તું ધ્યેય નક્કી કર અને
પછી એને વળગી રહે!
ચિંતનની પળે : કૃષ્ણકાંત ઉનડકટ
મારી જ ભીતરે છતાં મારાથી ગુપ્ત છે,
ચર્ચાય સઘળું મધ્યમાં કાંઠાથી ગુપ્ત છે,
છે ટેરવાં અજાણ અને સોય પણ બધિર,
સંધાઇ જે ગયું છે એ ટાંકાથી ગુપ્ત છે.
-અનંત રાઠોડ `અનંત’
જિંદગી માત્ર જીવવા માટે નથી. જિંદગી કંઇક કરી છૂટવા માટે છે. જિંદગી પોતાની જાતને સાબિત કરવા માટે છે. કંઇ ન કરીએ અને નવરા બેઠા રહીએ તો પણ જિંદગી તો પસાર થવાની જ છે. જિંદગીની ફિતરત જ સતત ચાલતા રહેવાની છે. આપણે એ નક્કી કરવાનું હોય છે કે, મારે મારી જિંદગી કેવી રીતે જીવવી છે? દુનિયામાં જે લોકો કંઇક કરી ગયા છે એ બધાએ પોતાનાં સપનાં સાકાર કરવા માટે સમય અને જિંદગી ખર્ચી છે. નામ ક્યારેય એમ ને એમ થઇ જતું નથી, નામ કરવું પડતું હોય છે. માણસ જેટલી મહેનત કરે એટલે સુધી પહોંચી શકે છે. ઘણા લોકો નસીબની વાત કરતા હોય છે. નસીબ જેવું કંઇક હશે તો પણ નસીબેય પુરુષાર્થ વગર ક્યારેય ચમકતું નથી. દરેકે પોતાની જિંદગી માટે સપનાંઓ જોયાં હોય છે. કંઇક બનવા માટે અને કંઇક હાંસલ કરવા માટે માણસ પ્રયાસો પણ કરતો જ રહે છે. ઘણા કિસ્સામાં માણસ થાકીને પ્રયાસ અધૂરો છોડી દે છે. હિંમત હારી જાય છે. મારાથી નહીં થઇ શકે, હું નહીં કરી શકું, આ મારી ત્રેવડની બહારનું છે, આવું બધું વિચારીને માંડી વાળે છે. માણસ મનથી પહેલાં હારતો હોય છે, મનથી હારી ગયા પછી વાસ્તવિક હાર થયા વગર નથી રહેતી. જે છેક સુધી લડી લેવાનું નક્કી કરે છે એને જ ધાર્યા પરિણામ મળે છે. હવે પૂરું કરીને જંપવું છે, જે થવું હોય એ થાય, પણ મેં જે આદર્યું છે એ અધૂરું છોડવું નથી. એવો નિર્ણય જ સરવાળે સફળતા સુધી લઇ જતો હોય છે.
એક યુવાનની આ વાત છે. એનાં સપનાં ખૂબ જ ઊંચાં હતાં. દર વખતે તેના મોઢે એવી જ વાતો હોય કે, આમ કરી નાખવું છે અને તેમ કરી નાખવું છે. થતું એવું કે, નવું કંઇક શરૂ કરે એ પછી થોડા જ સમયમાં એને એ કામમાં કંટાળો આવવા લાગે. એ જે કામ કરતો હોય એમાં પોતે જ પ્રોબ્લેમ શોધતો રહે અને પછી એવું વિચારે કે આ કામ કરવાથી કંઇ વળવાનું નથી. આના કરતાં તો બીજા ઘણાં કામો કરવા જેવાં છે. થોડા જ દિવસોમાં એ કામ બદલી નાખે. એક વખત તેના મિત્રએ તેને કહ્યું કે, આ તું શું કરે છે? વારંવાર વિચાર અને કામ બદલતો રહે છે. આવું કરીને તો તું તારો સમય, તારી શક્તિ અને તારી સંપત્તિ વેડફી રહ્યો છું. તું એક ધ્યેય નક્કી કર અને પછી એને વળગી રહે. વારંવાર નિર્ણયો બદલવા જોખમી છે.
આપણી આસપાસ એવા ઘણા લોકો હોય છે જેને આપણે પૂછવું પડે છે કે, આજકાલ શું કરે છે? કયું નવું કામ હાથમાં લીધું છે? એક યુવાને કહ્યું કે, મારી પાસે ચાવી છે પણ તાળું નથી એટલે હું બધાં તાળાંને ચાવી લગાવી જોઉં છું અને રાઇટ લોકની રાહ જોઉં છું. તેના મિત્રએ આ વાત સાંભળીને કહ્યું કે, તારો રસ્તો જ ખોટો છે, તું પહેલાં તાળું શોધ અને પછી તેની ચાવી બનાવ. તાળું હશે તો ચાવી બની જશે, પણ ચાવી લઇને જ ફરતો રહીશ તો કદાચ તારે જે તાળું જોઇએ છીએ એ ક્યારેય નહીં મળે. સૌથી પહેલાં નિર્ણય કરવાનો હોય છે અને પછી એ નિર્ણયને સાર્થક કરવાનો હોય છે. નિર્ણય સાર્થક કરવા માટે સંઘર્ષ કરવો પડે છે. નિર્ણય વારંવાર બદલતા રહીએ તો ક્યારેય ધાર્યું હોય ત્યાં સુધી પહોંચી શકાતું નથી. એક સરસ સૂફી કથા છે. એક વખત માખીઓ પરવાના એટલે કે પતંગિયા પાસે ગઇ. તેણે કહ્યું, તમારે તો બહુ સારું છે, પ્રકાશ શોધીને એની પાસે ફરતા રહેવાનું. માખીઓએ પછી કહ્યું કે, તમારું આટલું બધું માન કેમ છે? તમારા અને અમારામાં આમ તો કંઇ ફેર નથી. તમને પણ પાંખો છે અને અમને પણ પાંખો છે, તમેય ઊડો છો અને અમેય ઊડીએ છીએ. તમારા જેટલું જ નામ અને ઇજ્જત અમને પણ મળવાં જોઇએ. એના માટે અમારે શું કરવું જોઇએ? માખીઓની આ વાત સાંભળીને પતંગિયાંઓએ કહ્યું, તમને એવું લાગતું હોય તો જે અમે કરીએ છીએ એ તમે પણ કરવા માંડો. માખીઓએ પૂછ્યું શું? પતંગિયાંઓએ કહ્યું કે, અમે પ્રકાશની શોધમાં જ હોઇએ છીએ. દીવો, મીણબત્તી, લાઇટ કે બીજો કોઇ પ્રકાશ હોય ત્યાં અમે પહોંચીએ છીએ. તમે પણ પ્રકાશની શોધમાં નીકળી પડો. માખીઓ કહે, એમાં શું મોટી વાત છે? આટલું કહીને માખીઓ પ્રકાશની શોધમાં નીકળી પડી. બીજા દિવસે માખીઓ પાછી આવી અને પતંગિયાને કહ્યું કે, અમે પ્રકાશને શોધી લીધો છે. એ પછી માખીઓએ ગણાવવાનું શરૂ કર્યું. પેલા ગામમાં આટલા દીવા છે, ત્યાં મીણબત્તી બળે છે, આટલી જગ્યાએ બલ્બ ચાલુ હોય છે. માખીઓએ કહ્યું, અમે પ્રકાશ શોધી લીધો, હવે તમે શું કહેશો? પતંગિયાએ પછી માર્મિક વાત કરી. તેણે કહ્યું કે, પ્રકાશ મળી ગયો હતો તો પછી પાછા શા માટે આવ્યા? અમારી મંજિલ જ પ્રકાશ છે. મંજિલ મળી જાય પછી પાછા વળવાનું ન હોય. પરવાના તો શમાને પામવા સળગી પણ જતા હોય છે. મંજિલની ખબર હોય એ પૂરતું નથી, મંજિલને મેળવીને એને માણતા પણ આવડવું જોઇએ. આપણી જિંદગીમાં પણ ઘણી વખત એવું થતું હોય છે. જેની ઝંખના હોય એ મળી જાય પછી આપણે એનાથી મોઢું ફેરવી લેતા હોઇએ છીએ. ધ્યેયપ્રાપ્તિ ન થાય ત્યાં સુધી પ્રયાસો કરતા રહેવા પડે છે. ધ્યેય સિદ્ધ થઇ જાય પછી જ ઓળખ બનતી હોય છે.
કોઇ ધ્યેય નક્કી કરીએ ત્યારે એક વાત એ પણ યાદ રાખવાની હોય છે કે, મુશ્કેલીઓ અને પડકારો તો આવવાના જ છે. કોઇ રસ્તો સીધો નહીં હોવાનો. એ વિશે પણ એક સરસ વાત કહેવાતી આવી છે કે, સરળ રસ્તાઓ ઘણી વખત ક્યાંય જતા હોતા નથી. સાચો માણસ એ છે જે બીજાના રસ્તે ચાલતો નથી, પણ પોતાનો માર્ગ પોતે જ બનાવે છે. એક ગામડું હતું. એ ગામમાં એક ખેડૂત રહેતો હતો. ઘરેથી ખેતર સુધી રોજ ચાલીને જાય. એને એક દીકરો હતો. એ પણ તેની સાથે ખેતરે જતો. એક દિવસ દીકરાએ પિતાને પ્રશ્ન કર્યો. આપણે જે રસ્તે જઇએ છીએ એ કેડી કોણે બનાવી? પિતાએ કહ્યું, એ તો મને ખબર નથી. આ કેડી તો વર્ષોથી છે. તું જેમ મારી સાથે આવે છે એમ હું પણ મારા પિતા સાથે આ કેડી પરથી જ જતો હતો. દીકરાએ કહ્યું, તમને નથી લાગતું કે, આપણા માટે આ કેડી ખોટી છે? પિતાને આશ્ચર્ય થયું. તેણે દીકરાને સવાલ કર્યો, કેમ આવું કહે છે? દીકરાએ કહ્યું, આપણું ખેતર તો નજીક છે, આ કેડી ફરી ફરીને જાય છે એટલે આપણે મોટું ચક્કર મારવું પડે છે. એના કરતાં એવું કરીએ તો આપણે આપણા ઘરથી આપણા ખેતર સુધીની નવી કેડી જ બનાવીએ. પિતાને થયું કે, આ વિચાર મને કેમ ક્યારેય ન આવ્યો? ઘણી વખત આપણે જે રસ્તો હોય એના પર જ ચાલતા રહેતા હોઇએ છીએ. બીજો કોઇ રસ્તો હોઈ શકે છે અથવા તો નવો રસ્તો બની શકે એમ છે એના વિશે આપણે ક્યારેય વિચાર જ નથી કરતા. જે કંઇક જુદું વિચારી શકે છે એ જ કંઇક નવું કરી શકે છે. વિચારોને પણ ઘણી વખત મોકળાશ આપવી પડતી હોય છે. વિચારોને બાંધી રાખીએ તો વિચારો પણ એક હદથી વધુ, જુદું, નોખું અને અનોખું વિચારતા નથી. આપણો રસ્તો, આપણી મંજિલ આપણે નક્કી કરવાનાં હોય છે અને ત્યાં સુધી પહોંચવા માટે જે પ્રયાસો કરવા પડે એ કરવામાં પણ ક્યારેય પાછી પાની થવી ન જોઇએ. કુદરતે દરેક માણસને શક્તિ આપી છે, જે શક્તિને પિછાણી જાણે છે એ જ જિંદગીને માણી જાણે છે!
છેલ્લો સીન :
અસમંજસ અને અવઢવમાં જે અટવાય છે એ ક્યારેય ધાર્યું ધ્યેય સિદ્ધ કરી શકતા નથી. મંજિલે પહોંચવા માટે મુકામથી પરિચિત હોવું જરૂરી છે. પોતાની જાત સાથે સ્પષ્ટ રહેવું પડે છે કે આ અને આનાથી ઓછું કે ઊતરતું ક્યારેય નહીં! -કેયુ
(`સંદેશ’, `સંસ્કાર’ પૂર્તિ, તા. 29 ડિસેમ્બર, 2024, રવિવાર. `ચિંતનની પળે’ કૉલમ)
kkantu@gmail.com