એ હાથની ભીનાશ આજેય એવી ને એવી વર્તાય છે – ચિંતનની પળે : કૃષ્ણકાંત ઉનડકટ

એ હાથની ભીનાશ આજેય
એવી ને એવી વર્તાય છે

ચિંતનની પળે : કૃષ્ણકાંત ઉનડકટ


નથી જાણ કે હાથ કોનો અડ્યો છે,
સમયના શરીરે ઘસરકો પડ્યો છે,
ખુશામત કરીને જે સીડી ચડેલો,
આ નવ્વાણુએ સાપ એને નડ્યો છે.
– કુણાલ શાહ



કેટલાક સંબંધો સમયની સાથે સરી જતા હોય છે, પણ એની યાદો સદાયે તાજી રહેતી હોય છે. ક્યારેક કોઇ અણધાર્યું આપણી જિંદગીમાં આવે છે અને એક સમયે અચાનક જ ચાલ્યું જાય છે. આપણે એની સાથે આખી જિંદગી સંબંધ રાખવો હોય છે પણ એ રહેતો નથી. આપણે ક્યારેય એ વિચારીએ છીએ કે, આપણી જિંદગી દરમિયાન કુલ કેટલા લોકો આપણી નજીક હતા? જિંદગીની પાછળ ફરીને જરાક નજર કરીએ તો કેટલીયે એવી વ્યક્તિ હશે જેને રોજ મળતા હતા, જેની સાથે રોજ વાતો થતી હતી, જેને આપણી અને આપણને જેની બધી જ ખબર હતી, એ અચાનક જ દૂર થઇ જાય છે. બેમાંથી એકેયને દૂર થવું નહોતું, પણ સમય ઘણી વખત એવો કારસો રચે છે કે, સાથ સમાપ્ત થઇ જાય છે. એક છોકરા અને છોકરીની આ વાત છે. બંને એક કંપનીમાં સાથે કામ કરતાં હતાં. કામ સબબ તો વાતો થતી જ હતી, પણ ધીમે ધીમે બંને વચ્ચે દોસ્તી થઇ ગઇ. બંને બધી જ વાત એકબીજા સાથે શેર કરતાં. આ દરમિયાનમાં છોકરાને એક નવી જોબની ઓફર આવી. આ જોબ માટે દૂરના શહેરમાં જવાનું હતું. તેણે પોતાની ફ્રેન્ડને વાત કરી. તેની દોસ્તે કહ્યું કે, ઓફર તો બહુ સારી છે. તારે આ ઓફર સ્વીકારવી જ જોઇએ. એક મિનિટ મૌન રહીને તેણે કહ્યું, તો તું ચાલ્યો જઇશ? છોકરો કોઇ જ જવાબ આપી ન શક્યો. આખરે એ દિવસ આવી ગયો જ્યારે એ છોકરાનો જોબમાં છેલ્લો દિવસ હતો. ઓફિસમાં ફેરવેલ હતી. ઓફિસેથી છૂટીને બંને ડિનર માટે ગયાં. રોજ વાતો ખૂટતી નહોતી, આજે શું વાત કરવી એ સમજાતું નહોતું. છૂટા પડતી વખતે બંનેની આંખ ભીની હતી. છોકરીએ કહ્યું, હું મારી જાતને નસીબદાર સમજતી હતી કે તારા જેવો ફ્રેન્ડ મળ્યો. હવે વિચાર આવે છે કે, નસીબ પણ ક્યાં કાયમ માટે એકસરખું રહેતું હોય છે. છેલ્લે કહ્યું, જા હવે, વધુ ઇમોશનલ નથી થવું. બંને જુદાં પડ્યાં. થોડો સમય બંને સારા એવા સંપર્કમાં રહ્યાં. ધીમે ધીમે બંને પોતપોતાની લાઇફમાં પરોવાઇ ગયાં. બંનેને ક્યારેક એકબીજાની યાદ આવી જતી ત્યારે હાય-હલો થઇ જતું. જિંદગી ટ્રેક બદલ્યા પછી પણ દોડતી રહેતી હોય છે. મુકામ અને પડાવ બદલતા રહે છે, પણ કેટલાંક સ્થળો એવાં હોય છે જે દિલમાં કાયમી વસી જાય છે.
મોબાઇલની ફોટો ગેલેરી જેવું જ જિંદગીમાં હોય છે. કેટલાક ફોટા જોઇએ ત્યારે ચહેરા પર રોનક આવી જાય છે. બહુ મજા આવી હતી. કેટલો સરસ સમય હતો! સમય ભલે અત્યારે પણ ખરાબ ન હોય, પણ અગાઉનો સારો સમય સદાયે જીવતો રહેતો હોય છે. કેટલાક ચહેરાઓ યાદ આવતા રહે છે. ક્યારેક એવો વિચાર પણ આવી જાય છે કે, ચાલને સંપર્ક કરું, પછી એવો વિચાર પણ આવે છે કે, રહેવા દેને, એ એની લાઇફમાં સેટ હશે. એક છોકરા અને છોકરીની આ વાત છે. બંને કોલેજમાં સાથે ભણતાં હતાં. બહુ જ સારા દોસ્ત હતાં. કંઇ પણ હોય બંને સાથે જ હોય. કોલેજ પૂરી થઇ પછી બંને પોતાપોતાની લાઇફમાં બિઝી થઇ ગયાં. સમય વીતતો ગયો. છોકરાના જૂના મિત્રો એક સમયે ભેગા થયા. એક મિત્રે તેને પૂછ્યું, તારી પેલી દોસ્ત શું કરે છે? એ છોકરાએ કહ્યું, ખબર નહીં, ઘણા સમયથી સંપર્ક રહ્યો નથી. તેના મિત્રએ કહ્યું, કેમ એવું? તમે બંને તો ખૂબ સારા મિત્રો હતાંને? એ છોકરાએ કહ્યું, નો ડાઉટ, બહુ સારા મિત્રો હતાં, હજુયે અમારા વચ્ચે એવું કંઇ બન્યું નથી કે ન બોલીએ કે ન મળીએ. જોકે, મને ડર લાગે છે કે, એને મળીશ કે એની સાથે વાત કરીશ અને જો પહેલાં જેવી હૂંફ નહીં વર્તાય તો? તો મને પેઇન થશે. સમયની સાથે કેટલાક સંબંધોને પણ મુક્ત કરી દેવા જોઇએ. એ યાદ આવે ત્યારે તેના માટે પ્રાર્થના કરવાની અને ભગવાનનો આભાર માનવાનો કે, એક સારી વ્યક્તિને તેણે મેળવી હતી. દરેક સંબંધને ધરાર પકડી રાખવો ન જોઇએ. જિંદગીમાં બધું ક્યાં આપણે ધાર્યું થતું હોય છે. સંબંધ સાચો અને સારો હોય તો પણ એનું આયુષ્ય પૂરું થાય ત્યારે એ વિદાય લેતો હોય છે.
છૂટી ગયેલો પ્રેમ ક્યારેક પેઇન તો ક્યારેક પ્લેઝર આપતો હોય છે. દરેક પ્રેમ પરવાન નથી ચઢતા. કેટલાક અધૂરા છૂટી જાય છે. કોઇએ દગો કર્યો હોતો નથી, કોઇએ રમત રમી હોતી નથી, કોઇનો ઇરાદો ખરાબ હોતો નથી તો પણ ક્યારેક પ્રેમની કથા અધૂરી રહી જતી હોય છે. બે પ્રેમીઓની આ સાવ સાચી વાત છે. બંને એકબીજાને બહુ પ્રેમ કરતાં હતાં. મેરેજ કરવાની પણ બંનેની ઇચ્છા હતી. છોકરીએ કહ્યું હતું કે, હું મારાં મા-બાપની મરજી વિરુદ્ધ નહીં જાઉં, જો એ હા પાડશે તો જ મેરેજ કરીશ. એક તબક્કે છોકરીએ મા-બાપને વાત કરી. મા-બાપે તેને કહ્યું કે, એ સારો હશે પણ આપણાથી ઘણો જુદો છે. બહેતર એ છે કે, તું એ રસ્તે ન જાય. છોકરીએ તેના પ્રેમીને સાચી વાત કરીને જુદા પડી જવાનું નક્કી કર્યું. છોકરાએ પણ કોઇ ફોર્સ ન કર્યો. બંને જુદા પડી ગયાં. સમય જતાં બંનેના જુદી જુદી વ્યક્તિ સાથે મેરેજ થઇ ગયા. બંને પોતાના જીવનસાથી સાથે ખુશ હતાં. બંનેની જિંદગી સરસ રીતે પસાર થતી હતી. એક વખત છોકરાના મિત્રએ પૂછ્યું, તને ક્યારેય એ યાદ આવે છે? છોકરાએ કહ્યું, હા, ઘણી વખત યાદ આવી જાય છે. એના હાથની ભીનાશ આજની તારીખે હું અનુભવું છું. તેની વાતોથી માંડીને તેની આદતો એવી ને એવી યાદ છે. એ તો ક્યારેય નહીં ભુલાય. અલબત્ત, હું એને યાદ કરવાનું ટાળતો રહું છે. ક્યારેક અધૂરા રહી ગયેલા સારા સપનાની જેમ તેને વાગોળી લઉં છું અને એવું ઇચ્છું છું કે, એ જ્યાં હોય ત્યાં ખૂબ જ ખુશ અને મજામાં હોય. એની જિંદગી હું આપી શક્યો હોત એનાથી પણ અનેકગણી સારી હોય.
આપણી લાઇફમાં એવા અનેક લોકો આવી ગયા હોય છે, જે યાદ આવે ત્યારે આપણે એનું શુભ ઇચ્છીએ છીએ. એ પ્રેમી કે દોસ્ત જ હોય એવું જરૂરી નથી. કેટલીક વખત અજાણ્યા લોકો સાથે પણ લાગણીના સંબંધો બંધાઇ જતા હોય છે. એક ઓફિસરની આ વાત છે. એક શહેરમાં એનું પોસ્ટિંગ હતું. આખું શહેર એના માટે અજાણ્યું હતું. એ જ્યારે નવી જોબ પર ગયા ત્યારે તેમનો એક પ્યૂન હતો. એ ઓફિસર આજની તારીખે એને યાદ કરતા કહે છે કે, એ માણસ જિન જેવો હતો. કંઇ પણ હોય એ હાજર! જિનને તો હજુયે કહેવું પડે, એ માણસ તો ઘણું બધું વગર કહ્યે સમજી જતો. તેને ખબર પડી જતી કે, સાહેબને શું જોઇએ છે. આપણે જેને ઘણી વખત નાના માણસ સમજતા હોઇએ એની પણ આપણી લાઇફમાં ખૂબ જ મહત્ત્વની ભૂમિકા હોય છે. નોકરીઓ બદલતી રહે છે, લોકો પણ બદલાતા રહે છે, પણ કેટલાક લોકો ક્યારેય ભુલાતા નથી. એ અચાનક જ યાદ આવી જાય છે. સુકાઇ ગયેલાં ફૂલો પર પાણી છાંટીએ અને એની સુગંધ આવવા લાગે એવું જ ઘણા ચાલ્યા ગયેલા સંબંધોમાં થતું હોય છે. એ સંબંધ થોડીક ખુશબૂ છોડી જતા હોય છે. જિંદગીમાં સારા લોકોનું મળવું સારા નસીબની નિશાની છે. જિંદગીમાં ક્યારેક એવા લોકો પણ ભટકાઇ જાય છે જે યાદ આવે તો મગજની નસો તંગ થઇ જાય છે. એવા લોકોને ઘણી વખત ભૂલવા હોય તો પણ નથી ભુલાતા. એ લોકો સુકાઇ ગયેલા ઘાવ જેવા હોય છે, જ્યારે યાદ આવી જાય ત્યારે એ ઘાવ તાજા થઇ જાય છે અને થોડીક પીડા આપી જાય છે. એવા લોકોને યાદ ન કરવા જ હિતાવહ હોય છે. જિંદગીમાં અમુક લોકોનાં નામ અને નંબર મોબાઇલમાંથી જ નહીં, દિલમાંથી પણ ડિલીટ કરવા પડતા હોય છે. યાદ કરો તો એવા લોકોને કરજો, જેણે આપણી જિંદગીને થોડો સમય માટે પણ જીવવા જેવી બનાવી હોય. ભલે એ વ્યક્તિ અત્યારે સાથે ન હોય, પણ જ્યારે હતી ત્યારે એની સાથે સોળે કળાએ જીવાયું હોય. સાથ ભલે છૂટી ગયો હોય, પણ જ્યારે એ હતો ત્યારે જીવવાનું કારણ હતો. જિંદગીમાં કશું જ કાયમી નથી. અત્યારે પણ જે સંબંધો જીવાય છે એને સંપૂર્ણપણે જીવી લેવા જોઇએ. કોણ જાણે ક્યારે કોનાથી છૂટું પડવાનું આવે! કેટલાક સંબંધો સોશિયલ મીડિયામાં તરી જતી મેમરી જેવા બની જાય છે. યાદ આવે ત્યારે થાય છે કે, કેવો સરસ સમય અને સંબંધ હતો. કોઇ યાદ આવે ત્યારે ટાઢક થાય તો સમજવું કે, એ વ્યક્તિની ભીનાશ હજુયે વર્તાય છે. બાય ધ વે, તમારી જિંદગીમાં એવું કોણ છે કે હતું જેને તમે ક્યારેય ભૂલી શકવાના નથી? એને યાદ કરજો અને એની ખુશી અને એના સુખ માટે કામનાઓ કરજો!
છેલ્લો સીન :
જે વ્યક્તિ સમય અને સંજોગો મુજબ સંબંધ બદલે છે એ સરવાળે કોઇના રહેતા નથી. સ્વાર્થના સંબંધોનું આયુષ્ય લાંબું હોતું નથી. – કેયુ.
(`સંદેશ’, `સંસ્કાર’ પૂર્તિ, તા. 07 સપ્ટેમ્બર, 2025, રવિવાર. `ચિંતનની પળે’ કૉલમ)
kkantu@gmail.com

Krishnkant Unadkat

Krishnkant Unadkat

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *