જૂનો પ્રેમી કે જૂની પ્રેમિકા મળે તો તમે કેવી રીતે વર્તો? – દૂરબીન : કૃષ્ણકાંત ઉનડકટ

જૂનો પ્રેમી કે જૂની પ્રેમિકા મળે

તો તમે કેવી રીતે વર્તો?

દૂરબીન : કૃષ્ણકાંત ઉનડકટ

પ્રેમ વિશે એવું કહેવાતું આવ્યું છે કે, પ્રેમ તો બસ થઈ જાય છે.

અચાનક કોઈ જિંદગી જીવવાનું કારણ બની જાય છે.

પ્રેમી કે પ્રેમિકા જ્યારે એકબીજાના ન થઈ શકે ત્યારે

એક વેદના જિંદગીભર પજવતી રહે છે

વિયેતનામમાં એક અનોખો મેળો યોજાય છે, જ્યાં જૂના પ્રેમીઓ

વર્ષે એક વખત મળે છે. એ લોકો શું વાતો કરતાં હશે?

દરેક પ્રેમ સફળ નથી થતા. અમુક અધૂરા રહી જાય છે. ચાર આંખોએ જોયેલું સપનું અચાનક કડડડભૂસ થઈને તૂટી પડે છે. જેની સાથે આખી જિંદગી જીવવાનાં અરમાનો હોય એનો સાથ અચાનક છૂટી જાય ત્યારે જિંદગીમાંથી રસ ઊડી જાય છે. દરેક લવસ્ટોરીમાં કોઈ વિલન હોય છે. એ માણસના સ્વરૂપે જ હોય એવું જરૂરી નથી. ક્યારેક એ સંજોગો, પરિસ્થિતિ કે અમીરી-ગરીબી પણ હોય છે. પ્રેમથી છૂટા પડ્યા હોઈએ તો પણ જે યાદો હોય એ કેવી રીતે ભૂલવી? તૂટેલાં સપનાંની કરચો ચૂભતી રહે છે. જે જીવનસાથી હોય એ કદાચ અગાઉના પ્રેમી કે પ્રેમિકા કરતાં સારો કે સારી હોય, પણ એ તો નથી જ હોતા જેના માટે ફના થઈ જવાની પણ તૈયારી હતી. એક સરખામણી ચાલતી રહે છે. જો એ મારી જિંદગીમાં હોત તો કદાચ જિંદગી જુદી હોત. માણસને જે નથી મળ્યું હોતું એ હંમેશાં સારું લાગતું હોય છે. વાસ્તવિકતા કરતાં કલ્પનામાં જીવતો માણસ જો અને તો વચ્ચે ઝૂલતો રહે છે. ખેર, કોણ મળે અને કોણ ન મળે, એ તો કિસ્મતની વાત છે. પેલી પંક્તિ સાંભળી છે ને? તકદીર બનાને વાલે, તુને તો કોઈ કમી નહીં કી, અબ કિસકો ક્યા મિલા યે તો મુકદ્દર કી બાત હૈ.  

પ્રેમમાં પડ્યા પછી રસ્તાઓ ફંટાઈ જાય, એકબીજાથી દૂર થઈ જવાય, કોઈ સંપર્ક ન રહે અને એ વ્યક્તિ અચાનક મળી જાય તો? શું વાત થાય? આ સવાલ કરવાનું મન થવા પાછળ એક ઘટના છે. વિયેતનામમાં ચાઇના બાર્ડર નજીક પહાડી વિસ્તારમાં ખાઉ વેઇ નામનું એક નાનકડું ગામ આવેલું છે. દર વર્ષે ત્યાં એક એવો મેળો ભરાય છે જેનો જોટો દુનિયામાં ક્યાંય જોવા મળતો નથી. આ મેળામાં જૂનાં પ્રેમીઓ ભેગાં થાય છે. લુનર યરના ત્રીજા મહિને તારીખ 26 અને 27 એમ બે દિવસ માટે યોજાતા આ મેળામાં એવાં પ્રેમીઓ આવે છે, જે એકબીજાના થઈ શક્યાં નથી. આ પરંપરા સદીઓથી ચાલી આવે છે. ખાઉ વેઇ અને આજુબાજુનાં નાનાં-નાનાં ગામોમાં નુંગ, ટે, લો લો, ડઝાઓ, ગીએ, હમોંગ, સાન ચી જેવી આદિવાસી જાતિઓ વસે છે. એ લોકો પોતાના જૂના પ્રેમી કે પ્રેમિકાને મળવા આ મેળામાં આવે છે. આ મેળો આદિવાસી સંસ્કૃતિનો એક હિસ્સો બની ગયો છે. આ પરંપરા કેવી રીતે ચાલુ થઈ એની પાછળ એક ટ્રેજિક લવસ્ટોરી છે.

દાયકાઓ પહેલાંની વાત છે. હા ગુએંગ નામના ગામમાં ગીએ જાતિની એક છોકરી રહેતી હતી. તેને કાઓ બેંગ નામના ગામમાં રહેતા નુંગ જાતિના એક છોકરા સાથે પ્રેમ થઈ ગયો. બંને પહેલાં તો સંતાઈ સંતાઈને મળતાં હતાં. જોકે, પ્રેમ લાંબો સમય છૂપો રહેતો નથી. બંને પકડાઈ ગયાં. બંનેની જાતિના મોભીઓએ તેને કહી દીધું કે, તમારે હવે એકબીજાને મળવાનું નથી. પ્રેમીઓ થોડું કોઈનું કંઈ સાંભળે છે? એ તો કોઈને ખબર ન પડે એમ એકબીજાને મળતાં રહ્યાં. વાતો બહાર આવી એટલે બંને પર પહેરો લાગી ગયો. વાત એટલી વણસી કે બંને જાતિઓ વચ્ચે વેરઝેર થઈ ગયાં. કેટલાય લોકોના જીવ ગયા. પ્રેમી અને પ્રેમિકાથી એ જોવાતું ન હતું. આખરે એ બંનેએ નક્કી કર્યું કે, આપણે પ્રેમથી જુદાં પડી જઈએ એટલે આ મારામારી અને કાપાકાપીનો અંત આવે. જુદા પડતી વખતે બંનેએ એકબીજાને વચન આપ્યું કે, ગમે તે થાય, કોઈને ખબર ન પડે એ રીતે આપણે વર્ષે એક વખત બે દિવસ માટે મળીશું. એ બંને દર વર્ષે મળતાં અને એકબીજા વગરના 363 દિવસ કેવી રીતે વિતાવ્યા તેની વાતો કરતા. બસ, ત્યારથી આ મેળો યોજાય છે અને પ્રેમીઓ વર્ષે એક વાર ભેગાં થાય છે.

જરાક કલ્પના કરો તો, વર્ષે એક વખત મળતાં એ લોકો શું વાતો કરતાં હશે? હવે આ પ્રશ્નને જરાક જુદી રીતે વિચારો કે, તમે જો એમાંના એક હોવ તો તમે શું વાત કરો? કેટલા પ્રેમીઓ પ્રેમથી જુદા પડતા હોય છે? મોટાભાગે તો આક્ષેપો, ફરિયાદો અને કડવાશ જ હોય છે. બહુ ઓછા લોકો પ્રેમથી મળી શકતા હોય છે.

આ મેળાની વાત સાંભળીને તમને એવું નથી લાગતું એ લોકો આપણા સમાજ કરતાં વધુ પ્રોગ્રેસિવ હશે? આપણે ત્યાં તો જૂના પ્રેમી કે જૂની પ્રેમિકાને સરાજાહેર મળવું એ દાંપત્યજીવન માટે જોખમી સાહસ સાબિત થાય છે. આ મેળામાં એક પત્રકારે એક છોકરીને પૂછ્યું કે, તારો પતિ એની જૂની પ્રેમિકાને મળવા જાય છે તો તને કંઈ નથી થતું? એ છોકરીએ કહ્યું કે, ના. કંઈ જ નથી થતું. હું પણ મારા જૂના પ્રેમીને મળવા જાઉં છું. એ મને નથી રોકતો કે હું તેને નથી અટકાવતી. આપણે ત્યાં તો એ વાતની ખબર પડે કે મારો પતિ કે મારી પત્ની મને મળ્યાં એ પહેલાં એને કોઈની સાથે પ્રેમ તો શું દોસ્તી પણ હતી, તો આપણો ગરાસ લૂંટાઈ જાય છે. શંકાના કારણે કેટલાંયે ઘરો બરબાદ થયાં છે. શું સારું અને શું ખરાબ, શું સાચું અને શું ખોટું, એમાં બહુ પડવા જેવું નથી. દરેકની પોતાની માન્યતા અને માનસિકતા હોય છે. અત્યારના હાઇટેક જમાનામાં તો લોકો સોશિયલ મીડિયા પર જૂની પ્રેમિકા કે જૂના પ્રેમીના ફોટા અને સ્ટેટસ જોઈને મન મનાવી લે છે. મળેલા કે ન મળેલા પ્રેમનો એક ગ્રેસ હોય છે. ગ્રેસ નથી ગુમાવતા એ લોકો ગ્રેટ હોય છે. 

પેશ-એ-ખિદમત

ગમ ઔર ખુશી દોનોં હર રોજ કે મેહમાં હૈં,

યે સુબ્હ-બ-સુબ્હ આઇ વો શામ-બ-શામ આયા,

ફેંકે હુએ શીશોં સે દિલ કિતને બનાએ હૈં,

જબ જામ કોઈ ટૂટા દીવાનોં કે કામ આયા.

– નુશૂર વાહિદી

(દિવ્ય ભાસ્કર, રસરંગ પૂર્તિ, તા. 21 એપ્રિલ 2019, રવિવાર)

kkantu@gmail.com

Krishnkant Unadkat

Krishnkant Unadkat

3 thoughts on “જૂનો પ્રેમી કે જૂની પ્રેમિકા મળે તો તમે કેવી રીતે વર્તો? – દૂરબીન : કૃષ્ણકાંત ઉનડકટ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *