ઓકે, ફાઇન, હવે તું તારા
રસ્તે અને હું મારા રસ્તે
ચિંતનની પળે : કૃષ્ણકાંત ઉનડકટ
ઊભી પૂંછડીએ જે ભાગી રહ્યું છે,
એ લાગે છે કોઈ ઇન્સાન જેવું,
ખબરઅંતર પૂછે ખેરાત જાણે,
કરે છે સ્મિત તે પણ દાન જેવું.
-અદમ ટંકારવી
પસાર થઇ ગયેલા રસ્તા પર ક્યારેક પાછું વળીને જોઇએ ત્યારે કેટકેટલુંય તાજું થઇ જતું હોય છે. સમયના રસ્તે વિખરાયેલાં સ્મરણો યાદ આવી જાય ત્યારે ક્યારેક ચહેરો ખીલી જાય છે, તો ક્યારેક આંખોના ખૂણા ભીંજાઈ જાય છે. કોઇ ઘટના એવી હોય છે જેની આપણે કોઇ દિવસ કલ્પના કરી હોતી નથી. વિચાર્યું હોય છે કંઇક અને થઇ ગયું હોય છે કંઇક. જે સંબંધ વિશે એવો વિચાર કર્યો હોય કે, આ તો ભવોભવનો સંબંધ છે એનો જ અણધાર્યો અંત આવી જતો હોય છે. આપણે ભલે એને યાદ કરવા ન ઇચ્છતા હોઇએ પણ કેટલાંક ચહેરા સળવળીને નજર સામે બેઠા થઇ જાય છે. એને સવાલ કરવાનું મન થાય છે કે, તેં મારી સાથે આવું કેમ કર્યું? મેં તારું શું બગાડ્યું હતું? મારો ક્યાં વાંક હતો? જવાબો મળતા નથી. જવાબો મળે તો પણ એનાથી કશો ફેર પડવાનો નથી, કારણ કે જે વ્યક્તિ ચાલી જવાની હતી એ તો ચાલી જ ગઇ હોય છે. જે સંબંધ પૂરો થઇ જવાનો હતો એના પર તો ધ એન્ડનું બોર્ડ લાગી જ ગયું હોય છે. રસ્તો જ બંધ હોય તો પછી આગળ ક્યાંથી જઇ શકાવાનું છે? મંઝિલ આવે એ પહેલાં જ કેટલાંક રસ્તાઓ ખતમ થઇ જતા હોય છે. હાથ છૂટે પછી હાથની રેખાઓ સામે પ્રશ્નાર્થો ઊઠે છે. કેટલાંક હાથની ભીનાશ હાથ ખંખેરવાથી પણ જતી નથી. એ ભીનાશ આંખમાં અંજાઇ જતી હોય છે. લથબથ અને તરબતર થવાની જ્યાં આશા હોય ત્યાં સુકારો લાગે ત્યારે સંતાપ તો થવાનો જ છે.
જિંદગી વિશે એવું કહેવાતું રહ્યું છે કે, જિંદગી એવી રીતે જીવો કે કોઇ અફસોસ ન રહે. નો રિગ્રેટ્સ. જોકે, બધું ક્યાં આપણા હાથમાં હોય છે? દરેકે જિંદગી તો સરસ રીતે જ જીવવી હોય છે. એક છોકરીની આ વાત છે. મસ્તીથી જીવવાવાળી એ છોકરી હતી. કોઇ બદમાશી નહીં. સાવ હળવી અને સદાયે હસતી. તેને કૉલેજમાં એક છોકરા સાથે પ્રેમ થયો. બંનેને સારું બનતું હતું. મેરેજની વાત આવી ત્યારે છોકરાએ કહ્યું કે, ઘરના લોકો માનતા નથી. હું તારી સાથે મેરેજ નહીં કરી શકું. છોકરી સમજુ હતી. તેણે જે સંજોગો હતા એ સ્વીકારી લીધા પણ અંદરખાને સતત એવું થતું રહેતું કે, મારી સાથે કેમ આવું થયું. હું તો કોઇ અફસોસ ન કરવાવાળી છોકરી છું, આજે મને કેમ એ વ્યક્તિ સાથે પ્રેમ કર્યાનો અફસોસ થાય છે? એક વખત આ છોકરી એક ફિલોસોફરને મળી. તેણે સવાલ કર્યો કે, મારો કોઈ વાંક નહોતો તો પણ મારી સાથે આવું કેમ થયું? ફિલોસોફરે કહ્યું કે, આપણી જિંદગીમાં માત્ર આપણે જ નથી હોતા, બીજા લોકો પણ આવે છે. આપણે તેને આપણા સુખનું કારણ બનાવી લઇએ છીએ. આપણે એનામાં જ સુખ જોતાં હોઇએ છીએ. એ વ્યક્તિ ચાલી જાય ત્યારે આપણને એવું થાય છે કે, મારું સુખ પણ ચાલ્યું ગયું. પેઇન થાય છે. સમજવાની વાત એ છે કે, એક વ્યક્તિ ગઇ છે, સુખ તો તેં પોતે જવા દીધું છે. કોઇના પર એટલો આધાર પણ ન રાખવો જોઇએ કે એ ચાલી જાય ત્યારે આપણે આપણને જ નિરાધાર સમજીએ. દરેક વ્યક્તિ આપણી જિંદગીમાં કાયમી રહેવા માટે આવતી હોતી નથી. કેટલાંક લોકો સાથી નથી હોતા પણ હમસફર હોય છે. એનું સ્ટેશન આવે એટલે એ ઊતરી જાય છે. દરેકના પોતાના સ્ટેશન હોય છે. ઘણાંનું સ્ટેશન સ્વાર્થ હોય છે, તો ઘણાંનું સ્ટેશન મજબૂરી પણ હોય છે. બધા બેવફા હોય એવું પણ જરૂરી નથી, ઘણા લાચાર પણ હોય છે. સંબંધની બુનિયાદ કયા કારણે હચમચી જાય તે કોઈ કહી શકતું નથી. કિસ્મતની લકીરો સામે કોણ લડી શક્યું છે? તું તો અફસોસ ન કરવામાં માનવાવાળી છોકરી છેને? તો જે ચાલ્યું ગયું છે તેનો પણ અફસોસ ન કર.
ક્યારેક આપણે પણ આપણને ન ગમે એવો નિર્ણય કરવો પડે છે. આપણે ઇચ્છતા હોતા નથી પણ જ્યારે બીજો કોઇ રસ્તો ન હોય ત્યારે રસ્તો બદલવો પડતો હોય છે. ઓકે ફાઇન, હવે તું તારા રસ્તે અને હું મારા રસ્તે, આવું ક્યારેક કહેવું પડે છે. એક યુવાનની આ વાત છે. તેની એક દોસ્ત હતી. બંને વચ્ચે લાગણી હતી પણ પ્રેમ જેવું કંઇ હતું નહીં. જેમ જેમ સમય વીતતો ગયો એમ એમ એ છોકરીની ફિતરત બદલાતી ગઇ. એ છોકરાઓને ફસાવતી. પ્રેમનું નાટક કરતી અને ફાયદો પણ ઉઠાવતી. તેના ફ્રેન્ડે તેને કહ્યું કે, તું જે કરે છે એ સારી વાત નથી. કોઇની સાથે રમત ન કરવી જોઇએ. તું પ્રેમનાં નાટક બંધ કરે તો સારું. ક્યારેક મુશ્કેલીમાં મુકાઇ જઇશ. એ છોકરીએ કહ્યું, જો તું દોસ્ત સાચો પણ મારી પર્સનલ મેટરમાં તારે માથું નહીં મારવાનું. મને ઠીક લાગે એમ જ હું કરીશ. આખરે એના દોસ્તે કહ્યું કે, તો હવે મને પણ જે ઠીક લાગે એ હું કરીશ. આજથી આપણા સંબંધો પૂરા, તું તારા રસ્તે અને હું મારા રસ્તે. એ યુવાને કહ્યું કે, મારે એની સાથે દોસ્તી નહોતી તોડવી, હું તો એને સમજાવવા અને સાચા રસ્તે વાળવા ઇચ્છતો હતો. જેને સુધરવું જ ન હોય એનું તમે કંઇ ન કરી શકો. એને એનાં નસીબ પર છોડીને દૂર થવું જ યોગ્ય હોય છે. હાથ ક્યારેક ઝાટકો મારીને છોડવો પણ પડતો હોય છે. તમને ખબર હોય કે, તમારી સાથે જે વ્યક્તિ છે એ જોખમી રસ્તે જઇ રહી છે અને છતાંયે જો તમે એની સાથે ચાલતા જ રહો તો ક્યારેક ડૂબવાનો વારો આવે છે. સંબંધોમાં પણ ક્યારેક નિર્ણયો કરવા પડતા હોય છે. જિંદગીમાં તમે કોઇને ધરાર પકડી રાખી શકતા નથી, જતા હોય એને જવા દેવા પડે છે. ઘણાને દૂર પણ ખસેડવા પડે છે. સંબંધોનું પણ આયુષ્ય હોય છે. સંબંધોની પણ રેખાઓ હોય છે. સંબંધોની મર્યાદા પણ હોય છે. બાઉન્ડ્રી આવી જાય ત્યાં સુધી પ્રયાસો કરવાના પણ જ્યારે એવું લાગે કે, હવે બસ, ઇનફ ઇઝ ઇનફ, ત્યારે સંબંધો પર પણ પડદો પાડવો પડતો હોય છે. જેની સાથે દિલના તાર જોડાયેલા હોય, એ તાર તૂટે ત્યારે વેદના તો થવાની જ છે. વેદનાને સહન કરીને એનાથી પણ મુક્તિ મેળવવાની હોય છે. એ વ્યક્તિ જ જિંદગીમાં ન હોય પછી એની વેદનાને પંપાળીને શું કરવાનું? પેઇનમાં પડ્યા રહેવાથી તો પેઇન મલ્ટિપ્લાય જ થતું રહેવાનું છે. જિંદગીમાં ઘણું બધું ખંખેરવું પડે છે. દરેક વખતે કોઈના પર આધાર રાખી શકાતો નથી, આપણે જ મુક્ત થવું પડે છે!
છેલ્લો સીન :
અપેક્ષાઓ જેટલી વધતી જશે, સંબંધ પર એટલો ખતરો પણ વધતો જશે. અપેક્ષા રાખો એનો વાંધો નથી પણ એ અપેક્ષા વાજબી અને આપણી વ્યક્તિ સંતોષી શકે એવી હોવી જોઇએ. – કેયુ
(`સંદેશ’, `સંસ્કાર’ પૂર્તિ, તા. 07 જુલાઈ 2024, રવિવાર. `ચિંતનની પળે’ કૉલમ)
kkantu@gmail.com