#10YearChallenge : દસ વર્ષમાં જિંદગી કેટલી બદલાઈ? – દૂરબીન : કૃષ્ણકાંત ઉનડકટ

#10YearChallenge : દસ

વર્ષમાં જિંદગી કેટલી બદલાઈ?

દૂરબીન : કૃષ્ણકાંત ઉનડકટ

હેશટેગ 10 યર ચેલેન્જ સોશિયલ મીડિયા પર બહુ

ચાલી. આપણો જ ફોટો જોઈને થાય કે, દસ વર્ષમાં

ચહેરો કેટલો બદલાઈ ગયો? દસ વર્ષમાં માત્ર ચહેરો જ નહીં,

માણસની આખેઆખી દુનિયા બદલાઈ જતી હોય છે!

ચહેરે મોહરેથી તો ઠીક છે, દસ વર્ષમાં આપણે અંદરથી કેટલા બદલાયા?

આપણી જિંદગીમાં કોણ આવ્યું અને કોણ ગયું?

‘પૂછ એને કે જે શતાયુ છે, કેટલું ક્યારે ક્યાં જીવાયું છે, આંખમાં કીકીની જેમ સાચવ તું, આંસુ ક્યાં દોસ્ત ઓરમાયું છે’. જૂનાગઢના કવિ મનોજ ખંડેરિયાએ સો વર્ષનું આયુષ્ય ભોગવનારાને જિંદગી વિશે પૂછવાની વાત કરી છે. જિંદગી કેટલી બધી ઘટનાઓ અને દુર્ઘટનાઓનો સરવાળો હોય છે? આપણી લાઇફમાં કેટલું બધું બનતું રહે છે. કોઈ આવે છે, કોઈ જાય છે, કોઈ ગયા પછી પણ દિલમાં રહી જાય છે, કોઈ સદાને માટે ચાલ્યું જાય છે, જેને પોતાના માનતા હોઈએ એ પારકા થઈ જાય છે. આપણે પોતે પણ બદલતા રહીએ છીએ. જિંદગી આગળ વધે તેમ વધુ સમજુ થઈએ છીએ કે પછી વધુ જિદ્દી અને જક્કી થઈ જઈએ છીએ એ પણ સમજાતું નથી. ચડાવ અને ઉતાર, રાજીપો અને નારાજગી, ઉત્સાહી અને ઉદાસી, વેદના અને સંવેદના, એક જિંદગીમાં કેટલા બધા અનુભવો? આંસુ પણ ક્યારેક ખુશીનાં તો ક્યારેક ગમનાં! દિવસ ક્યારેક રાત જેવો લાગે અને રાત ક્યારેક દિવસ જેવી બની જાય. ક્યારેક ઊંઘ સતાવે તો ક્યારેક ઉજાગરા પજવે. હમણાં એક સરસ વાક્ય વાંચવા મળ્યું કે, ઊંઘ આવે તો બધું ભુલાઈ જાય છે અને ઊંઘ ન આવે ત્યારે કેટલું બધું યાદ આવે છે! વીતેલી જિંદગીનાં પાનાંઓ ઉથલાવીએ ત્યારે થોડાક ખડતલ તો થોડાક ખરડાયેલા સંબંધો જીવતા થઈ જાય. જિંદગી ક્યારેક એવા સવાલો કરે છે જેના કોઈ જવાબ નથી હોતા. જિંદગી ક્યારેક એવા જવાબો પણ આપે છે જેના કોઈ સવાલો જ નથી હોતા. સાત ભવના સાથના સોગંદ સાત સપ્તાહ પણ નથી સચવાતા અને ક્યારેક કોઈ અનામી સંબંધ આખા આયખાનો આધાર બની જાય છે.

અગાઉના સમયમાં વડીલો એક વાત કરતા હતા કે, દરેક માણસની જિંદગીમાં એક દાયકો એવો આવે છે જ્યારે એનો પડ્યો બોલ ઝિલાતો હોય. કોઈનો ચમકતો સિતારો જોઈને એવું કહેવાય છે કે, અત્યારે એનો દાયકો ચાલે છે. એ વિશે એક વડીલે કહેલી વાત યાદ આવે છે. તેમણે કહ્યું હતું કે, જ્યારે તમારો દાયકો ચાલતો હોય ત્યારે સમજણની સૌથી વધુ જરૂર પડે છે. તમને ખબર હોવી જોઈએ કે શું સાચું છે અને શું ખોટું છે? શું સારું છે અને શું ખરાબ છે? કોણ નજીક છે અને કોણ દૂર છે? એટલી સમજ ન હોય તો માણસ થાપ ખાઈ જાય છે. એક વસ્તુ યાદ રાખવાની હોય છે કે, સમય ક્યારેય એકસરખો રહેવાનો નથી. આપણે જો આપણા સારા સમયને સારી રીતે જીવીએ તો ખરાબ સમય આપણને સાચવી લેતો હોય છે.

એક મિત્રએ ટેન યર ચેલેન્જમાં તેનો આજનો અને દસ વર્ષ પહેલાંનો ફોટો અપલોડ કર્યો. તેને એ વિચાર આવ્યો કે, દસ વર્ષ અગાઉ મારો આ ફોટો કોણે પાડ્યો હતો? એ યાદ કરતાં તેની આંખો ભીની થઈ ગઈ. જેણે ફોટો પાડ્યો હતો એ આ દુનિયામાં જ નહોતો. એક મિત્રની યાદો તરવરી ગઈ. તેને એક વાતનો સંતોષ થયો કે, એ જ્યારે છેલ્લી વખત મળ્યો ત્યારે અમે ખૂબ હસ્યા હતા. મજા કરી હતી. સારી યાદો હતી. તમારી દસ વર્ષ પહેલાંની યાદો કેવી છે? કોઈ રંજ છે? જે લોકો જિદગીના રંગને ઓળખી શકતા નથી એણે આખી જિંદગી રંજ સાથે વિતાવવી પડે છે. સમય સરતો રહે છે, જિંદગી વહેતી રહે છે, જિંદગીને રોકી શકાતી નથી. એને જીવી ચોક્કસ શકાય છે.

થોડુંક વિચારો કે તમારાં છેલ્લાં દસ વર્ષ કેવાં રહ્યાં? જિંદગીમાં કોણ આવ્યું? કોણ ગયું? જે જવાના હોય છે એને પણ રોકી શકાતા નથી. સવાલ એ જ હોય છે કે, એ કેવી રીતે ગયા? જ્યારે કોઈ આપણાથી દૂર જાય છે ત્યારે એ ઘણું બધું સાથે લઈ જતા હોય છે. એની પાસે તમારું જે છે એ શું છે? કેવું છે? એ તમને કેવી રીતે યાદ કરશે? એક પતિ-પત્નીની આ વાત છે. બંનેને એકબીજા સાથે ફાવતું નહોતું. ડિવોર્સ લેવાનું નક્કી કર્યું. પતિએ એવું કહ્યું કે, હું એવી ઇચ્છા રાખું છું કે તું મને યાદ ન કરે. સાથોસાથ એટલું પણ કહું છું કે, યાદ આવું ત્યારે સારી રીતે યાદ કરજે. કદાચ આપણે એકબીજા સાથે રહેવા માટે બન્યા ન હતા. કોઈ હાથ છૂટે ત્યારે હાથની રેખાઓ થોડીક ભૂંસાતી હોય છે. ભૂંસાયેલું પણ ક્યારેક તરવરી ઊઠતું હોય છે.

સોશિયલ મીડિયાની દુનિયા આપણને ક્યારેક વિચારતા કરી મૂકે છે. જૂની મેમરીઝ તાજી કરીને સામે લઈ આવે છે. તમે એક કે બે વર્ષ પહેલાં આ અપલોડ કર્યું હતું. ક્યારેક એ જોઈને એવું પણ થાય છે કે, યાદ નહોતું કરવું તો પણ આણે યાદ કરાવી દીધું! આપણી સાથે આપણો ભૂતકાળ ખેંચાતો આવે છે. ગયા દસ વર્ષમાં શું થયું એના આધારે એ પણ વિચારવાની જરૂર છે કે, જે કંઈ થયું એના માટે હું કેટલો નિમિત્ત કે કેટલો કારણભૂત હતો? કઈ ભૂલ સુધરી શકી હોત? ક્યાં હું મારો રોલ સારી રીતે નિભાવી શક્યો હોત? થોડુંક એ પણ વિચારજો કે, હવે પછીનાં દસ વર્ષ મારે કેવા કાઢવાં છે? ફરિયાદો કરવી છે? આક્ષેપો કરવા છે કે જિંદગીને પૂરેપૂરી જીવવી છે? દરેક ઘટના જીવનમાં કંઈક ઉમેરે છે. જે દસ વર્ષ ગયાં એ તો ગયાં, આવતાં દસ વર્ષ કેવી રીતે જીવવા છે એ નક્કી કરો. જીવવા માટે ઝાઝો વિચાર પણ કરવાની જરૂર હોતી નથી, બસ જીવવાનું હોય છે. એવી રીતે કે જીવવાની મજા આવે. દરેક ક્ષણ સજીવન લાગે. કોઈ વાતનો અફસોસ ન રહે. બહુ ઇઝી છે, જો આપણે જિંદગીને ઇઝી રહેવા દઈએ તો!

પેશખિદમત

ભૂલે-બિસરે હુએ ગમ યાદ બહુત કરતા હૈ,

મેરે અંદર કોઈ ફરિયાદ બહુત કરતા હૈ,

મુજસે કહતા હૈ કી કુછ અપની ખબર લે બાબા,

દેખ તૂ વક્ત કો બર્બાદ બહુત કરતા હૈ.

– વાલી આસી

 (દિવ્ય ભાસ્કર, રસરંગ પૂર્તિ, તા. 03 ફેબ્રુઆરી 2019, રવિવાર)

kkantu@gmail.com

Krishnkant Unadkat

Krishnkant Unadkat

Leave a Reply

%d bloggers like this: