i feel it menat for me..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *